પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૦
આરવ મીટીંગ પૂર્ણ કરીને પોતાની ઓફિસમાં આવ્યો ત્યારે રચના કોમ્પ્યુટરમાં મગ્ન બનીને કોઇ કામ કરી રહી હતી. આરવે હસીને કહ્યું:'રચના, આપણી મહેનત રંગ લાવી રહી છે. આપણો નવા મોબાઇલનો વિચાર બધાંને જ પસંદ આવ્યો છે અને એ માટેની બધી જ છૂટ મને આપવામાં આવી છે. હું વિચારું છું કે આ મોબાઇલ દસ દિવસમાં લોન્ચ કરી દઇએ...'
'સર, મને લાગે છે કે તમને મોબાઇલ લોન્ચ કરવાની ઉતાવળ નથી...' રચના હસીને બોલી.
'કેમ? આટલા દિવસમાં મુશ્કેલ કામ છે? મને મોબાઇલ લોન્ચ કરવાની બહુ ઉતાવળ છે. આપણે રાત-દિવસ કામ કરવું પડશે...' આરવ ચિંતા સાથે બોલ્યો.
'મારા કહેવાનો મતલબ એ છે કે તમને મોબાઇલ લોન્ચ કરવાની નહીં પણ લગ્ન કરવાની ઉતાવળ છે!' રચના વધારે હસવા લાગી.
'હા, એ તો છે જ. તને હવે વધારે સમય મારી કંપનીની કર્મચારી રાખવામાં પણ મને રસ નથી...' આરવ ખુશ થતાં લાગણીભીના સ્વરે બોલ્યો.
'એમ ઉતાવળે આંબા પાકતા નથી સાહેબ!' કહી એક કાગળ એની સામે ધરતાં રચના બોલી:'આ જુઓ...આપણે નવા મોબાઇલને લોન્ચ કરવા જે ટાઇમલાઇન નક્કી કરી છે એ મુજબ ઓછામાં ઓછા પચીસ દિવસ લાગશે...'
'એવું છે?!' વાસ્તવિકતા જાણતો આરવ સહેજ ઢીલો પડી ગયો. પછી ઉત્સાહમાં આવી બોલ્યો:'એ બધી વાત છોડ. પપ્પાએ આજે તને અને તારા મમ્મીને અમારા ઘરે આવવાનું ખાસ આમંત્રણ આપ્યું છે. આજની આ મુલાકાત ઉપર આપણા લગ્નનો ઘણો આધાર છે...આજે ઓફિસથી જલદી નીકળીને તારા મમ્મીને ઘરેથી લઇને આમારા ઘરે પહોંચવાનું છે.' આરવને કંઇક યાદ આવતાં બોલ્યો.
'આજે આવવું જ પડશે? માની તબિયત હજુ એટલી સારી નથી...' રચના કંઇક વિચારીને બોલી.
'આજની આ મુલાકાત બહુ મુશ્કેલીથી ગોઠવી છે. તું ગમે તે રીતે મમ્મીને લઇ જવાનું અનુકૂળ થાય એમ કરજે.' આરવ કરગરતો હોય એમ બોલ્યો.
'વાંધો નહીં. તમારા કહ્યા મુજબ આપણે જઇશું...' રચનાએ આરવની વાત સ્વીકારી લીધી.
બપોર સુધી બંને મોબાઇલના સ્પેશીફિકેશનની તૈયારીમાં જ રચ્યાપચ્યા રહ્યા. નવા મોબાઇલના મોડેલના ગ્રાફિક્સ જોઇને આરવ ખુશ થતાં બોલ્યો:'રચના, આ મોબાઇલ બજારમાં છવાઇ જશે. આજના દરેક યુવાન- યુવતી આ મોબાઇલથી સેલ્ફી લેતા દેખાશે...'
'હા, આપણે એટલો યુઝર ફ્રેન્ડલી બનાવી રહ્યા છે કે યુવાનો માતા-પિતા પાસે આ ફોન ખરીદવાની જીદ કરશે...' રચના આત્મવિશ્વાસ સાથે બોલી.
સાંજ પડતાં પહેલાં આરવ અને રચના કંપની પરથી નીકળીને રચનાના ઘરે પહોંચ્યા. આરવે પહેલી વખત રચનાના મમ્મીને જોયા. એમના ચહેરા પર સમયના ચાસ પડી ગયા હતા. બહુ દુ:ખમાં જીવન વીતાવ્યું હોય એમ લાગતું હતું. અને બીમારીને કારણે કૃશકાય શરીર દયા ઉપજાવતું હતું. રચનાએ આરવનો પરિચય આપ્યો અને થોડી જ વારમાં ત્રણેય જીપમાં બેસી નીકળ્યા.
આરવે આદત મુજબ પોતાના પ્રિય ગાયક કિશોરકુમારના ગીતો ચાલુ કર્યા નહીં એટલે રચનાએ કહ્યું:'આરવ, માને પણ જૂનાં ગીતો બહુ ગમે છે. તું વગાડીશ તો એમને ગમશે...કેમ મા?'
'હા...' બસ એટલું જ મીતાબેન બોલ્યા.
આરવે કિશોરકુમારના ગીતો વગાડવાનું શરૂ કર્યું.
'એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગએ તો કુછ નહીં, યે કદમ કિસી મુકામ પે જમ ગએ તો કુછ નહીં...'
ગીત સાંભળતી વખતે રચના મનમાં જ વિચારી રહી હતી કે તે યોગ્ય રસ્તા પર આગળ વધી રહી છે. ત્યારે મીતાબેન વિચારતા હતા કે રચના યોગ્ય રસ્તે જઇ રહી છે કે...
આરવનું ઘર આવી ગયું એટલે રચનાએ મીતાબેનને ધીમેથી ઉતાર્યા.
ત્રણેય બંગલામાં પ્રવેશતા હતા ત્યારે મીતાબેન આ જાહોજલાલી જોઇને પોતાના ભૂતકાળને યાદ કરી રહ્યા હતા.
સુલોચનાબેન દરવાજા સુધી આવ્યા અને મીતાબેનને આવકાર આપ્યો. રચના એમના ચરણસ્પર્શ કરવા ઝુકી એટલે તેમણે સુખી રહેવાના આશીર્વાદ આપ્યા. રચના મનમાં જ બોલી:'હું તો હવે સુખી જ રહેવાની છું...'
સુલોચનાબેનની પાછળ ઊભેલી હિરેનની પત્ની અલકાએ એમને આવકાર આપ્યો. પછી કિરણની પત્ની સોનલ આગળ આવી. બંનેએ રચનાને જોઇ મનમાં જ વિચાર્યું:'દિયરજીએ કોઇ રૂપસુંદરી શોધી નથી... એ સારું જ છે. અમારા જેટલી ગોરી પણ નથી!'
સુલોચનાબેન અને મીતાબેન વાતચીત કરતા હતા ત્યારે રચના અને આરવ બંને ભાભીને નવા મોબાઇલને લોન્ચ કરવાની વાત કરતા હતા.
થોડીવારમાં લખમલભાઇ સાથે હિરેન અને કિરણ આવી પહોંચ્યા. બધાંએ એકબીજા સાથે વાત કરી. લખમલભાઇ સીધા જ મુદ્દાની વાત પર આવી ગયા અને મીતાબેનને સંબોધતાં બોલ્યા:'બહેન, આમ તો અમારે તમારે ત્યાં આવવું જોઇતું હતું પરંતુ તમારી છોકરી આ ઘર જોઇ લે એવા આશયથી અહીં જ મુલાકાત ગોઠવી છે...' એમની વાતમાં મીતાબેનને દોલતનું અભિમાન લાગ્યું.
'વાંધો નહીં. અમારી છોકરી આપને પસંદ આવી હોય તો આપણે આગળ વાત કરીશું...' મીતાબેન મંદ અવાજે બોલ્યા.
'અમારા આરવને રચના પસંદ આવી છે એટલે એમ જ સમજવાનું કે અમને પસંદ આવી છે. પણ અમારી એક શરત તમારા માટે રહેશે...' લખમલભાઇ ગંભીર થઇને બોલ્યા.
આરવને થયું કે પપ્પાએ આવી કોઇ શરતની વાત મારી સાથે કરી ન હતી. અચાનક કેમ એ કોઇ શરત મૂકી રહ્યા છે?
ક્રમશ: