શાબાશ મિઠુ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાબાશ મિઠુ

શાબાશ મિઠુ

-રાકેશ ઠક્કર

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક 'શાબાશ મિઠુ' માં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે એની પાસેથી અપેક્ષા વધારે હોય એ સ્વાભાવિક છે. તાપસીએ અત્યાર સુધી અનેક ભૂમિકાઓને ન્યાય આપ્યો છે એ રીતે મિતાલીના રૂપમાં પ્રયત્ન કર્યો છે પરંતુ એ બહુ સફળ થઇ નથી. પહેલી વખત તે બાયોપિકના પાત્રમાં સંપૂર્ણ ઢળી શકી ન હોવાનું સમીક્ષકોએ કહ્યું છે. તેનો ડાર્ક મેકઅપ જામતો નથી. તેનો લુક મહિલા ક્રિકેટર મિતાલી રાજ જેવો ભલે આવી ના શક્યો હોય પરંતુ એની ચાલ-ઢાલ પણ અપનાવી શકી નથી. અત્યાર સુધી એને દરેક ભૂમિકામાં જેવી પ્રશંસા મળી છે એવી 'શાબાશ મિઠુ' ની મિતાલી માટે મળી શકી નથી એ હકીકત છે. 'શાબાશ મિઠુ' ના અભિનય માટે તાપસીની થોડી પ્રશંસા સાથે ટીકા પણ થઇ છે. તાપસી અભિનયમાં ચોક્કા- છક્કાની આશા પૂરી કરતી નથી. તેનું કારણ ફિલ્મ અનેક બાબતે નબળી છે અને એમાં કેટલીક ખામીઓ છે. ફિલ્મની વાર્તા મહિલા ક્રિકેટર મિતાલીના જીવનની ખુલ્લી કિતાબની જેમ જગજાહેર છે. ભરતનાટ્યમ શિખતી આઠ વર્ષની મિતાલી ક્રિકેટમાં દિલચશ્પી રાખતી હતી. એની મિત્ર નૂરીએ ક્રિકેટ માટે એને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ નૂરીના અચાનક લગ્ન પછી મિતાલી એકલી જ પોતાની ક્રિકેટ યાત્રા શરૂ કરે છે. અને પ્રગતિ કરીને ક્રિકેટ ટીમની કેપ્ટન બની જાય છે. તેણે એક મહિલા તરીકે સારું ક્રિકેટ રમવા સાથે આ ક્ષેત્રમાં ઘણા પરિવર્તન લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી એનો ઉલ્લેખ છે. પરંતુ ફિલ્મ મિતાલીની ક્રિકેટ યાત્રા સાથે સરખો ન્યાય કરી શકતી નથી. કેટલીય વખતે એવું લાગે છે કે વાર્તા અહીં પૂરી થઇ જશે પણ ખેંચાતી જ જાય છે. અંત ખાસ ચોંકાવનારો નથી. એટલે એમાં પ્રસંગોને રસપ્રદ બનાવવાની જરૂર હતી. એના બદલે ફિલ્મ અઢી કલાકથી વધારે પડતી લાંબી અને ખેંચવામાં આવી હોવાનું અનુભવાય છે. ઇન્ટરવલ પછી ફિલ્મ જોવા સહનશક્તિ હોવી જરૂરી છે. વાર્તાની ગતિ ઘણી જ ધીમી છે. ફિલ્મનું સંપાદન ચુસ્ત હોવું જોઇતું હતું. ક્રિકેટ પરના વધુ પડતા દ્રશ્યો કંટાળાજનક બની જાય છે. મિતાલી ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી એ વાર્તા સાથે દર્શકોને જોડવા લેખનમાં જે દેશભક્તિની ભાવના રાખવી જોઇએ એનો અભાવ છે. એવું એકપણ દ્રશ્ય નથી કે દર્શકની આંખમાં ખુશી કે દુ:ખને કારણે આંસુ આવી જાય. ખુદ તાપસી રડવાના દ્રશ્યમાં અભિનય કરતી લાગે છે. સંવાદો પ્રેરણા આપે એવા લખાયા નથી. અમિત ત્રિવેદીના સંગીતમાં એવું કોઇ ગીત નથી કે જોમ- જુસ્સો પ્રગટ થાય. બધા જ ગીતો બેકગ્રાઉન્ડમાં આવતા હોવાથી ખાસ અસર ઊભી કરી શકતા નથી. દરેક ગીત ફિલ્મની લંબાઇને વધારવાનું જ કામ કરે છે. તાપસીએ ઠીક કહી શકાય એવો અભિનય કર્યો છે. નાની મિઠુ (ઇનાયત વર્મા) અને નૂરી (કસ્તુરી જગનામ) નું કામ સારું છે. કોચ તરીકે વિજય રાજ પ્રભાવિત કરે છે. નિર્દેશક સૃજિત મુખર્જીનું નિર્દેશન સામાન્ય છે. અસલમાં મિતાલીએ ક્રિકેટર બનવા ખાસ કોઇ આર્થિક કે સામાજિક સંઘર્ષ કરવો પડ્યો ન હતો. એક મહિલા ક્રિકેટર તરીકે પુરુષ ક્રિકેટર જેવું માન- સન્માન મળતું નથી અને એમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ક્રિકેટ પરની ફિલ્મમાં અસલી ક્રિકેટ જોવાની દર્શકોને ઉત્સુક્તા હોય છે એમાં જ હિન્દી ફિલ્મો સફળ થઇ રહી નથી. 'શાબાશ મિઠુ' માં ક્રિકેટની તાલીમ વધુ બતાવી છે પણ ક્રિકેટ વિશ્વ કપની મેચના દ્રશ્યો રોમાંચક બન્યા ન હોવાથી જમાવટ કરતા નથી. એટલું જ નહીં વિશ્વ કપ ક્રિકેટ દરમ્યાન મિતાલીએ જે યોગદાન આપ્યું હતું એ બરાબર બતાવ્યું નથી. ક્રિકેટ અને ક્રિકેટરો પર ઘણી ફિલ્મો બની છે અને એમના જીવન વિશે ફિલ્મોમાં ઘણું આવ્યું છે. ત્યારે પહેલી વખત મહિલા ક્રિકેટર પર આખી ફિલ્મ છે. તેની જિંદગીમાંથી કંઇક પ્રેરણા મેળવવી હોય તો જરૂર એક વખત જોઇ શકાય એમ છે. દરેક માતાને પોતાની પુત્રી સાથે આ ફિલ્મ જોવાની ભલામણ થઇ છે.