અનુબંધ - 10 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુબંધ - 10

                                                                                    પ્રેમ -મુલાકાત મિલન ઝરૂખેથી 

આગળ વાંચો :

જગ્ગા હવે શું છે ...આવીને ચ્હા પી લે....મમ્મીએ રસોડામાંથી બૂમ મારી.રેડિયો બંધ કરી રસોડામાં ગયો.ચ્હા પીધી.મમ્મીને કહ્યું હું ગામની ભાગોળે જઈને આવું છું.સારું,વાળું ટાણે આવી જજે ....એમ બોલીને મમ્મી તેના રસોડાના કામમાં પરોવાઈ ગઈ.હું મમ્મીને જેશીક્રષ્ણ બોલી ચંપલ પહેરીને ઓસરીની બહાર નીકળ્યો.ચાલતો ચાલતો ભાગોળની નદી તરફ વળ્યો.પગમાથી જૂતાં ઉતારીને કિનારા પર ઊભો રહ્યો.નદીના પાણીનો સ્પર્શ અનેરી શાંતિ આપતો હોય તેવો અહેસાસ થયો.નદી કેટલાક દૂર માઈલથી ડુંગરોમાથી નીકળતી હતી.જ્યાં તેનું ઉદગમસ્થાન હતું.ઘણા વર્ષો પહેલાં તે ગામમાં વહેતી હતી,એવું મમ્મીએ કહ્યું હતું . સમયના વહેણ સાથે વહેણ બદલાતું ગયું અને હવે તે ગામની ભાગોળે આવી ગઈ હતી.આ બાજુ સંધ્યાની નીરવ શાંતિ પથરાતી હતી.આકાશે કાળી ચાદર ઓઢી લીધી હતી...તેની અંદરના ઝગમગ તારલિયા દૈદીપ્યમાન થતા હતા....દૂર-દૂર મંદિરની ઝાલર વાગી રહી હતી.ખેતરમાંથી  ટ્રેકટર ઘરે પાછા ફરવાનો અવાજ આવતો હતો...મને આ વાતાવરણ ખૂબ જ ગમ્યું.શહેરના અવરિતપ્રવાહની વચ્ચે આવી નિર્મળ શાંતિ ખૂબ જ સારી લાગતી હતી...

          અત્યારે હું અને ઋત્વિ અહીં નદી કિનારે બેઠા હોય તો ....આ ક્ષણે પણ .....મારાથી મનોમન હસી જવાયું.પેલી બાજુ નાના છોકરાઓ રમતા હતા.મને પણ બાળપણની પ્રતીતિ થઈ આવી...મારા બાળપણની યાદો ફરીથી તાજી થઈ.મિત્રો સાથે સ્કુલમાથી ગુલ્લી મારી રેતીમાથી શંખ શોધવા...પાણીમાં છબછબિયાં કરવા...મમરાનો નાસ્તો નાખવો....થાકી ન જઈએ ત્યાં સુધી અમે ખસતા નહોતા....આ  સ્મરણો જાણે હજુ પણ અંકિત થઈને ચોમેર વિખરાયેલા ન પડ્યા હોય....જીવનના રંગરૂપ બદલાઈ જાય છે,પરંતુ એ સ્મરણોની કૂંપળોનો રંગ બદલાતો હોતો નથી....સમય ઘણો બધો પસાર થઈ ગયાનું મને ભાન થતાં હું ઊભો થયો.ઘર તરફ ચાલવા પ્રયાણ કર્યું.રસ્તામાં ધંજીબાપા,ગોપાલજીબાપા,જેવા વૃધ્ધાવસ્થાની વડવાઈએ પહોંચેલા વડવાઓ મને પૂછતાં જતાં હતા કે,"આવી ગયો બેટા...."અને હું બધાને જવાબ આપતો આપતો ઘરે પહોંચી ગયો.ઘરમાં અંદર ગયો ત્યારે મમ્મી દીવો કરતી હતી.મેં હાથપગ ધોયા અને રસોડામાં પાથરેલા પાટલા પર જઇ ગોઠવાયો....મમ્મીએ રસોડામાં આવીને થાળી પરોસી....હું ધીમે-ધીમે કોળીયાં ભરતો જતો હતો અને વિચારે જતો હતો કે કાકાના ઘરના ડાઈનિંગ ટેબલ પર લંચ લેવા ટેવાયેલો મને ઘણા લાંબા સમય પછી પાટલા પર બેસી જમવાનો પ્રસંગ મળ્યો હતો....માના હાથનો બાજરાનો રોટલો ખાવાનું સુખ મળે પણ ઘણો સમય પસાર થઈ ગયો હતો.પરિસ્થિતિમાં ફેરફાર જરૂર આવ્યો હતો,આમછતાં ગામડાની પાટલાપ્રથાની પર્ંપરા હજુ જાળવી રાખવામાં આવી હતી.તેની મેં નોંધ લીધી....

      હું ધીમે ધીમે કોળિયા ભારે જતો હતો અને સાથે વિચારોની ભરમાળા પણ ચાલતી હતી ત્યારે મમ્મી મારા ચહેરા પર એકધારું જોતી હતી ....તે મારા ખ્યાલની બહાર નહતું.તેને મારી સામે આમ નિરખતાં મને લાગ્યું કે તેના મનમાં કોઈ વાત છે,જે મને કહેવા માંગે છે,પણ રજૂ કરી શકતી નથી...મેં જમીને થાળીમાં હાથ ધોયા અને પછી પરસાળમાં ઢાળેલા ખાટલા પર જઈને બેઠો.શહેરમાં હોઉં,તો આ સમયે હું ઓફિસમાં જ હોઉં ...બેઠા-બેઠા વિચારતો હતો કે,આવતીકાલે દિવાળી છે અને પછી બેસતું વર્ષ અને તે પછીના દિવસે ભાઇબીજ છે .....દિવસો ઘુમરાતા  જતાં હતા ત્યાં મમ્મી મારી પાસે આવીને બેઠી અને પીઠ પસવારતા બોલી કે,જગ્ગા આટલું બધું શું વિચારે છે ...?કોઈ મૂંઝવણ છે તને .....?શહેરમાં કંઇ .....મમ્મીના પ્રશ્નોની ભરમાળા અવરિતપણે ચાલી રહી હતી .....પણ મમ્મીને મારા અને ઋત્વિના સંબંધ વિષે કહેવા મારી જીભ થોથલાતી હતી....તો આ બાજુ મમ્મીના મગજમાં પણ વિચારોએ ભરડો લીધો હતો.....મારી નજર મમ્મીના ચહેરા પર ફરતી હતી.....આખરે મેં પણ થાકીને મમ્મીને પુછ્યું ,મમ્મી શું વિચારી રહી છે....બેટા,હું વિચારી રહી છું કે,હવે તું પરણી જાય તો સારું.... હું કંઇ બોલ્યો નહીં ....પણ મને ધ્રાસકો જરૂર પડ્યો ....એક ક્ષણ તો શું જવાબ આપું ....તેની મથામણમાં જ અટવાઈ ગયો.                                                                           

           કેમ જગ્ગા કંઇ બોલતો નથી.....શું વિચારમાં પડી ગયો ?ક્યાંક શહેરમાં ......કોઈ રૂપકડી છોકરીના ઝાંસામાં તો ...........ના ....ના... મમ્મી,મેં જરા તૂટક શબ્દોમાં કહ્યું.શું બોલું એની મને ખબર પડતી નહોતી. મેં મમ્મી સામે જોઈને હોઠ પર સ્મિત લાવવા પ્રયત્ન કર્યો....અત્યારે તો મારી હાલત "કાપો તો લોહી ન નીકળે...." જેવી થઈ ગઈ હતી...મમ્મીએ વાત આગળ વધારતાં કહ્યું,"બેટા,તું હવે શહેરમાં સ્થાયી થઈ ગયો છું  અને આ જીવડો છૂટો પડે તે પહેલાં તારો સુખી સંસાર જોવા માંગે છે.તું પરણી  જાય પછી હું નિશ્ચિંત .... તારા પરણી ગયા પછી હું તારી સાથે શહેરમાં આવીને રહીશ.....મમ્મી હજુ આગળ બોલે તે પહેલાં જ મેં કહ્યું,મમ્મી તું ચિંતા ન કર.....તું જ્યારે પણ ઇચ્છે ત્યારે મારી સાથે આવીને રહી શકે છે અને તેના માટે મારે પરણવું એવું જરૂરી નથી  મમ્મી..... કેમ નહીં,પરણવું તો જરૂરી જ છે.પરણ્યા વગર વડવાઓનો વેલો આગળ કેમ ચાલશે....?મારાથી તો હવે ઘરકામ પણ થતું નથી.તારી વહુ આવી જાય તો મને આ ઝંઝટમાથી મુક્તિ મળે.પછી હું બાકીનો સમય ભક્તિ-પાઠ-પૂજામાં પસાર કરું.....મમ્મીએ મારી બાજુમાં બીજો  ખટલો ઢાળતાં કહ્યું,,,,આ વખતે તો મેં નક્કી જ કરી લીધું છે કે દિવાળી પછી અને તું શહેરમાં જાય ને તે પહેલાં તારું સગપણ કરી નાખવું છે.આજુબાજુના ગોળની ઉંમરલાયક કેટલીક છોકરીઓ મારા ધ્યાનમાં છે....તું જતાં પહેલા જોતો જજે...પણ,મમ્મી આટલી બધી શી ઉતાવળ છે...મેં જરા ખચકાતાં કહ્યું.તું હવે નાનો નથી જગ્ગા ....એક માં તરીકે મને તારા તરફથી કોઈ અપેક્ષા જ ન હોય....!તારી વહુનું મોઢું જોવાની અને તારા છોકરાઓ રમાડવાની મને ઘણી હોંશ છે .....         

             .....પણ....પણ....બણ.....હવે બહાનું કાઢીશ નહીં.હવે હું તારી જીદ ચાલવા નથી દેવાની....મેં ધન્નોની છોકરી રેવતીને જોઈ છે.તું પણ આંખ તળેથી કાઢી લેજે...હું કંઇ બોલી શક્યો નહીં.મને નિરુત્તર થતાં મમ્મીએ પૂછ્યું ,તારી પાસે શહેરમાં સરસ નોકરી છે આ ગામડાનું ઘર કાઢીને એક ફ્લેટ લઈશું ...હવે તું પૈસા પણ કમાય છે ,પછી તને શેનો વાંધો છે,તે જ મને સમજાતું નથી....સારું....ચાલ અત્યારે બહુ રાત વીતી ગઈ છે ...ઊંઘી જા અત્યારે .....આ બાજુ મારા મગજમાં સન્નાટો છવાઈ ગયો હતો...તોફાનની આગમનની પહેલાની શાંતિના ભણકારા વાગી રહ્યા હતા.વિચારોના વંટોળે ચકરાવો લીધો હતો.ખુલ્લા આકાશ નીચે હું સાવ લાચાર હતો....જાણે મને સાંકળોથી બાંધી દેવામાં ન આવ્યો હોય....!અને હું તેમાંથી છૂટવા માટેના નિરર્થક પ્રયાસ ન કરતો હોઉં  એવો ભાસ અત્યારે મને થતો હતો.મને મારી જિંદગીમાં આવનારા વંટોળનો આભાસ મળી ગયો હતો ..ક્ષણિક તો મને પરસેવો છૂટી ગયો....શરીરમાંથી કંપન છૂટી ગયું ....દિલ બેસી ગયું હોય એવી પ્રતીતિ થઈ.... મેં ગભરાતા દિલે આંખ ઉઘાડી તો....આજુબાજુ અંધકાર સિવાય કશું જ દેખાતું નહોતું ....મમ્મીના કહેલાં શબ્દોના પડઘા હજુ પણ મારા કાનમાં વાગતા હતા....                   

                                                                                                                                                                                        ક્રમશ: