Prem - Nafrat - 41 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૪૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૧

લખમલભાઇની શરતની વાત સાંભળીને રચના ચમકી ગઇ. પોતાની બાજી એ બગાડશે કે શું? એવી શંકા મનમાં ઉદભવી. લખમલભાઇએ એને પરિવારની વહુ બનાવવાની બધાં તરફથી સંમતિ આપી દીધી હતી. પરંતુ એ મીતાબેન માટે શરત હોવાનું કેમ કહી રહ્યા હતા એ સમજાતું ન હતું.

'શરત...? મારા માટે?' મીતાબેન એક આંચકો ખમીને પૂછી રહ્યા.

'મારી શરત એવી છે કે આરવ અને રચનાના લગ્ન થયા પછી તમારે રહેવાનું સ્થળ બદલવાનું છે...' લખમલભાઇએ પોતાની વાત જાહેર કરી.

મીતાબેનને થયું કે તે વેવાઇના ઘરમાં કેવી રીતે રહી શકે? એમના ચહેરા પરની મૂંઝવણ જોઇને લખમલભાઇ કહેવા લાગ્યા:'તમારે વધારે વિચારવાની જરૂર નથી. તમારા માટે એક બંગલો ફાળવવામાં આવશે. જેમાં નોકર-ચાકર હશે. તમારી વહુ એક મોટી મોબાઇલ કંપનીના માલિકની પત્ની બનવાની છે.'

'હા, એ વાત સાચી છે પણ હું મારું ઘર કેવી રીતે છોડી શકું? અને તમારા તરફથી આ રીતે બંગલો ના હોય. ખરેખર તો અમારે દીકરીને લગ્નમાં કંઇક આપવાનું હોય...' મીતાબેન સામાજિક રીતરિવાજને ધ્યાનમાં રાખીને બોલી રહ્યા હતા.

'તમે સમજ્યા નહીં. અમે તમને બંગલો આપી રહ્યા નથી. એ તમને રહેવા માટે જ આપી રહ્યા છે. તમારી દીકરી 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીની ડિરેક્ટર બનશે એ મુજબ એને અમારે રહેવા માટે એક બંગલો ફાળવવાનો થાય છે. એમાં તમારે રહેવાનું છે. બહુ સામાન્ય શરત છે. બલ્કે આ તો રચનાનો હક છે. એ ભલે પરણીને અમારા ઘરે આવે પણ એને બંગલો મળવો જોઇએ અને એ અમે આપી રહ્યા છે. મને લાગે છે કે હવે આ બાબતે ચર્ચાને કોઇ અવકાશ નથી.' લખમલભાઇ પોતાનો નિર્ણય સુણાવતા હોય એમ બોલ્યા.

મીતાબેને રચના સામે જોયું. રચનાએ હસીને ઇશારાથી જ સ્વીકાર કરી લેવા કહ્યું. મીતાબેનને થયું કે જ્યારે લખમલભાઇ સામે એમનું રહસ્ય ખુલશે ત્યારે કેવી સમસ્યા ઊભી થશે એની રચનાને કલ્પના નથી.

'સારું...' કહીને મીતાબેને શરત માની લીધી.

લખમલભાઇના પરિવારના દરેક સભ્યએ રચના સાથે વાતચીત કરી. આરવે બધાંને કંપનીમાં રચનાએ પ્રગતિ માટે કેવા પ્રયત્ન કર્યા એની વાત કરી ત્યારે કિરણ અને હિરેન સાથે એમની પત્નીઓને થોડી ઝાળ લાગી. હિરેન અને કિરણને થયું કે તેઓ પણ વર્ષોથી કંપનીની પ્રગતિના ભાગીદાર છે. અલકા અને સોનલને થયું કે રચનાએ આવતાં પહેલાં જ પોતાનું મહત્વ વધારી દીધું છે. બંનેએ ઘર- પરિવારને સાચવવાનો છે જ્યારે રચનાએ કંપનીની ઓફિસમાં શેઠાણીની જેમ મજા કરવાની છે.

ચર્ચા- વિચારણા પછી એવું નક્કી થયું કે નવો મોબાઇલ લોન્ચ થયા પછી એક સપ્તાહમાં લગ્ન લઇ લેવાના. લખમલભાઇએ મીતાબેનને ધરપત આપતાં કહ્યું:'તમે કોઇ પ્રકારની ચિંતા કરશો નહીં. અમે બધી જ વ્યવસ્થા ગોઠવી દઇશું...'

મીતાબેનને ડોકું હલાવ્યા સિવાય કંઇ કરવાનું રહેતું ન હતું. રચનાએ જોયું કે લખમલભાઇના નિર્ણય સામે કોઇએ કંઇ કહ્યું નહીં.

લખમલભાઇના ઘરેથી આરવ બંનેને એમના ઘરે મૂકી ગયો.

ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ મીતાબેન બોલ્યા:'રચના, આ બધું મને સપના જેવું લાગે છે. આ એક નાનકડું ઘર તારા પપ્પાએ કેવી રીતે વસાવ્યું હતું એ હું જ જાણું છું. હવે મહેલ જેવા બંગલામાં રહેવા જવાનું થશે. પણ તેં ભવિષ્યનો વિચાર કરી લીધો છે ને? વિચારી લેજે કે 'હવેલી લેતાં ગુજરાત ખોયું' કહેવતની જેમ આપણા હાલ તો નહીં થાય ને?'

રચના આત્મવિશ્વાસ સાથે બોલી:'મા, તું મારા પર વિશ્વાસ રાખજે. મને આપણા ભાવિષ્યની તો ખબર છે પણ લખમલભાઇને પોતાના પરિવાર કે એમના ભવિષ્યની ખબર નથી...'

'દીકરી, હું ફરી તને કહું છું કે આપણે બહુ ગરીબ છીએ. આટલા મોટા લોકો સાથે તું એકલી કેવી રીતે બાથ ભીડી શકશે?' મીતાબેનની ચિંતા વધતી જતી હતી.

'મા, પપ્પાએ મને એવી શક્તિ આપી છે કે હું કોઇપણ સંજોગોમાં ડરવાની નથી. તું લગ્નની તૈયારી કર. મારા લગ્નની શરણાઇના સૂર સાંભળ્યા પછી એમને ત્યાં થનારા માતમની પણ કલ્પના કરી લે!' રચનાના અવજમાં દ્રઢતા હતી.

બીજા દિવસથી રચના નવા મોબાઇલની તૈયારીમાં મચી પડી હતી. કોઇપણ સંજોગોમાં નવા મોબાઇલને સફળતા મળે એ જરૂરી હતી. મોબાઇલ સફળ ના થવાથી પોતાના લગ્ન અટકી જવાના ન હતા. પરંતુ પોતાની ભવિષ્યની યોજનાઓને અસર પહોંચે એમ હતી એનો રચનાને ખ્યાલ હતો. રચનાને શંકા હતી કે કિરણ અને હિરેન એની યોજનામાં ફાચર મારવાનો પ્રયાસ કરશે અને એ સાચી પડી રહી હતી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED