યારી@વિદ્યાનગર.કોમ - 8 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારી@વિદ્યાનગર.કોમ - 8

પ્રકરણ-૮

બીજું સેમેસ્ટર પતી ગયું અને હવે ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કર્યા પછી અને સિનિયર બની ગયા પછી બધાં જ મિત્રો ખૂબ જ આનંદિત હતા. પરંતુ હજુ ત્રીજું સેમેસ્ટર શરું થયું એને માત્ર ચાર દિવસ જ વીત્યા હતા. પરંતુ હજુ સુધી મિલી કોલેજે આવી ન હતી. સમીરની નજર ચાર દિવસથી મિલીને જ શોધી રહી હતી.

આજે પાંચમો દિવસ હતો. સમીરથી મિલીનો આ વિરહ બિલકુલ સહન થઈ રહ્યો ન હતો. એનું ધ્યાન ભણવામાં પણ લાગી રહ્યું ન હતું. એની નજરો સમક્ષ વારંવાર મિલીનો ચેહરો જ તરવરી ઉઠતો. સમીરની આવી હાલત જોઈને મનીષ, લવ અને ભાવિ પણ હવે તો ખરેખર ચિંતામાં મુકાઈ ગયા હતા. પણ એમની એ ચિંતા ટૂંક સમયમાં જ દૂર થવાની હતી અને સમીર માટે વધુ ચિંતાનું કારણ બનવાની હતી એ વાતથી અત્યારે તો બધા જ અજાણ હતા.

આજે પાંચમા દિવસે મિલી અત્યારે પ્રેક્ટીકલનો સમય હતો એટલે પ્રેક્ટીકલ ચાલુ હતો એટલે લેબોરેટરીમાં પ્રવેશી. પણ એને જોતા જ સમીરનાં હોશ ઉડી ગયા. આ શું? સમીર આ શું જોઈ રહ્યો છે? મિલી આજે એકલી નહોતી પરંતુ એની સાથે કોઈ પુરુષ પણ હતો. મિલીએ બધાંને એની સાથે આવેલાં એ પુરુષની ઓળખાણ આપતાં કહ્યું, "આ જય છે. મારો ફિઆન્સ."

આ એક જ વાક્ય સાંભળીને સમીરની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. પણ એણે માત્ર ચૂપચાપ જયની સામે જ જોયાં રાખ્યું. એણે પોતાના મનની વેદનાને છુપાવી દીધી અને તેણે મિલીને કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું.

"અરે! મિલી! તે આટલી જલદી સગાઈ પણ કરી લીધી અને અમને કોઈને કહ્યું પણ નહીં?" મોનલે પૂછ્યું.

પરંતુ મિલીને બદલે નીરાંએ જવાબ આપ્યો. એ બોલી, "અરે! મિલીની સગાઈ તો બાળપણમાં જ થઈ ગઈ હતી. એમની જ્ઞાતિમાં બાળપણમાં જ લગ્ન નક્કી કરી લેવામાં આવે છે. પરંતુ માત્ર સગાઈની વિધિ જ બાકી હતી. એ હવે કરવામાં આવી.બાકી મિલીના લગ્ન તો જય જોડે બાળપણમાં જ નક્કી કરવામાં આવ્યાં હતાં."

" ઓહ! અમને ખબર નહોતી. એની વે કોન્ગ્રેચ્યુલેશન મિલી અને જય." ભાવિએ કહ્યું. અને એણે લવ અને મનીષની સામે જોયું અને મનમાં જ બોલી, "જોયું ને! આપણે સમીરને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો. પરંતુ સમીર માન્યો જ નહીં આપણી વાત. અને જોયું ને! આપણને જે લાગ્યું હતું એ બધું સાચું જ પડ્યું. અને આજે સમીરની હાલત કેવી થઈ ગઈ છે!"

સમીરથી આજનો દિવસ તો માંડ નીકળ્યો. કોલેજ પૂરી થતા જ એ સીધો પોતાના રૂમ પર આવીને બેસી ગયો અને જોરજોરથી રડવા જ લાગ્યો. લવ અને મનીષ પણ સમીરની પાછળ પાછળ દોડતાં તરત જ આવ્યા. પોતાના મિત્રોને જોઈને સમીર તરત જ તેમને ભેટી પડયો અને બોલી ઉઠ્યો, "જો! આજે મેં મારા મિત્રોની વાત ન માની અને ભગવાને મને આજે કેટલી મોટી સજા આપી છે? મારી મતિ મારી ગઈ હતી કે, હું તમારા બંનેની વાત જ સાંભળવા તૈયાર નહોતો. તમે બંનેએ એના વિશે જે કંઈ પણ કહ્યું હતું એ બધું જ સાચું હતું. પરંતુ હું એના પ્રેમમાં એટલો આંધળો બની ગયો હતો કે, મને એ સત્ય દેખાયું જ નહિ.પરંતુ જ્યારે મિલીની સગાઈ નક્કી જ હતી તો એણે મને એકવાર પણ આ વિશે કહ્યું નહીં. નહીં તો હું પહેલા જ અટકી જાત ને! શું એને ખબર નહીં પડી હોય કે હું એને પસંદ કરું છું? છતાં તેણે મને એવો રિસ્પોન્સ શા માટે આપ્યા? મિલી એ મને દગો શા માટે આપ્યો? મિલીને તો હવે હું જિંદગીભર નહીં ભૂલું." સમીર બોલ્યો.

"એણે માત્ર તારો ઉપયોગ જ કર્યો. એ જાણી ગઈ હતી કે, તું એની પાછળ પાણીની જેમ પૈસા વહાવે છે. એટલે એ તને એવા રિસ્પોન્સ આપતી હતી અને એ માત્ર કોલેજ લાઈફ એન્જોય કરવા માંગતી હશે. તું વિચાર તો કર કે, જે છોકરીના આજના જમાનામાં પણ બાળપણમાં વિવાહ કરવામાં આવતાં હોય એના ઘરનું વાતાવરણ કેવું હોય? એને કોઈ છૂટ મળી ન હોય અને એને માત્ર સ્પ્રિંગની જેમ દબાવીને જ રાખવામાં આવી હોય અને પછી સમય આવતાં જ એ સ્પ્રિંગ ઉછળી હોય. મિલી સાથે પણ એમ જ થયું. એ જાણતી હતી કે, એક વખત જય સાથે લગ્ન થઈ જશે તો એને એ બધું માણવા નહીં મળે જે બીજી છોકરીઓ માણે છે એટલે એણે તારો ઉપયોગ કર્યો." મનીષે એને સત્ય સમજાવતાં કહ્યું.

"સમીર! તું શાંત થઈ જા. જે થવાનું હતું એ તો હવે થઈ જ ગયું. મિલી તો આમ પણ હવે ક્યારેય તારા જીવનમાં નહીં જ આવે એટલે તું એને ભૂલી જા અને આગળ વધ અને ભણવામાં મન લગાવ. આ હવે આપણાં કેરિયરનું અગત્યનું વર્ષ છે. અને આપણું સાથે રહેવાનું પણ કદાચ છેલ્લું જ." લવ બોલ્યો.

"લવ ઠીક કહે છે સમીર! કદાચ માત્ર આ સેમેસ્ટરમાં જ આપણે બધા સાથે હોઈશું. કારણ કે, આવતા સેમેસ્ટરમાં તો આપણે ડેઝર્ટેસન હશે એટલે જે પ્રોજેક્ટ મળશે એ પ્રમાણે કદાચ બધાં અલગ અલગ જગ્યાએ પણ હોઈએ. કોને ખબર કોણ ક્યાં હશે?" લવ બોલ્યો.

આ ઘટના પછી સમીરે પોતાનું ધ્યાન માત્ર ભણવામાં જ પરોવ્યું. એ હવે મિલીની સામે નજર પણ નાંખતો નહોતો. પણ આ ઘટના પછી એ લોકોનો સૂરતી છોકરીઓ પરનો વિશ્વાસ ડગમગી ગયો અને પછી ભાવિ, લવ, મનીષ, સમીર અને મોનલ, પ્રિયા અને શાહીનનું ગૃપ બની ગયું અને આ સાતેયની દોસ્તી વધુ ગાઢ બની. સાંજે કોલેજથી આવ્યા પછી એ લોકો રોજ રાત્રે એલિકોન ગાર્ડન ચાલવા જતાં અને પછી ચાલીને ત્યાં બેસતાં અને થોડીવાર બધાં ગપ્પાં મારતાં. આ સાતેયની મિત્રતા હવે ખૂબ જ ગાઢ બની ગઈ હતી.