પ્રકરણ-૩
બધાં હવે પ્રેક્ટિકલ કરવાની તૈયારીમાં લાગી ગયા. પણ અત્યારે આપણે એ વાત નથી કરવી. અત્યારે આપણે વાત કરવી છે સમીરની. સમીરની દ્રષ્ટિ જ્યારથી મિલી પર પડી એની નજર મિલી સામે જ તકાયેલી હતી. એને લાગી રહ્યું હતું કે, જાણે ફરી માહી જ મિલીના રૂપમાં એની સાથે આવી હતી. એની નજર મિલીના ચેહરા પરથી હટી જ નહોતી રહી. એ સતત મિલીની સામે જ જોઈ રહ્યો હતો.
અને આ વાત પર લવ અને મનીષ બંનેનું ધ્યાન ગયા વિના રહ્યું નહીં. લવ અને મનીષ બંનેએ એકબીજા તરફ જોયું અને જાણે બંને એકબીજાને કહી રહ્યા હતા, "ના. આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તો સારું." અને બંનેએ સમીરને તરત જ ટકોર કરતાં કહ્યું, "સમીર, તું પ્રેક્ટિકલમાં ધ્યાન આપ. એ બે વર્ષ આપણી જોડે જ રહેવાની છે. અને અત્યારે તું એના તરફ ધ્યાન ન આપ. કોને ખબર એ પણ કદાચ માહીની જેમ..."
"એવું નહીં થાય. મિલી મને એવી છોકરી નથી લાગતી. જોઈને તો એ બહુ સીધી છોકરી લાગે છે મને." સમીરે એ બંનેને કહ્યું.
"તને તો માહી પણ સીધી જ લાગતી હતી. અમે તને કેટલો સમજાવ્યો હતો પણ તો ય તું ન માન્યો અને અમારી જોડે સંબંધ બગાડી બેઠો હતો. પણ અંતે તો સચ્ચાઈ સાબિત થઈ ગઈ ને કે, અમે તારી ભલાઈ જ ઈચ્છતા હતા. તું અમારો મિત્ર છે. માટે તારું ધ્યાન દોરવું એ અમારી ફરજ છે." લવ બોલ્યો.
"પણ જેને તમે હજુ જાણતાં પણ નથી એના વિષે તમે કઈ રીતે કહી શકો કે, એ પણ માહી જેવું જ વર્તન કરશે?" સમીરે પૂછ્યું.
"અમે પણ તને એ જ કહેવા માંગીએ છીએ સમીર! અમે નથી જાણતાં તો તું પણ ક્યાં જાણે છે એને? એક નજરમાં કોઈ વિષે કંઈ રીતે અભિપ્રાય આપી શકાય? પહેલી નજરનો પ્રેમ ફિલ્મોમાં હોય. વાસ્તવિક જીવનમાં નહીં. હકીકત ફિલ્મો કરતાં ખૂબ અલગ હોય છે. દરેક ફિલ્મ કોઈની અધૂરી રહી ગયેલી વાર્તા જ હોય છે. ફિલ્મના ડિરેક્ટર હકીકતમાં જે પોતે પોતાના જીવનમાં જે કરવાની હિંમત દાખવી શક્યા ન હોય કે કરી ન શક્યા હોય એ પોતાની વાત ફિલ્મના માધ્યમથી રજૂ કરતાં હોય છે. અમારું તને એટલું જ કહેવું છે કે તું થોડો સમય રાહ જો."
અને મારા જીવનની વાર્તા તો તું ક્યાં નથી જાણતો? તું તો જાણે જ છે કે, મારા લગ્ન બાળવિવાહ હતા. મારા પિતા એ બધાને બહુ સમજાવવાના પ્રયત્નો કર્યા પણ કોઈ માનવા તૈયાર નહોતા. ગામડામાં બધાને લાગતું હતું કે, અત્યારે લગ્ન નહીં થાય તો પછી એને સારી છોકરી નહીં મળે. કારણ કે, બધાંના જ લગ્ન વહેલા જ થઈ જતાં ગામડામાં તો. અને હજુ તો મારા પિતા લોકોને બાળવિવાહ ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતાં હતાં એ દરમિયાન જ એમનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું. ઘરની બધી જ જવાબદારીઓ મારા શિરે આવી પડી.
ઘરના બીજા વડીલો પાસે મારુ કંઈ જ ચાલ્યું. હું ત્યારે દસમા ધોરણમાં ભણતો હતો. અને મારા બલવિવાહ કરવામાં આવ્યા. આમ તો આ એક બલવિવાહ જ હતા. બાળકના જબરદસ્તી બાળવિવાહ કરવામાં આવે તો એને બલવિવાહ જ કહેવાય ને!"
મારા પિતાએ મરતી વખતે મને કહ્યું હતું, "મારું દેહદાન કરી દેજો. પણ મારા પિતાની અંતિમ ઈચ્છા પણ કોઈએ પૂરી ન થવા દીધી. હું ખૂબ લડ્યો એમના માટે પણ અંતે તો હું એક બાળક હતો. મારી વાતને કે મારા પિતાની વાત ને કોઈ સમજ્યું જ નહીં. પિતાની ચિતા જ્યારે અગ્નિની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ રહી હતી ત્યારે હું મનોમન એમની માફી માંગી રહ્યો હતો કે, હું એમની અંતિમ ઈચ્છા પૂરી ન કરી શક્યો. અને એનો ડંખ મને આજ સુધી પીડે છે.
અને મારા પિતા જે બાળવિવાહ ન કરવા માટે બધાને સમજાવી રહ્યાં હતા એ બધાં લોકોને એ વાત ત્યારે તો ગળે ન ઉતરી. પણ એ બાળવિવાહનું પરિણામ મેં જરૂરથી ભોગવ્યું. મારી પત્ની લગ્નના છ મહિના બાદ જ મને છોડીને જતી રહી. મેં એને ખુશ રાખવાના બધાં જ પ્રયત્નો કર્યા પણ એ જતી રહી. અને એના જવાનું કોઈ કારણ મને મળ્યું નહીં. ગામના લોકો કહે છે કે, એ બીજા કોઈ જોડે ભાગી ગઈ. શું ખબર! એની સાથેનો મારો સંબંધ હું હજુય સમજી શક્યો નથી. હું તો છ મહિના એની જોડે રહ્યો હતો તો પણ સમજી ન શક્યો. કદાચ એટલે જ લોકો કહેતાં હશે કે, સ્ત્રીને સમજવી અઘરી છે. અને મારા કિસ્સામાં તો એ સાચું પણ બન્યું છે."
"માટે મારે તને એટલું જ કહેવું છે સમીર! કે કોઈ વિષે તરત જ અભિપ્રાય ન બાંધી લેવાય. તું તારી જાતને થોડો સમય આપ." એટલું કહી મનીષ શાંત થઈ ગયો.
જાણે ફરી એકવાર એના મનનો બોજ હલકો થયો હોય એવું એણે અનુભવ્યું.
"હા, સમીર! મનીષ સાચું જ કહે છે. હું પણ એની વાત સાથે સંમત છું." લવ એ પણ મનીષની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.
પોતાના બંને મિત્રોની વાત સાંભળીને સમીરે મિલી પરથી નજર હટાવી લીધી અને પ્રેક્ટિકલમાં ધ્યાન આપવા લાગ્યો. પણ એના મનમાં તો હજી મિલીનો ચેહરો જ રમી રહ્યો હતો.
આ બાજુ મિલીની નજરથી છાનું ન રહ્યું કે, સમીરે એની સામે કંઈ દ્રષ્ટિથી જોયું. એના ગાલ પર શરમનો શેરડો પડયો પણ પછી એણે પોતાની જાતને સાંભળી લીધી. અને એ પણ પ્રેક્ટિકલમાં ધ્યાન આપવા લાગી. ત્રણ કલાકનો પ્રેક્ટિકલ હવે પૂરો થઈ ગયો હતો. રિસેસનો સમય હતો. બધાં જમવા સાથે બેઠા. બધાં પોતપોતાનું ટિફિન લઈને આવ્યા હતા અને પહેલાં જ દિવસે બધા સાથે જ જમવા બેઠા. એ દરમિયાન આખી લેબમાં સાવ શાંતિ હતી. કારણ કે, બધા જમવામાં મશગૂલ હતા. કારણ બધાં લને ખૂબ કકડીને ભૂખ લાગી હતી.
હવે રીસેસ પુરી થઈ હતી. હવે લેક્ચરનો વારો હતો. આજે પહેલું જ લેક્ચર એ ટુ ઝેડ સરનું હતું. સર કલાસરૂમમાં આવ્યા અને સૌથી પહેલાં પોતાનો પરિચય આપ્યો, "Good afternoon students." એટલું કહી એમણે પોતાનું નામ જણાવ્યું જે કોઈને યાદ રહ્યું નહીં. અને પછી થોડી પ્રાથમિક માહિતી આપીને એમણે ભણાવવા માંડ્યું. અને બધાં વિદ્યાર્થીઓએ પણ અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું.