Yaari@vidhyanagar.com - 1 books and stories free download online pdf in Gujarati

યારી@વિદ્યાનગર.કોમ - 1

યારી@વિદ્યાનગર.કોમ

પ્રકરણ-૧

વલ્લભ વિદ્યાનગર એટલે વિદ્યાનું નગર. ગુજરાતમાં જો વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું જો કોઈ સૌથી વધુ સારું નગર હોય તો એ વલ્લભ વિદ્યાનગર જ. ભાઈકાકા એ વસાવેલું એ નગર. ગામમાં પ્રવેશ કરીએ એટલે ભાઈકાકાની મોટી મૂર્તિ જોવા મળે ને એની ફરતે એક સર્કલ. એટલે એ ભાઈકાકા સર્કલ તરીકે ઓળખાય. આમ જોઈએ તો ચરોતરના પટેલોનું એ ગામ. પૈસા ખૂબ ત્યાંના પટેલો પાસે. અને એ સિવાયની વસ્તી સાવ પછાત. એકબાજુ અમીરી અને બીજી બાજુ ગરીબી પણ એટલી જ. આજે પણ હજુ ત્યાં કોલસા થી ચાલતી ઈસ્ત્રી જોવા મળે. ઈ.સ. 2007 ની સાલની આ વાત છે.
આ ગામમાં તમને સૌથી વધુ જો કોઈ દુકાનો જોવા મળે તો એ ઝેરોક્ષની અને સ્ટેશનરીની. ને બાકી તમને ખાણી પીણીની દુકાનો જોવા મળે. ઘર તો બધાં પીજીમાં જ પરિવર્તિત થયેલા. અને એ સિવાય તમને સાવ સસ્તીથી લઈને ફાઈવ સ્ટાર હોટલ સુધીની કેટેગરીની હોસ્ટેલ જોવા મળે.
વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનેક અભ્યાસક્રમો ચાલે. અહીં ભારતના અનેક ખૂણાઓમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે એટલે ભારતીય સંસ્કૃતિની ઝલક અહીં જેવી જોવા મળે એવી બીજે ક્યાંય ન મળે. શિક્ષકોથી લઈને વિદ્યાર્થી સુધીના દરેક વ્યક્તિ ભિન્ન ભિન્ન પ્રકારના જોવા મળે. અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો અને એમના અલગ અલગ સ્વભાવ. ગુજરાતના પણ જુદા જુદા ગામના લોકો. ક્યાંક સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી સંભળાય તો ક્યાંક અમદાવાદી લહેકો ને ક્યારેક સુરતી બોલી! આવું આ વિદ્યાનગર મજાનું નગર.
આપણી આ વાર્તા ના પાત્રો પણ કંઈક આવા જ છે. સરદાર પટેલ યુનિવર્સિટી માં આવેલ બાયોસાયન્સ વિભાગની અંદર આપણી આ વાર્તાના પાત્રો આકાર લેવાના છે. આગળ જતાં બીજા વિભાગોના પાત્રો પણ ઉમેરાશે પરંતુ અત્યારે તો આપણે બાયોસાયન્સ વિભાગની જ વાત કરીશું.
*****
ભાઈકાકા સર્કલ આવતાં જ પ્રિયા, મોનલ અને શાહીન ત્રણેય બસમાંથી નીચે ઉતાર્યા. એમની પાસે ઘણો સમાન હતો. આજે પહેલો જ દિવસ હતો. એ પીજી હોસ્ટેલમાં રહેવાના હતાં. યુનિવર્સિટીની પોતાની પણ ગર્લ્સ હોસ્ટેલ હતી ખરા પરંતુ આ ત્રણેય જણાને પીજી માં રહેવું જ યોગ્ય લાગ્યું કારણ કે, આ ત્રણેય સાયન્સ ની વિદ્યાર્થીનીઓ હતી અને જાણતી હતી કે, આપણે પ્રેક્ટિકલ હોય એટલે મોડું થઈ જ જવાનું ને પાછું હોસ્ટેલમાં રહીએ તો સાંજે સાતના સમય પર પાછા પણ ફરવું પડે. પરંતુ પીજીમાં એવો કોઈ બાધ નહીં. એટલે ત્રણેયને પીજીમાં રહેવું જ યોગ્ય લાગ્યું.
પ્રિયા, મોનલ અને શાહીન ત્રણેય બી.એસ.સી.માં પણ સાથે જ અભ્યાસ કરતાં હતા અને આગળ ઉપર ત્રણેયને એમ.એસ.સી. કરવું હતું અને ત્રણેયને વિદ્યાનગરમાં જ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ માં એડમિશન મળી ગયું હતું. અને આજે એ ત્રણેય જણાં વિદ્યાનગરની નવી સફર તરફ પ્રયાણ કરી રહ્યાં હતાં.
બસમાંથી નીચે ઉતરીને પ્રિયાએ હેતવીને ફોન કર્યો.
"હેતવી, અમે ત્રણેય વિદ્યાનગર આવી ગયા છીએ. અને ભાઈકાકા સર્કલ પાસે ઉભા છીએ. ત્યાંથી ક્યાં આવીએ?"
"ત્યાંથી રીક્ષા કરીને બાકરોલ આવી જાઓ. ત્રણ રૂપિયા લેશે એથી વધુ કહે તો આપતા નહીં. અને જો બાકરોલમાં કઈ જગ્યાએ એમ પૂછે તો કહેજો કે, જી સેટ બોયઝ હોસ્ટેલ પાસે. મેં દાદા જોડે વાત કરી લીધી છે. એમણે તમારો રૂમ તૈયાર કરાવી રાખ્યો છે."
"સારું, અમે થોડીવારમાં ત્યાં આવી પહોંચીએ છીએ." એટલું કહી પ્રિયાએ ફોન મુક્યો.
પ્રિયા અને હેતવી બંને જુના પડોશી હતા. હેતવી પ્રિયાથી એક વર્ષ આગળ હતી એટલે પ્રિયા એક વર્ષથી વિદ્યાનગર માં જ રહેતી હતી. અને હેતવીએ જ પ્રિયા અને એની મિત્રોને પોતે જે પીજીમાં રહેતા હતા ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જે પીજીમાં રહેતા હતાં એ મકાનનું નામ હતું "માતૃકુંજ".
"માતૃકુંજ"ના માલિક રશ્મિદાદા અને એમના પત્ની ઊર્મિલાબેન. એમના બાળકો તો અમેરિકા રહે. અહીં વિદ્યાનગરમાં તો માત્ર રશ્મિદાદા અને દાદી બે જ રહે. નીચે દાદા દાદી રહે અને ઉપરના માળે હોસ્ટેલ. આ હોસ્ટેલમાં કુલ છ રૂમ અને દરેક રૂમમાં ચાર ચાર છોકરીઓ. પરંતુ પ્રિયા, મોનલ અને શાહીનને જે રૂમ આપવામાં આવ્યો હતો એમાં એક જગ્યા હજુ ખાલી હતી. એ રૂમમાં માત્ર ત્રણ જ જણાં અત્યારે તો રહેવાના હતા.
હવે ત્રણેય જણાં રૂમ પર આવી પહોંચ્યા હતા. હેતવીએ રશ્મિદાદા ને સૌનો પરિચય આપ્યો અને દાદાએ એમને રૂમ બતાવ્યો અને પીજીના નિયમો સમજાવ્યા. બાથરૂમ હતાં એ બતાવ્યા અને કહ્યું, "સવારમાં નહાવાના ગરમ પાણી માટે બમ્બો સળગાવીએ છીએ એટલે બધાંએ વારાફરથી નહાઈ લેવું અને અહીં પાણીનું કુલર પણ છે એમાં ઠંડુ પીવાનું પાણી આવે છે. અને નીચે ચોકડી છે ત્યાં જ તમારે કપડાં ધોવાના અને વાસણ પણ ત્યાં જ કરવાના. બાથરૂમનો ઉપયોગ ખાલી નાહવા માટે જ કરવાનો. કપડાં બાથરૂમમાં નહીં ધોવાના. કપડાં ચોકડીમાં જ ધોવાના. રોજ સવારે 7 થી 9 એમ બે કલાક પાણી આવે છે એટલે ત્યારે જ તમારે કપડાં ધોઈ લેવાના." આટલું કહી અને દાદા એ ત્રણેયને રૂમ બતાવ્યો. અને રૂમની ચાવી આપી તેમ જ રૂમમાં કબાટ હતો તેની પણ ચાવી આપી અને સામાન તેમાં ગોઠવી લેવા કહ્યું. અને દાદા ત્યાંથી ગયા.
હવે પ્રિયા, મોનલ અને શાહીને એનો સામાન ગોઠવવા માંડ્યો. સામાન ગોઠવીને બધા ખૂબ થાકી ગયાં હતાં. એટલે હવે બધાં પથારીમાં આડા પડયા. રૂમ જોઈને ત્રણેય ખુશ થઈ ગયા. રૂમ તો સારો હતો. અને સુવિધા પણ સારી હતી.
"રૂમ તો સારો છે નહીં?." મોનલ બોલી.
"હા, સાચી વાત છે તારી. કાલથી તો હવે આપણે કોલેજ પણ શરૂ થઈ જશે. આજનો દિવસ જ છે. પછી ફરી પાછા એ જ લેક્ચરો ને પ્રેક્ટિકલનો સિલસિલો ચાલુ થઈ જશે." પ્રિયાએ કહ્યું.
પણ શાહીન હજુ પણ કંઈ જ બોલી રહી નહોતી. એ સાવ શાંત હતી. એની આંખોની કોર સહેજ ભીની હતી એ જોઈને મોનલ બોલી, "શું થયું?" અને અત્યાર સુધી શાંત રહેલી શાહીન હવે ચોધાર આંસુએ રડવા લાગી. એને ઘર બહુ જ યાદ આવી રહ્યું હતું. મોનલએ એને શાંત પાડી અને સમજાવ્યું, "તું રડ નહીં. બહુ યાદ આવતી હોય મમ્મી પપ્પાની તો ફોન પર વાત કરી લે ને!"
મોનલ આ ત્રણેયમાં સૌથી વધુ પીઠ હતી. કદાચ નાની ઉંમરે જ એની માથે ઘરની જવાબદારી આવી જવાના કારણે. અને શાહીન સાવ નાનકડી બાળક જેવી. અને પ્રિયા! એ તો નહીં બાળક કે નહીં મોટી. વચ્ચે ની કહી શકાય એવી. આવી હતી આ ત્રણેય સખીઓ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED