છૂટાછેડાનાં પરિણામો તો વિચારો?! Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છૂટાછેડાનાં પરિણામો તો વિચારો?!

   છેલ્લા બે દાયકામાં તેમાં ય છેલ્લા દાયકામાં ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ વધેલું જોવા મળે છે ! ભર યુવાનીમાં લગ્નજીવનનો પ્રેમ, આનંદ, હૂંફ ગુમાવીને દુઃખના ડુંગરો માથા પર ખટકાઈ ગયેલા જોવા મળે છે એમના જીવનમાં !

    પચીસેક વર્ષની એક યુવતી અવારનવાર મનની શાંતિ માટે આવતી. આવે ત્યારે પતિના તીખા, શંકાશીલ તથા સંકુચીત સ્વભાવની કાયમ ફરિયાદ કરતી. દરરોજ ખીટપીટો ચાલતી ને એમાંથી મોટું સ્વરૂપ થઇ ગયું. બન્નેવ જણ ઉચ્ચ શિક્ષણને પામેલાં, ઉચ્ચ સંસ્કારી ખાનદાનનાં ફરજંદો હતા. યુવતીને વારંવાર સમજાવવાનાં પ્રયત્નો ચાલુ હતા. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી તેને અંદર તો શાંતિ થઇ ગઈ. પણ ડહોળાયેલું લગ્ન જીવનને એ સ્વચ્છ કરી શકે તે પહેલાં જ વડીલોએ વચ્ચે પડી બન્નેના  મતો લઈ છૂટાછેડા લઈ લીધા. એક બાળકી પણ તેને હતી. છૂટાછેડા લઈ જીવન શાંતિમય ગુજારીશ અને પુત્રીને સંસ્કારી બનાવી જીવન વીતાવીશ એમ એણે નક્કી કર્યું. પછી પીયર આવી બાળકીને લઈને. બીજું બધું વ્યવસ્થિત ચાલવા માંડયું. ભણેલી હતી એટલે એણે પોતાનાં ખર્ચાને પહોંચી વળવા કમાણી શરૂ કરી દીધા. છતાં રહી રહીને તેને પ્રશ્ન થતો કે આ રીતે પીયરમાં આખી જિંદગી કેવી રીતે કાઢીશ ?

              જેમ સાસરીમાં ઘરની વ્યક્તિઓ જોડે કેટલાં કેટલાં એડજસ્ટમેન્ટ લેવાં પડે છે તેવી રીતે છૂટાછેડા લીધા પછી બાળક સાથે પાછી આવ્યા બાદ પીયરમાં પણ અનેક એડજસ્ટમેન્ટ લેવાં પડે છે. સાસુ કે દેરાણી જેઠાણીને બદલે ભાભીઓ આવે છે. દીયર જેઠના છોકરાંની જગ્યાએ ભાઈઓના છોકરાંને પોતાનાં છોકરાંઓના પ્રશ્નો ઊભાં થાય છે ! મન પતિ પાસે હૂંફ ખોળતું હતું, હવે બીજા પુરુષની શોધમાં લલચાયા વગર રહેતું નથી ! બીજો કોઈ મળી જાય તો પીયરની પ્રકૃતિઓથી છૂટાય, એમ ચાલ્યા કરે. નવેસરથી નવા વરની શોધમાં મન-ચિત્ત લાગેલાં જ રહે છે. વળી ઘરનાંને ને પોતાને સતત ભય રહ્યા કરે કે બીજો વર કેવો નીકળશે ? એકવાર છેતરાયા, બીજી વાર નથી છેતરાવું. છેતરાઈને એના કરતાં પરણ્યા વગર પડી રહેવું ઉત્તમ. એમ અનેકાનેક પ્રશ્નો ઉભા થાય છે. આમાં ય સ્ત્રીને માટે ખૂબ જ જટીલ પ્રશ્ન રહે છે. પુરુષ પ્રધાન આપણા સમાજમાં પુરુષોને ફરી પરણતાં વાર નથી લગતી. એ તો છ મહિનામાં જ તરત સારામાં સારી છોકરી લઇ આવે છે. પણ સ્ત્રીઓને ખૂબ જ કઠીનાઈઓ આવે છે. બીજું કરવા જાય ત્યાં સામાવાળો સો વાર વિચારે ને તપાસ કરાવે કે આ પાછી કેમ આવી ? એનામાં કઈ ખામી હતી કે વર જોડે ના એડજસ્ટ થઇ શકી ?

    આવા ગૂંચવાડાવાળા પ્રશ્નો લઈને સેંકડો યુવતીઓ સાથેના પર્સનલ નજીકથી થયેલા માનસિક સામાજિક તેમ જ કૌટુંબિક કોયડાઓનાં વિશ્લેષણ બાદનું તારણ એ આવે છે કે ભારતમાં સ્ત્રીઓ માટે ડાયવોર્સ લેવા હોય તો તે પોતે સ્ટ્રોંગ મનોબળવાળી હોય કે હવે પછીનો જીવનસંગ્રામ હું એકલા હાથે ઝઝૂમી શકીશ. ફરી પાછું કુવામાંથી હવાડામાં પડવું નથી. ખૂબ યાતનાઓ પછી બીજો વર શોધ્યો તો તે કેવો નીકળશે, તેની શી ખાત્રી ? પહેલાં કરતાં ય આ તો વધારે ભૂંડો મળ્યો તેવાં અનુભવો વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. ત્યારે સ્ત્રીનું મન સતત કમ્પેરીઝનમાં રહે છે કે આના કરતાં પહેલો સારો હતો ! અને પહેલો જેવો હતો પણ જાણીતો તો હતો ને ! બીજો અજાણ્યો ગળે ટૂંપો ના દે તેની શી ખાત્રી ? પૈસા માટે, વિષય માટે કે કમાતી સ્ત્રીના મોહ માટે પરણે છે કે સાચા પ્રેમ માટે ?

