સ્ટ્રીટ નંબર 69
પ્રકરણ -20
સોહમને સાવી સાથે વાત કરવી હતી પણ ખબર નહીં એને શું થયું એણે સાવીનો ફોન કાપી નાંખ્યો...સોહમ પોતે ના સમજી શક્યો કે એણે કેમ એવું કર્યું ? સાવીનો ફરીથી ફોન આવ્યો અને બોલી “ વાત કરતાં કરતાં ફોન કેમ કાપી નાંખ્યો ? શું થયું ?” સોહમે કહ્યું “ખબર નહીં મારાંથીજ કટ થયો. મેં તને એમજ ફોન કરેલો પણ તારો ફોન બીઝી આવ્યો હતો...આપણે મધ્યમવર્ગીય માણસો ...આપણને નાની વસ્તુઓમાં આનંદ આવે અને નાની નાની વાતમાં હર્ટ થઈએ નારાજ થઈ જઈએ આપણને મોટું કશું કરવાનો જાણે હક્કજ નથી..” એમ કહી હસ્યો.
સાવીએ કહ્યું “સોહમ વાત શું છે ? એવું જરૂરી નથી હોતું કે જયારે તમે ફોન લગાવો સામે વાળું વ્યક્તિ ફોન લઇજ શકે કે ફોન લાગીજ શકે અને આવી બાબતે હર્ટ થઇ આવું રિએક્ટ કરવું એ... તેં ફોન કર્યો ત્યારે મારાં પાપાનો ફોન ચાલુ હતો એમને કોઈ નવો કોન્ટ્રાકટ મળ્યો છે અને આવતાં લેટ થશે...મારી મોમનો ફોન ના લાગ્યો એટલે મને કરેલો...”
સોહમે કહ્યું “ઓકે...પણ તું દરિયેથી એકદમ જ જાણે મને છોડીને નીકળી ગઈ હતી સાંજની પૂજા વગેરે ... મને ના સમજાયું સાચું કહું ત્યારે પણ હું હર્ટ થયેલો ... મારે એકલાં એકલાં ઘરે આવવું પડેલું ઘરે આવીને જોઉં તો સરપ્રાઈઝ મારી રાહ જોતી હતી.”
સાવીએ પૂછ્યું "કેમ શું થયેલું ?" શેની સરપ્રાઈઝ ? સોહમે એને માંડીને બધી વાત કરી કે મારાં બોસે ચેરમેનનાં કહેવાથી મોટું ટીવી LED ઘરે મોકલ્યું છે ખુશ થઈને ઇનામ રૂપે મારાં પ્રોજેક્ટ રીપોર્ટ પ્રમાણે કંપનીને ખુબ ફાયદો થઇ રહ્યો છે કહીને...એમણે ...”
સાવી થોડીવાર મૌન થઇ ગઈ સાંભળ્યાં પછી બોલી “ચલો સોહમ સારું છે પેલાં અઘોર બાબાએ તારાં તરફ કોઈ બીજી વિધી નથી કરી એમને ગુસ્સો તારાં તરફ નહીં રહ્યો હોય...એમને તકલીફ મારાંથી થઇ છે પણ એ મને પણ કશું નહીં કરી શકે કારણકે મેં વિદ્યા શીખી પણ હું નોર્મલ જીવનજ જીવું છું હું કોઈ તાંત્રિક પ્રયોગ નથી કરતી કે નથી કંઈ મેળવી લેવાં હવનયજ્ઞ કે વિધિવિધાન કરતી મારુ શું બગાડી લેશે ? એ ચોક્કસ છે કે મારાં આ અઘોરણ થયાં પછી એની તાંત્રિક વિધિઓનું જ્ઞાન મેળવ્યાં પછી એની અસર મારાં કુટુંબ પર પોઝીટીવ પડી રહી છે મોટીબેન અન્વી અને માં ને સ્ટુડીયોમાંથી ઘણાં કામ મળે છે જેનું પેમેન્ટ ખુબ રાહ જોવડાવી મળતું ક્યારેક કાપી નાંખતાં હવે એ સમયસર મળે છે બલ્કે વધારે મળે છે નાની સારું ભણી રહી છે એની બધી જરૂરીયાતો પુરી થાય છે એને ગમતાં ડ્રેસ -બધીજ બ્યુટી કોસ્મેટીક્સ વસ્તુઓ લેટેસ્ટ અને બેસ્ટ ક્વોલિટીની મળી રહી છે ઘરમાં જરૂર કરતાં વધારે પૈસાની આવક થવા લાગી છે પાપાને કામનાં પૈસા સારાં મળે છે નવા નવા કોન્ટ્રેક્ટ મળી રહે છે..”.પછી એ ચૂપ થઇ ગઈ...સોહમે એની પોઝીટીવ અસરો સાંભળીને બોલ્યો “તારાં ફેમિલીને થાય સ્વાભાવિક છે કારણકે તારી વિદ્યાની બાય પ્રોડક્ટ જેવું વધારાનો લાભ મને પણ થઇ રહ્યો છે જે હમણાંજ કીધું નવું ટીવી આવ્યું.”
“પણ...સાવી તને કેવું લાગે છે ? તારું પોતાનું સુખ આનંદ...તને કોઈ સ્ટ્રેસ નથીને ? તું સાંજે જે રીતે મારાંથી છૂટી પડી જાણે તને કોઈ ભય ચિંતા હોય અને હું પણ ડિસ્ટર્બ થઇ ગયેલો.”
સાવી કહે “સોહમ...તને મળી પછી દીલમાં ક્યાંક મીઠી કસક અનુભવેલી...અકસ્માતે તારી સાથે થયેલો ભેટો -મેળાપ મને ખુબ ખુશી આપી ગયો છે તને મળ્યાં પછી એક એક પળ મારી લાગે છે...પણ હું કોઈક અગમ્ય ભારથી જીવી રહી હોઉં એવું ફીલ થાય છે અઘોરબાબા ચંબલનાથની નારાજગી મને સમજાતી નથી મારાં ઉપર કંઈ થાય મને વાંધો નથી પણ મારાં લીધે તને કોઈ મુશ્કેલી ના થાય એજ ચિંતા છે હું સાંજે તને એકલો મૂકી સંધ્યા પૂજાનું કારણ આગળ કરી નીકળી ગઈ એની પાછળ કારણ હતું અમે અઘોર વિદ્યા -તંત્ર મંત્ર જાણનારને આગોતરી જાણ થઇ જાય છે એવાં એહસાસ થવાં માંડે છે કે કોઈ તમારી પાછળ છે તમારું બૂરું કરવાં પ્રયત્ન થઇ રહ્યો છે તમને બંધનમાં નાંખી હેરાન કરવા માંગે છે એવો એહસાસ થયો અને હું તરતજ ઘરે આવવા નીકળી ગઈ...ઘરે આવી તાંત્રિક સાધના કરીને મેં આવનાર વિપત્તિને ટાળી છે તને અને મને બંન્નેને ભયમુક્ત કરવા માટે વિધિ કરી હતી...આવી કોઈ અગમ્ય અને દૈવી ઉપલબ્ધી મેળવ્યાં પછી ખાસ સજાગ રહેવું પડે છે...ગુરુને પણ એવો ભય રહે છે કે એનો શિષ્ય ક્યાંક એનાંથી આગળ ના નીકળી જાય...સોહમ હું જયારે અઘોર વિદ્યા શીખતી હતી ત્યારે આવું બધુંજ શીખવામાં આવતું તમારે કોઈની નજરમાં નહીં આવવાનું કે તમે આટલી વિદ્યા જાણો છો. તમે ઉપલબ્ધી મેળવી લીધી છે નહીંતર શિષ્ય શિષ્ય વચ્ચે અને ગુરુ શિષ્ય વચ્ચે પણ હરિફાઇ તથા ઈર્ષા એકબીજાને હરાવવા પટકાવી હેરાન કરવાનાં બીજ રોપાઈ જાય છે.”
“સોહમ આ અઘોર વિદ્યા સારી રીતે સમજ્યા હોવ પચાવી હોય તો આશીર્વાદ છે નહીંતર શ્રાપ છે હું ઘણું જાણું છું પણ કોઈને કહેતી નથી અને આપણા ગુરુ સમજીને અમુક વિદ્યા નથી શીખવતાં એમની એનાં ઉપર મોનોપોલી રાખે છે એમનુંજ વર્ચસ્વ રાખે છે...તમને સમજીને "અધૂરા" રાખે જેથી જયારે એ કોઈ તાંત્રિક પ્રયોગ તમારાં ઉપર કરે ત્યારે તમે એનો સામનો ના કરી શકો. તમારે એમનાં શરણમાંજ જવું પડે...પણ સોહમ...” હજી આગળ બોલે પહેલાં ફોન કટ થઇ જાય છે...
સોહમ વિચારમાં પડી જાય છે...એમાં આટલું બધું...આ કેવી વિદ્યા છે ? કેવું જ્ઞાન કેવી કળા છે ? ઉપ્લબ્ધીમાં પણ જાણે કોઈ અતૃપ્તિ કોઈ ખોટ લાગે છે અને સાવીનો ફોન અચાનક કટ થયો પાછો...
સોહમે ફોન ફરી કનેક્ટ કરવા ડાયલ કરવા માંડ્યું પણ એનો ફોન સ્વીચઓફ આવે એને આશ્ચર્ય થયું પછી મનોમન એવો વિચાર આવ્યો કે આ શીખવા જેવી વિદ્યા તો છે જ આ મહા અઘોર ચંબલનાથે તો સ્પષ્ટ ના પાડી દીધી...હવે કોઈની પાસે જઈને તો શીખવીજ પડે...ત્યાંજ ...
વધુ આવતા અંકે -પ્રકરણ 21