Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૨

જવાબની રાહમાં શ્યામા સવારની પહોરમાં વહેલી ઉઠી ગઈ, આખી રાતની કાચી ઊંઘ સ્પષ્ટ કરી દેતી હતી કે એને આખી રાત વિચારોમાં વિતાવી હતી, તો બીજી બાજુ શ્રેણિકની હાલત તો એનાથીય કફોડી હતી, ઘરેથી જવાબનું દબાણ નહોતું પરંતુ શ્યામા તરફથી બે દિવસ બાદ શું જવાબ આવશે એની ફિકરમાં એની રાતની નિંદર તો જાણે અમરાપર પહોંચી ગઈ હતી, એના મનમાં બસ શ્યામાના જ વિચારો હતા, કે એના માટે એની જિંદગીમાં અનોખા પડાવમ એની ભૂમિકા શું બનીને રહેશે એના માટે એ થોડો વ્યાકુળ હતો, કોઈ દબાણ પૂર્વક શ્યામા જવાબ ના આપી બેસે એની ચિંતા એના મનને કોરી ખાતી હતી, શ્યામા એના જીવનમાં આવે એવું એ સંપૂર્ણપણે ઈચ્છતો હતો પરંતુ એના સપનાઓ વગર વાંકે વીંધાઈ જાય એવું શ્રેણિક જરાય ઈચ્છતો નહોતો, એ શ્યામાને સંપૂર્ણ આઝાદી સાથે બંધનમાં બાંધવા માંગતો હતો.
એ સવારે ઊઠીને નીચે આવ્યો, તૈયાર થઈને ઓફિસ જવાનું હોવાથી એ એના નિત્યક્રમ પતાવીને ડાઇનિંગ ટેબલ પર આવીને ગોઠવાયો, ત્યાં તો સામે બેઠેલા અનુભવ બોલ્યાં, "દીકા! કેમ સૂતો નહોતો રાતે?" એમનાં આ સવાલ સાથે જ શ્રેણિક પકડાઈ ગયો, અનિકેતના ખાસ મિત્ર કહી શકાય એવા અનુભવભાઈ જેમના ત્યાં શ્રેણિક રોકાયો હતો, હમણાં ઇન્ડિયામાં તેઓ જ એમનાં ખાસ સ્વજન હતા, સગાઓ તો ઘણા હતા પરંતુ અનુભવભાઈ ન્યુઝીલેન્ડ આવતાં જતાં રહેતા એટલે શ્રેણિકને એમની માયા હતી, સગા કાકાની માફક તે ત્યાં સંબંધની લાગણી અનુભવતો હતો.
"નો અંકલ! નથીંગ! એ તો જરાક વર્કલોડ હોય એટલે રહે!"- શ્રેણિકએ નજર છુપાવતા કહ્યું.
"વર્કલોડ કે પછી થીંકિંગલોડ! બહુ ના વિચાર હવે શ્યામા વિશે! પ્રેમ થઈ જશે તો...."- કહીને અનુભવભાઈ હસવા માંડ્યા.
ત્યાં તો રીનાબેન આવી પહોંચ્યા, તેઓની થતી વાતોમાં એમને આવીને તેઓ જોડાયા, "ગુડમો્નિંગ! શું વાત ચાલી રહી છે કાકા ભત્રીજા વચ્ચે?"
"ગુડમોર્નિંગ, રીના! બસ જો આપણો અનિકેત મોટો થઈ ગયો છે...." અનુભવભાઇ બોલ્યાં.
"હાસ્તો! મોટો તો થઈ જ ગયો છે ને! બિઝનેસની બધી જવાબદારીઓ લઈ લીધી છે...અને હવે તો પાછો પરણી પણ જશે થોડા વખતમાં!"- રીનાબેન બોલ્યાં.
"અનિકેતને કહેવું પડશે કે બહુ જવાબદારી ના આપે હમણાં ભાઈને ઓફીસની! ઊંઘ પૂરી નથી થતી! જ્યારથી શ્યામાને જોઈને આવ્યો છે ત્યારથી આમ ના આમ જ છે!"- અનુભવભાઈ હસતાં હસતાં બોલતાં ગયા.
"ના અંકલ એવું કંઈ જ નથી! તમે પણ શું?"- શ્રેણિક વાતને ટાળી રહ્યો.
"શ્રેણિક તું આજે એકલો જ આવ્યો નાસ્તો કરવા? ક્યાં ગયો તેઓ ગઠિયો જીગરીજાન?"- રીનાબેન ઈશારામાં નયનની વાત કરી રહ્યા.
"આંટી! એનું કહેવું નહિ પડે! ખાવાનું કામકાજ છે તો હમણાં જ આવી પહોંચશે! તમે એની ફિકર ના કરો!"- શ્રેણિકે કહ્યું, ત્યાં જે તો નયન આવી પહોંચ્યો.
"લે નયન! તું તો સો વર્ષ જીવવાનો! હમણાં જ રીના તને યાદ કરતી હતી!"- અનુભવભાઈએ કહ્યું.
"ઓહ્.... મારે સો વર્ષ તો નથી જીવવુ! પણ જીવું એટલા વખત ભગવાન મને સારું સારું ખવડાવવાની મોજ કરાવે એટલે બહુ થયું!"- નયને ડાયનીંગ પર પડેલી વાનગીઓ તરફ નજર ફેરવતા કહ્યું.
"હા તો ચાલ બેસી જા! આજે તો તારા ભાવતા ઠેપલા બન્યા છે!"- રીનાબેને એને બેસવા ઈશારો કર્યો.
"આંટી! તમને તો મારે ન્યુઝીલેન્ડ લઈ જવા પડશે! બહુ મસ્ત બનાવો છો ઠેપાલા!"- નયને ઠેપલા લેતા રીનાબેનને કહ્યું.
"તો ભાઈ! હું શું કરીશ? તારે જોવે તો શ્યામા જોડે બીજી છોકરી શોધી લાવ અમરાપર માંથી, જેને સારા થેપલા બનાવતા આવડતું હોય એવી!"- અનુભવભાઈ હસતાં હસતાં બોલ્યાં, વાતાવરણ હળવું થઈ ગયું.
"ઓલી માયા ના ચાલે?"- શ્રેણિકે જરાક ધીમો વાર કર્યો.
"માયા? નો વે! એને તો હું સામે જોવું તો પણ મારી નાખું! અને એના હાથમાં ઠેપલા? આઈ હેટ હર!"- નયને ભડકો કરતાં કહ્યું.
"પણ તમારા બેની જોડી જામે હા! ટોમ એન્ડ જેરી જેવા લાગો!"- શ્રેણીક હસી પડ્યો.
આમ હસતાં હસતા એની આંખોમાં રહેલી ઊંઘ ઉડી ગઈ, એની વાતોમાં હવે વાતે વાતે શ્યામા અને અમરાપર આવી જતું જેથી સીધું સ્પષ્ટ થઈ જતું કે શ્યામાએ એના દિલમાં જગ્યા બનાવી લીધી છે! ફક્ત એની હા જ બાકી છે!