યારી@વિદ્યાનગર.કોમ - 9 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારી@વિદ્યાનગર.કોમ - 9

પ્રકરણ-૯

જોતજોતામાં ત્રીજું સેમેસ્ટર પણ પૂર્ણ થઈ ગયું અને હવે આવ્યું ચોથું સેમેસ્ટર. ચોથું સેમેસ્ટર આવતાં જ બધાંના માથેથી એ ભાર હળવો થઈ ગયો હતો કે, હવે પરીક્ષા નથી આપવાની. પરીક્ષા ન આપવાની હોય એટલે દરેક વિદ્યાર્થીઓને ખુશી તો થવાની જ છે. એવો ક્યો વિદ્યાર્થી હશે કે જેને પરીક્ષા આપવી પસંદ હોય! વિદ્યાનગરના આ યારો પણ કંઈ એમાંથી બાકાત નહોતા. એ બધાંના ચહેરા પર પણ પરીક્ષા નથી આપવાની એ વિચાર માત્રથી જ એક અનોખી ખુશી છલકી રહી હતી. પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું કે, ચોથા સેમેસ્ટરમાં એ લોકોને પ્રોજેક્ટ વર્ક કરવાનું હતું એટલે બધા અલગ અલગ જગ્યાએ જવાના હતા એટલે મિત્રોથી જુદા થવાનું દુઃખ પણ હતું. ચોથા સેમેસ્ટરમાં એ લોકોને એમણે પ્રોજેક્ટમાં જે રિસર્ચ વર્ક કર્યુ હોય એનું જ સેમેસ્ટરના અંતે માત્ર પ્રેઝન્ટેશન આપવાનું હતું.

સમીર, લવ, ભાવિ અને મનીષ એ ચારેયને બરોડાની એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ મળ્યો હતો એટલે એ લોકો બરોડા ગયાં. અને આમ પણ સમીર લવ અને મનીષનું તો હોમટાઉન પણ બરોડા હતું એટલે ઘરથી નજીક રહેવા મળશે એ વાતનો પણ એમને બધાંને આનંદ હતો.
શાહીન અને પ્રિયાને અમદાવાદમાં એક રિસર્ચ સેન્ટરમાં કામ મળ્યું એટલે એ બંને ત્યાં જતી રહી. અને એમના રૂમમાં રહેતી પ્રિયાની સખી મયૂરીને પણ અમદાવાદમાં જ પ્રોજેક્ટનું કામ મળ્યું હતું એટલે એ પણ શાહીન અને પ્રિયાની જોડે અમદાવાદ રહેવા ગઈ. એ લોકોને અમદાવાદમાં રહેવા માટે જ્યાં એમનું પ્રોજેક્ટ વર્ક હતું એની નજીકમાં જ રહેવા માટે ઘર પણ મળી ગયું હતું. એમણે ત્યાં પણ નવા દોસ્તો બનાવ્યાં. સાથેસાથે મયૂરી જોડે પ્રોજેક્ટમાં જે લોકો હતાં એ પણ પ્રિયા અને શાહીનના મિત્રો બની ગયાં. અને પ્રિયા અને શાહીનને તો રીસર્ચ સેન્ટરમાં પણ સારાં મિત્રો મળી ગયાં હતાં. જ્યારે મોનલ અને પરાગ એ બંનેએ વિદ્યાનગરમાં જ પ્રોજેક્ટ કરવાનું પસંદ કર્યું. અને કીનલ, નીરા અને મિલી તો સુરતના હતાં એટલે એમણે સુરતમાં જ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરવાનું પસંદ કર્યું. અને આમ પણ મિલીએ સમીર જોડે જે કંઈ પણ કર્યું હતું એ પછી એ લોકોની દોસ્તીમાં એક ડંખ તો પડી જ ગયો હતો. એટલે હવે એ ત્રણ જણાં એકદમ અલગ થઈ ગયાં હતા.

બધાં જ્યારે ચોથા સેમેસ્ટરની શરૂઆતમાં અલગ થયા ત્યારે બધાંએ નક્કી કર્યુ હતું કે, આપણે મહીનામાં એકવાર તો વિદ્યાનગરના આંગણે ભેગાં જરૂર થઈશું.

બધાં હવે પોતપોતાના પ્રોજેક્ટ વર્કમાં બિઝી થઈ ગયાં હતાં પરંતુ દર મહિનાના ચોથા રવિવારે એ લોકો વિદ્યાનગરમાં ઈસ્કોન મંદિરમાં ભેગાં થતાં. આવી જ રીતે એક દિવસ ભાવિ, લવ, સમીર, મોનલ, શાહીન અને પ્રિયા ભેગાં થયાં હતા. આ વખતે બે દિવસની રજા હતી એટલે એ લોકોએ કરમસદમાં આવેલાં એલીકોન ગાર્ડનમાં જવાનું નક્કી કર્યુ. અને બધાં ત્યાં પહોંચી ગયા. ત્યાં બેસીને બધાં વાતો કરી રહ્યાં હતાં અને મસ્તી કરી રહ્યાં હતાં. બધાં ટ્રુથ એન્ડ ડેર રમી રહ્યાં હતાં. એમાં સમીરનો વારો આવ્યો. એણે ટ્રુથ પસંદ કર્યુ એટલે એને મોનલે એને સવાલ પૂછ્યો, "એવી કઈ છોકરી છે જેને તું જિંદગીભર નહીં ભૂલી શકે?"
સમીરે આ વાતનો જવાબ આપતાં કહ્યું, "મિલી! મિલીને તો હું જિંદગીભર નહીં ભૂલું. એની સાથે સારી યાદો પણ છે અને ખરાબ પણ. પણ એણે મારી સાથે જે કંઈ પણ કર્યુ એ પછી તો હું એને જિંદગીભર નહીં ભૂલું."

સમીર હવે વધુ બોલશે તો એ ડિસ્ટર્બ થઈ જશે એમ માનીને લવે વાતાવરણને હળવું કરવા માટે ભાવિને ગીત ગાવા કહ્યું. એણે બોમ્બે મુવીનું કહેના હી કયાં ગીત ગાયું. બધાં એના ગીતમાં ખોવાઈ ગયા. ભાવિનો અવાજ ખૂબ મધુર હતો. એ પછી લવ અને મનીષે ભિખારીની એક્ટિંગ કરીને બધાંના મન જીતી લીધાં. મોનલનો વારો આવતાં એને પોતાના જીવન વિષે જણાવવા કહ્યું એટલે એણે નાનપણમાં જ એના પિતાનું મૃત્યુ થતાં એની મમ્મીને પપ્પાની દુકાન સંભાળવી પડી અને ઘરની બધી જ જવાબદારી એના માથે આવી ગઈ હતી એ વાત જણાવી. આ વાત સાંભળીને બધાંને સમજાયું કે, મોનલ નાની ઉંમરમાં મોટાં માણસો જેવી વાતો કેમ કરે છે! જવાબદારી માણસને કેટલું બધું શીખવી દે છે!

પ્રિયા અને શાહીને ડેર પસંદ કરતા એ બંનેને ડાન્સ કરવાનું કહેવામાં આવ્યું. પ્રિયાએ ભરતનાટ્યમમાં વિશારદ કર્યુ હતું અને શાહીનને વેસ્ટર્ન ડાન્સ સરસ આવડતો હતો એટલે એ બંનેએ ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સનું ફ્યુઝન નૃત્ય કર્યુ. બધાંને ખૂબ જ મજા પડી ગઈ.

જોતજોતામાં ચોથું સેમેસ્ટર પણ પૂરું થવા આવ્યું. આજે એ લોકોના બધાંના પ્રેઝન્ટેશન હતાં. અને કદાચ સાથે રહેવાનો છેલ્લો દિવસ પણ. હા, એક છેલ્લી વખત રીઝલ્ટ લેવાં જરૂર મળશે એ વાતની ખાતરી હતી.

પણ છેલ્લે પ્રેઝન્ટેશનના દિવસે એ પતે પછી બધાંએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. એ લોકોએ ડાકોર જવાનું નક્કી કર્યુ. બધાંએ ડાકોર મંદિરમાં દર્શન કર્યા અને પછી ડાકોરમાં ગોટાને ન્યાય આપ્યો. એ પછી ડાકોરથી દસ કિલોમીટર દૂર આવેલા ગળતેશ્વર મંદિરે ગયાં. ત્યાં તો મોનલ, શાહીન, પ્રિયા, ભાવિ, લવ અને સમીર બધાંએ ખૂબ મજા કરી. ત્યાંના વહેતાં ઝરણામાં બધાંએ એકબીજાના હાથ પકડીને ખૂબ મજા કરી. વિદ્યાનગરનાં આ યારો માટે આ દિવસ એમના જીવનનો એક યાદગાર પ્રસંગ બની ગયો કે, જેમને એ લોકો જીવનભર ભૂલી શકવાના નહોતા.

હરીફરીને આંખમાં આંસુ સાથે બધાં હવે છૂટાં પડ્યાં. છતાં મનમાં એક છેલ્લી આશા બાકી હતી કે, રિઝલ્ટના દિવસે આપણે મળીશું. અને એ પછી ડીગ્રી મળશે ત્યારે કદાચ એ લોકોની છેલ્લી મુલાકાત હશે.

વિદ્યાનું આ નગર પ્યારું વિદ્યાનગર છે.
યારોની મહેફિલો જમાવતું આ નગર છે.
મળે છે અહીં કેવાં મિત્રો જાતજાતના!
યારી દોસ્તીનો તો આ વિશાળ સાગર છે.