વસુધા - વસુમાં - પ્રકરણ -51 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ -51

વસુધા – વસુમાં...

પ્રકરણ -51

 

          પીતાંબરનાં  મૃત્યુને મહીના ઉપર થઇ ગયું હતું પીતાંબરનાં ઘરમાં અને વસુધાને જે ખોટ પડી હતી એ કોઈ ભરી શકે એમ નહોતું. વિધિ વિધાન ભાગ્યનાં આ નિર્દયી નિર્ણયે ઘરમાં બધાને ભાંગી નાંખ્યાં હતાં. હજી કળ વળી નહોતી. ગુણવંતભાઈ અને ભાનુબહેન નસીબનો દોષ દઈને મન મનાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. વસુધાનાં માંબાપે એકવાર કહી જોયું કે વસુધાને પોતાનાં ઘરે લઇ જાય... એ હવે અમારે ત્યાંજ રહેશે... પણ વસુધાએજ સ્પષ્ટ ના પાડી દીધી...

વસુધાએ કહ્યું ‘પીતાંબરની હજી આગ ઠરી નથી અને હું શું પારોઠનાં પગલાં ભરું ? હું ક્યાંય નથી જવાની... હું તમારું જ સંતાન છું તમારાંજ સીંચેલા સંસ્કારે મને એવું કરવાં પ્રેરી છે... હું મારી અકુને સારામાં સારી રીતે ઉછેરીશ...અહીંનાં બધાં કામ કરવા સાથે બધીજ હું જવાબદારી ઉપાડીશ.@

“માં હું, મારાં અને પીતાંબરે જોયેલાં સ્વપ્ન સાકાર કરીશ...હવે પીતાંબરની ફરજો એનાં માતા પિતાનાં પ્રત્યેની.. એ બધીજ હું બજાવીશ. હું પીતાંબરનાં મૃત્યુનાં દોષીઓને નહીં છોડું બધાંને સજા અપાવીશ.”

વસુધાનાં માતાપિતા ઘરે જતાં પહેલાં આ બધો વાર્તાલાપ વસુધા સાથે કરી રહ્યાં હતાં. વસુધાને આત્મવિશ્વાસ અને એક અનેરા જોશથી બોલતાં બધાં સાંભળી રહ્યાં. ભાનુબહેન વસુધા પાસે જઈને એને વળગી પડ્યાં અને રડતાં રડતાં બોલ્યાં “હવે તું મારી ઘરની વહુ નહીં દીકરો છે તારાં બધાંજ કામમાં અમારો સંપૂર્ણ સાથ રહેશે... “

ગુણવંતભાઈ વસુધામાં પીતાંબરનો રણકો જોઈ રહેલાં એમણે નમ આંખે કહ્યું “દીકરો ગુમાવ્યો છે પણ એનો રણકો હજી જીવંત છે... ઈશ્વરને પ્રાર્થના કરું કે તને દરેક કામમાં સફળતાં આપે.”

પાર્વતીબેન અને પુરુષોત્તમભાઈએ વસુધાને આશીર્વાદ આપ્યાં... અને ઘરે જવા માટે રજા લીધી હતી આજે પીતાંબરનો માસિયો વગેરે વિઘી પણ પુરી થઇ ગઈ હતી વરસી વળાઈ ગઈ હતી. દિવાળી ફોઈએ કહ્યું “હવે હું મારાં ઘરે નહીં જઉં હું મારી વસુધાની જોડેજ રહીશ... હવે હું એનાં કામમાં... દીકરી ઉછેરમાં મદદ કરીશ.”  બધાએ વસુધાની સામે જોઈને જાણે સંતોષ લીધો...

 

*****

        ખેતરમાં પાકની કાપણી થઈ ગઈ હતી. ત્યાં ગોડાઉનમાંજ બધું અનાજ બોરીબંધ કરીને મુકાઈ ગયું હતું. પીતાંબરનાં ગયાં પછી ભાગીયો બુધો સાવ સુધરી ગયો હતો એણે બધું વ્યસન છોડી દીધું હતું... આજે સવારથી વસુધા અને ગુણવંતભાઈ બંન્ને ખેતરે હતાં. વેપારી બધું અનાજ લેવા માટે આવેલો. વસુધાએ સવારથી કહ્યું હતું કે બાપુજી હું આવીશ સાથે... અને ગુણવંતભાઈ એને બાઈક પર લઈને ખેતરે આવેલાં. આકાંક્ષા દિવાળીફોઈ અને ભાનુબહેન પાસે હતી.

વસુધાએ ગોડાઉનમાં એક નજર નાંખી બધુજ અનાજ ભરીને તૈયાર હતું એણે બુધાને સૂચના આપીકે એક વાડકામાં અનાજનું સેમ્પલ વેપારીને બતાવ.

બુધો એક નાની તગારીમાં સેમ્પલ લઇ આવ્યો અને વેપારીને બતાવ્યું વેપારીએ સેમ્પલ જોઈ ખુશ થતાં કહ્યું ‘સરસ ભરેલો દાણો છે ક્વોલીટી સરસ છે તમને બજાર કરતાં બે રૂપિયા ભાવ વધારે ભરી આપીશ... પણ બધોજ માલ આ સેમ્પલ બતાવો છો એવો સરખોજ છે ને ?”

ગુણવંતભાઈએ વેપારીને કહ્યું “આટલાં સમયથી તમને જ બધો પાક આપીએ છીએ ક્યા દિવસે તમારે જોવું પડ્યું ?અમે ખોટું કરીશુંજ નહીં... અને હા હવે મારી દીકરી વસુધા બધો હિસાબ -ખેતી વગેરે જોશે... તમારે એની સાથે બધાં હિસાબ અને વ્યવહાર કરવાનાં છે. “

વેપારીએ કહ્યું “દીકરી સદાય સુખી રહે એ ખુબ હુંશિયાર અને સીધું કહેનારી છે પૂછનારી છે મને એની સાથે કામ કરવું ગમશે. “

વસુધાએ કહ્યું “કાકા અહીં જે ઉગશે એ બધુંજ તમને વેચશું બસ ભાવમાં ધ્યાન રાખજો... અમારી એ કાળી મજૂરી હોય છે અને એમાંથીજ ઘર ચાલે છે અને બીજાં ખર્ચ નીકળે છે. “

વેપારીએ કહ્યું “તમે આટલી ચોખવટથી સાફ વાત કરો છો હું શા માટે ખોટો ભાવ ભરું ? મારાં તરફથી ક્યારેય ખોટું નહીં થાય.”

વસુધાએ બધુંજ અનાજ બતાવ્યું અને વેપારીને વજન કરાવી ભાવ પ્રમાણે ચેક આપી દેવા કહ્યું વજન કાંટે ટ્રેકટરમાં સાથે બુધાને મોકલ્યો. વસુધાને સરસ રીતે કામ કરતી જોઈને ગુણવંતભાઈને આનંદ થયો.

*****

વસુધાએ ખેતરમાં બધે નજર કરી અને બુધાની વહુને કહ્યું “જ્યાં જ્યાં છીંડા પડ્યાં હોય ત્યાં કાંટા ભરી દેજો કોઈપણ જાનવર અંદર ઘુસી ના જાય... આમતો ફેન્સીંગ છે પણ ઢોરવાળા તાર તોડીનેય ઢોર ઘુસાડતા હોય છે એટલે પૂરું ધ્યાન રાખજે હું અવારનવાર આવતી રહીશ...” વેપારીએ કહ્યું “કાંટો કરાવીને સ્લીપ સાથે ઘરે આવું છું ત્યાં મળીશું”. વસુધાએ કહ્યું “ભલે..”

*****

ખેતરનું કામ પતાવીને વસુધાએ કહ્યું “બાપુજી હું દૂધની બધી ચોપડીઓ લઈને આવી છું પીતાંબર હતાં ત્યારે જે એન્ટ્રીઓ પડી હતી પછી આગળનો હિસાબ જોવાનો બાકી છે આપણે સીધા ડેરીએ જ જઈએ ત્યાં મંડળી જઈને હિસાબ જોવો પડશે.” ગુણવંતભાઈએ કહ્યું “તારી વાત સાચી છે ચાલ સીધાં દૂધ મંડળીએ જઈએ.”

વસુધા અને ગુણવંતભાઈ દૂધ મંડળીએ પહોંચ્યા ત્યાં મંડળીમાં બે ચાર જણાં બેઠાં હતાં એમાં મોતી આહીર અને ભૂરો ભરવાડ બેઠાં હતાં તેઓ વસુધા અને ગુણવંતભાઈને જોઈને આઘાપાછા થઇ ગયાં. વસુધાએ એ જોયું અને હસું આવી ગયું ત્યાં મંડળીની ઓફિસમાં જઈને વસુધાએ ગુમાસ્તાને કહ્યું “આ ચોપડીઓમાં બધી એન્ટ્રીઓ કરી આપો. અને હિસાબ જોઈ આપો.”

વસુધાએ નમ આંખે પીતાંબરનું ડેથ સર્ટીફીકેટ કાઢીને આપ્યું અને કહ્યું “એમનાં નામનાં શેર બાપુજીનાં નામે ટ્રાન્સફર કરી દેજો આ સાથે અરજી છે.” ગુણવંતભાઈ સાંભળતાંજ કહ્યું “ના ના... પ્રવીણભાઈ પીતાંબરનાં બધાંજ શેર વસુધાનાં નામે ટ્રાન્સફર કરી દો અને મારાં નામે છે ભાનુનાં નામે છે બધાંજ વસુધાનાં નામે ટ્રાન્સફર કરી દેજો એમાં ભૂલ ના થાય..”. “એ બધાં શેરનાં નામ ટ્રાન્સફર કરી વસુધાનાં નામે કરી સાંજ સુધીમાં ઘરે રૂબરૂ આપવા આવજો સાથે રજીસ્ટર લઈ આવજો અને સહીઓ પણ કરી લઈશું આમાં કોઈ ચૂક ના થાય.” એમ ભાર દઈને ગુણવંતભાઈએ ગુમાસ્તા પ્રવિણભાઈને કડક સુચનાં આપી.

વસુધાએ પ્રશ્નાર્થ નજરે ગુણવંતભાઈ સામે જોયું... ગુણવંતભાઈએ આંખનાં ઈશારે શાંત રહેવા કહ્યું અને બોલ્યાં “ઘરે જઈને વાત...”

વસુધા-ગુણવંતભાઈ બધાં કામ નિપટાવીને ઘરે આવ્યાં. ભાનુબહેને કહ્યું “વસુધા... પહેલા આકાંક્ષાને સમય આપ હવે અને પછી મારે સરલા અંગે વાત કરવાની છે હમણાં સરલા ગામમાં એની બહેનપણી રશ્મીને મળવા ગઈ છે. પીતાંબરને ગયે દોઢ મહીનો થયો હવે સરલાનો પ્રોબ્લેમ સમજવો પડશે.”

વસુધા આશ્ચર્યથી જોઈ રહી પછી સંમત્તિસૂચક ડોકું ધુણાવ્યું અને કંઈ બોલી નહીં કારણકે એણે બહાર વેપારીને આવતાં જોયાં. વસુધા તરત બહાર ગઈ અને બોલી “આવો કાકા આવો..” એમ કહી એમને ઓસરીમાં ગાદી પર બેસાડ્યાં. પછી એમને પાણી આપ્યું અને ચા પાણી માટે પૂછ્યું.

વેપારીએ કહ્યું “દીકરા બધે ચા જ પીધી છે હવે ઘરે જવાનો સમય થયો આજે રહેવા દે પછી ક્યારેક પીશ જો આ કાંટે વજન કરાવી લીધું એની સ્લીપ... વજન અને ભાવ લગાડી આટલો હિસાબ થાય છે એ હિસાબ જોઈલે એટલે ચેક લખું...” વસુધાએ સ્લીપ...બીલ બધું જોયું વજન ચેક કર્યું અને બોલી “બરોબર છે લખી દો ચેક...”  વેપારીએ કહ્યું “ભલે... એમ કહીને 1,37,000/- ચેક લખીને હાથમાં આપ્યો અને બોલ્યાં “આ સાલ પાક સારો થયો છે જમીનનાં વિસ્તાર છે એ પ્રમાણે ઉતારો સારો મળ્યો.”

વસુધાએ ચેક લઈને પાપનાં હાથમાં આપ્યો ગુણવંતભાઈ ખુશ થઇ ગયાં અને બોલ્યાં “સુખી રહે દીકરાં...” ભાનુબહેન સંતોષ ભરી નજરે વસુધાને જોઈ રહ્યાં.

વેપારીએ વિદાય લીધી અને સામે પ્રવીણભાઈ ગુમાસ્તા આવ્યા... વસુધાએ એમને બેસાડ્યાં અને એ પાછી કબાટમાંથી રજીસ્ટર લેવાં ગઈ...

પ્રવીણ ગુમાસ્તાએ ગુણવંતભાઈને બધાંજ શેર વસુધાનાં નામે ટ્રાન્સફર કરી લીધાં એ બતાવ્યાં શેર આપ્યાં અને રજીસ્ટરમાં સહીઓ લીધી.

વસુધાએ ઘરમાં રજીસ્ટરમાં નોંધેલા દૂધ સાથે મંડળીનાં રજીસ્ટર સાથે સરખાવ્યું અને જોયું બરોબર છે અને બોલી “બધું મળતું છે બરાબર છે” કહીને અંદરથી ચા બનાવીને લાવી અને પ્રવીણભાઈ અને ગુણવંતભાઈને આપી. પ્રવીણભાઈ પાસેથી મંડળી અંગે વિગતો લીધી... પ્રવિણભાઇનાં ગયાં પછી વસુધાએ શેર અંગે ગુણવંતભાઈને પ્રશ્ન કર્યો કે “કેમ મારાં નામે શેર કર્યા ?...”

 

વધુ આવતા અંકે પ્રકરણ -52