માયા બધાથી નજર છુપાવીને અગાસી પર આવી ગઈ, સુકાતા કપડાંની ઓથે છુપાઈને ડુસકા લેવા માંડી, શ્યામા એની વહારે આવી અને એને એની પાછળથી ખભે હાથ મૂકીને એને પોતાની દિલની વાત કહેવા કહ્યું, માયાએ વાતને ટાળી દીધી અને કહેવા માંડી કે એ લગ્ન કરીને પાછી જતી રહેશે એ વાતનું એને બહુ દુઃખ થાય છે, શ્યામા હસી પડી અને એને સાંત્વના આપી, પરંતુ એ ખૂબ સારી રીતે જાણતી હતી કે એના આંસુ નયનની વાતને લઈને જ છલકાયા હતા!
શ્યામા એની વાતને માની ગઈ, પરંતુ આ વાતને ધ્યાનમાં રાખીને એને શ્રેણિક સાથે વાત કરી, બન્નેએ માયા અને નયનને સરખે પાટે લઈ આવવા માટે એક યુક્તિ ઘડી, યુક્તિ મુજબ બન્નેએ એકબીજા જોડે એમની સામે ઝગડવાનું શરૂ કર્યું , વાતે વાતે એકબીજાને ઉતારી પાડવું, એકબીજાનો ખરીખોટી સંભળાવવી આ બધું એમની યુક્તિ ભાગરૂપે એમની સામે રજૂ થયું, માયા અને નયનને ખરેખર અહેસાસ થવા માંડ્યો કે શ્યામા અને શ્રેણિક વચ્ચે નક્કી કઈ પ્રોબ્લેમ છે, તેઓએ બન્નેને સમજાવવા મથામણ કરવાના પ્રયાસ કરવા માંડ્યા, એ વખતે બંને એકમત થઈને બન્નેને સમજાવતાં અને એમનાં સબંધને સાચવી રાખવા મહેનત કરતા હતા, આ બધું જોતાં શ્યામા અને શ્રેણિક મનોમન ખુશ થઈ જતાં.
બે દિવસમાં તો લગ્ન છે ને આ બન્ને આવી રીતે નાટક કરી રહ્યા હતા, માયાને શ્યમાનું ટેન્શન થવા માંડ્યું, એને નયનને વાત કરીને શ્રેણિકને સજાવવા કહ્યું અને આ બાજુ એ જ પરિસ્થિતિ શ્રેણિકે પણ રચી લીધી, ચાર જણ વચ્ચે વાતને એવી પેચીદી કરી નાખી હતી કે બધાંની ઊંઘ હરામ થઈ ગઈ હતી, એમને આ પ્લાનમાં ઘરના બધા જુવાનિયાઓને ભેગા કરી દીધા હતા, એક સિક્રેટ મિશનની માફક માયા અને નયન સિવાય બધા પોતાનો સારો એવો ભાગ બજાવી રહ્યા હતા, આ બધાથી અજાણ બન્ને એવા ભોળવાઈ ગયા હતા કે ઇમોશનલ થઈને તેઓ એમની ગડમથલ કરી રહ્યા હતા!
આ બધા વચ્ચે લગ્નનો દિવસ આવી ગયો, તૈયારીઓ થઈ ગઈ હતી એટલે બહુ દોડાદોડી હતી નહિ શ્રેણિકની જાન પણ બાજુના ફળિયાથી આવવાની હોવાથી બીજી કોઈ વાતની ગંભીરતા નહોતી, મહેમાનના ઉતારાથી માંડીને એમનાં રહેવાની બધી સુવિધાઓ સંપૂર્ણપણે સચવાઈ ગઈ હતી, હવે તો માત્ર જાન આવે અને વરઘોડિયા સપ્તપદી પઢે એની જ વાર હતી, પંડિતે ચોરીમાં એમની બધી ગોઠવણ કરી નાખી હતી, કન્યાપક્ષ અને વરપક્ષ બન્ને તૈયાર થવામાં મશગુલ હતા, કૃતિ આરોહી અને માહી જેઓ આગાઉ લગ્નમાં તૈયાર થવાનો અવસર ચૂકી ગયા હતા તેમણે પાર્લરમાં જઈને એમનાં શોખ પૂરા કરી દીધા, નવી વહુઓ વંદના અને આભા ઘરનો પ્રસંગ મ્હાલવાનો ફરી મોકો મળ્યો, એમનો તો ઉમળકો જાણે ઓછો જ નહોતો થતો, સરલા, રમીલા અને મહેશ્વરીએ પોતાની હોશિયારીપૂર્વક વિધિ અને રિવાજો સાચવી લેવાની ટેક લીધી હોય એમ જારી જવેરાથી માંડીને કંસાર સુધીની બધી તૈયારીઓ પોતાની મેળે કરી નાખી, શ્યામાના ભાઈઓએ જેમને આગાઉ જે કસર બાકી રહેવા દીધી હતી એ બધી આ વખતે પૂરી કરવાના હોય એમ તૈયારીઓ કરી નાખી હતી.
આ બાજુ છેલ્લા વખતે માત્ર મુરતિયા સાથે લગ્ન થયા હતા પરંતુ આ વખતે આખો પરિવાર લઈને જાનમાં જોડાવાની ખુશી સુતરીયા પરિવારને અપરંપાર હતી, આ વખતે અનિકેત અને પ્રતિમા સાથે જોડાયા હતા, સુચિતા ભાભીને લાવવાના અવસરને માણી રહી હતી, જે માત્ર વિડિયો કોલમાં જોઈને લગ્ન કરાવેલા એ જ પ્રસંગ આજે ફરી રૂબરૂ બન્યો હતો.
શ્રેણિક એની રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો, નયન એને મદદ કરી રહ્યો હતો, એ બન્ને વચ્ચે શું વાત થઈ કે વાતમાં સોપો પડી ગયો, નયનની આંખ પહોળી થઈ ગઈ, એને એક વખત તો ચક્કર આવી ગયા હોય એમ લાગ્યું, શ્રેણિકે એને પાણીનો ગ્લાસ આપીને સંભાળ્યો અને સોફા પર બેસાડ્યો.
ક્રમશઃ