એ છોકરી - 11 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ છોકરી - 11

રવિવારે સવારે લગભગ 8 વાગ્યે હું મારા ગામ રૂપલીને લેવા જવા નીકળી. લગભગ 2.30 થી 3.00 કલાકનો રસ્તો હતો. રેડિયો પર જૂના ફિલ્મી ગીતો ચાલુ કરી મેં કાર હંકારી અને લગભગ 11 વાગતા હું ગામ પહોંચવા આવી. ગામમાં જઈ હું પહેલા મારા ઘરે ગઈ ત્યાં થોડી ફ્રેશ થઈને પંદર મિનીટ આરામ કરીને રૂપલીને ત્યાં જવા વિચાર્યું.

થોડીવાર આરામથી આંખો મીચીને બેસી રહી. લગભગ પંદર મિનિટ પછી આંખો ખુલી એટલે રૂપલીને ત્યાં જવા નીકળી.

રૂપલીના ઘર પાસે પહોંચતા જ જાણે આજે તો રૂપલી મારી આવવાની રાહ જોઈને જ ખાટલો ઢાળીને બેઠી હતી, મને જોતાં જ દોડતી દોડતી આવીને મને ભેટી પડી બોલી વીણાબુન તમે આવી ગયા. હું તો ક્યારની તમારી જ વાટ જોઈને બેઠી હતી બોલો.. હું હસી પડી કહ્યું રૂપલી મેં આવવાનું કહેલુ એટલે હું આવુ જ ને. રૂપલીનો ઉત્સાહ જોઈ મને પણ બહુ આનંદ થયો.

મને લઈને રૂપલી એના ઘરમાં આવી. ડાહ્યાભાઈ પણ ઘરમાં હાજર હતા, જોઈને બોલ્યા આવો આવો વીણાબુન, રસ્તામાં કંઈ તકલીફ તો નથી પડીને ? બેસો બૂન. મેં કહ્યું હા ડાહ્યાભાઈ આવી ગઈ શાંતિથી, ના કોઈ મુશ્કેલી પડી નથી. હાઈવે થી આવીએ એટલે બહુ સમય ના લાગયે .

થોડી ઔપરિચારિક વાતો કરી ત્યાં રૂપલી બોલી બુન ચા બનાવું પીશો ને ? મેં કહ્યું આજે તો પીશ ચા રૂપલી તારા હાથની, જરા આદુ નાખીને બનાવજે ચા. રૂપલી હાથની ચપટી વગાડતા બોલી અરે બૂન જુઓ તો ખરા આજે કેવી મસ્તાન ચા બનાવુ છુ મારા વીણા બૂન માટે. હું હસી પડી. રૂપલી ચા બનાવીને લાવી, ખરેખર બહુ સરસ ચા બની હતી. ડાહ્યાભાઈ બોલ્યા બૂન તમે આવ્યા છો તે જમવાનું આજે અહીં જ રાખજો, હવે તો તમે ક્યારે આવશો ? મારી આ રૂપલીને લઈ જાઓ છો તો, અને એના હાથનું હું પણ આજે જમી લઉ ને. રૂપલી બહુ સરસ જમવા બનાવે છે. પણ અમારા ગામડામાં બને એવું હોંકે, તમારા શહેરમાં ઓલુ પીજો, ભાજી બ્રેડ એવુ બધુ એને ના આવડે.

મેં કહ્યું હા હા ડાહ્યાભાઈ જે બનાવશે તે હું જમીશ. અને તમારી રૂપલીને લઈ જઉ છુ તે તમે ગમે ત્યારે એને મળવા આવી શકો છો અને રૂપલીને પણ હું લઈ આવીશ કોઈક કોઈક વાર અહી તમારી ખબરઅંતર પૂછવા માટે તમે જરા પણ ચિંતા ના કરતા. હવે અમારી પાસે બે કલાક જેટલો સમય હતો તેથી હું શાંતિથી બેસીને બધુ જોયા કરતી હતી. એક બે ફોન મારે કરવાના હતા તે કામ પણ મેં ત્યાં જ પુરુ કર્યું. ડાહ્યાભાઈ થોડીવાર માટે બહાર ગયા હતા તે પાછા આવ્યા ત્યારે તેમની સાથે બીજા પાંચ પુરુષો પણ આવ્યા હતા. ડાહ્યાભાઈએ મારી ઓળખાણ આપતાં કહ્યું આ વીણાબૂન છે આજે રૂપલીને લેવા આવ્યા છે. મેં સ્મિત કર્યું, મને ઓળખાણ ના પડી એ ડાહ્યાભાઈને સમજાયું એટલે બોલ્યા બૂન આ અમારુ ગામનું સરપંચ છે. આ અમારા સરપંચ કાનજીભાઈ છે અને બીજા ચાર પંચ છે. તમે રૂપલી માટે જે કરો છો તે વાત મેં અમારા પંચ આગળ કહી હતી તે લોકો ખુશ થયા અને કહ્યું કે તારી છોડીનું સારુ થતુ હોય તો શહેરમાં જાય એમાં શું વાંધો છે. એ લોકો તમને મળવા માંગતા હતા એટલે બોલાવી લાવ્યો છુ બૂન. મેં કહ્યું ભલે ભલે સારુ કર્યું ડાહ્યાભાઈ.

પછી પંચો સામે સ્મિત આપી કહ્યું કેમ છો તમે બધા બોલો કોઈને કંઈ કહેવું છે પૂછવું છે તમારે ? કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો. એટલે જાણે એ બધા વતી સરપંચ કાનજીભાઈ બોલ્યા ના બૂન ના આ તો આ ડાહ્યાએ વાત કરી બધી એટલે અમને પણ થોડું આશ્ચર્ય થયું હતું કે આ જમાનામાં આવું તે કોણ માણહ છે જે એની રૂપલી માટે આટલુ કરવા તૈયાર થયા અને તમે તો પાછા રમણભાઈના છોડી છો એટલે કહેવાનુ જ ના હોય. રમણભાઈ એટલે રમણભાઈ બહુ ભલા માણહ અને તેવી જ તેમની છોડી એટલે તમે વીણા બૂન. મેં કહ્યું આભાર તમારો તમે આટલુ માન સન્માન મને આપો છો. ફરી રૂપલી ચા બનાવીને લાવી એટલે ચાને ન્યાય આપીને થોડી વાતો કરી સરપંચ વિદાય થયું.

થોડીવાર પછી મેં કહ્યું રૂપલી તારા બધો સામાન તૈયાર છે ને હવે આપણે જમીને લગભગ નીકળીશું. રૂપલી કહે હા બૂન તૈયાર છે. ચાલો જમવા આપણે જમી લઈએ. રૂપલીએ પૌષ્ટીક અને સ્વાદીષ્ટ જમવાનું બનાવ્યું હતુ. રીંગણ બટાકાનું શાક, કઢી, ખીચડી, શીરો ને રોટલી સાથે ડુંગળી મરચા પણ હતા.

મને પણ ઘણા સમય પછી આવું ગામડાનું સાત્વિક ભોજન જમવા મળ્યું હતું તેથી ભરપેટ ખાધું.

જમી લીધા ત્યારે લગભગ 2.30 વાગવા આવ્યા હતા. એટલે મેં કહ્યું રૂપલી આપણે થોડીવાર માં નીકળીએ હવે તું તૈયાર થઈ જા. સાંજ પડે એ પહેલા આપણે શહેરમાં પહોંચી જઈએ.

રૂપલી એના બાપુ સામે જોઈ રહી હતી, બાપ-દિકરી એક બીજાની સામે જોઈ રહ્યા હતા ત્યાં રૂપલીની આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા, ડાહ્યાભાઈની આંખો પણ ભરાઈ આવી હતી. રૂપલીના ભાઈ – બહેન પણ રડવા લાગ્યા હતા. વાતાવરણ ગંભીર થઈ ગયું હતુ, મારી આંખોમાં પણ આંસુ આવી ગયા પણ પરિસ્થિતિ સંભાળવી જરૂરી હતી તેથી મેં રૂપલીને બાથમાં લીધી અને કહ્યું જો રૂપલી તું આમ રડીશ તો તારા બાપુ કેમ રહેશે ? ચાલ શાંત થઈ જા નહીં તો બાપુની તબિયત બગડશે તારા ભાઈ-બહેનને પણ સાચવવાના છે ને એમને ?

પાણીનો પ્યાલો લાવી એ લોકોને આપ્યો. વાતાવરણ હળવું થયું, મેં મારા પર્સમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને ડાહ્યાભાઈના હાથમાં મૂક્યા અને કહ્યું કે લો આ તમને કામ લાગશે અને વધુ જરૂર હોય તો પણ જણાવજો, અને રૂપલીની જરા પણ ચિંતા કરશો નહીં.

રૂપલી તૈયાર થઈ ગઈ હતી, તેને લઈને હું નીકળી અમારી પાછળ પાછલ ડાહ્યાભાઈ, રૂપલીના ભાઈ-બહેન અને ગામના બીજા લોકો પણ પાદર સુધી આવ્યા. બધા જોઈ રહ્યા હતા અને અંદર અંદર વાતો પણ કરી રહ્યા હતા.

પાદર આવીને મેં ડાહ્યાભાઈનો હાથ પકડી કહ્યું તમે જરા પણ ચિંતા ના કરશો, તમારી રૂપલીને હું મારી દિકરીની જેમ રાખીશ. ડાહ્યાભાઈ ગદ્ ગદ્ થઈ ગયા અને કહ્યું બૂન બહુ આભાર તમારો.

રૂપલીને ગાડીમાં બેસાડીને હું ઘર તરફ જવા નીકળી ગઈ.

(હવે રૂપલીની અને મારી ખરી પરીક્ષા શરૂ થવાની હતી. રૂપલી માટે તો નવું શહેર, નવા લોકો, નવું વાતાવરણ રાહ જોઈને બેઠુ હતું. જુઓ આગળ ભાગ-12)