વસુધા - વસુમાં
પ્રકરણ -48
ગુણવંતભાઈનાં કુટુંબ ઉપર પસ્તાળ પડી હતી બધીબાજુથી જાણે મુશ્કેલી પીછો નહોતી છોડી રહી. પીતાંબરની હાલત ખુબ નાજુક હતી ડોક્ટરનાં કહેવાં પ્રમાણે પીતાંબરનાં ઘોડા પરથી પડી જવાથી એનાં માથામાં ગંભીર ઇજા પહોંચી હતી એને પહેલાં ઘા હતોજ એનાં ઉપર ફરીથી માર વાગતાં બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું આણંદનાં ડોક્ટર એનું વહેતુ લોહી અટકાવવા અને અંદર ને અંદર જે લોહી એકઠું થઇ રહેલું બંન્ને સ્થિતિને કાબુમાં લેવાં ઇન્જેક્શન અને દવાઓ આપી રહેલાં પરંતુ પીતાંબરની સ્થિતિમાં સુધારો નહોતો આવી રહેલો.
વડોદરાનાં મોટાં ન્યુરોલોજીસ્ટ મયંક પટેલને પણ તાત્કાલિક બોલાવેલાં તેઓ વડોદરાથી બાય રોડ આવવા નીકળી ચૂક્યાં હતાં પરંતુ પીતાંબરનાં જીવને ધીરજ નહોતી... વડોદરાથી આવેલ ડોક્ટરની ગાડી હોસ્પીટલ કમ્પાઉન્ડમાં પાર્ક થાય એજ સમયે પીતાંબરનાં જીવે દેહ છોડી દીધો... ડોક્ટર નિરાશ થઇ ગયાં. જુવાનજોધ છોકરો આમ દુનિયા છોડી દેશે એવી આશા નહોતી રાખી... ડોક્ટર ઓપરેશન થિયેટરથી બહાર જઈને એનાં કુટુંબીજનોને શું કહેવું ? ક્યા મોઢે કહું કે તમારો દિકરો... ડોક્ટરે આજ સુધી આવાં ઘણાં કેસ જોયાં છે પણ ખબર નથી પીતાંબરનાં કેસમાં તેઓ ખુબ વિવશતા અનુભવી રહ્યાં છે.
પીતાંબરની પત્ની, માં કુટુંબીઓની લાગણી એકબીજા સાથેનું બોન્ડીંગ જોઈને એ પોતે મૂંઝવણમાં હતાં આવાં આઘાતજનક સમાચાર કેમ કેહવા ?
અંતે ડોક્ટર બહાર નીકળ્યાં અને ગુણવંતભાઈ ડોક્ટરને ઓપરેશન થીયેટરથી બહાર આવતાં જોઈને તરતજ એમની તરફ દોડી ગયાં... દીકરાંની હાલત જાણવા માટે એમનાં પગનો તરવરાટ જુદોજ હતો... પરંતુ ડોકટરના ચહેરો સાવ પડી ગયેલો નિસ્તેજ થઇ ગયેલો... એમણે ડર સાથે પૂછ્યું "ડોક્ટર સાહેબ મારાં પીતાંબરને કેવું છે ? ભાન આવી ગયું ? વડોદરાનાં ડોક્ટર આવી ગયાં ?...
ગુણવંતભાઈ પીતાંબરનાં સમાચાર પૂછી રહેલાં અને ત્યાં વડોદરાથી આવેલ ન્યુરોલોજીસ્ટ ઉપર આવ્યાં... તેઓની નજર ડોક્ટર અને ગુણવંતભાઈ ઉપર પડી. ડોકટરે ગુણવંતભાઈની સામે વિવશ નજરે જોઈને કહ્યું ગુણવંતભાઈ તમારો પીતાંબર... બધાંને છોડીને ગયો... એણે સારવાર કરવાની પણ તક ના આપી એમ કહી ડો. મયંક પટેલ સામે જોયું...
ડો મયંક પટેલ અને ગુણવંતભાઈ બંન્નેનાં ચહેરાં પડી ગયાં ગુણવંતભાઈએ કહ્યું શું બોલ્યાં ? શું બોલ્યાં ? પીતાંબર અમને છોડીને ગયો ? એવું કેવી રીતે બને ? હજી એની ઉંમર જ શું છે ? એની વસુધા હોસ્પીટલમાં રાહ જોઈને સૂતી છે. એનાં ઘરે બાળક આવવાનું છે. આ શક્ય જ નથી... અને થોડીવાર પહેલાં તરવરાટ કરતાં પગ લથડી ગયાં અને એમણે સંતુલન ગુમાવ્યું અને ફર્શ પર પડી ગયાં... ઓ પીતાંબર...પીતાંબર કહી બૂમો પાડી ખુબ આક્રંદ કરવા લાગ્યાં. ત્યાં થોડી આંખ લાગી ગઈ હતી થાકથી એવાં ભાનુબહેનને ધ્રાસ્કો પડ્યો એમની આંખ ખુલી અને દ્રશ્ય જોઈ સંવાદ સાંભળીને ચીસ પાડી ઉઠ્યાં... મારાં પીતાંબર નાં નામની પોક મુકો છો ? મારો જુવાનજોધ છોકરો એમ કંઈ થોડો આપણને આમ મૂકી જાય ? એને તો દીકરો આવવાનો છે આમ તમે કેમ બોલો છો ?
ભાનુબહેન રડતાં રડતાં ડોક્ટરને કહે “ડોક્ટર તમે બરાબર તપાસો તમારી પણ ભૂલ થઇ શકે... મારો પીતાંબર તો હજી ઘણો નાનો છે આ ઉંમર છે એની જવાની ? પીતાંબર... પીતાંબર” કહેતાં એ ઓપરેશન થીયેટરમાં ગયાં ત્યાં નિશ્ચેતન થયેલાં પીતાંબરનાં દેહને જોઈ રહ્યાં એ પીતાંબરની નજીક ગયાં એનો ચહેરો જોઈ બોલ્યાં “આ મારો પીતાંબર જુઓ કેવો સાજો નરવો લાગે છે કોણ કહે છે એ છોડી ગયો છે ? પીતાંબર... બેટા પીતાંબર આંખો ખોલ જો... હજી તારાં ઘરે દીકરો આવવાનો છે વસુધાને હોસ્પીટલમાં દાખલ કરી છે તારે એને મળવા જવાનું છે તારાં દીકરાનું મોં જોવાનું છે... પીતાંબર મારાં દીકરા બોલને,આંખો ખોલને ...” આમ બોલતાં બોલતાં ભાનુબહેન પીતાંબરને વળગીને ખુબ આક્રંદ કરી રહેલાં.
ગુણવંતભાઈએ કહ્યું “આ કશું સાચું નથી બધું ખોટું છે પીતાંબરને કશુંજ ના થાય... આ સ્થિતિ નથી સ્વપ્ન છે... આ કરુણ અને ઘાતકી સ્વપ્ન છે ના ના ના આ સત્ય નથી...” એમ કહેતાં કહેતાં એપણ પીતાંબર પાસે ઉભા રહી ખુબ રુદન કરી રહ્યાં હતાં... અને ત્યાં સરલા નીચેથી દવા લઈને આવી અને એપણ દોડી આવી... સરલાએ કહ્યું ત્યાં વસુધાને ખુબ પેઈન છે અને અહીં મારો વીરો મારો ભાઈ આમ મરણશૈયા વ્હાલી કરી બેઠો ? સરલા ભાનુબહેનને વળગીને ખુબ રડવા લાગી એણે કહ્યું ‘ બધું શું થઇ રહ્યું છે ? પીતાંબર આમ આપણને છોડીને કેવી રીતે જઈ શકે ? વસુધાને કેવી રીતે કહીશું ? હજી તો એ પીતાંબરનાં સ્વપ્ન અને વિચારોમાંથી નીકળી નથી અત્યાર સુધી બોલતી રહી છે કે બાળકનો જન્મ થાય તો પહેલવહેલું એ એનાં પિતાનું મોઢું જુએ. કેવી કેવી એ કલ્પનાઓ કરી રહી છે ? એ આવાં સમાચાર સાંભળી નહીં શકે... એની તબીયત બગડશે... ઓ ભગવાન આવો કેવો સમય બતાવ્યો ? હવે શું થશે ? “
ગુણવંતભાઈનું આખું કુટુંબ અસહ્ય એવાં કુદરતનાં અન્યાયથી આક્રંદ કરી રહેલું કોઈ સાચું માનવા તૈયારજ નહોતું કે પીતાંબર હવે નથી રહ્યો. કોઈને રડી રડીને કળ નથી વળી... કોઈનાં આંસુ સૂકાયાં નથી અને સરલાએ એનાં માતાપિતાને કહ્યું “તમે કોઈ હમણાં વસુધાને કશુંજ નહીં જણાવો એ આઘાત સહી નહીં શકે આટલી નાની ઉંમરમાં... હજી એને પ્રસુતી નથી થઇ એને ખુબ પેઈન છે પણ ડોક્ટર નેચરલ પ્રસુતી થાય એની રાહ જોઈ રહ્યાં છે.”
ગુણવંતભાઈએ રૂંધાતા સવારે કહ્યું “સરલા તારી વાત સાચી છે વસુધાને આ સમાચાર હમણાં નહીં આપી શકાય. હું પુરુષોત્તમભાઈને હમણાં અહીં બોલાવી લઉં છું એક જણને કહેવું પડશે. વસુધા શું પીતાંબરનું આખરી મોઢું નહીં જુએ ? એનાં દર્શન નહીં કરી શકે ? એ સુવાવડીને કેવી રીતે જણાવવું ? કેવી રીતે બોલાવવી ?આવી કેવી વિકટ પરિસ્થિતિ છે ?”
ભાનુબહેને સ્વસ્થ થતાં કહ્યું “આપણાં માથે ખુબ મોટો બોજ આવી ગયો છે ભારે કરુણ પરિસ્થિતિ છે છોકરો તો ગુમાવ્યોજ છે હવે વહુ નથી ગુમાવવી એનાં પેટમાં છોકરાની નિશાની છે. એના વારસદાર છે એની ડીલીવરી (પ્રસુતી) સુરક્ષિત રીતે થઇ જવાં દો એમાંજ ડહાપણ છે. એ પીતાંબરનાં છેલ્લાં દર્શન પણ નહીં કરી શકે” એમ કહી રડવાં લાગ્યાં. ત્યાં ગુણવંતભાઈએ પુરુષોત્તમભાઈને દવાખાનામાંથી ફોન જોડ્યો. પુરુષોત્તમભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું હલ્લો... ગુણવંતભાઈએ અવાજ સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું "વેવાઈ હું ગુણવંત બોલું છું પુરુષોત્તમભાઈએ કહ્યું વેવાઈ તમારો અવાજ ઓળખી ગયો છું શું વસુધાનાં સમાચાર આવી ગયાં ? પીતાંબર ને કેમ છે ? ફોનની રીંગ વાગી મને થયું સારાં સમાચાર આવી ગયાં. ગુણવંતભાઈને સાંભળીને થયું શું સમાચાર આપું ? આમને શું કહું ? શુબ નહીં અશુભ સમાચાર છે ? ગુણવંતભાઈએ કહ્યું વેવાઈ બીજી વાત પછી તમે પહેલાંજ સીટી હોસ્પીટલ આવી જાવ પછી રૂબરૂમાં વાત એમ કહીને ફોન કટ કરી ફોન મૂકી દીધો અને રીસીવર પર હાથ દાબી ધ્રુસકે ને ધ્રુસકેરડી પડ્યાં...
*****
પુરુષોત્તમભાઈ સીધા સીટી હોસ્પીટલ આવી ગયાં. ત્યાં પહોંચીને જોયું અને એમનું હૃદય એક ધબકાર ચુકી ગયું એમણે પરિસ્થિતિ જોઈને શોકજન્ય અનુમાન લગાવી દીધું. એમની આંખો સમાચાર જાણ્યાં પહેલાંજ ભીંજાઈ ગઈ અને તેઓ ગુણવંતભાઈ પાસે પહોંચ્યાં.
ગુણવંતભાઈએ પુરુષોત્તમભાઈનાં હાથ પકડીને કહ્યું આપણો પીતાંબર નથી રહ્યો છોડીને જતો રહ્યો અને ધ્રુસ્કેને ધૂસકે રડી પડ્યાં. પુરુષોત્તમભાઈને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઇ ગઈ એ આવા આઘાતજનક સમાચાર જાણે પચાવીજ ના શક્યાં એ ફર્શ પર પડી ગયાં અને આક્રંદ કરવા લાગ્યાં. ત્યાં નર્સ અને વોર્ડબોય દોડી આવ્યાં અને પુરુષોત્તમભાઈને સહારો આપી ઉભા કર્યા અને દોરીને બાંકડા પાસે લઇ આવ્યાં.
એમણે ગુણવંતભાઈ સામે જોયું આંખોમાં આંસુની ધાર હતી એમણે પૂછ્યું આવું કેવી રીતે થયું ? વડોદરાવાળા ડોક્ટર નહોતા આવ્યા ? આટલુંજ આયખું હોય આવાં ભડ જુવાનનું ? ઓ વસુધા તારે હજી કેવા સમાચાર જાણવાનાં છે ?આટલી ભર યુવાનીમાં મૃત્યુ ? અને દિકરી વિધવા ?
એ ગુણવંતભાઈની સામે જોઈ ખુબ રડી રહેલાં ગુણવંતભાઈએ કહ્યું “શું કહું તમને ? મેં જુવાનજોધ દીકરો ખોયો છે ? દીકરી જેવી વસુધાને વિધવાપણું મળ્યું છે આવનાર બાળક આવતાં પહેલાં બાપ ખોઈ બેઠું છે. આવી કેવી વીડંબણાં ? હે ઈશ્વર આવો ન્યાય ? વસુધાને કેવી રીતે જણાવવું ?”
વધુ આવતા અંકે - પ્રકરણ -49