અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતી છે. અહિંસા એટલે મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય, એ જાણપણામાં રેહવું જોઇએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ અને વર્તનમાં રહેવું જોઈએ, તો એ બની શકે.
ભગવાન મહાવીરે કહ્યું કે મોક્ષ માર્ગ ક્યારે કહેવાય ? અંદર સંપૂર્ણ અહીંસકભાવ હોય. અહિંસા હોય તો મોક્ષમાર્ગ છે. ભગવાન મહાવીરે અહિંસા ધર્મ જોડે ‘અ-મારી’ ફેલાવેલી. અહિંસા એટલે હું કોઈને નહીં મારું એવો માનસિક ભાવ છે અને ‘ અ-મારી ‘ એટલે જે પ્રત્યક્ષ દેખાય છે એને મારો નહી. ભગવાન મહાવીર અને તેમના પછીના આચાયોં ‘અ-મારી’ એટલે જ પ્રત્યક્ષ દેખાય છે એને મારો નહી. ભગવાન મહાવીર અને તેમના પછીના આચાયોં ‘અ-મારી’ ફેલાવતા હતા. કોઈ રાજા એમના શરણમાં આવે ત્યારે આખા રાજ્યમાં તે ‘અ-મારી’ માટેનો ઢંઢેરો પીટવતા.
‘અહિંસા પરમોધર્મ’ એ સૂત્ર જીવનમાં કેવી રીતે ઊતારવું ? શરૂઆત આમ કરવી. સવારના પહોરમાં ઊઠતા જ ઇષ્ટદેવને કે મહી બીરાજેલ શુદ્ધાત્માને , પરમાત્માને યાદ કરી તેમની સાક્ષીએ ખરા દિલથી ભાવના કરવી કે “મારા પ્રાપ્ત મન,વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ‘ આમ દરરોજ કરવાથી આપણા હૃદયમાં ભાવનાનું દ્રઢીકરણ થઈ જશે, રોમે રોમમાં કોઈને દુઃખ દેવું નથી એવું વ્યાપી જશે. અને તેમ છતાંય કોઈને દુઃખ લાગી જાય તો તેનો હૃદયપૂર્વક પશ્રાતાપ કરવો, તત્ક્ષણ પ્રતિક્રમણ કરી લેવું. જેને આટલું સિદ્ધ થયું, એક અવતારમાં થયું તો ઉત્તમ નહિ તો બે-ત્રણ અવતામાંય એ સિદ્ધ થશે જ ને મોક્ષે જશે. પણ પોતાનો ધ્યેય આવો નક્કી હોવો જોઈએ. લક્ષ જ એ હોવું જોઈએ, તો સંપૂર્ણ અહિંસા સિદ્ધ થયા વગર રહેતી જ નથી. ‘હિંસાની સામે અહિંસા રાખો.’ એમ ભગવાને શીખવ્યું છે. હિંસાથી હિંસા કદી બંધ ના થાય, એ તો અહિંસાથી જ બંધ થશે.
માંકણ મચ્છર કરડે તો તેને મરાય ? આપણી હોટલમાં કોઈ જમવા આવ્યો અને તે ભૂખ્યો જાય એ સારું લાગે ?! અને જો જમાડવાની શક્તિ ના હોય તો માંકણ મચ્છરને પકડીને બહાર નાખી આવવું પણ મરાય તો નહિ જ, કારણ કે તમને એક યા બીજી રીતે કૈડયા વગર તો છોડશે જ નહિ. એક જીવ જો કોઈ બનાવી શકે તો મારવાનો તેને અધિકાર છે, બનાવી ના શકે તો તેને મારવાનો કોઈ અધિકાર નથી !
વર્લ્ડમાં કોઈ આપણને ડખોડખલ કરી શકે જ નહિ. વર્લ્ડમાં કોઈનો દોષ નથી. દોષ પોતાનો જ છે.પોતે જેટલી ડખલો કરી છે તેના જ આ પડઘા છે. પોતાની ડખલ ના હોય તો એક મચ્છર પણ અડી ના શકે. પોતાની ડખોડખલ બંધ થઈ જશે તો બધું બંધ થઈ જશે. મચ્છર કરડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે, અને પેલો કાંટો કરેડ ત્યારે શું કરે ?! કાંટામાં ને મચ્છરમાં જરાયે ફેર ભગવાને જોયો નથી ! જે કરડે છે તે આત્મા ન હોય. એ બધા કાંટા જ છે ! કાંટાનો દોષ નથી દેખાતો તેનું શું કારણ ? મચ્છર જીવતો દેખાય છે એટલે આ જ મને કરડયું, ‘પોતે’ ભ્રાંતિવાળો તેથી આખું જગત એને ભ્રાંતિવાળું જ દેખાય. પરમાત્મા કોઈને દંડે નહિ, અનાત્મા જ દંડે. ડુંગર પરથી પથરો પડે ને વાગે માથામાં, તો કોના પર ક્રોધ કરો ? અને કોઈએ જરા કાંકરી મારી હોય તો ત્યાં હલદીધાટની લઢાઈ જમાવે ! કારણ શું ? ભ્રાંતદ્રષ્ટિ છે !
જેણે જીંદગીમાં મન,વચન, કાયાથી ચોરી કરી નથી તેને ત્યાં કોઈ ચોરી કરી શકે જ નહિ. ઉઘાડું ઘર પડ્યું હોય તોય કોઈનાથી લેવાય નહિ ! તેમ ‘મારે હિંસા કરવી જ નથી ‘ એમ જેને દ્રઢતા છે તેને કોઈ દુઃખ દઈ શકે જ નહિ.
આ તો સંપૂર્ણ ન્યાય છે. એમાં ફેર સ્હેજ પણ ના હોય. પોતે પરમાત્મા જ છે, પછી કોઈ શી રીતે નામ લે ? પણ પોતાના ગુનાઓ, પોતાની જ બ્લંડર્સ અને મિસ્ટેક્સ છે તેથી નામ દે છે લોકો ! જેને મોક્ષે જવું છે તેને એકેન્દ્રિય સિવાયના જીવોને ખાવાનો અધિકાર નથી. અને વધુ જીણવટમાં જવું હોય તો કંદમૂળ-રાત્રી ભોજન વિગેરે નો ત્યાગ ઉત્તમ વસ્તુ છે. ભગવાને શું કહ્યું કે આ જગતમાં મોટામાં મોટી હિંસા હોય તો તે કષાયની ! કષાયથી પાપ બંધાય છે.અનંત અવતારના બંધ પડી દે છે એક જ કષાય . કષાયો થવા, આર્તધ્યાન-રોદ્રધ્યાન થવા, એજ આત્મહિંસા કહેવાય. મારવા કરતાં મારવાનો ભાવ કર્યો તે મોટી હિંસા ગણાય છે.
અને આ વેપારમાં વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાલાને છેતરે, પડાવી લે, તેને ભયંકર રોદ્રધ્યાન કહ્યું છે. બુદ્ધિ એ તો લાઈટ છે. અંધારામાં રસ્તો કોઈને દેખાડવા ટોર્ચ ધરે તેના કંઈ પૈસા લેવાય ? બુદ્ધિને ટોર્ચ ધરી, સલાહ આપી, પૈસા પડાવે તે એના જેવું જ કહેવાય.
“કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી,” અને “કોઈ જીવને મારા મન,વચન, કાયાથી, કિંચિતમાત્ર દુઃખ ન હો” એટલી ભાવના રહી કે થઈ ગયા તે અહિંસક ! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. જેણે મનમાં આ ભાવના દ્રઢ કરી, અને તેને સંપૂર્ણ સિન્સિયર રહ્યો , એની એ જ વાતને વળગી રહ્યો તો તે મહાવ્રત કહેવાય. અને નક્કી કર્યું પણ વળગી ના રહ્યો, તો તે અણુવ્રત કહેવાય.
હિંસા વગરનું આ જગત છે જ નહિ. જયારે પોતે જ અહિંસાવાળો થશે, તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય કેવળ જ્ઞાન નહિ થાય. જે જાગૃતિ છે તે પૂર્ણતાને પામશે નહિ. આ બધા જીવો છે તેમની મહીં પરમાત્મા જ છે. પછી કોની હિંસા કરાય ? કોને દુઃખ દેવાય ?