     ભારતમાં છૂટાછેડા લીધેલી બેનો માટે હંમેશા કિંમત ખૂબ ઘટી ગયેલી ગણાય છે લગ્નબજારમાં ! એટલે એના ભાગે સારા સારા છોકરાં આવતા નથી. અને ખૂબ શોધ પછી જો છોકરો ભાગમાં આવ્યો તો ય તે છેવટે તો રહી ગયેલો સેલનો માલ જ ને ! સારી સારી છોકરીઓ સારા છોકરા માટે વલખાં મારતી હોય તો પછી ડીવોર્સી માટે કેટલું વિકટ કાર્ય બને છે, એ તો એવી યુવતીઓની વ્યથા સાંભળીએ ત્યારે જ ખ્યાલ આવે. સામાન્ય જનતા સુધી એ વ્યથા સંકોચ અને ખાનદાનીને કારણે વ્યકત થતી નથી. પણ એ અનુભવના તારણ કાઢીને રજુ કર્યા વગર રહેવાતું નથી કે ડીવોર્સ પછીનું જીવન શી રીતે જીવવું એને નક્કર પ્લાનીંગ કર્યા પછી જ ડીવોર્સ લેવું, નહીં તો અત્યારના પતિ જોડે એડજસ્ટમેન્ટ લઇને મનને વાળીને, કોન્પ્રોમાઈઝ કરીને જીવી જવું બહેતર, એમ કરતાં બન્ને ફેમિલીના મેમ્બરોની યાતનાઓ અટકે છે અને સૌથી વધુ યાતનાના જે ભોગ બને છે, પોતના જ હૃદયના કટકા સમાન પોતાનાં બાળકો, તેઓને ઉગારી લેવાય છે ! નહીં તો એ બાળક, પછી નથી રહેતું અહીંનું કે નથી રહેતું તહીંનું !

     આજે અમેરિકાએ વિશ્વમાં સુખ, સમૃદ્ધિ, સત્તા અરે ઠેઠ ચાંદ સુધી પહોંચવાની સિદ્ધિઓ સર કરી છે પણ ત્યાંની ફેમિલી લાઈફ સાવ પડી ભાંગી છે. જેની ચિંતા ત્યાંના સાચા નેતાઓને ખૂબ જ છે ! એક જણ  જીવનમાં કેટલીય વાર પરણે ને તેમનાં બાળકોને ખબરે ય નથી કે તેની અસલી મા ક્યાં છે ને બાપ ક્યા છે ? એનું ઘડતર, ભણતર બધું જ ડહોળાઈ ગયેલું જોવામાં આવે છે. ભાવિની પેઢી કેવી પાકશે ? એ મોટો પ્રશ્ન ત્યાં સતાવી રહ્યો છે! બાળમાનસ પર બાળપણથી જ પડેલા ઘા જેવાં કે માબાપના રોજના ઝગડા ને અંતે ડીવોર્સને તે પછીના રીમેરેજ ને પાછી તે જ ફિલ્મ રીપીટ કરી પાછું ડીવોર્સ ને રીમેરેજ.... આનો કોઈ ઉકેલ નથી ! મોટાં થયે બાળકને લાગેલા ઘા માનસિક વિકૃતિઓ સાયકોલોજિકલ એઝ વેલ એઝ સાયકેટ્રીક પ્રોબ્લેમ મોટા પ્રમાણમાં થાય છે. બાળકની પાંચ વર્ષની ઉંમરમાં જ માબાપના વાતાવરણની અસર જ બાળમાનસ પર થાય છે તે તેની આખી જીંદગી ચાલે છે અને માનસિક દર્દો જે થાય છે તેનાં બી પાંચ વર્ષની ઉંમર સુધીમાં વવાઈ જાય છે અને તેનાં નિમિત્ત બને છે તેનાં જ માબાપ ! અફકોર્સ આમાં કેટલાંક જિનેટિક ડીસીઝવાળા અપવાદરૂપ હોય છે પણ તેમાં આ ફેક્ટર તો બને જ છે !

      એટલે બધી બાજુનો ખૂબ ઊંડો વિચાર માગી લે છે અને તેનું જો પૂરેપૂરું વિશ્લેષણ કરવામાં આવે તો જરૂરથી ઘણાઘણા છૂટાછેડા અટકીને સુખી સંસારમાં પલ્ટો મારી લે અને આ માટે અધ્યાત્મિક જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. એ જો લેતાં ના આવડે તો છેવટે સાયકેટ્રીક કે સાઈકોલોજિસ્ટને કનસર્ન કરી તેની પાસે સાઈકો એનાલિસિસ કરીને બન્ને જણાએ એકબીજાને સમજીને જીવન સુખમય બનાવી શકાય તેમ છે !

       પતિ પત્નીનો આદર્શ વ્યવહાર કેવી રીતે કેળવી શકાય એની ટ્રેઈનીંગ કઈ કોલેજમાં લીધી ? એના માટે કયું આદર્શ વાંચન કર્યું ? આનંદમય જીવન જીવવાની કળા શીખ્યા વિના જ જીવન સુખમય કઈ રીતે જીવાય ? સંતોના જ્ઞાનીઓના સત્સંગ, સાનિધ્ય અને આધ્યાત્મિક ઊંચું વાંચન મનની ઘણી ગ્રંથીઓ છેદી આપશે. આત્મજ્ઞાની શ્રી દાદા ભગવાન કથિત “પતિ પત્નીનો આદર્શ વ્યવહાર” ગ્રંથ જે ખૂબ ખૂબ ચાવીઓ આપે છે.