Yaari@vidhyanagar.com - 6 books and stories free download online pdf in Gujarati

યારી@વિદ્યાનગર.કોમ - 6

પ્રકરણ-૬

મનીષ અને લવ બંને જણાં સમીરને લઈને ચિંતામાં હતાં અને એટલે જ આજે એમણે ભાવિને પણ બોલાવી હતી. ભાવિ મનીષ અને લવ બંનેને પસંદ કરતી હતી પણ લવ તરફ ભાવિનો ઝુકાવ થોડો વધુ હતો. ભાવિ મનોમન લવને પસંદ કરતી હતી પણ એ જાણતી હતી કે, લવની પસંદ તો એની ખાસ મિત્ર વીરા છે.

ભાવિ અને વીરા બંને સ્કૂલમાં સાથે ભણતાં હતાં અને બંને બાળપણની ખાસ સખીઓ હતી. ભાવિએ જ લવનો પરિચય વીરા સાથે કરાવ્યો હતો અને પછી ધીમે ધીમે સમય જતાં જ્યારે લવએ વીરાને પ્રપોઝ કર્યું ત્યારે વીરાએ એને હા પાડી દીધી. અને આ વાત જ્યારે વીરા અને લવ બંનેએ ભાવિને જણાવી ત્યારે ભાવિને મનમાં દુઃખ તો થયું હતું કે, મારાં બંને ખાસ મિત્રો કે, જેમનું મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વ હતું એ બંનેએ મારી જાણ બહાર જ પ્રણયના ફાગ ખેલી લીધાં અને મને ખબર પણ ન પડી!

પણ પછી ધીમે ધીમે ભાવિએ સત્યને સ્વીકારી લીધું હતું. અને મિત્રોની ખુશીમાં જ આપણી ખુશી છે એમ માનીને એણે પોતાના મનને મનાવ્યું હતું. પણ અત્યારે તો આપણે સમીરની વાત કરીએ.

લવ અને મનીષ બંને ભાવિને પૂછી રહ્યા હતા કે, "હવે આપણે સમીરને કેમ કરીને સમજાવવું? મેં અને મનીષે એને આટઆટલું સમજાવ્યા છતાં પણ એ મિલીની માયાને મૂકતો જ નથી અને મિલિ પાછળ સાવ ગાંડો થઈ ગયો છે. અને આપણે એને મિલી વિશે કંઈ વાત પણ કરી શકતા નથી. એ તો મિલીના જ નામનું રટણ કર્યા કરે છે." લવ બોલ્યો.

હવે મનીષે પણ લવની વાતમાં સૂર પુરાવ્યો અને બોલ્યો, "હા, હું પણ એ જ કહું છું ને? પણ એને એ કેમ નથી સમજાતું કે મિલી એને ભાવ આપવાની જ નથી. એ તો મિલીનો ચહેરો જોઈને જ ખબર પડી જાય છે. અને તમને લોકોને તો ખબર જ છે કે, હું માણસને ઓળખવામાં કોઈ દિવસ થાપ ખાતો નથી. આપણે એને કઈ રીતે સમજાવવો મને તો એ જ સમજાતું નથી."

ભાવિએ બંનેની વાત સાંભળીને કહ્યું, "લવ, મનીષ! મને તો લાગે છે કે, અત્યારે આપણે સમીરને વધુ કંઈ પણ કહેશું તો એ અત્યારે સમજી નહીં શકે અને ઉલટું આપણાં સંબંધોમાં તિરાડ પડશે. શું તમે એવું ઈચ્છો છો કે, આપણી ચારેયની યારીને કોઈ આંચ આવે?"

ભાવિના આ પ્રશ્ન પૂછતાની સાથે જ બંનેએ નકારમાં માથું હલાવ્યું.

ભાવિ કહી રહી હતી, "સાચું કહું તો એની જાતે જ આપણે એને અનુભવ થવા દઈએ. જ્યારે મિલી એને દગો દેશે ત્યારે જ એને સમજાશે કે, આપણે જે કંઈ પણ કહી રહ્યા હતા એ સાચું જ કહેતા હતા અને એના ભલા માટે જ કહેતાં હતાં પરંતુ અત્યારે એને કંઈ પણ કહેવું પથ્થર પર પાણી બરાબર છે. કારણ કે, અત્યારે એ પ્રેમમાં આંધળો બનેલો છે અને પ્રેમમાં અંધ વ્યક્તિ ક્યારેય પોતાના પ્રેમી સિવાય કોઈનો ભરોસો નથી કરતો."

"તું કદાચ ઠીક કહે છે. ભાવિ!" મનીષ બોલ્યો.

"હા! મને પણ ભાવિની વાત સાચી લાગે છે. આપણે હવે સમીરને એના હાલ પર જ છોડી દેવો જોઈએ. તો જ આપણી ચારેયની આ મિત્રતા કાયમ ટકી રહેશે." લવ બોલ્યો.

આટલી વાત કરી અને બધાં છૂટાં પડ્યા. આ બાજુ સમીર મિલીના પ્રેમમાં પાગલ બનતો જતો હતો. દિવસ રાત તે મિલીના જ સપના જોતો હતો. પણ મિલીના મનમાં તો કંઈક બીજા જ વિચારો ચાલી રહ્યા હતા.

*****
"મિલી! તું શું વિચારમાં પડી ગઈ છો?" કીનલે પૂછ્યું.

" હા, મિલી! હું પણ ક્યારની જોઉં છું કે, જ્યારથી આપણું પહેલું સેમેસ્ટર પત્યું અને વેકેશનમાં ઘરે જઈને પાછી આવી છો ત્યારથી તું કંઈક વિચારમાં ખોવાયેલી છે. એવી તો શું વાત છે? અમને નહીં કહે?"

"ક્યાંક તું સમીર વિશે સિરિયસ તો નથી ને? શું તું એને પસંદ કરે છે? મને લાગે છે કે, સમીર તને પસંદ કરે છે અને કદાચ તારા પ્રેમમાં પણ પડી ગયો છે." નીરાએ કહ્યું.

"જો! મિલી! હું તને સાવ સાચી સલાહ આપું? જો ખરેખર તને એવું લાગતું હોય કે સમીર તને પસંદ કરે છે તો તું એને અત્યારથી જ સત્ય જણાવી દે. નહિ તો જ્યારે પાછળથી એને ખબર પડશે ત્યારે એને બહુ દુઃખ થશે." કીનલ બોલી.

"હા, મિલી. હું પણ કિનલની વાત સાથે સહમત છું. મેં તને ઘણી વાર સમીરને રિસ્પોન્સ આપતા જોઈ છે. તારે એને ના જ પાડવાની છે તો શા માટે તું એના મનમાં કોઈ આશા જગાડે છે? આ મારી દ્રષ્ટિએ તો મને યોગ્ય નથી લાગતું. મને લાગે છે કે, તારે સમીરને વહેલામાં વહેલી તકે સત્ય જણાવી જ દેવું જોઈએ."

પણ કીનલ અને નીરાની આટલી બધી વાતો સાંભળ્યા પછી પણ મિલી તો ચૂપ જ હતી. ત્યાં જ મિલીના ફોનની રિંગ વાગી. સમીરનો ફોન હતો. મિલીએ ફોન ઉપાડ્યો અને કહ્યું, "હેલ્લો!"

"હાય મિલી! હું તને બહુ જ મિસ કરતો હતો. શું તું પણ મને મિસ કરતી હતી?" સામે છેડેથી સમીરે પૂછ્યું.

પરંતુ મિલીએ સમીરની કોઈ વાતનો જવાબ આપ્યો નહીં અને કહ્યું, "સમીર! હું થોડી કામમાં છું. તને થોડીવાર પછી ફોન કરું છું." એમ કહી અને મિલીએ ફોન મૂકી દીધો.

ફોન મૂકીને મિલી વિચારમાં પડી ગઈ. પરંતુ ત્યાં જ હોસ્ટેલમાં જમવાના સમયનો ડંકો વાગ્યો અને મિલી, નીરા અને કીનલ ત્રણેય જણાં જમવા માટે ગયા.

આ બાજુ સમીર પણ વિચારે ચડ્યો કે, "કોઈ દિવસ નહીં ને આજે કેમ મિલીએ મારી જોડે વાત ન કરી? મને ઈગ્નોર કરતી હોય એવું કેમ લાગ્યું?" કદાચ કંઈ તકલીફમાં હશે? કાલે કોલેજમાં મળીશ ત્યારે પૂછી લઈશ. એમ માનીને એણે પોતાના મનને મનાવ્યું. અને એ પણ પોતાના ઘરે જમવા બેઠો.

સમીર અને મિલી બંને મોઢામાં કોળીયા તો લઈ રહ્યા હતા પણ બંનેના મન અત્યારે ક્યાંક બીજે જ ભટકી રહ્યાં હતાં.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED