An innocent love - Part 19 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

An innocent love - Part 19

પાછળના ભાગમાં આપણે જોયું કે...

"હા હા હા, કેવા અથડાયા બધા, મજા પડી" જોર જોરથી આવતા હસવાના અવાજ તરફ બધાનું ધ્યાન ગયું. જોયું તો સુમન ઊભી ઊભી હસી રહી હતી અને તાંળી પાડી કુદી રહી હતી, એને જોઈ રાઘવ, મીરા અને કિશોર પણ હસી પડ્યા.

"ચાલો ચાલો, હવે તૈયાર થઈ જાઓ જલ્દી, સ્કૂલ જવા માટે મોડું થઈ જશે", મમતા બહેન છણકો કરતા બધાને બોલ્યા. અને બઘા ફરી કોણ પહેલા સ્કૂલ જવા માટે તૈયાર થાય છે તે માટે ઝઘડવા લાગ્યા.

આખરે ચારેય બાળકો આગલા દિવસની જેમજ તૈયાર થઈ સ્કૂલ જવા નીકળ્યા. રસ્તામાં એમની પાસેથી પસાર થતા કેટલાક છોકરાંઓ જે રાઘવના ક્લાસમાં હતા, તે રાઘવને જોઈ અંદર અંદર હસવા લાગ્યા.

હવે આગળ.......

રાઘવ અને સુમન તો એમની ધૂનમાં રમતા રમતા ચાલી રહ્યા હતા પણ મીરા પેલા છોકરાઓને રાઘવની સામે હસતા જોઈ રહી. એને સમજતા વાર ન લાગી કે એ છોકરાઓ રાઘવની મજાક ઉડાવી રહ્યા છે.

"ભાઈ, જુઓ પેલા લોકો આપણા રાઘવની મજાક ઉડાવી રહ્યા છે", મીરા કિશોરને પેલા છોકરાઓની સામે આંગળી ચીંધી બતાવી રહી.

"અરે છોડને મીરા, એમાં શું પડવાનું. આતો ચાલતું રહે, બહુ ધ્યાનમાં નહિ લેવાનું. અને તું જેના માટે કહી રહી છે એ રાઘવને તો જો, એનું ધ્યાન પણ નથી. એટલે ખાલીખોટી માથાકૂટ કરવાની રહેવા દે, નહીતો સ્કૂલ જવાનું પણ મોડું થઈ જશે.", કિશોરને આં બધું સામાન્ય લાગતા તે વાત ને ટાળવાની કોશિશમાં હતો. પણ મીરા જેનું નામ, તે કોઈ વાત એમજ છોડી દે એમાંની નહોતી.

"તમારે લોકોને શું વાંધો છે હે?", મીરા કિશોર પાસેથી પોતાનો હાથ છોડાવતા પેલા છોકરાઓ પાસે જઈને વરસી પડી.

"તારે શું પંચાત, અમે તો અમારી વાતો કરીએ છીએ. તું અમારી વાતો જાણી ને શું કરીશ?", એમાંથી એક મોટો દેખાતો છોકરો બોલ્યો.

"કેમ ન બોલું, મને ખબર છે તમે લોકો રાઘવ સામે જોઈ ઈશારા કરતા કરતા કઈક ગુસપુસ કરતા ક્યારના ખી ખી કર્યા કરો છો", મીરા પણ પાછી પડે એમ નહોતી.

"હા તો કોઈ સામે જોવું એમાં ગુનો છે શું આ ગામમાં?" , પેલા છોકરાને પણ મીરાને ચીડવવાની હવે મજા આવી રહી હતી.

આટલી ચડભડ થઈ રહી હતી ત્યાં સુધી આગળ પાછળ ચાલી રહ્યા દરેક બાળકોનું ધ્યાન તે તરફ ગયું. અને બધા હવે મીરા અને પેલા છોકરાઓ ફરતે વીંટળાઈ ગયા.રાઘવ પણ સુમનની સાથે ત્યાં આવી પહોંચ્યો હતો.

"અરે તમે બધા આમ ઝગડશો નહિ, સ્કૂલ માટે મોડું થઈ જશે, માટે ચાલો બધા ઝગડવાનું બંધ કરો", આખરે ના છૂટકે કિશોરને વચ્ચે પડવું પડ્યું.

"પણ ભાઈ આ લોકો રાઘવની ઉપર હસી રહ્યા હતા, તમે એ લોકોને આમ જવા કેમ દો છો?", મીરા હજુ પણ વાત પૂરી કરવા માંગતી નહોતી.

ભાઈ બહેનનો સંબંધ ઘણે અંશે ખુબજ મજેદાર હોય છે. સાથે રમતા હોય તો ક્યારેક ઝગડી પડે. દિવસો સુધી ક્યારેક એકબીજા સાથે બોલે નહિ. જ્યારે કોઈ બહારનું વ્યક્તિ પોતાના ભાઈ કે બહેન સાથે ઝગડે કે એને કંઈ પણ કહે તો તરત પોતાના ભાઈ બહેનને છોડાવવા કે એમનો પક્ષ લેવા મેદાનમાં કુદી પડશે. રિસામણા અને મનામણાં કરવા, કપડા માટે ઝઘડવું, સાયકલ માટે લડવું આવી નાની નાની વાતોમાં ઝગડતા રહેવું તે પણ એક અનોખી યાદો હોય છે ભાઈ બહેનના સંબંધોમાં જે એકબીજા સાથે જોડી રાખે છે.

કઈક આવી જ લાગણી મીરાને પોતાના નાના ભાઈ રાઘવ પ્રત્યે હતી. તે નાનો છે વળી ભોળો અને ખૂબ મળતાવડો હોવાથી કોઈ એનો ફાયદો ન ઉઠાવી જાય એનું તે ખાસ ધ્યાન રાખતી. એટલેજ કદાચ મીરાના નાનકડા હૃદયમાં સુમન પ્રત્યે ક્યાંક ને ક્યાંક છૂપી ઈર્ષાની કુંપણ ફૂટી રહી હતી. મીરાનું માનવું એવું હતું કે રાઘવ સુમનનું વધારે પડતું જ ધ્યાન રાખે છે, જ્યારે પોતાની તરફ જરા પણ ધ્યાન નહોતો આપતો. સુમન માટે મા તો છે પછી ઘરના બીજા બધા અને ખાસ રાઘવને હવે સુમનનુ વધારે પડતું ધ્યાન રાખવું અને આળપંપાળ કરવાની જરૂર નથી. સુમન તેને ગમતી નહોતી એવું નહોતું. નાનકડી પરી જેવી સુંદર સુમન તો કોઈને પણ વહાલ ઉપજાવી શકે તેવી હતી. અને મીરાને તે નાની બહેન જેવી જ વ્હાલી હતી, પણ આમ ક્યાંક ને ક્યાંક સુમનના કારણે પોતાની થતી અવગણનાથી એને તેના પ્રત્યે ક્યારેક અણગમો થતો હતો.


✍️ ધ્રુતિ મેહતા (અસમંજસ)