એ છોકરી - 12 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ છોકરી - 12

રૂપલી અને હું શહેરમાં આવવા નીકળ્યા. રૂપલી તો પહેલીવાર કારમાં બેઠી હતી એટલે એ તો બહુ ખુશખુશાલ હતી, આગળની સીટ પર બેસી હતી અને આનંદથી આજુબાજુ જોતી હતી, એના મુખ પર એક અવર્ણનીય આનંદ દેખાઈ આવતો હતો. હાઈવે પરના વૃક્ષો અને ખેતરો જોવામાં તલ્લીન હતી, મેં એને પૂછ્યું રૂપલી કેવું લાગે છે તને આજે કારમાં બેસીને સફર કરવાનું?

રૂપલી કહે વીણાબૂન સાચુ કહુ તો મને તો આ હજુ પણ સપનું જ લાગી રહ્યું છે, જાણે કે હું સપનામાં મારી ઈચ્છાઓ પૂરી કરી રહી છું. ઓલુ, પેલા આ બધા સિનેમામાં નથી બતાવતા આવું એવું લાગે છે મને તો.

મને હસવું આવ્યું, મેં રૂપલીના હાથ પર ધીમેથી ચૂંટલી ખણી એટલે એ બોલી ઓ માડી રે, કેમ વીણાબૂન તમે ચૂંટલી ખણી ? મેં કહ્યું રૂપલી તને સપનામાંથી બહાર લાવવા, એમ કહી હું ખડખડાટ હસી પડી. મેં કહ્યું રૂપલી આ સપનું નથી, હકીકત છે અને હવે તારી જીંદગીમાં એક નવો અનુભવ, નવી બાબતો તારી આગળ રાહ જોઈને ઊભી છે રૂપલી. રૂપલી કહે હા બૂન સપનું નથી. હું તો સાચે જ જાણે રાજાની કુંવરી હોઉ અને આ તમારા સફેદ રથ પરની સવારી કરી રહી છું.

મેં કહ્યું ઓહો રૂપલી શું વાત છે ? તને તો હજુ શહેરમાં પહોંચી પણ નથી ને આવા સરસ શબ્દો બોલવા લાગી લાગે છે કે શહેરની હવા તને અનુકુળ આવી જ જશે.

રૂપલી હસી પડી. રૂપલીના હાસ્ય પર તો હું ફિદા હતી. એના ગાલમાં જે ખંજન પડતા અને તેની દાડમની કળી જેવા દાંત એના હાસ્યને વધુ મનમોહક બનાવતા, દુશ્મનને પણ વ્હાલ આવે એવી લાગતી રૂપલી હસે ત્યારે. પેલું કહે છે ને કે હસે ત્યારે જાણે મોતી ખરે એવું હાસ્ય હતું રૂપલીનું.

મેં રૂપલીને પૂછ્યું રૂપલી તને શહેરમાં ફાવી જશે ને પહેલા તો તારૂ નામ મારે બદલવાનું છે. આ રૂપલી રૂપલી નથી કહેવાનુ. તને કોઈ સારૂ નામ પસંદ હોય તો કહેજે. નહીંતર હું જ તારૂ સરસ મજાનું નામ પાડી દઈશ. રૂપલી બોલી વિણાબૂન શહેરમાં તમે છો એટલે મને લગીરે ચિંતા નથી, અને ફાવવામાં તો ઈમ છે ને બૂન કે જો તમે મારા માટે આટલી મહેનત કરો છો તો સામે મારે પણ વિચાર કરવો પડે ને બૂન. હું તમારી મહેનત એળે નહીં જવા દુઉં. અને બૂન કંઈ તકલીફ હશે તો તમે તો છો જ કહીશ ને તમને હું આવું બોલે ત્યારે રૂપલી જાણે તેની ઉંમરથી પણ મોટી ના થઈ ગઈ હોય એમ મને લાગતું. મને બહું ગમ્યુ રૂપલીનો આ જવાબ સાંભળીને.

ત્યાં રૂપલી બોલી એ બૂન મારું નવું નામ તો તમે જ રાખજો મને ખબર છે કે તમે જેવું તેવું નામ તો નહી જ રાખો.

મેં કહ્યું અરે પણ રૂપલી તું પણ વિચારને થોડુક, તો કહે ના બૂન ના મારે આ નામ માટે કોઈ વિચાર કરવો નથી, એ જવાબદારી તમારી એમ કહી પાછી ખડખડાટ હસી પડી.

રૂપલી મારી સાથે એટલી ભળી ગઈ હતી તે મને પણ ગમતું હતું. કારણકે જો એ સંકોચ રાખે અને ભળે નહીં તો આગળ ઘણાં પ્રશ્ન ઉભા થઈ શકે એમ હતા.

મેં કહ્યું સારૂ બસ હવે હું વિચારીને તારુ નામ રાખીશ. પણ પછી આગળ બીજા કોઈ બાબત હશે એમાં તને કહું તો જવાબદારીમાંથી છટકી ના જતા. કારણકે હવે તારી એક નવી યાત્રા શરૂ થઈ રહી છે, એમાં ઘણા ચઢાવ ઊતાર આવશે પણ હારવાનું નથી.

રૂપલી બોલી ના ના બૂન ફક્ત આ નામ પૂરતુ તમારી જવાબદારી. આગળ તમે કહેશો તેમ જ કરીશ બસ.

મેં કહ્યું હા ગુડ ગર્લ યુ આર. આમ વાતો માં અને વાતોમાં અમે તો ઘરે પણ પહોંચી ગયા ખ્યાલ જ ના રહ્યો. કાર પાર્ક કરીને રૂપલીને ગાડીમાંથી બહાર આવવા કહ્યું અને કહ્યું રૂપલી આ મારૂ ઘર છે અને તારે હવેથી અહીં રહેવાનું છે. રૂપલી તો આશ્ચર્યથી અમારા ઘરને જોઈ રહી હતી. અમારો બંગલો હતો, શહેરથી થોડે દૂર શાંત વિસ્તારમાં અમે રહેતા હતા. રૂપલી બોલો ઓહોહો, બૂન આ તો જાણે રાજાનો મહેલ હોય એવું લાગે છે. મેં કહ્યું ના ના રૂપલી નાનકડું અમારુ ઘર જ છે ઈશ્વરની કૃપાથી. રૂપલીને કહ્યું આવ અંદર આવ રૂપલી.

અંદર ડ્રોઈંગરૂમમાં પહોંચીને પણ રૂપલી તો આમ તેમ જોયા જ કરતી હતી. મેં એનો હાથ પકડીને એને સોફામાં બેસાડી દીધી, અને કહ્યું બેસ રૂપલી અહીં. ઘરના મહારાજ અને કામ કરનાર બાઈ પણ રૂપલીને જોયા કરતા હતા.

રોનક અમારા રૂમમાં હતા તે પણ ઉપરથી બહાર આવ્યા, એમને જોઈને રૂપલી ઊભી થઈ ગઈ, મેં ઓળખાણ આપતા કહ્યું રોનક આ મારી રૂપલી, રોનક પણ રૂપલીને એકીટશે જોઈ જ રહ્યા, પછી બોલ્યા હા હા કેમ છે રૂપલી મજામાં ને ? રૂપલી રોનકને ઓળખતી ન હતી મેં કહ્યું રૂપલી આ મારા પતિ છે અને તું મને બૂન કહે છે તો આ તારા જીજાજી.

રૂપલી બોલલી હા હા હું સારી છું. રોનકે અમને આવતા તો કોઈ તકલીફ નથી પડી એ બધી નોર્મલ વાત કરી અને કહ્યું સારૂ તમે લોકો ફ્રેશ થઈ જાઓ આપણે ડીનર માટે મળીએ, હું થોડો કામમાં છું. મેં કહ્યું સારૂ સારૂ.

પછી હું રૂપલીને લઈને એના રૂમમાં ગઈ જે મેં આગલા દિવસે જ સાફ કરાવીને રાખ્યો હતો. રૂમ જોઈને રૂપલીની આંખો પહોળી થઈ ગઈ. મેં કહ્યું રૂપલી જો આ તારો રૂમ છે, તારે હવે આ રૂમમાં રહેવાનું છે. બરોબર. અને જો આ કબાટમાં તારા કપડાને બધુ જે પણ લાવી હોય તે મૂકી દે. તારા માટે આપણે નવા કપડા ને વગેરે લેવા એક-બે દિવસમાં જઈશું. ત્યાં આ બાથરૂમ છે એમાં સરસ નાહીને તૈયાર થઈ જા, આપણે જમતી વખતે મળીએ, હું પણ ફ્રેશ થઈને આવું છું. રૂપલી બોલી હા બૂન સારૂ. મેં કહ્યું જરા પણ ગભરાઈશ નહીં, રૂપલી કોઈ પણ કામ હોય તો આ ફોન છે એના પર 11 નંબર કરજે એટલે મારા રૂમમાં ઘંટડી વાગશે બરોબર

રૂપલી હજુ પણ થોડી અંચબામાં જ લાગતી હતી તે આ બધુ જોઈને થોડી આશ્ચર્યચકિત હતી તેથી હું તેની પાસે બેસી હળવેથી તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું શું થયું રૂપલી ? રૂપલી કહે બૂન આ તો આવું બધુ પહેલીવાર જોયું એટલે થોડુ ગભરાઈ ગઈ છું પણ હું થઈ જઈશ બરોબર તમે ચિંતા ના કરો. મેં કહ્યું સારૂ જો આ બાથરૂમ જોઈલે એમાં કઈ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરવો તે તને સમજાવી દઉ. એમ કહી તેને બધુ સમજાવ્યું અને કહ્યું હવે હું જાઉ રૂપલી તું કરી લઈશને જાતે બધું?

