લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન

            આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે. હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી? નહીં, એક સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડી દે. ભગવાન તો એને યાદ જ ના આવવા દે. માટે પ્રીતિ જ પૈસા પર છે. એ એનો અગિયારમો પ્રાણ છે અને આખા જગતનો વ્યવહાર પણ લક્ષ્મીથી જ ચાલે છે ને! હવે એ લક્ષ્મી કેવી રીતે આવતી હશે?

            જો પૈસા મહેનતથી કમાવાતા હોય તો આ મજૂરોની પાસે ઘણાં બધાં પૈસા હોય. કારણકે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને! પણ ના, પૈસા મહેનતથી નથી આવતાં. એક દાખલો આપું. એક મજૂર હતો તે આખો દહાડો મહેનત કરતો, બિચારો સાંજના શેઠને કહેતો કે ‘શેઠ મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.’ ત્યારે શેઠ  કહેશે, ‘હા, રોકડા આપીશ. પણ અત્યારે તો મારી પાસે સો ની નોટ છે. લાવ પેચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે કે શું?’ એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો? મજૂર છે ને ? એટલે પૈસા કમાવા એ મહેનતનું ફળ નથી.

             હવે લક્ષ્મી અક્કલથી કે ટ્રીક વાપરવાથી આવતી હશે? આવા અક્કલવાળા તો, ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બહુ માણસો છે. તે આપણાં મુનિમો. કોઈ મુનિમ મહિને પાંચસો કમાય, કોઈ સાતસો કમાય, કોઈ અગિયારસો કમાય. અને પછી કૂદાકૂદ કરી મેલે કે ‘અગિયારસો કમાઉં છું!’ અરે,પણ તારું ચપ્પલ તો અર્ધું ને અર્ધું જ છે. એટલે લક્ષ્મી બુધ્ધિથી યે નથી આવતી.

              તો લક્ષ્મી શાથી આવતી હશે?

              એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, લાકડાનું પાટિયું ને ઉપર ગાદી, એવો પલંગ, સામે ટીપોય! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડીઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું, મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા અને બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે ‘ બે હાજર ગાંસડી લઇ લો’, ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે, બુધ્ધિ વાપર વાપર કરે, ઈન્કમટેક્ષ ની ઓફીસમાં જાય, ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જયારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય, ને વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યેને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યેથી છે. તે તો શેઠને અને અને મુનીમજીને ભેળા રાખો તો સંજય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં.

              એટલે લક્ષ્મી તો પુણ્યેની આવે છે ને પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે. અને મહેનતુ અને બુધ્ધિ વાપરવાવાળા લોકો લક્ષ્મીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્યે વગર લક્ષ્મી ના મળે. હવે ઘણા કહેશે કે આ તો પ્રારબ્ધવાદ થયો ને! પણ ના, આ પ્રારબ્ધવાદ નથી. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી બીજાં તરફડીયાં શું કરવાં માર માર કરે છે? આમ ભેગા કરું ને તેમ ભેગા કરું! જો તને ઘરમાં મન નથી, બહાર મન નથી, તો શાનો તરફડિયાં મારે છે? અને જ્યાં જાય ત્યાં એને ‘આવો બેસો’ કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્યે લાવેલા હોય એની વાત જ જુદી હોય ને?

              હવે પુણ્યેનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ નાં કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્યે કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું? વાણીનીયે માથાકૂટ કરવી નાં પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથીયે આગળ ક્યું? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઇ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઇ જાય. એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઇક જોઈએ.