વસુધા - વસુમાં - પ્રકરણ -58 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ -58

અવંતિકા મોક્ષને વસુધાની હાલની સ્થિતિનું વર્ણન કરી રહી હતી જાણે એજ વસુધામાં આખી સમાઈને એની અંદરની લાગણીઓ ને વાચા આપી રહી હતી. અવંતિકાનાં આંખનાં ખૂણા ભીનાં થયાં એ લાગણીશીલ બની...મોક્ષે એને અધિયારો આપતાં કહ્યું “ જીવન ખુબ સરળ અને આનંદી લાગે ક્યારેક ખુબ અઘરું અને સંઘર્ષમય સાબિત થાય...અવુ આ બધાથી "પર" થઈને જે જીવન જીવી જાય એ "વસુમાં" બની જાય...”

અવંતિકાએ કહ્યું “સાચી વાત છે મોક્ષ...” એમ કહી મોક્ષને વળગી ગઈ...એની હૂંફ લઈને જાણે વસુધાની બધી તકલીફો અને એનું દુઃખ ભૂલવા પ્રયત્ન કરી રહી...

મોક્ષે કહ્યું “અવું...ચાલ ગૌરી પાસે જઈએ તને ત્યાં સારું લાગશે...તારું માતૃત્વ અને પ્રેમ એને આપ તો એ જીવને પણ સારું લાગશે.” અવંતિકાએ કહ્યું “મોક્ષ મારો ખોળો ભરાવાની આશા મારી લુપ્ત થતી જાય છે...હવે તો આ વસુમાનું જીવનચરિત્ર વાંચીને એવું થાય છે કે બાળક નથી સારુંજ છે નથી જોઈતું આપણું બાળક...હું આ ગૌરી અને બીજા જીવોને સારી રીતે ઉછેરું સમાજની અન્ય સ્ત્રીઓનાં દુઃખમાં સહભાગી થઉં પ્રેરણાત્મક કામ કરું એવીજ ઈચ્છાઓ થાય છે.”

“સંતાન હોય ના હોય શું ફરક પડે છે ?” મોક્ષ તમે છો ને હું તમારામાં બધુંજ જોઉં છું જોઈ જઈશ તમનેજ વહાલ,વાત્સલ્ય, પ્રેમ બધુંજ આપીશ...મને કોઈ ખોટજ નથી મારાં મોક્ષ...”

મોક્ષે હસતાં હસતાં કહ્યું “અવું તારી વાત સાચી છે હું તારામાં નટખટ રમતી કૂદતી નાની છોકરી જોઉં છું તારી ચંચળતા, નિર્દોષ આંખોમાં રમતી કુતુહુલતા બધું જોઉં ત્યારે નાની કિશોરી લાગે છે...ક્યારેક અવું તું મને વાત્સલ્ય વરસાવતી માં જેવી લાગે છે આ બધાં તારામાં સમાયેલાં અલગ અલગ રૂપમાં હું બધુજ પામી જઉં છું હું તારો મિત્ર, પ્રિયતમ , પતિ ,બાળક ,સહચરી…બધુજ છું ક્યારેક તારો શિક્ષક, ગુરુ , વાત્સલ્ય વરસાવતો પિતા અને તું મારી કરુણામય માં...એકબીજામાં બધાંજ રૂપ સ્વરૂપ અને લાગણીઓ વરસાવતાં જીવીએ છીએ પછી શું જોઈએ ? એક્બીજાનેજ સમર્પિત આપણે અને એકબીજાનાજ પૂરક.”

“અવું... તારાં સાથમાં સંસાર છે અને તારાંથીજ મારો સંસાર સ્વર્ગ છે લવ યુ અવું...”

*****

ગુણવંતભાઈ કરસન સાથે ગાડી લઈને ઘરે જવા નીકળ્યાં વસુધાને રસ્તે મળી વાતચીત કરી સમજાવીને મનમાં એ વિચારવા લાગ્યાં કે કેટલી સંસ્કારી છોકરી મળી છે મારો પીતાંબર નથી રહ્યો પણ એની જગ્યાએ વસુધાએ લઇ લીધી બધીજ જવાબદારી ઉઠાવવા આ છોકરી તૈયાર થઇ છે હજી એની ઉંમર શું છે ? મારે ભાનુ સાથે આની ચર્ચા કરવી પડશે આટલી નાની ઉંમર હજી અને આખું આયખું કાઢવાનું છે અમે તો કાલે છીએ... ના પણ હોઈએ એને કોનો સહારો ? આમ વિચારતાં વિચારતાં ઘરે પહોંચ્યાં.

કરસને કહ્યું “કાકા કાર બરાબર પાર્ક કરીને મૂકી છે હું ઘરે જઉં મારે પણ વડોદરા થોડું કામ છે જવાનું છે કંઈ કામ હોય તો જણાવજો સાંજ સુધીમાં પાછો આવી જવાનો છું.”

ગુણવંતભાઈએ કહ્યું “કરસન...ભાઈ...પીતાંબર ગયો ત્યારથી અને એ હોસ્પિટલમાં હતો ત્યારે પણ સતત તારો સાથ અને મદદ મળી છે તારો કેવી રીતે આભાર માનું ? ખરાં સમયે તે એક મિત્રની સાચા અર્થમાં ફરજ અને ધર્મ નિભાવ્યો. એક ચોક્કસ વાત છે કે માંબાપે આપેલાં સંસ્કાર અને શીખ તારાં વર્તનમાં ઝળકે છે...તને અમારાં ખુબ ખુબ આશીર્વાદ છે અને તારો મિત્ર પણ જ્યાં હશે ત્યાં તને જોઈને તારાં માટે ગૌરવ અનુભવતો હશે...”

કરસને હાથ પકડીને નમ આંખે કહ્યું “કાકા વધુ ના શરમાવશો મારી ફરજ હતી મને જે સમજાયું મેં કર્યું એમાં કોઈ મોટી વાત નથી પીતાંબર મારો ખાસ મિત્ર હતો અને એની જોડે જે કંઈ થયું ખુબ ખોટું થયું ...તમે મારાં બાપ સમાન છો અને બાપ કદી આભાર ના માને...હું તમારાં દિકરા જેવો છું કંઈ નહીં કાકા હું જઉં કામ હોય કહેવડાવજો અથવા ફોન કરજો.”

કરસન એવું કહીને પોતાની બાઈક પર બેસી ચાલુ કરી એનાં ઘરે જવાં નીકળી ગયો.

ગુણવંતભાઈ ઘરમાં પહોંચે પહેલાં ભાનુબહેન બહાર આવી ગયાં ગાડી રીપેર થઈને આવી ગઈ એ જોઈને બોલ્યાં...”દિકરા વગર આ ગાડી..”.પછી કંઈ બોલ્યાં વિના ગુણવંતભાઈ સામે જોઈ રહ્યાં અધૂરું રાખેલું ગુણવંતભાઈ સમજી ગયાં...એમણે કહ્યું ભાનુ મારે તને એક વાત કરવી છે. આખાં રસ્તે મને આજે વિચારો આવ્યાં છે...”

ભાનુબહેને કહ્યું “થોડાં હાંશ કરીને બેસો હું પાણી લાવું છું પછી વાત કરો...”

ગુણવંતભાઈએ કહ્યું “પીતાંબરની માં હવે હાંશ કરીને બેસવાનાં દિવસોજ ક્યાં રહ્યાં ? ભાગ્યમાં એવું લખાયેલુંજ નહીં હોય આમ જુવાનજોધ દીકરો નહીંતર ઈશ્વર લઇ લે ?”

ભાનુબહેન પાણી લઈને આવ્યાં...ગુણવંતભાઈ પાણી પીને ખેસથી મોઢું લુછ્યું અને બોલ્યાં “ભાનુ મને એક વિચાર આવ્યો છે માત્ર -25 વર્ષની ઉંમરે પીતાંબર ગયો...પાછળ એ વસુધાને મૂકી ગયો છે મને થાય વસુધા હજી આટલી નાની છે...હજી આખું જીવન કાઢવાનું છે...એનાં માંબાપ સંસ્કારી અને સમજું છું કંઈ બોલ્યા નથી...જો કે પીતાંબરને ગયે હજી બહું સમય પણ નથી થયો પણ ...”

ભાનુબહેને કહ્યું “પણ ?... તમે કહેવા શું માંગો છો ?” ગુણવંતભાઈએ કહ્યું “ભાનુ સમજીને ના સમજ ના બન...વસુધા..”.એ હજી આગળ બોલે ત્યાં દિવાળી ફોઈ અંદરનાં રૂમમાંથી આવ્યાં એમનાં હાથમાં આકાંક્ષા હતી એ હસ્તી રમતી હતી.

દિવાળીફોઈએ કહ્યું “ભાઈ શું ગંભીર વાતમાં પરોવાયા હમણાંતો શહેરમાંથી આવ્યાં છો શું થયું ?”

ગુણવંતભાઈએ કહ્યું “સારું થયું બહેન તમે આવ્યાં. તમે મારી વાત સમજશો.” દિવાળીફોઈએ કહ્યું “હું પહેલાં વાત તો સાંભળું. તમે ફોડ પાડીને વાત કરોને...”

ગુણવંતભાઈએ કહ્યું “દિવાળીબેન, ભાનુ બંન્નેને હું કહું છું કે વસુધાની ઉંમર હજી ખુબ ઓછી છે એનાં માં બાપ પીતાંબરનાં ગયાં પછી આટલો સમય થઇ ગયો કંઈ બોલ્યાં નથી...નથી દીકરીને પીયર બોલાવી લીધી...પણ મને વિચાર આવ્યો કે વસુધાનાં સારો છોકરો જોઈ લગ્ન કરાવી લઈએ...આમ એકલી કેમ કરી જીવન કાઢશે ? “

“આકું નાની છે એને આપણે ઉછેરીશું..”.પણ...દિવાળીબેન કહે “નાની છે સાચી વાત...પણ સમાજ શું કહેશે ? વસુધા હા પાડશે ? વસુધાનેજ પૂછી લો ને...”

ગુણવંતભાઈએ કહ્યું “દિવાળીબેન તમારાં સમયે એ જમાનો જુદો હતો અત્યારે આ આધુનિક સમયમાં છોકરીને આપણે આપણાં સ્વાર્થે ગોંધી રાખીએ સારું નથી અને આપણે સમાજનું નહીં આપણી વસુધાનું વિચારવાનું છે જોવાનું છે સમજવાનું છે... મને આખો વખત વિચાર આવ્યાં કર્યા છે મને થયું તમારી સાથેચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈએ અને જરૂર પડે એનાં માં બાપને અહીં બોલાવીએ...”

દિવાળીફોઈએ કહ્યું “પણ ભાઈ...મારેતો કોઈ સંતાન નહોતું અને તમારી વાત સાચી છે એ સમય, એ જમાનો જુદો હતો બધાં માણસો ખુબ જૂની વિચારધારાનાં હતાં નિયમો સમાજનાં કડક અને અઘરાં હતાં...એની છોકરીને છોડીને બીજે ક્યાંય વસુધા વળી જાય એવું મને નથી લાગતું એ છોકરીને હું નાનપણથી ઓળખું છું મારી આંખ સામે ઉછરીને મોટી થઇ છે...ભલે સમાજ અને સમય બદલાયો છે પહેલાં જેવી વિચારશરણી કે કટ્ટરતા નથી રહી...લોકો જુનવાણી નથી રહ્યાં...મને લાગે સ્પષ્ટ શબ્દોમાં વસુધાનેજ પૂછી લઈએ અને નિર્ણય કરીએ એની જે ઈચ્છા હોય એ આપણે સર્વમાન્ય રાખવી...”

ગુણવંતભાઈએ ભાનુબહેન સામે જોયું...ભાનુબહેનની આંખમાં આંસુ હતાં બોલ્યાં “મારો પીતાંબર ગયો...હું સમજું છું વસુધા એકલી થઇ ગઈ છે આખું જીવન એણે આવી રીતેજ કાઢવાનું છે...પણ એનાં માટે એટલીજ લાગણી બંધાઈ છે એનાં ખોળે મારાં પીતાંબરની નિશાની છે મારી દીકરી જેવી છે...એ હવે આ ઘરનો ઉંબરો ઓળંગી બીજે જાય મને નહીં ગમે સાચું કહું છું હું સમજું છું આપણે આજે છીએ કાલે નહીં હોઈએ તો એનું કોણ ? પણ...પણ...વસુને આમ બીજે વળાવવી મને નહીં પોષાય.”..ગુણવંતભાઈએ કહ્યું “ભાનુ દીકરી કહે છે ને એને અને સાચેજ દીકરી માનતી હોય તો એનુંજ વિચારીને આપણે કન્યાદાન કરવું જોઈએ.”

દીવાળીબેને ગુણવંતભાઈ તરફ જોયું અને બોલ્યાં “ભાઈ તમે વસુધાનાં પીયર ફોન કરીને એમને બોલાવી લો.એમની હાજરીમાં બધી ચર્ચા કરી લો તમારાં મનમાં છે એનો ખુલાસો કરી લો એટલે ભવિષ્યે તમને કોઈ અફસોસ ના રહેવો જોઈએ...મને ખબર છે પાર્વતી આવીને શું કહેશે...”

ગુણવંતભાઈએ કહ્યું “હાં પુરુષોત્તમભાઈને ફોન કરી જણાવું છું અને બોલાવીજ લઉં છું...મારે પણ દીકરી છે એટલે પારકી દીકરીનો વિચાર આવે છે મારી સરલા ઓશીયાળી થઇ જીવે મને ના જ ગમે તો વસુધાને એવું જીવન શા માટે આપવું ?”

ગુણવંતભાઈએ ઉભા થઇ ભાનુબહેન અને દિવાળીબહેનની સંમતિથી પુરુષોત્તમભાઈને ફોન કર્યો સામેથી વેવાઈએ કહ્યું “બોલો મિત્ર ?...અમે આવતીકાલે ત્યાંજ આવવાનું વિચાર્યે છીએ ખાસ કામ અંગે...અને...”



વધુ આવતા અંકે -પ્રકરણ 59