રૂપલી કહે હા બૂન જાઓ હું કરી લઈશ અને કંઈ તકલીફ લાગશે તો હું 11 નંબર પર તમને ફોન કરીશ.

મેં કહ્યુ સારૂ તો તું તૈયાર થઈ જા ત્યાં સુધી હું પાછી આવુ છુ. અને હું મારા રૂમમાં ગઈ અને રૂપલી પણ રૂમ બંધ કરીને ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ.

લગભગ અડધો કલાક પછી મેં નીચે આવીને રૂપલીના રૂમનો દરવાજો ખટખટાવ્યો એટલે રૂપલીએ દરવાજો ખોલ્યો એ સરસ તૈયાર થઈ હતી.

આંખમાં કાજલ, લાંબો ચોટલો વાળીને સરસ મજાનો ચણિયો, કબ્જો અને ચોલી તેણે પહેરી હતી, તેની પાસે આવા જ કપડા હતા એટલે હવે તેની માટે નવા શહેરમાં પહેરાય તેવા કપ઼ડા લાવવા જરૂરી હતા. તેને સાથે લઈ જઈને લાવવાનો હોવાથી મેં આ કામ પેન્ડીંગ રાખેલુ હતું.

હું અને રૂપલી જમવાના ટેબર પર આવી ગયા, રોનક પણ આવી ગયા હતા, આજે રૂપલીના આવવાની ખુશીમાં મહારાજે કંસાર બનાવ્યો હતો જે હું એમને આગળથી સૂચના આપીને જ ગઈ હતી, સાથે લીલવાની કચોરી, ભાખરી, ભીંડાનું શાક, કઢી ને પુલાવ પણ હતા રૂપલી તો પહેલીવાર આવી રીતે ડાઈનીંગ ટેબલ પર બેસી હતી જમવા તેથી તેને કેવી રીતે જમાય તે પણ મે શીખવાડ્યુ, માનો ને કે આજથી જ તેવી ટ્રેઈનીંગ ચાલુ થઈ ગઈ હતી. તે થોડો સંકોચ અનુભવતી હતી પણ હવે તેણે આ બધુ શીખવાનું જ હતું તેથી મેં એને કશું કહ્યું નહી.

જમતા જમતા થોડી વાતો કરી પછી રોજીંદા નિયમ મુજબ ગાર્ડન ગેલેરીમાં ગયા, આજે રૂપલી પણ સાથે હતી, એને એકલુ ના લાગે માટે મેં એને સાથે બેસાડી હતી.

મેં કહ્યુ રૂપલી અત્યારે રાત થઈ છે એટલે કાલે સવારે આપણે તારા બાપુને ફોન કરી જણાવી દઈશું કે તું સહીસલામત પહોંચી ગઈ છે, મેં ડાહ્યાભાઈને ફોન પણ લઈ આપ્યો હોવાથી હવે ગમે ત્યારે ફોન કરી શકાય એમ હતો.

રૂપલી કહે સારુ બૂન, થોડી વાતો કરી મેં કહ્યું રૂપલી તારે સૂઈ જવું હોય તો જા સૂઈ જા, અંદરથી રૂમ બંધ બરોબર કરી દેજે અને તકલીફ હોય તો ફોન કરજે. અને હા રૂપલી કાલે સવારે તારુ નવું નામ હું રાખીશ એટલે કાલથી તને રૂપલી રૂપલી કહીને નહીં બોલાવું.

રૂપલી હસી પડી, કહે હા બૂન ચોક્કસ, હું પણ જોઉં કે કેવું નામ રાખે જે મારા વીણાબૂન., એમ કહી રૂપલી સૂવા જતા જતા કહે બૂન ઓલું તમે શહેરમાં સૂવા જાઓ એ પહેલાં શું કહો, ગુડ નોટ. મને હસવું આવ્યું મેં કહ્યું રૂપલી ગુડ નોટ નહી ગુડ નાઈટ, એટલે બોલી હા બૂન એજ ગુડ નોટ.

હું અને રોનક બંન્ને હસી પડ્યા. સારુ રૂપલી ગુડ નોટ.

રૂપલી સુવા ગઈ, થોડી વાર મેં અને રોનકે વાતો કરી પછી અમે પણ સૂવા માટે ગયા.

(શું નામ હશે નવું રૂપલીનું જુઓ આગળ ભાગ-13)