મહેમાન ગયા અને બીજીબાજુ શ્યામા ફટાફટ કપડાં બદલીને પોતાના વચન તરફ દોડી ગઈ, સવારે ઉતાવળમાં કરુણા સાથે થયેલો જે બનાવ બન્યો હતો એ એના મગજમાંથી ગયો નહોતો, એને યાદ હતું કે મહેમાન ગયા બાદ એના ઘરે જઈને બધું થાળે પાડવાની વચન એને કરુણાને આપેલું હતું, એને આ બધી વાત દાદાને કહી અને કરુણાના ઘરે જવાની પરવાનગી માગતા, "તો દાદા મારે શું કરવું જોઈએ?"
"દીકરા, તું તો મારી ચારણ કન્યા સો! તારા પર મને પાક્કો વિશ્વાસ સે! જા તું તારે, કરુણા વહુની વહારે, અને જરૂર પડે તો તારા મહેશકાકાને લેતી જાજે!"- દાદાએ શ્યામાને આશિષ આપ્યા કહ્યું.
"દાદા, એ તો હું એકલી પહોંચી વળીશ! તમતમારે મને આશીર્વાદ આપો ને મને!"- શ્યામાએ હસતાં કહ્યું.
"કરુણાના ઘરના સૌને સદ્બુદ્ધિ મળે અને એમાં તારો સહયોગ રહે એવા મારા આશિષ બેટા!"- દાદાએ શ્યામાના માથે હાથ મૂકતા કહ્યું, શ્યામાએ માયાને ઈશારો કર્યો અને માહી આ ત્રણેય જણીઓ ઘરની બહાર નીકળી ગઈ, કરુણાના ઘર તરફ! ચોરાથી સામેની બાજુ જઈ રહેલા રસ્તે એનું ઘર, માટે રસ્તામાં આવતી બધી બહેનપણીઓ સાથે લેતા ગયા, જિગી, સારથી, બીજલ અને વર્ષા આ બધા જોડે ગયા, સવારે જ્યારે આ બનાવ બન્યો હતો એમાં આ બધા સાક્ષી હતા, માટે એમની ક્યાંક જરૂર રહેશે એમ વિચારી તેઓને જોડે આવવા કહ્યું, બધીય બહેનપણીઓ મળીને આજે તો કરુણાને યોગ્ય ન્યાય અપાવવા મનોમન નક્કી કરીને નીકળી, એ બધાયનું બીડું શ્યામાના હાથમાં હતું, તેઓ જુસ્સાભેર કરુણાની શેરીમાં પ્રવેશ્યા.
"એલીએ સોડિયું,ક્યાં હાલ્યી જાવો સો?"- શેરીના નાકે બેસેલા એક ડોશીમાએ બધી છોકરીઓને પૂછ્યું.
"કરુણાભાભીના ઘરે..."- એમાંથી જીગલીએ જવાબ આપ્યો.
"કાં...હું થ્યું?"
"કાય નથ ઠયું માજી...અમથા આંટો કરવા આવ્યા છીએ અમ તો..."- માયાએ વાતને ઢાંકતા કહ્યું.
"જો જે હો....એની દોહી બહુ જબરી સે! બહુ પંચાત એને!"- ઓલા ડોશીમાએ મોઢું ઘૂંઘટમાં છુપાવતા કહ્યું.
"તમેય ક્યાં ઓછી કરો સો!..."- કહેતાં માયા હસી પડી.
"હું કીધું?"- ડોશીમાએ આંખો ઝીણી કરતાં કહ્યું.
"કાય નહિ માજી... ઇ તો અમથી...આવીએ જઈને ઝટ!"- શ્યામાએ વાતને વચ્ચે અટકાવીને આગળ વધવા લાગ્યું, બાકી આ માયા તો આગ લગાવી દે કોઈની પણ જોડે, તેઓ આગળ વધ્યા.
"માયા...શું તું પણ કોઈની પણ જોડે જીભાજોડી કરે?"- શ્યામાએ માયાને ઠપકો આપતાં કહ્યું.
"તો....ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે...."- માયાએ મોઢું મચકોડતા કહ્યું.
"અરે એ તો હોય હવે.... આપણે જે કામે આવ્યા હોય એ પતાવને બેન!"
"પતાવી જ દઉં આજે તો એની ડોશીને!"- માયાએ બે હાથમાં મૂઠ્ઠી વળતાં કહ્યું.
"ઓય મેડમ.... શાંત....હજી જવા તો દે..અને કહી દઉં છું વાત સાંભળ્યા વગર કોઈ બબડાટ નહિ હો..."- શ્યામાએ એને શિખામણ આપી.
કરુણાનું ઘર આવ્યું, શેરિનું છેલ્લું ઘર એટલે એની સાસુ છેલ્લે પરસાળની બહાર ફળિયામાં ખાટલો નાખીને બેઠાં હતા, બધાંને આવતાં જોઈને એમને અણસાર તો આવી ગયો કે સવારની વાતને લઈને જ આવ્યા હશે બધા, પરંતુ જાણે કઈ બન્યું જ ન હોય એમ થઈને બેઠા હતા, "આવો સોડીઓ... કાં ભૂલી પડી આ બાજુ?" એમને હાથમાં રહેલી સોપારી અને સુડી બાજુમાં મૂકતા કહ્યું.
"આવવુ તો નહોતું આ બાજુ કાકી...પરંતુ આવવું પડ્યું!"- શ્યામા બોલી.
"કાં...શું થયું... હાંઘ્યું સારાવાને તો સે ને?"- એમને બનાવટી થતાં કહ્યું.
"ઘરે આવવાનું નિમંત્રણ નહિ આપો?"- શ્યામાએ એમની આંખોમાં આંખ નાખીને કહ્યું, કરુણાની સાસુને હવે ઢીલું પડવું પડ્યું.
"હા...હા આવો ને...ચાલો ચા મૂકું... આવો બધીયું..."- તેઓ ખાટલેથી ઊભા થયા, અને ઓરડી તરફ ગયા, એમની પાછળ શ્યામા અને બીજી બધી છોકરીઓ ગઈ, તેઓ કહ્યા વગર જ ઘરમાં ગોઠવાઈ ગઈ જાણે કોઈ આઇટી વિભાગે રેડ ના પાડી હોય એમ! આજે તો ફેંસલો કરીને જ અહીથી જવાનું હતું માટે મક્કમ મને તેઓ પાટ અને અસનીયા પર ગોઠવાઈ ગયા, ઘરમાં ક્યાંય કરુણા દેખાઈ નહોતી રહી એટલે શ્યામાની નજર ઘરમાં બધે ડોકાવા માંડી.
ક્રમશઃ...