Brahmastra - Part One : Shiva books and stories free download online pdf in Gujarati

બ્રહ્માસ્ત્ર- પાર્ટ વન : શિવા

બ્રહ્માસ્ત્ર- પાર્ટ વન : શિવા

-રાકેશ ઠક્કર

નિર્દેશક અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવા' ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી. ફિલ્મ જોવા માટે એના પર રૂ.૪૧૦ કરોડનો ખર્ચ થયો છે એમ કહેવાતું હોય ત્યારે એ ક્યાં થયો એનો હિસાબ નિર્માતા કરણ જોહરે આપવો જોઇએ. કેમકે રૂ.૧૦૦ કરોડમાં આનાથી વધુ ભવ્ય અને સારી ફિલ્મો બની ચૂકી છે. અયાને કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં ખાસ સફળ થતો નથી. જો બીજી બધી બાબતે ખર્ચ વધુ કર્યો હોય તો સ્ક્રીનપ્લે પર ધ્યાન આપવાની જરૂર હતી. કેમકે વીએફએક્સની વચ્ચે વાર્તા ખોવાઇ ગઇ છે. દ્રશ્યો દંગ કરી દે એવા છે પણ રંગ જમાવતા નથી. આ ફિલ્મ સિનેમાને બદલી નાખે એવી ભલે નથી પણ સાવ ફાલતૂય નથી. ફિલ્મના પ્લસ કરતાં માઇનસ પોઇન્ટ વધુ ગણવામાં આવ્યા છે. વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. વળી વીએફએક્સ જોવા માટે થ્રીડીમાં વધુ ખર્ચ કરવો પડશે. એ ખર્ચ કર્યા પછી દર્શકને થશે કે તે એક સુપરહીરો ફિલ્મ જોવા ગયો હતો એના બદલે લવસ્ટોરી નીકળી. આવો અફસોસ થવો જોઇતો ન હતો. હોલિવૂડની ફિલ્મને ટક્કર આપે એવું પ્રોડક્શન હોવા છતાં તેની ત્રણ ભાગમાં રજૂ થનારી વાર્તાની માત્ર લવસ્ટોરી જ આપી છે તેથી એક્શન કે જબરદસ્ત વીએફએક્સ સાથેના દ્રશ્યો વધુ જોવાની વધુ અપેક્ષા રાખનારા દર્શકો નિરાશ થયા છે. શિવા (રણબીર) મુંબઇના એક અનાથાશ્રમમાં મોટો થાય છે. જે વિવિધ કાર્યક્રમોમાં ડિજે વગાડે છે. દશેરાની ઉજવણીના ઉત્સવમાં તેની મુલાકાત અમીર ઘરની છોકરી ઇશા (આલિયા) સાથે થાય છે. અને બંને પ્રેમમાં પડી જાય છે. દરમ્યાનમાં કેટલીક અજીબ ઘટનાઓ બને છે. એક બાળકીનો જન્મ દિવસ મનાવતા શિવાને સપનામાં દેખાય છે કે દેશના એક મોટા વૈજ્ઞાનિક મોહન (શાહરૂખ) ની હત્યા કોઇ શેતાની શક્તિઓ દ્વારા થાય છે. આગળ એમના ઇરાદા વધુ ખતરનાક હોય છે. જેને અટકાવવાની જવાબદારી શિવા અને ઇશા ઉઠાવી લે છે.

હોલિવૂડની ફિલ્મો દર્શકોને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે. જ્યારે 'બ્રહ્માસ્ત્ર' માં રણબીરની અલગ જ દુનિયા છે. પહેલી દસ મિનિટમાં આશા જગાવનારી રોમાંચક લાગતી વાર્તા પાછળથી રણબીર કપૂર- આલિયાની પ્રેમકહાની જ બની રહે છે. એમ કહી શકાય કે શરૂઆતમાં દર્શકોને ચણાના ઝાડ પર ચઢાવવામાં આવે છે. ટાઇટલનો કોઇ અર્થ જ સમજાવ્યો નથી. અને એનું ઐતિહાસિક મહત્વ રજૂ કર્યું નથી. માયથોલોજિકલ ફિલ્મ હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. બ્રહ્માસ્ત્ર કેવી રીતે બન્યું અને એની પાછળનો હેતું શું છે? જેવા સવાલોના ઉત્તર આપ્યા વગર વાર્તા આગળ વધી જાય છે. ઇશાનો શિવાની બ્રહ્માસ્ત્રની વાર્તા સાથે શું સંબંધ છે એનો ખ્યાલ આવતો નથી. મુખ્ય પાત્રો સાથે સામાન્ય લોકો દેખાતા જ નથી.

રણબીર કપૂર અને આલિયાના ડાન્સ સાથેના ગીતો સારા હોવા છતાં દર્શકો માત્ર એ જોવા ગયા ન હતા. બોલિવૂડની ફિલ્મમાં હીરો-હીરોઇનના એકથી વધુ ગીતો હોવા જોઇએ એવી માનસિકતામાંથી નિર્દેશકો ક્યારેય બહાર નીકળી શકવાના નથી. અયાનનો દાવો છે કે દસ વર્ષની મહેનત પછી ફિલ્મ બની છે. એ મહેનત દેખાતી કેમ નથી? પ્રશ્ન થાય કે ગીતો નાખવાની મહેનત કરી છે? અને 'કેસરિયા' ને બાદ કરતાં જરૂર ન હોવા છતાં મૂકવામાં આવેલા ગીતોમાં દમ નથી. રણબીર – આલિયા કોઇનો જીવ બચાવવા વારાણસી જાય છે અને પહેલાં ગીત ગાય છે. એમની પ્રેમકથાને જબરદસ્તી ચલાવવામાં આવી છે. એ બંને જે રીતે મળે છે અને એમની દોસ્તી થાય છે એને સહજ રીતે બતાવી શક્યા ન હોવાથી સ્વીકારી શકાય એવી નથી. અને શિવા સાથે રહેનારા બાળકોને પાછળથી ભૂલાવી દેવામાં આવ્યા છે. અને આલિયાની બેકસ્ટોરીને બતાવવામાં જ આવી નથી. અમિતાભના શિષ્યોને વધારે સમય અપાયો નથી. કેટલાક પાત્રો આવે છે પણ એમના ચહેરા બતાવવામાં આવત નથી. એ ખટકે એવું છે.

દોઢ કલાકની વાર્તાને પોણા ત્રણ કલાક સુધી ખેંચવામાં આવી છે. છતાં એ વાતની ખબર પડતી નથી કે કયું શસ્ત્ર ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું છે. ભવ્ય અને આકર્ષક ફિલ્મના સંવાદ એવા નથી કે પ્રભાવિત કરી જાય. ફિલ્મમાં કલાકારોનો કાફલો છે. એમાં એકનું કામ પણ એવું નથી કે ક્યારેય જોવા મળ્યું ન હોય. ફિલ્મનો ક્લાઇમેક્સ લાંબો ખેંચવામાં આવ્યો છે અને શસ્ત્ર હોવા છતાં વાતો કરવામાં આવી છે. એકદમ ફિલ્મી ક્લાઇમેક્સ છે. કોઇ રહસ્ય કે રોમાંચ નથી. 'બાહુબલી' ની જેમ બીજા ભાગની ઉત્સુક્તા જગાવે એવો અંત નથી.

રણબીર અગાઉ આથી વધુ સારું કામ કરી ચૂક્યો છે. અંતમાં એનું પાત્ર નિરાશ કરે છે. એ પણ શું કરે? ૨૦૧૭ માં ફિલ્મનું શુટિંગ શરૂ થયું હતું. આલિયા હંમેશની પોતાને સોંપેલી ભૂમિકા કરી ગઇ છે. તેના ભાગે ખાસ કંઇ બોલવાનું આવ્યું નથી. અસલ જીવનની જોડી માટે ઉત્સુક્તા હતી. છતાં એમણે એવું કંઇ વિશેષ કર્યું નથી કે યાદગાર બની જાય. અને એમની જોડી આકર્ષક બની શકી નથી. શાહરૂખ ખાન ખરેખર સરપ્રાઇઝ આપી જાય છે. ઇન્ટરવલ પછી અમિતાભ બચ્ચનની મહેમાન ભૂમિકા સારી છે. તેમનો પ્રભાવશાળી અવાજ કામ કરી જાય છે. નાગાર્જુનની ભૂમિકા ઠીક છે. મૌની રૉયે પોતાની નકારાત્મક ભૂમિકાને ન્યાય આપ્યો છે. તેનું આવી ભૂમિકાઓમાં ભવિષ્ય ઉજળું છે. માત્ર પહેલી વખત રણબીર કે આલિયાને સાથે જોવા હોય કે વીએફએક્સનો કમાલ જોવો હોય તો જોઇ શકાય એવી છે. બાકી માયથોલોજિકલ ફિલ્મ તરીકે જોવા જેવી નથી. કેમકે પ્રેમની તાકાત જ સાચું બ્રહ્માસ્ત્ર છે એવો સંદેશ આપે છે. મનોરંજન માટે જોવા જતા દર્શકોને ઘણો ગુંચવાડો ઊભો થશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED