A Chhokri - 4 books and stories free download online pdf in Gujarati

એ છોકરી - 4

ભાગ – 4

" એ છોકરી "

(ભાગ-3 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા મેં નિર્ણય લીધો હતો, રૂપલી પણ તૈયાર હતી પણ એના બાપુને હું મળીશ? આવો જોઈએ.)


રૂપલીએ મને કહ્યું બૂન તમે તો મને શહેરમાં લઈ જવા તૈયાર થયા છો, મારી પણ ઈચ્છા છે પણ મારા બાપુ ? મારા બાપુ રાજી નહીં થાય બૂન હું જાણું છુ મારા બાપુને.


મેં કહ્યું રૂપલી તારી વાત સાચી છે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તારા બાપુ ચોક્કસ તને ના જ મોકલે, પણ હું શું કહું છું તુ મારી વાત ધ્યાનથી સાંભળ. રૂપલી કહે હા, બોલો બૂન. મેં કહ્યું જો રૂપલી આમ તો હું આજેજ શહેરમાં પાછી ફરવાની હતી, પણ તારી સાથે આટલી બધી વાત થઈ તો હવે મને એમ લાગે છે કે એક રાત આજે અહીં રોકાઈ જાઉં અને કાલે સવારે તારા ઘરે આવીને તારા બાપુને મળુ અને બધી વાત કરૂ, આમ પણ અત્યારે બપોરની વેળા થઈ ગઈ છે તારે પણ ઘરે કાંઈક કામ હશે, તો તું શાંતિથી ઘરે જા અને આવતી કાલે સવારે હું તારા બાપુને મળવા આવીશ, તું હમણાં તારા બાપુને આ બાબતે કાંઈ જ જણાવીશ નહીં, બોલ છે મંજૂર ?


મારી વાત રૂપલીએ શાંતિથી સાંભળી પછી કહ્યું, સારૂ બૂન તમે કાલે સવારે આવજો મારા ઘરે, તમે મારું ઘર તો જોયું છે ને ? મેં કહ્યું હા રૂપલી મને ખ્યાલ છે, આટલી વાતો કરી હું અનેર રૂપલી છુટા પડ્યા.


હું પરત ગામ તરફ વળી અને અમારૂ મકાન ત્યાં વર્ષોથી હતું જ એટલે રાતવાસો કરવાનો કે બીજી કોઈ બાબતની ચિંતા કરવાની મારે જરૂર ન હતી. ઘરે પહોંચી શાંતિથી પરવારીને શહેરમાં મારા ઘરે પણ મારા પતિને હું આજે પરત નહીં આવું એમ ફોન દ્વારા જણાવી, હું આરામ કરવા માટે આડી પડી, પણ મને રૂપલીના જ વિચારો આવતા હતા, આમ વિચારો કરતાં કરતાં મને ક્યારે નિંદ્રા આવી ગઈ ખ્યાલ જ ના રહ્યો.


સવારે કૂકડાની બાંગ સાંભળીને હું જાગી ગઈ અને આળસ મરડીને બેઠી થઈ. ખરેખર શહેરના પ્રદૂષિત વાતાવરણથી દૂર ગામડાની સુંદર અને સ્વચ્છ આબોહવા, વાતાવરણ કંઈક અલગ જ તાજગી શરીરમાં ભરી દે છે. મારે બીજા પણ ઘણા કામો શહેરમાં બાકી હતા એટલે આજે રૂપલીને ઘરે જઈ પછી ત્યાં શું નક્કી થાય એ પછી હું શહેરમાં પરત ફરવાનું મેં નક્કી કર્યું. બધા નિત્યક્રમથી પરવારીને સુંદર તૈયાર થઈને હું રૂપલની ઘર તરફ જવા નીકળી.


ગામ લોકો ઘણા વર્ષો પછી મને આવેલી જોતા હતા, એમાંના ઘણા ચહેરા નવા હતા અને ઘણાં પરિચિત ઘરડા ચહેરા પણ હતા. બધાને મળતી મળતી હું રૂપલીના ઘરે પહોંચી. રૂપલીના ઘરે પહોંચતા જ જાણે એ મારી રાહ જોઈને જ ના બેઠી હોય ? એમ દોડતીક ને આવી ગઈ અને કહે આવો, આવો વીણાબૂન. મને પણ ગમ્યું.

અંદરથી એક ખાંસતો અવાજ આવ્યો, રૂપલી કોણ છે? એટલે રૂપલી કહે બાપુ એ તો વીણાબૂન આવ્યા છે, રૂપલીના બાપુ કહે કોણ વીણાબૂન? રૂપલી કહે બાપુ ઓલા રમણભાઈના દિકરી, વીણાબૂન. આટલું બોલતા બોલતાં તો એ મને અંદરના ઓરડામાં હાથ પકડીને ખેંચી ગઈ.

રૂપલીનું ઘર ત્રણ રૂમનું હતું, ગામડાનાં ઘર હોય છે એવું જ. પહેલાં ઉંબરો હતો, પછી અંદર બીજો રૂમ ને એના પછી ત્રીજો રૂમ. ઘણા સમયથીમકાનને મરામતની જરૂર હોય એમ દેખાઈ આવતું હતું. આગળના રૂમમાં મોટી મોટી ત્રણ કોઠીઓ ભીંતમાંજ જાણે ચણી લીધી હોય એવી હતી. ગામડામાં અનાજ આવી કોઠીઓમાં જ ભરવામાં આવતું.


અંદરના રૂમમાં રૂપલીના બાપુ ખાટલા પર બેઠા હતા, હાથમાં હુક્કો હતો સામેની બાજુ રૂપલીનો ભાઈ અને બહેન ચા પીતા હતા, સાથે બાજરીનો રોટલો પણ હતો. નાનું ઘર હતું પણ સ્વચ્છ હતું.


મને જોઈને રૂપલીના બાપુ કહે તમારી ઓળખાણ ના પડી, મેં મારી ઓળખાણ આપતા ખાસા સમય પછી એમને ઓળખાણ પડી હોય એમ લાગ્યું. ત્યાં તો રૂપલી એક ખુરશી લઈ આવી અને કહે બૂન બેસો બેસો. રૂપલીના બાપુ કહે પણ હેં રૂપલી તું આમને કેવી રીતે ઓળખે છે ? એટલે રૂપલીએ મારી સામે જોયું, પછી કહે અરે બાપું હું તો તમને કેવાનું જ ભૂલી ગઈ હતી, ગઈકાલે હું ખેતરે કામ કરતી હતી ત્યાં આ વીણાબૂન આવેલા અને મારી સાથે બહુ વાતો કરી હતી બાપુ. રૂપલીના બાપુ કહે અચ્છા? એમ, સારૂ સારૂ.


રૂપલી કહે તે બાપુ આ વીણાબૂન તમને આજે ખાસ મળવા આવ્યા છે ને તમારી સાથે ખાસ વાત પણ કરવી છે એમને. પછી પાછી એકદમ રૂપલી કહે બૂન ચા પીશો ને તમે? હું ચા બનાવું. મે કહ્યું ના રૂપલી હું બધુ પતાવીને જ આવી છું અને મારે આજે પરત શહેર પણ જવું છે.


ત્યાં રૂપલીના બાપુ બોલ્યા હા બોલો બૂન શું ખાસ વાત કરવી છે તમારે ? રૂપલીના બાપુની વાત સાંભળી અને પછી થોડી વાર વિચારીને મેં એમને કહ્યું કે ડાહ્યાભાઈ આ તમારે ત્રણ બાળકો છે નહીં ? ડાહ્યાભાઈ કહે, હા બૂન. પણ તમારે શું વાત કરવી છે એ કહોને બૂન ? એટલે મને પછી થયું કે આડા અવળી વાત કર્યા વગર જ મારે સીધેસીધું ડાહ્યાભાઈને જણાવવું જ પડશે. એટલે મેં કહ્યું ડાહ્યાભાઈ મારે તમારી આ રૂપલીને શહેરમાં લઈ જવી છે એને આગળ ભણાવવી છે. એનો જે કાંઈ ખર્ચ આવશે તે હું ઉપાડવા તૈયાર છું.


મારૂ આટલું બોલતા બોલતા તો ડાહ્યાભાઈ આશ્ચર્યભરી નજરે મારી સામે જ જોઈ રહ્યા અને મને તાકી જ રહ્યા, જાણે કે સાપ સૂંઘી ના ગયો હોય એમ ...


હવે આગળ શું થશે ડાહ્યાભાઈ તૈયાર થશે રૂપલીને શહેરમાં મોકલવા વાંચો આગળ ભાગ-5


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED