એ છોકરી - 1 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ છોકરી - 1

ધારાવાહિક ભાગ – 1

“ એ છોકરી “

મિત્રો, આ સાથે મારી નવી રચના ધારાવાહીકરૂપે પ્રસ્તુત કરૂ છું. સ્થળ અને પાત્રો કાલ્પનીક છે. આશા છે કે આપને ગમશે.

ખળખળ વહેતી નદી. આજુબાજુનાં લીલાછમ વૃક્ષો, સવારનાં સૂરજનાં કિરણોની લાલીમા, અને આ બધાની વચ્ચે દૂર દૂર પેલા ખેતરમાં એક આકૃતિ દેખાઈ. હા નજીકથી જોયું તો એક સોળ-સત્તર વર્ષની નાજુક નમણી છોકરી હતી.

આજે તો કદાચ એના બાપુને શરીરે સારૂ ન હોવાથી એ આવી હતી, ખેતરમાં ડાંગરના ધરૂના રોપા કરવા. એણે પહેરેલ પોલકું અને ચણીયો અને ઉપરથી રાતા કલરની બાંધણીની ઓઢણી. અહાહા........ શું સુંદર કાયા હતી એની. ઈશ્વરે જાણે કે અપ્રતિમ સૌંદર્ય રસ ભરી ભરીને આપ્યું હતું. હરણની આંખ જેવી એની કાળી કાળી આંખો, ગુલાબની પાંખડી જેવા હોઠ, એના દાડમના દાણા જેવા દાંત, દૂધ જેવી ધોળી કાયા, કાનમાં તો એણે પેલા મેળામાં મળે છે ને એવાં ઝૂમખાં પહેરેલા હતા, અને ગળામાં તો કાચનાં મોતીની માળા, હાથમાં કચકડાની રાતી, લીલી બંગડીઓ. એને જોતાં જ મુગ્ધપણે બસ જોયા જ કરવાનું મન થાય એવી હતી “ એ છોકરી “.

હું મારા શહેરથી દૂર મારા ગામ જવા નીકળેલ અને વર્ષો જૂના અમારા ગામના પાદરથી આગળ અમારા વડવાઓના ખેતરમાં થયું કે લાવને એક આંટો મારી આવું. ત્યાં જ મને આ છોકરીના દર્શન થયા અને એક સ્ત્રી હોવા છતાં પણ હું એને બસ જોયા જ કરતી હતી. પાસે જઈ પૂછ્યું, “ અરે ઓ બેન તું કોણ છે?” “તારૂ નામ શું છે ?” “ખેતરમાં તુ કામ કરે છે?” મારા એક સાથે આટલા બધા પૂછાયેલા પ્રશ્નો સાંભળીને એ એકદમ તો અંચબામાં પડી ગઈ. અને મને ટગર ટગર જોયા જ કર્યુ, હું એના માટે અજાણી વ્યક્તિ હતી, હું એની આગળ પ્રશ્નો લઈને ઉભી હતી.

મને થયું કે કદાચ એ ગભરાઈ ગઈ છે, એટલે મેં કહ્યું કે, “અરે હું પેલા રમણભાઈ રહે છે ને આ ગામમાં એમની દીકરી વીણા છું”. મારાથી ગભરાઈશ નહી. એમ મેં થોડી ઓળખાણ આપી એટલે કદાચ એને થોડી ગતાગમ પડી એમ લાગ્યુ, થોડીવાર પછી બોલી, “તે તમે ઓલા રમણભાઈના છોડી છો, એમ ? તે તમે શહેરમાં રહો છો ને બૂન? “ મેં કહ્યું હા. ગામડામાં છોકરીને છોડી કહેતા હોય છે. પછી મેં તરત કહ્યું પણ તું તો કહે તું કોણ છે? એટલે કહે અરે હું હું તો રૂપલી છું, ઓલા ડાહ્યાભાઈ છે ને એંમની છોડી છું. મેં કહ્યું તું કેમ ખેતરમાં કામ કરે છે ? તારા ઘરમાં પુરૂષ નથી કોઈ ? કહે મારા બાપુ છે ને એંમને તાવ આવ્યો છે, શરીરે સારૂ નથી તો દાક્તર કહે છે આરામ કરો અને મારા ઘરમાં હું મોટી છુ, મારા ભાઈ બૂન છે પણ મારાથી નોના છે, તો કૂણ ધ્યાન આપે? તી પછે મારે જ આવવું પડેને બૂન. અને આ ડાંગરના રોપા ના કરું ને તો સડી જાય ને બૂન પછે પાકમાં નુકશાન થાય ને બૂન. અમારી તેો રોજીરોટી આ આભ અને ધરતી જ બૂન. પછી મને કહે, તે તમે રોકાવાના બૂન કે શહેરમાં જવાના ? મેં કહ્યું કેમ તારે કંઈ કામ છે ? થોડું વિચારીને કહે હા, બૂન મારે કામ તો છે, પણ તમે મને વિશ્વાસ આપો તો કહું.

હવે “ એ છોકરી “ ને શું કામ હતું જાણો આગળ ભાગ – 2 માં

લેખિકા – વાયોલેટ આર. ક્રિશ્ચિયન, ન્યુ મણિનગર, અમદાવાદ