Dashavatar - 15 books and stories free download online pdf in Gujarati

દશાવતાર - પ્રકરણ 15

          પદ્માને મળીને પાછા ફરતી વખતે રસ્તામાં વિરાટ ગુરુકુળ આગળ અટક્યો. ગરમી વધી ગઈ હતી. સૂરજના આકરા કિરણો અને હવામાં ઊડતી રેતથી બચવા માટે તેને મોઢા પર બુકાની બાંધવી પડી.

          ગુરુ જગમાલ વિરાટના ગુરુ હતા. એ શરૂઆતમાં ગુરુ એટલે શું એ જાણતા નહોતા. એમને માત્ર એટલી ખબર પડતી કે એ છાને છાને નાના બાળકોને એક સ્થળે ભેગા કરતા અને તેમને ભણાવતા. મોટાભાગે શરૂઆતમાં પુસ્તકોને બદલે એ પ્રલય પહેલાની દુનિયાના કિસ્સા ટુચકા સાંભળાવી તેમને જ્ઞાન આપતા.

          દીવાલની આ તરફ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હતા કે આવા ગુરુઓ પાસે જ્ઞાનના પુસ્તકો છે. મોટે ભાગે શૂન્ય લોકો એમ જ સમજતા કે ગુરુઓ પાસે જ્ઞાન એમના મગજમાં સંગ્રહ કરેલું છે. પણ હકીકત એ હતી કે ગુરુઓ પાસે જ્ઞાનના પુસ્તકો હતા. એ પુસ્તકો તસ્કરોની મહેરબાની હતી. કેટલાય તસ્કરોએ એ પુસ્તકો દીવાલની આ તરફ લઈ આવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું અને કેટલાય તસ્કરો એ માટે પાટનગરની કારાવાસમાં આજે પણ અસહ્ય યાતનાઓ ભોગવી રહ્યા હતા.

          ગુરુ જગમાલ વિરાટને કેટલીયે વાતો કહેતા અને વિરાટ એ બધી વાતો માનતો. એ કહેતા કે તસ્કરો મહાન છે કેમકે એ લોકો પુસ્તકો લઈ આવે છે જે દરેક પુસ્તક અમૂલ્ય છે. જેમ કાપડનું ગળણું પાણીને ગાળીને શુદ્ધ કરે એ જ રીતે પુસ્તક પણ એક ગળણું છે જે માણસના મનને ગાળીને શુદ્ધ કરે છે. એ જ્ઞાન આપે છે અને જ્ઞાન માનવ હ્રદયને શુદ્ધ કરે છે. પુસ્તક માનવને શીખવે છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે. ગુરુ જગમાલ કહેતા કે માણસે વાંચી શકાય તેટલા પુસ્તકો વાંચવા જોઈએ અને બની શકે તેટલું વધુ જ્ઞાન મેળવવું જોઈએ. માત્ર જ્ઞાન જ તમને બુધ્ધિ આપી શકે છે. જ્ઞાન જ માનવને તેની શક્તિને સાચા કામે લગાવતા શીખવે છે. જીવન જીવવાની દરેક કળા પુસ્તકો સમજાવે છે. જ્ઞાન વિનાનો માણસ માત્ર ભૂલો જ કરે છે જ્યારે જ્ઞાની માણસ ભાગ્યે જ ભૂલો કરે છે અને પોતાની ભૂલોને સમયસર સુધારી પણ લે છે.

          વિરાટની મા કહેતી કે ગુરુ જગમાલનો નાનો ભાઈ કાકસપા તસ્કર હતો. ગુરુ જગમાલ પાસે જે જ્ઞાનના પુસ્તકો હતા એમાંથી મોટાભાગના પુસ્તકો એ જ લઈ આવ્યો હતો પણ એકવાર એ પાટનગરના ગુપ્તચરોની નજરે ચડી ગયો અને પકડાઈ ગયો. એ દીવાલની પેલી તરફથી ક્યારેય પાછો ન આવ્યો. એવા કેટલાય તસ્કરો હતા જે દીવાલની પેલી તરફથી પાછા ફર્યા નહોતા પણ ગુરુ જગમાલ હામ હારે એમાના આદમી નહોતા.

          જગમાલે નાના બાળકોને જ્ઞાન આપવાનું ચાલુ રાખ્યું હતું. અંદરખાને એ મનાતા કે એમનો નાનો ભાઈ હજુ જીવે છે. પદ્માના પિતા ત્રિલોક જેમ એ પણ પાટનગરના કારાવાસમાં કેદ છે અને એક દિવસ જરૂર પાછો આવશે.

          ગુરુ જગમાલ માત્ર અંદરથી જ મજબૂત શિક્ષક નહોતા. એ લગભગ વિરાટ જેટલા જ ઊંચા અને કસાયેલા હતા. એ લડાઈના દાવપેચ પણ જાણતા. એમણે જૂના જ્ઞાનના પુસ્તકોમાંથી યોગ અને પ્રાણાયામ શીખ્યા હતા. એ શિષ્યોને પણ પ્રાણાયામ અને યોગનો ફાયદો લડાઈમાં કઈ રીતે લેવો એ શીખવતા. કદાચ વિરાટ લાંબો સમય સુધી પાણીમાં રહી શકતો એ પ્રાણાયામના લીધે જ સંભવ બન્યું હતું. એ બાળકોને લાકડીના દાવ અને હાથોહાથની છુટ્ટી લડાઈ કઈ રીતે જીતવી એ શીખવતા. એ હસમુખ વ્યક્તિ હતા. એમની પત્ની કનિકાને બધા શિષ્યો ગુરુમા કહેતા. ગુરુમા પણ ગુરુ જગમાલ જેમ જ હસમુખ અને નમ્ર હતા. એ ગુરુકુળના શિષ્યોને પોતાના બાળકો જેટલું જ વહાલ કરતી.

          વિરાટને ગુરુ જગમાલ અને ગુરુમા કનિકા પર ગર્વ અને અપાર શ્રદ્ધા હતી. જોકે દીવાલની પેલી તરફનો કાનૂન તેમને પોતાની જાત પર ગર્વ લેવાની મનાઈ કરતો. દેવતાઓ જ પોતાના અસ્તિત્વ પર ગર્વ લઈ શકે. એવો હક શૂન્યોને નહોતો. જોકે વિરાટે જીવનમાં હજુ એવું કશું કર્યું પણ નહોતું જે બાબતે એ ગર્વ લઈ શકે પણ તેને પોતાના લોકો પર ગર્વ હતો. એવા ગુરુઓ પર ગર્વ હતો જે જીવનું જોખમ ઉઠાવીને કશું જ મેળવવાની અપેક્ષા વગર બાળકોને જ્ઞાન આપતા. પદ્મા અને અંગદ જેવા મિત્રો જે પોતાના પરિવાર માટે ગંગાની કેનાલના ધસમસતા પ્રવાહમાં કુદવા તૈયાર હતા એવા બહાદુરો પર તેને ગર્વ હતો. તેને પોતાના લોકોની ઠંડી, તાપ, દુખ, દર્દ અને અન્યાય સહન કરવાઈ શક્તિ પર ગર્વ હતો.

          વિરાટને ખબર હતી કે દેવતાઓ કેમ એવું ઇચ્છતા કે શૂન્યો પોતાની જાત પર ગર્વ ન લે. એ શૂન્યોને માત્ર પ્રાણી બનાવી રાખવા માંગતા હતા. એવા પ્રાણી જે માત્ર જીવવા અને પેટ ભરવા પર જ ધ્યાન આપે. અલબત્ત દેવતાઓ એવું કરવાંમાં મહદઅંશે સફળ પણ થયા હતા. ઘણા શૂન્ય લોકો માનવ રહ્યા જ નહોતા. એ જાણે હરતીફરતી લાશ બની ગયા હતા. એમની લાગણી અને સંવેદના નાશ પામી હતી. એ અન્યાય સામે તૂટી ગયા હતા, ઝુકી ગયા હતા, હારી ગયા હતા.

          ગુરુ જગમાલ કહેતા કે માણસની સામે જે પથ્થરની દીવાલ હોય છે એ તેમને ગુલામ નથી બનાવી શકતી. એ દીવાલ તો પથ્થરની બની છે એ દીવાલ તોડી શકાય છે પણ લોકોના મન આસપાસ જે અદૃશ્ય દીવાલ ચણાઈ જાય છે એ તોડવી મુશ્કેલ છે. આજે મોટાભાગના લોકોના મન આસપાસ એ અદૃશ્ય દીવાલ ચણાઈ ગઈ છે. દુખની વાત એ છે કે એ દીવાલ ઉત્તર તરફ જતાં રોકતી એ પથ્થરની દીવાલ જેમ દેખી શકાતી નથી એટલે ઘણા લોકોને ખબર જ નથી કે તેમના હ્રદય અને મન એ દીવાલમાં કેદ છે. એ દેવતાઓના બનાવેલા અન્યાયી કાયદા વિરુધ્ધ વિચારી ન શકતા કેમકે તેમની વિચારવાની શક્તિ પણ હવે એ દીવાલમાં કેદ હતી.

          એકવાર વિરાટે તેની માને પુછ્યું હતું, “મા, આપણે આ અદૃશ્ય દીવાલને કઈ રીતે તોડી શકીએ?”

          “અદૃશ્ય દીવાલને માત્ર અદૃશ્ય હથિયાર જ ભેદી શકે.” તેની માએ જવાબ આપ્યો હતો.

          “અદૃશ્ય હથિયાર?” તેણે નવાઈથી પુછ્યું હતું, “એવું કોઈ હથિયાર ન હોય, મા.”

          “તારામાં જ્ઞાન છે?” માએ એકાએક પુછ્યું.

          “હા, થોડુંઘણું.”

          “તેં એ જ્ઞાનને જોયું છે?”

          “ના.”

          વિરાટને જવાબ મળી ગયો હતો. જ્ઞાન જ એ અદૃશ્ય હથિયાર છે જે માણસના મન ફરતે ચણાયેલી અદૃશ્ય દીવાલને ભેદી શકે છે. કદાચ એ જ્ઞાનને લીધે જ વિરાટ બીજા શૂન્યો કરતાં વધુ વિચારી શકતો. ગુરુકુળના જ્ઞાની બાળકોને જે બાબતો સમજાતી એ બાબતો બીજા લોકોને ન સમજાતી. એ વિચારી શકતા કે પોતે ગુલામ છે કેમકે જ્ઞાનના લીધે તેમના વિચારો એ અદૃશ્ય દીવાલમાં કેદ નહોતા રહ્યા. તેમના  વિચાર સ્વતંત્ર હતા.

          વિરાટ બધા વિચારો ખંખેરી ગુરુકુળમાં દાખલ થયો. ગુરુકુળ ગુરુ જગમાલને ફાળવેલા ખેતરના પાછળના ભાગે જ બનાવ્યું હતું. ત્યાં ગુરુ જગમાલના કહેવાથી દરેક શિષ્ય એક વૃક્ષ ઉછેરતો એટલે અહીં નાનકડા જંગલ જેવુ વાતાવરણ હતું. વિરાટ પ્રાંગણમાં દાખલ થયો ત્યારે ગુરુ જગમાલ ઝૂંપડી સામે જ પીલુડીના વૃક્ષ નીચે વાંસના ખાટલા પર બેઠા હતા.

         તેને જોતાં જ એ ખાટલા પરથી ઊભા થયા, “વિરાટ, કેમ છે દીકરા?”

          “મજામાં છું, ગુરુ.” વિરાટ અદબવાળી ઊભો રહ્યો. ગુરુ સામે અદબવાળી ઊભા રહેવું એ શિષ્ટાચારનો ભાગ હતો.

          “તારે અદબવાળીને ઊભા રહેવાની જરૂર નથી.” ગુરુએ વિરાટ સામે હાથ જોડી નમસ્કાર કરતાં કહ્યું, “તું તો અવતાર છો.”

          “ગુરુજી.” વિરાટ જમીન પર ઘૂંટણીયે બેસી ગયો, “આપ મારા સામે મસ્તક નમાવો એ અયોગ્ય છે.” વિરાટને ગુરુજીનું એ વર્તન જરાય ન ગમતું, “આપ મારા ગુરુ છો, મારા પિતા સમાન છો.”

          “અને તું અવતાર છો..” ગુરૂજીએ તેનો હાથ પકડી તેને ઊભો કર્યો, “તું ભગવાન છો અને ભગવાન સામે મસ્તક નમાવવામાં કશું જ અજુગતું નથી.”

          “વિરાટ...” ગુરુમાએ ઝૂંપડી બહાર આવતા જ તેને નમસ્કાર કર્યા. વિરાટે તરત જ પગે લાગીને ચરણ રજ માથે ચડાવી. ગુરુમા પ્રત્યે તેને સગી મા જેટલો પ્રેમ અને આદર હતો. માત્ર વિરાટ જ નહીં ગુરુકુળના દરેક ગુપ્ત શિષ્યો કનિકાને મા સમાન માનતા. કનિકા એકદમ સાદગીને વરેલી સ્ત્રી હતી. એ વાળ માથાની પાછળ અંબોડામાં બાંધતા અને કપાળે સફેદ ચાંદલો કરતા. દીવાલની આ તરફ શૂન્ય લોકો ભલે અભણ અને અશિક્ષિત હતા પણ કનિકા જેવા લોકોને બધા માન આપતા કેમકે એ લોકોને મદદરૂપ થતા. એ જડીબુટ્ટીથી લઈને શક્ય હોય ત્યારે લોકોને અનાજ સુધીની મદદ કરતા. કેટલીયે સ્ત્રીઓ કનિકા પાસે સલાહ સૂચન લેવા આવતી. લોકોના હ્રદયમાં તેનું ઊંચું સ્થાન હતું.

          ગુરુ જગમાલ અને કનિકા ખાટલા પર બેઠા અને વિરાટ તેમની સામે રેતમાં પલાંઠીવાળીને બેઠો. પલાંઠી એ એક સાદું આસન હતું જે શરીરના દરેક અંગ માટે ફાયદારૂપ હતું. જ્ઞાનના પુસ્તકોમાં જણાવ્યા પ્રમાણે એ લોકો દરેક આસન અને મુદ્રાઓ રોજીંદા જીવનમાં વાપરવા લાગ્યા હતા જેથી તેમને એ આસનો અને મુદ્રાઓનો ફાયદો મળે. કેટલાક શૂન્યો પણ એ જ્ઞાની બાળકોને જોઈને પલાંઠી અને એવા કેટલાય આસનો અને મુદ્રાઓ શીખી ગયા હતા અને જીવનમાં એ પ્રમાણે કરવા લાગ્યા હતા જોકે એ લોકો એ આસનો કે મુદ્રાઓના નામ નહોતા જાણતા.

          “તું નીચે ન બેસ.” કનિકાએ કહ્યું, “તું અહીં અમારી સાથે બેસી શકે, દીકરા.”

          “હું અહીં ઠીક છુ.” વિરાટના હોઠ પર એક સ્મિત આવ્યું, “ભલે હું અવતાર હોઉં તો પણ મને મારા માટે આ જ યોગ્ય સ્થાન લાગે છે.” ગુરુ જગમાલ વાતને વધુ લંબાવે એ પહેલા તેણે ઉમેર્યું, “સાંજે હું દીવાલની પેલી તરફ જવા નીકળવાનો છું.” તેના અવાજમાં કંઈક વિચિત્ર, કશુંક ન સમજાય એવું હતું.

          “મને તારી ઉમર યાદ છે.” ગુરુ જગમાલ ઊભા થયા અને તેની પાસે રેતમાં બેસી તેને બાથમાં લીધો, “મેં બની શકે એટલો તને દીવાલની પેલી તરફ જવા માટે તૈયાર કર્યો છે વિરાટ, પણ...”

           એ પણ પછી ગુરુ અટકી ગયા. એમના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પોતાના બચ્ચા માટે કેવળ મમતાના જોરે સિંહ સામે લડવા તૈયાર થયેલી ભેંસની આંખોમાં અવિશ્વાસનો જે ભય હોય છે એવો જ ભય ગુરુની આંખમાંથી ડોકિયું કરતો હતો.  

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED