એક વિલન રિટર્ન્સ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક વિલન રિટર્ન્સ

એક વિલન રિટર્ન્સ

-રાકેશ ઠક્કર

નિર્દેશક મોહિત સુરીની 'એક વિલન' પછી હમારી અધૂરી કહાની, હાફ ગર્લફ્રેન્ડ અને 'મલંગ' નિષ્ફળ રહી હોવાથી ફરીથી 'મર્ડર ૨' અને 'આશિકી ૨' ની જેમ સફળતા મેળવવા વધુ એક સીક્વલ 'એક વિલન રિટર્ન્સ' થી પાછા ફરવાનું નક્કી કર્યું પણ આ વખતે વાર્તા અને સ્ટારકાસ્ટ બદલ્યા હોવાથી એમ કહી શકાય કે 'એક વિલન' ની સફળતાને વટાવવા જ એની સીક્વલ ફિલ્મ તરીકે ઓળખાવી હતી. એટલું જ નહીં એનું 'તેરી ગલિયાં' ગીત નવેસરથી બનાવીને અનેક વખત વાપર્યું છે. એ વાત જ સાબિત કરે છે કે અગાઉની ફિલ્મ અને તેના ગીતો સારા હતા. નવું કોઇ ગીત અસર છોડી શક્યું નથી. રોમેન્ટિક થ્રીલરમાં સારા ગીતો જરૂરી હતા. મોહિતે ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ અને ટર્ન રાખીને દર્શકોને જકડી રાખવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ફિલ્મની વાર્તા અને પાત્રો દમદાર નથી. ટૂંકમાં ચાર લીટીમાં વાર્તા સમજવી હોય તો કહી શકાય કે શહેરમાં એક પછી એક હત્યાઓ થઇ રહી છે. એમાં જૉન અબ્રાહમ, અર્જુન કપૂર, તારા સુતારિયા કે દિશા પટનીનો હાથ છે કે નહીં એનું રહસ્ય ઊભું કર્યું છે. એમાં જૉનની દિશા સાથે અને અર્જુનની તારા સાથે પ્રેમકહાની ચાલ્યા કરે છે. આખી ફિલ્મ જોવાનો અનુભવ કંટાળાજનક બની રહે છે. નબળા લેખનનું હાસ્યાસ્પદ ઉદાહરણ એ છે કે જે લોકો હત્યાના કેસનો ઉકેલ લાવી રહ્યા છે એમના કરતાં દર્શકને એની વધારે ખબર પડે છે. ફિલ્મમાં વિલન જ વિલન છે. અને ફિલ્મ દર્શકના માથાના દુ:ખાવા સમી વિલન સાબિત થાય છે. ફિલ્મનો સાચો વિલન એનો સ્ક્રીનપ્લે છે. લખાણ એટલું ખરાબ છે કે કોઇ પ્રકારના તર્ક કામ આવે એમ નથી. વાર્તા સતત આગળ- પાછળ ચાલતી રહેતી હોવાથી કેટલાક ભ્રમ ઊભા થાય છે. પાત્રો એકબીજા સાથે જોડાયેલા લાગતા નથી. અને એમનામાં નૈતિકતા જોવા મળતી નથી. સ્ત્રીઓ વિશે નકારાત્મક વાતો વધુ છે. ફિલ્મનું લેખન અને નિર્દેશન જેટલું નિરાશ કરે છે એટલો જ કલાકારોનો અભિનય પણ નિરાશા આપે છે. અર્જુન કપૂર આવી ભૂમિકામાં ખાસ જચતો જ નથી. કેટલાક દ્રશ્યોમાં તો એમ લાગે છે કે તે ઊંઘમાંથી ઊઠીને કેમેરા સામે આવીને ઊભો થઇ ગયો છે. તેની જેમ જ તારા સુતારિયા પાસે અભિનયની અપેક્ષા રાખી શકાય એમ નથી. જૉન અબ્રાહમ હંમેશની જેમ ભાવ વગરના ગંભીર ચહેરા સાથે કામ કરતો દેખાય છે. એને એક જ જાતના હાવભાવ આવડતા હોય એવું લાગે છે. આમ તો એને એક્શન માટે જ લેવામાં આવ્યો છે. એ બાબતે તે નિરાશ કરતો નથી. પન પોણા કલાકે તેનો ફિલ્મમાં પ્રવેશ થાય છે. તેના માટે મુશ્કેલી એ છે કે કોઇ રીતે પ્રેમી જેવો દેખાતો નથી અને વિલન તરીકે જામતો નથી. તેના પાત્ર વિશે કોઇ માહિતી જ આપવામાં આવી નથી. તે ક્યાંથી આવ્યો છે અને કેમ આ પ્રકારનું કરે છે એ સમજાતું નથી. દિશા પટની એની મિત્ર નથી અને પ્રેમ પણ કરતી નથી તેમ છતાં ભેટસોગાદ કેમ લે છે એ શોધવું મુશ્કેલ છે. એ જ રીતે તે હસતી કેમ રહે છે એનું કોઇ કારણ આપ્યું નથી. દિશાએ ફિલ્મની સેક્સ અપીલ વધારવાનું કામ જ કર્યું છે. છતાં એટલું ગ્લેમર જોવા મળતું નથી જેટલી ચર્ચા હતી. સામાન્ય રીતે કલાકારો વચ્ચે સારા અભિનયની સ્પર્ધા થતી હોય છે. આ ફિલ્મમાં એનાથી ઉલ્ટું જોવા મળી રહ્યું છે. મોહિતે કલાકારોના અભિનયની નબળાઇને માસ્કથી છુપાવી દીધી છે! માસ્ક ફિલ્મમાં રહસ્ય ઊભું કરવા સાથે કલાકારોની ચહેરા પર હાવભાવ લાવી ન શકવાની નિષ્ફળતા પર પડદો પાડે છે! આમ તો રિતેશ, સિધ્ધાર્થ અને શ્રધ્ધાની 'એક વિલન' કોઇ મોટી ફિલ્મ ન હતી પણ એના લોકપ્રિય ગીતોએ ઘણી ખામીઓ છુપાવી હતી. નવી ફિલ્મમાં અંત પછીની દસ સેકંડમાં જે ટ્વિસ્ટ આવે છે એ વધારે કાબિલેતારિફ છે. આ ફિલ્મના ક્લાઇમેક્સનો અગાઉથી થોડો અંદાજ આવી જાય છે. અને એમાં ખામીઓનો અંત જ નથી. પહેલા ભાગમાં સસ્પેન્સ થ્રિલર તરીકે દર્શકોને પકડી રાખવા પ્રયત્ન કરે છે. જોકે, છેલ્લા અડધા કલાકમાં નિર્દેશક હત્યાઓનું રહસ્ય ખોલે છે ત્યારે ઘણાને એટલો આંચકો લાગતો નથી. માત્ર બે કલાકની ફિલ્મમાં દર્શકોને જકડી રાખવા 'કોણ હીરો કોણ વિલન?' નું ચક્કર સતત ચાલતું જ રહે છે. જો મગજ દોડાવ્યા વગર ફિલ્મ જોવામાં આવે તો થોડું મનોરંજન મળી શકે એમ છે. ખાસ કરીને એક્શન અને અંગપ્રદર્શનને પસંદ કરતા દર્શકો માટે જ આ ફિલ્મ છે.