ડાર્લિંગ્સ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

ડાર્લિંગ્સ

ડાર્લિંગ્સ

-રાકેશ ઠક્કર

ફિલ્મ 'ડાર્લિંગ્સ' ની રજૂઆત પછી આલિયા ભટ્ટ – કપૂર માટે નેપોટિઝમને બાજુ પર રાખીને ફરી એક વખત કહેવું પડશે કે તે અભિનયમાં કોઇને ગાંઠે એવી નથી. પરંતુ સ્ક્રીપ્ટની પસંદગી કરવામાં તે સતત થાપ ખાઇ રહી છે. બીજી નવોદિત અભિનેત્રીઓએ હજુ અભિનય શીખવાની જરૂર છે ત્યારે આલિયાએ સારી સ્ક્રીપ્ટ પસંદ કરવાનું શીખવું પડશે. તેની બુધ્ધિ વિશે આવતા જોક્સ સાથે આ વાતને કોઇ લેવાદેવા નથી એવો ખુલાસો કરવો પડશે! કલંક, સડક-૨ પછી 'ડાર્લિંગ્સ' તેનું વધુ એક ઉદાહરણ છે. તે એક સફળ નિર્માત્રી પહેલી ફિલ્મથી જ સાબિત થઇ ગઇ છે. શાહરુખ ખાન સાથે મળીને તેણે 'ડાર્લિંગ્સ' ને થિયેટર માટે બનાવી હતી પરંતુ તેના પ્રચાર પાછળ મોટો ખર્ચ થાય એમ હતો અને તેની વ્યવસાયિક સફળતાની ખાતરી ન હતી એટલે OTT ને સારી કિંમતે વેચીને નફો કમાઇને નિર્માત્રીના રૂપમાં શરૂઆત કરી છે. આલિયાને એ માટે પણ દાદ મળવી જોઇએ કે કોઇ ફિલ્મની રીમેક કે નકલ કર્યા વગર નવી જ વાર્તા પર બનાવી છે. તે આમપણ અલગ પ્રકારની ફિલ્મો કરે છે. લગભગ બધાં જ સમીક્ષકોએ 'ડાર્લિંગ્સ' ને આલિયા અને શેફાલીના અભિનયને કારણે એક વખત જોવાની ભલામણ કરી છે. કેમકે બંને આંખોથી પણ વાત કરી જાય છે. આલિયા બદરુન્નિસા તરીકે જ પડદા પર લાગે છે. પોતાના પાત્રને સાકાર કરવાની કળા આલિયા સારી રીતે શીખી ગઇ છે. મુંબઇની દેશી બોલીને પણ અપનાવી છે. પહેલાં એક ડરપોક અને પછી દબંગ સ્ત્રીની જે ભૂમિકા ભજવી છે એ કાબિલે તારિફ છે. તેનો આ શ્રેષ્ઠ અભિનય ભલે નથી પણ એક અભિનેત્રી તરીકે અલગ ભૂમિકા ભજવી છે. આલિયાએ કહ્યું છે કે તેણે આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે ૯૮% અને નિર્માત્રી તરીકે ૨% જ સમય આપ્યો છે. તેના અભિનય માટે 'ગંગૂબાઇ કાઠિયાવાડી' વખતે આલિયા પર શંકા કરનારા ખોટા પડ્યા હતા. તેની માતા શમશૂની ભૂમિકામાં તેને શેફાલી શાહનો સારો સાથ મળ્યો છે. બંનેની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. શેફાલી વગર ફિલ્મ અધુરી છે. તેના પાત્રમાં ઘણું રહસ્ય છે. મોટાભાગની ફિલ્મને એક ચાલીના ઓરડામાં જ ફિલ્માવવામાં આવી હોવાથી ખર્ચ ઓછો જરૂર થયો હશે. પણ વાર્તા એક જ જગ્યાએ ફરતી રહે છે. ઘણી જગ્યાએ ધીમી ગતિએ આગળ વધતી વાર્તાને કારણે દર્શકો રસ ગુમાવી દે છે. એક ટૂંકી ફિલ્મ તરીકે ચાલી શકે એવી વાર્તા પર સવા બે કલાક લાંબી ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મની ગતિ એટલી ધીમી છે કે ત્રણ કલાક લાંબી હોય એવું લાગી શકે છે. આ લંબાઇ OTT પરની ફિલ્મો માટે વધારે ગણાય છે. કેટલીય બાબતોનું જુદી જુદી રીતે પુનરાવર્તન થતું રહે છે. વાર્તા કહેવાની રીત નબળી છે. સ્ક્રીપ્ટમાં ઘણી ખામીઓ છે. જસમીત કે રીનનું નિર્દેશન સામાન્ય છે. ડાર્ક કોમેડીને કારણે બધાંને પસંદ આવે એવી નથી. જોકે, કોમેડી બહુ જ ઓછી છે. ફિલ્મને હિન્દીમાં સારો પ્રતિસાદ મળે એ માટે પૃષ્ઠભૂમિ મુંબઇની રાખી છે. ફિલ્મમાં ઘરેલૂ હિંસાને મુદ્દો બનાવવામાં આવ્યો છે. ગીત- સંગીત અને ગ્લેમર વગરની આ ફિલ્મનો ક્લાઇમેક્સ એક મજબૂત સંદેશ આપી જાય છે. બહારની દુનિયામાં જે પતિને ધૂત્કારવામાં આવે છે એ ઘરમાં રાજા બનવાની કોશિષ કરે છે. પત્ની પર અત્યાચાર કરે છે. પત્નીને એમ હોય છે કે પતિ એક દિવસ બદલાશે પણ આખરે પત્નીએ બદલાવું પડે છે. ઘરેલૂ હિંસા પર અનેક ફિલ્મો બની ગઇ હોવા છતાં આલિયા અને શેફાલીની સાથે વિજય વર્મા, રોશન મેથ્યુ વગેરેનો વાસ્તવિક અભિનય 'ડાર્લિંગ્સ'ને અંત સુધી જોવાની હિંમત આપે છે. ફિલ્મ એ કારણે જ ત્રણ કે તેથી વધુ સ્ટાર મેળવવામાં સફળ થઇ છે. બાકી ફિલ્મમાં એવા કોઇ ટ્વીસ્ટ કે ટર્ન નથી કે આગળની વાર્તા જાણવાની ઉત્સુક્તા ઊભી થઇ શકે. ફિલ્મમાં ગુલઝાર અને વિશાલ ભારદ્વાજનું ગીત- સંગીત ખાસ અસર છોડી શક્યું નથી. એમણે ફિલ્મ પ્રમાણે જ ગીતો આપ્યા છે. અરિજિત સિંહનું 'લા ઇલાજ' સાંભળવું ગમે એવું છે.