ગુડબાય Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુડબાય

ગુડબાય

-રાકેશ ઠક્કર

નિર્દેશક વિકાસ બહલની અત્યાર સુધીની ક્વીન, શાનદાર અને 'સુપર ૩૦' પછી 'ગુડબાય' માટે જે અપેક્ષા હતી એ પૂરી કરતી હોવાથી એક પારિવારિક ફિલ્મ તરીકે થોડી પ્રશંસા મેળવી ગઇ છે. એમાં મૃત્યુ પછીની કરુણ વાર્તા હોવા છતાં તેઓ પરિસ્થિતિ પ્રમાણે થોડું હાસ્ય આપી શક્યા એ મોટી સિધ્ધિ કહી શકાય એમ છે. એ હાસ્ય ફિલ્મને ભારેખમ બનતી અટકાવે છે. વાર્તાને ગીત- સંગીતમાં એવા સરસ અંદાજમાં રજૂ કરી છે કે એમાંથી પણ હાસ્ય મળે છે. ઘણા દ્રશ્યો વધારે લાંબા ખેંચવામાં આવ્યા છે પણ દરેક કલાકારોનો દમદાર અભિનય પરિસ્થિતિ સાચવી લે છે. 'બાગબાન' ની યાદ અપાવતા અમિતાભનો જવાબ જ નથી. મોનોલોગમાં એ બહુ પ્રભાવિત કરી જાય છે. પત્નીના અસ્થિના વિસર્જનનું દ્રશ્ય હોય કે પુત્રો સાથેના વૈચારિક મતભેદના દ્રશ્ય હોય દરેક વખતે એ સાબિત કરે છે કે મહાન અભિનેતા શા માટે છે.

રશ્મિકા મંદાનાએ 'પુષ્પા: ધ રાઇઝ' પછી ફરી એક વખત પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. બોલિવૂડની પહેલી ફિલ્મમાં તેણે જાતે સંવાદનું ડબિંગ કરવાનો આગ્રહ ના રાખ્યો હોત તો વધુ માર્કસ લઇ ગઇ હોત. તેનો દક્ષિણ ભારતીય ઉચ્ચાર ખટકે એવો છે. તેણે આધુનિક વિચારોવાળી યુવતી અને વિરોધી તેવર સાથેની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. નીના ગુપ્તા આવી ભૂમિકાઓને બરાબર અંજામ આપતી જ આવી છે. તેની હાજરી જ કાફી લાગે છે. પુત્રની ભૂમિકામાં પાવેલ ગુલાટી જામે છે. તો આશિષ વિદ્યાર્થી મનોરંજન પુરું પાડે છે. પંડિત તરીકે સુનીલ ગ્રોવરનો પ્રવેશ થયા પછી તે અંત સુધી વાર્તાને લઇ જવામાં સફળ રહે છે. એલી અવરામ, અરુણ બાલી, સાહિલ મહેતા વગેરે પોતાના પાત્રને અનુરૂપ કામ કરી જાય છે. લેખનની રીતે ફિલ્મ થોડી નબળી રહી ગઇ છે. ઘણા બધા મુદ્દા ઊભા કરવામાં આવ્યા છે જેને વિસ્તારથી બતાવ્યા નથી. ઘણા પ્રશ્નોના ઉત્તર જ મળતા નથી. જેમકે પુત્રી પોતાની જીતની ખુશી માને કહી શકી ન હતી એ જીત કઇ હતી? કેટલાક મહત્વના પાત્રોનું બેકગ્રાઉન્ડ જ બતાવવામાં આવ્યું નથી. નિર્માતા આખી ફિલ્મમાં એવું સ્થાપિત કરી શકતા નથી કે એમના પોતાના ત્રણ પુત્ર હતા. અંગદ જો માતાના અવસાનથી ખરેખર દુ:ખી હતો તો પાર્ટી કેમ કરી રહ્યો હતો. અંગદના નોકરાણી સાથેના પ્રેમસંબંધને ફિલ્મની વાર્તા સાથે કંઇ જ લાગતું વળગતું નથી. ઘણા એવા દ્રશ્યો છે જેમાં સમજાતું જ નથી કે વાર્તાને ક્યાં લઇ જવામાં આવી રહી છે. અંતમાં શું કહેવા માગે છે એ નક્કી થતું નથી. એડીટીંગ વધુ ચુસ્ત હોવું જોઇતું હતું.

ચંદીગઢમાં હરીશ ભલ્લા (અમિતાભ) અને પત્ની ગાયત્રી(નીના) એમના ચાર બાળકો સાથે રહે છે. ચારેય અભ્યાસ પછી દેશ-વિદેશમાં સેટ થઇ ગયા હોય છે. પુત્રી તારા (રશ્મિકા) મુંબઇમાં વકીલ છે. પુત્ર અંગદ (પાવેલ) વિદેશમાં નોકરી કરે છે. અચાનક ગાયત્રીને હ્રદયરોગનો હુમલો આવતાં મૃત્યુ પામે છે. ત્યારે અમિતાભ ચારેય બાળકોને ચંદીગઢ બોલાવે છે અને તે પોતાના પરિવારને ખરેખર પ્રેમ કરે છે કે કેમ? એની વાર્તા છે. એમની વચ્ચે રીતરિવાજ અને વિજ્ઞાન અંગેનો મતભેદ છે. ઉપરાંત સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં ઊભા થતા મતભેદ વગેરેના મુદ્દા છે. જે દર્શકોને ઇમોશનલ રાઇડ પર લઇ જાય છે. ઘણા દ્રશ્યો આંખમાંથી આંસુ લાવી દે છે. અમિત ત્રિવેદીનું સંગીત દ્રશ્યના ભાવ ઊભા કરવામાં મદદરૂપ બને છે. દરેક ગીત પરિસ્થિતિ પ્રમાણે આવે છે. 'જયકાલ મહાકાલ' સરસ બન્યું છે.

થિયેટર સુધી વધુ દર્શકોને ખેંચી લાવવા માટે બોક્સ ઓફિસ પર ટિકિટના ભાવ ઘટાડવામાં આવ્યા હતા. પરંતુ અમિતાભ જેવા ૮૦ વર્ષના લોકપ્રિય અભિનેતા અને 'નેશનલ ક્રશ' ગણાતી રશ્મિકાની હાજરી હોવા છતાં 'ગુડબાય' ને સારું ઓપનિંગ મળ્યું ન હતું. સમીક્ષકોએ ભલે પાંચમાંથી ત્રણ સુધી જ સ્ટાર આપ્યા હોય પણ કેટલીક ખામીઓને નજર અંદાજ કરીને લાંબા સમય પછી આવેલી આ પારિવારિક ફિલ્મ એક વખત જોવા જેવી છે. અમિતાભ અને રશ્મિકાના ચાહકોએ આ ફિલ્મ છોડવા જેવી નથી.