Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૩

શ્રેણિકની આંખોનો ઊંઘ અમરાપર આવીને અટકી ગઈ હતી તો શ્યામાની ઊંઘ પણ જાણે શ્રેણિકના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી, સવાર થતાંની સાથે દાદાને જવાબ આપવા માટે શ્યામા મનોમન તૈયારી કરી રહી હતી, જો દાદા એને જવાબ માટે મોકો જ નહિ આપે તો? એના સપનાંઓ ધૂળધાણી થઈ જશે તો? લગ્ન કરવા માટે એનો નિર્ણય લેવો તો પડશે જ પરંતુ એ નિર્ણય સાથે એ ખુશ થશે કે નહીં?
સવારના પહોરમાં એ જલ્દી ઉઠી ગઈ અને મેડીએથી નીચે આવી, ઘરના બધા સૂતા હતા ખાલી ઘરની સ્ત્રીઓ ઊઠીને છાણ વસિદા કરતા હતા, ક્યાંક ઘમ્મર વલોણું ચાલતું હતું, તો ક્યાંક ગાયો દોહાતી ગમાણમાં ચહલપહલ હતી, એક બાજુ મહેશ્વરીકાકી ફળિયું વાળતી હતી તો સરલાકાકી તુલસીના ક્યારે દીવા મૂકતાં હતા, દાદા ઊઠીને દાતણ લઈને ફળિયામાં આંટા મારી રહ્યા હતા, આવડું મોટું ઘર અને એમાંય ઘણા સદસ્યો છતાંય બધા પોતપોતાનું કામ જાતે કરવા ટેવાયેલા હતા, વર્ષોથી આમ જ સાથે રહેતા સૌને જાણે સવારથી પોતાના ભાગના કર્યો કરવાની આદત થઇ ગઇ હતી, એકેયને કોઈ શિકાયત વગર સવાર પડતી, સંપનું આ એક ઉદાહરણ હતું અમરાપરમાં! સુરાણી પરિવાર સંપનો સુર હંમેશા રેલાવતું હતું, માટે જ એમની આખાય પંથકમાં શાન હતી, શેર મારી સાવા શેર કઈ રીતે કરવી એવી તેઓમાં આવડત હતી, ઘરના સદસ્યો હોય કે બહારથી આવેલો પરોણો તેઓમાં સાકરની જેમ ભળી જતો.
શ્યામા ઊઠીને જલદી આવી, ગૌરીબેનનું ધ્યાન એની ઉપર ગયું, તેઓ સાડીનો પાલવ સરખો કરતાં કરતાં એમની જોડે આવ્યા, "જયશ્રી કૃષ્ણ શ્યામા!"
"જયશ્રી કૃષ્ણ!" - ઘરના રિવાજ પ્રમાણે તેઓએ સવારનાં પહેલા જયશ્રી કૃષ્ણ કહીને દિવસની શરુઆત કરી.
"દીકરા કેમ જલ્દી ઉઠી ગઈ? નિંદર થઈ ગઈ?"- ગૌરીબેન બોલ્યાં.
"હા મમ્મી, આજે તો સરખી નિંદર થઈ જ નહિ!"
"કાં? તબિયત તો ઠીક સે ને?"- ગૌરીબેન ચિંતિત જણાયા, એમણે શ્યામાનો હાથ પકડીને એનો હાલ માપ્યો કે તાવ તો નથી ને?
"તારું શરીર તો ધગે સે! તું સૂઈ જા,હું મીઠાના પોતા લેતી આવું સુ!"- શ્યામાને તાવ આવ્યો હતો માટે ગૌરીબેન આઘાપાછા થવા લાગ્યા.
"કાઈ નથી થયું મને, ઇ તો કાલનો થાકોડો સે, થઈ જાહે સરખું હમણાં બાજરીના લોટે નાઈ લઈશ તો!"- શ્યામાએ એમને સમજાવતા કહ્યું.
"હા તો ઉભી રહે હું ગરમ પાણી લેતી આવું તારા માટે, ન્હાઈ લે ઝટ! આખો દિવસ ક્યાં આંટા કરવાની જરૂર હતી તારે?"- ગૌરીબેન શ્યામાને ચિંતા કરતા ઠપકો આપવા માંડ્યા, એક માંની મમતા તેઓમાં ટપોટપ ઝલકતી હતી.
"મમ્મી, તમે ટેન્શન લ્યો મા! બધું સારું જ છે, અમથા તમે તો...."- શ્યામા બોલી.
"મારે કાંઈ સાંભળવાનું નથી થતું, તું આરામ કર નહિ તો તારા પપ્પાને મારે કહેવું જોહે!"- ગૌરીબેને શ્યામાને વિમલસિંહની ધમકી આપી, વિમલસિંહ આમ શાંત, વધારે બોલે નહિ પરંતુ ઘરમાં બધા બાળકો એમનાથી ડરે, માટે બચપણથી જ્યારે પણ કોઈ વાત ન માને એટલે એમનાં નામની ધમકી મળી જાય, આજે પણ શ્યામાને એવી જ ધમકી મળી.
"હા જાઉં સુ મારી માં! કાઈ નથી થયું તો પણ ઉપાડો લઈ લો સો!"- શ્યામા હસી પડી.
"ભલે, દાંત કાઢ્યા વગર મે કીધું એટલું કરી લ્યો!"- ગૌરીબેન પણ શ્યામાને આમ હસતાં હોય મનમાં મલકાઈ ગયા, પરંતુ જૂઠો ગુસ્સો હાસ્યમાં ફેરવાઈ ના જાય એનું ધ્યાન રાખતા ચહેરાના હાવભાવને રોકી રાખ્યા, ને તેઓ ગરમ પાણી લેવા જતા રહ્યા.
શ્યામાએ પણ વહેલા ન્હાઈ લીધું અને તૈયાર થઈ ગઈ, એટલામાં તો આખા ઘરને ખબર પડી ગઈ કે શ્યામાને તાવ છે, એ ન્હાઈને આવી ત્યાં તો બધાય એની ખબર પૂછવા ભેગા થઈ ગયા, સૌનો આવો પ્રેમ જોઈને શ્યામાના ચહેરા પર એક સ્મિતની સાથે આંસુ વહેવા માંડ્યા. બધા તરફથી મળતો આવો પ્રેમ શું એને સાસરે જઈને મળશે? એણે આ પરિવારને મુકીને જતું રહેવાનું છે?