પ્રેમ ક્ષિતિજ - ભાગ-૫ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૫

"ચાલ શ્યામા! જલદી ભાગ!"- માયાએ શ્યામાને ખેંચાતા કહ્યું.
" હા આવી..તારે જ ઉતાવળ હોય દરેક વાતે! લાવવામાં પણ તે દોડાવી મને ને હવે જવામાં પણ દોડાવે છે!"- શ્યામા એની પહેરેલી ઝાંઝરના ઝણકાર સાથે એના સ્વરનો નાદ ગુંજવી રહી હતી.
"પણ તે ઘરમાં કોઈને કંઈ કહ્યું નથી એટલે હવે મને ટેન્શન થાય છે! બાપુજી બોલશે તો?"- માયાની ચિંતા વધી.
"હાલ્ય ને ઈ તો પડ્યાં એવા દેવાશે!"- શ્યામા શાંતિથી બોલતાં હસી.
"સાલું તને તો કોઈ ફિકર જ નથી."
"ફિકર ના હોત તો નદીને ઘાટે કરુણા માટે ના દોડી હોત!"- શ્યામાએ એની અણિયારી આંખોના તીર સાથે માયા સામે જોયું.
"હા પણ મહેમાન આવશે તો શું વિચારશે?"
"આવવા તો દ્યે! આવશે પછી જોવાનું ને!"- શ્યામાએ બેફિકર થઇને બાજુમાં નડી રહેલા ઝાડની ડાળને ખસેડી, ડાળી પણ એના સ્પર્શથી ખુશ થઈ ગઈ હોય એમ એક ઝાટકે અંદરની બાજુએ શરમાઈને ગોઠવાઈ ગઈ.
બન્ને બહેનપણીઓ વાતો કરતા કરતાં નદીના પટેથી ઉપર તરફ આવી, કોંક્રિટના રસ્તે એમનાં પગલાં માંડ્યા. ઉતાવળે પગલે ચાલતા પાયલનો અવાજ જાણે એમની આતુરતાની ચાડી ખાતો હતો, તોય બેનપણીઓ વાતોમાંથી ઊંચી નહોતી આવતી.
પાછળથી એક સનન કરતી ગાડીઓ અવાજ સંભળાયો, સવારે આવી રીતે ગામમાં ગાડી આવતાં જોઈ શ્યામાને ખ્યાલ આવી ગયો કે પાક્કી મહેમાનની ગાડી હશે! એણે છતાંય જરાય મચક આપ્યા વગર એની ધૂનમાં ચાલવાનું ના મૂક્યું, ગાડી ધીમી પડી ને એમાંથી ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલા એક નવયુવાને બૂમ પાડી.
"ક્યુઝ મી, અમરાપર ગામ આ જ છે ને?"- એ યુવાન બોલ્યો.
"કા, ગુજરાતી વાંચતા નથ આવડતું? વાહે મોટું પાટિયું તો મારેલું સે!"- માયાએ ગોગલ્સ પહેરેલા અંગ્રેજી ઢબના બીબામાં ઢળેલા ભારતીય યુવાનને ગામઠી રીતે ઠેકડીભેર જવાબ આપ્યો.
"જોયું, પણ આ તો કન્ફર્મ કરું છું." - એણે જવાબ આપ્યો.
"કેમ તમારા ગૂગલ મેડમ શું કહે છે?"- માયાએ એના મોંઘાદાટ મોબાઇલ સામે ઈશારો કરતા કહ્યું.
" વોટ? વોટ યુ મીન?" - યુવાન જરા ઉશ્કેરાયો, એને ખ્યાલ આવી ગયો કે આ માયા એની બરાબર મજા લઇ રહી છે.
"કશું નહિ! અમરાપરમાં આપનું સ્વાગત છે! હું માફી ચાહું છું."- શ્યામાએ બાજી સાંભળતા કહ્યું અને જોડે માયાને એની આંખોથી મુંગુ રહેવા ઈશારો કર્યો.
"થેંક યુ, તમારી બહેનપણીને સમજાવી દેજો...!"- એ યુવાન માયા તરફ જોઈને બોલી રહ્યો.
" હા ભલે!"- શ્યામા એની સામે સ્મિત આપીને ઉભી રહી.
"અરે શું થયું નયન?" પાછળની સીટ પર બેસેલો યુવાન જેનું ધ્યાન એના લેપટોપની સ્ક્રીન પર હતું એ અચાનક બોલ્યો.
"કઈ નહિ યાર, આ તો એક છોકરી મિસગાઈડ કરતી હતી."
" શું કીધું? કઈ નથી બોલતી તો કઈ પણ બોલે જાય છે આ અંગ્રેજી ઓલાદ!" - માયા ફરી ભડકી.
"હેય, માઈન્ડ યોર લેન્ગવેજ!"- એ યુવાન ગરમ થઈને બોલ્યો, એ ગાડીનું બારણું ખોલીને બહાર આવ્યો.
માયા અને આગળની સીટ પર બેસેલા યુવાનને જેને નયનનાં નામથી સંબોધવામાં આવેલો એ બન્ને વચ્ચે સવારની ઠંડક વચ્ચે ગરમાગરમી થવા માંડી, શ્યામા બંન્નેને શાંત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.
"સ્ટોપ ઇટ નયન! મોડું થાય છે ખબર છે ને?"- અંદર બેસેલા યુવાને એને રોક્યો.
" હા ભાઈ આવ્યો...તને તો જોઈ લઈશ ચિબાવલી!" કહેતાં એ પાછો બેસી ગયો.
" હા જોઈ લેજે, હું પણ જોવું છું કે અમરાપરમાં તારી મહેમાનનવાજી શેને થશે! સારી પેઠે મજા ચખાડું નાં તો મારું નામ માયા નહિ!"- માયા બબડી રહી.
" માયા...આવેલ કોઈ પણ માણસ મહેમાન કહેવાય! શું તું પણ?"- શ્યામા એને સમજાવી રહી.
લેપટોપમાં માથું નાખીને બેસેલા નવયુવાનની નજર શ્યામાના અવાજ સંભાળતાની સાથે ઊંચી ઉઠી, આ શોરબકોર જેનું ધ્યાન હટાવી નાં શક્યો એ માત્ર શ્યામાના અવાજનો સાથે સરવો થઈ ગયો. એની નજર શ્યામા તરફ ગઈ, એ એને જોતો જ રહી ગયો, બધી પ્રકૃતિ જાણે શ્યામાના રૂપમાં અટકી ગઈ હોય એમ એ એને નિહાળવા લાગ્યો!
પણ નયનનાં ઇશારા સાથે ડ્રાઈવરે ગાડી ચાલુ કરી દીધી, ને એ યુવાન એને જોતો જ રહી ગયો.

ક્રમશઃ