ચિંતા એ છે ઉઘાડો અહંકાર ! Dada Bhagwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિંતા એ છે ઉઘાડો અહંકાર !

ભગવાનના સાચા ભક્તને તો ચિંતા થાય, તો ભગવાનને ય ટૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી, તે સાચો ભક્ત નથી. જો કંઇ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો-દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે, તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે.

શ્રી કૃષ્ણ ભગવાન કહે છે :

‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’

મહાવીર ભગવાને કહ્યું છે કે ‘રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.’ ચિંતા ધ્યાન છોડી દે, પણ ભગવાનનું માનવું હોય તો ને ? ના માનવું હોય, તેને આપણાથી કેમ વઢાય ?

ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, ‘મારી મરજી વિના રે, કોઈથી તરણું ના તોડાય !’

અને કબીર સાહેબ કહે છે, ‘પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર, કબીર અચંબા યે હૈ, મન નહીં બાંધે ધીર !’ મનને ધીરજ નથી રહેતી એ જ મોટું આશ્ચર્ય છે.

એક બાજુ કહે છે ‘શ્રી કૃષ્ણ: શરણં મમ’ ને જો કૃષ્ણ ભગવાનનું શરણું લીધું છે તો પછી ચિંતા શેની ? મહાવીર ભગવાને ય ચિંતા કરવાની ના કહી છે. તેમણે તો એક ચિંતાનું ફળ તિર્યંચ ગતી કહ્યું છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ‘હું જ આ બધું ચલાવું છું’ એમ જબરજસ્ત રહ્યા કરે ને, તેનાં ફળ રૂપે ચિંતા ઊભી થાય.

જીવ બાળ્યા કરે એવી ચિંતા તો કામની જ નહીં ! જે શરીરને નુક્સાન કરે અને આપણી પાસે જે આવવાની વસ્તુ હતી, તેને પણ પાછું આંતરે. ચિંતાથી જ સંજોગો એવાં ઊભા થઈ જાય. અમુક વિચાર કરવાના છે સારાસારના કે એવાં, પણ આ ચિંતા એટલે શું ? કે એને ઇગોઇઝમ કહ્યો છે. એ ઇગોઇઝમ ના હોવો ઘટે. ‘હું કંઇક છું અને હું જ ચલાવું છું.’ એનાથી એને ચિંતા હોય અને ‘હું હોઈશ તો જ આ કેસનો નિકાલ થશે.’ એનાથી ચિંતા હોય છે. એટલે ઇગોઇઝમ ભાગનું ઓપરેશન કરી નાખવાનું; પછી જે વિચાર રહ્યા સારાસારના, તેનો વાંધો નહીં. એ પછી મહીં લોહી ના બાળે, નહીં તો આ ચિંતા તો લોહી બાળે, મન બાળે. ચિંતા થતી હોય ને, તે ઘડીએ બાબો કશું કહેવા આવ્યો હોય તો એની પર પણ ઉગ્ર થઇ જાય, એટલે બધી રીતે નુક્સાન કરે છે. આ અહંકાર એવી વસ્તુ છે કે પૈસા હોય કે પૈસા ના હોય. પણ કોઈ કહેશે કે, ‘આ ચંદુભાઈએ મારું બધું બગાડ્યું.’ તો પણ પાર વગરની ચિંતા ને પાર વગરની ઉપાધિ ! અને જગત તો આપણે ના બગાડ્યું હોય તો ય કહેને ?

આ સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે જ અને તે સહજ અહંકાર છે, જેનાથી સંસાર સહેજે ચાલે એવો છે. ત્યાં આખા અહંકારનું જ કારખાનું કાઢ્યું ને મોટો અહંકાર વિસ્તાર્યો, તે એટલો વિસ્તાર્યો કે એનાથી ચિંતાઓનો પાર ના રહ્યો ! અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી, નોર્મલ અહંકારથી સંસાર ચાલે એવો છે, પણ ત્યાં અહંકાર વિસ્તારી ને પછી કાકા આટલી ઉંમરે કહેને કે, ‘મને ચિંતા થાય છે.’ એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતી આવશે, માટે ચેતો, હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતજો, નહીં તો ચિંતા હશે ત્યાં તો પછી જાનવરનું ફળ આવશે.

કુદરત શું કહે છે કે કાર્ય ના થતું હોય તો પ્રયત્ન કરો, જબરજસ્ત પ્રયત્ન કરો. પણ ચિંતા ના કરો. કારણ કે ચિંતા કરવાથી એ કાર્યને ધક્કો વાગશે અને ચિંતા કરનાર એ લગામ પોતે પોતાના હાથમાં લે છે. ‘હું જ જાણે ચલાવું છું. એવી લગામ પોતે હાથમાં લે છે. એને ગુનો લાગુ થાય છે.

પરસત્તા વાપરવાથી ચિંતા થાય છે. પરદેશની કમાણી પરદેશમાં જ રેહશે. આ મોટર-બંગલો, મિલો, બૈરી-છોકરા બધું જ અહી મુકીને જવું પડશે. આ છેલ્લે સ્ટેશને તો કોઈના ય બાપનું ચાલે તેમ નથી ને! માત્ર પુણ્ય અને પાપ સાથે લઇ જવા દેશે. બીજી સાદી ભાષામાં સમજવું તો અહીં જે જે ગુના કાર્ય તેની કલમો સાથે આવશે, એ ગુનાની કમાણી અહીં જ રેહશે અને પછી કેસ ચાલશે. તે કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી ફરીથી નવેસરથી કમાણી કરીને દેવું ચુકવવું પડશે! માટે મુઆ પહેલેથી જ પાંસરો થઇ જાને! સ્વદેશ (આત્મા)માં તો બહુ જ સુખ છે, પણ સ્વદેશ જોયો જ નથી ને! આત્મામાં આવે, હું કોણ છું એ જાણે તો જ ચિંતા બંધ થાય!

વધુ જાણવા માટે અહી ક્લિક્ કરો: https://www.dadabhagwan.org/path-to-happiness/self-help/how-to-stop-worrying/