Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૭

"કરુણાભાભી ક્યાં?"- શ્યામાએ ધડામ દઈને સવાલ પૂછ્યો.
"ઇ.... ઇ તો ઘરે નથી."- ભીખીબેને થોથવાતી જીભે જવાબ આપ્યો.
"કેમ?"- શ્યામાએ જરાક ઊંચા અવાજે પૂછ્યું.
"મને નથી ખબર ક્યાં ગઈ છે." કરુણાની સાસુએ ઘબરતા કહ્યું.
"સાચે?"- પડખંડી સવાલે ભીખીબેનને જાણે હલાવી દીધા.
"માયા, જરાક જો તો ઘરમાં...કરુણા એટલામાં જ ક્યાંક હશે, એનામાં એટલી હિંમત ક્યાં કે તમને મૂકીને હાલી નીકળે?"- શ્યામાએ તીક્ષણ આંખે ભીખીબેન તરફ જોતા કહ્યું, માયા એની જોડે વર્ષાને લઈને ઘરના ઊંડે ગઈ.
"બેનું, કાં આમ મારી પર તવાઈ કરો સો?"- ભીખીબેન બોલ્યાં.
"હજી તો ક્યાં તવાઈ કરી જ છે? વારો તો હવે નીકળશે તમારો!" - બીજલ તો જાણે બિજલી બનીને બોલી.
"શ્યામા, આ બધું શું છે?"- ભીખીબેનએ જરાક ગરમ થતાં પૂછ્યું.
"પરેશભાઈ અને મારા કાકા ક્યાં ગયા?"- શ્યામા બોલી.
"ઇ તો કામે ગયા સે, આવતાં મોડું થશે..."
"ના જરાય નહિ, ઈ લોકો હમણાં જ આવે છે, મારે વાત થઈ ગઈ છે..." શ્યામાની ટોળમાંથી એક બોલી.
"તારે શું કામ સે ઇમનું?" ભીખીબેન ગરજ્યા.
"ઇ તો આવવા દ્યો, પહેલાં કરુણા આવે એટલે વાત..."- શ્યામાએ એનો ચોટલો ઊંચો કરી અંબોલો કરતા કહ્યું, ત્યાં તો માયા અને વર્ષા કરુણાને ઓરડામાંથી શોધીને લાવી, કરુણાને જોતાં લગતું હતું કે એણે સવારથી કશું જ ખાધું નહોતું, એના મેલા કપડાં, વિખરાયેલા વાળ, ઊંડી ઊતરી ગયેલી આંખો એની દશા સ્પષ્ટ કહી રહી હતી કે એના પર જુલમ થઈ રહ્યા છે.
"લ્યો...કરુણા તો ઘરમાંથી જ આવી ને..તમે તો કહેતાં હતા કે એ નથી ઘરે?"- શ્યામા આંખ લાલ કરીને ભીખીબેન સામે જોઈ રહી.
"હું ક્યાં ધ્યાન રાખતી ફરું એ શું કરે છે અને ક્યાં જાય છે?"- ભીખીબેન કટાક્ષમાં બોલ્યાં.
"અને કેટલું કામ કરે છે અને કેટલું ખાય છે એના પર તો તમારી ચકોરની માફક ફરે છે!"
"શ્યામા...આ બધો અમારા ઘરની વાત છે, તમે સૌ વચ્ચે ના પડો એમાં જ સારું." ભીખીબેનથી હવે ના રહેવાયું, એ અકળાઈને બોલી ગયા.
"કેમ ઘરની બાબત? તમારા ઘરની વહુ આત્મહત્યા કરવા નદીએ પડતું મૂકે અને અમે સૌ ત્યાં ઊભા ઊભા જોયા કરીએ તમારા ઘરની વાતને?"
"એ તો એના ધતિંગ હોય છે, કામ ન કરવું હોય એટલે!" ભીખીબેન ઘુરક્યા.
"અવાજ ધીમો ભીખીમાસી....બાકી આખું ગામ ભેગું કરવામાં એમને વાર નહિ લાગે!"- માયાએ એમનાં એવા વર્તન સામે અવાજ ઊંચો કર્યો.
"કહેવા શું માંગે છે એ છોકરી? મારા ઘરે આવીને જ મને ચૂપ થવા કહે છે?"- ભીખીબેનને માયા સામે ડોળા કાઢ્યા.
"માયા...રહેવા દે, એમની જોડે વ્યર્થ જીભાજોડી ના કરીશ, કરુણા, તું સાચેસાચું કહેવાની હિંમત રાખજે, અમે સૌ તારી સાથે જ છીએ."- શ્યામા વચ્ચે બોલી, ત્યાં તો કરુણાના પતિ પરેશભાઈ અને સસરા કનુભાઈ આવી પહોચ્યાં, એમને જોતાની સાથે ભીખીબેનના રંગ બદલાઈ ગયા, એમણે રોવાનું ચાલુ કરી દીધું જાણે એમનો કોઈ વાંક જ ના હોય!
"શું થયું કરુણા...આ બધા કાં આહિ?"- કનુભાઇએ કરુણા તરફ જોતા કહ્યું, કરુણા કઈ બોલી નહિ પરંતુ ભીખીબેન એમનો બચાવ કરતા બોલ્યાં.
"શું હોય? કરુણાના રોજના ધતિંગ....ઘરમાં તો હું ખરાબ છું જ હવે દુનિયા માટે પણ હું ખરાબ થઈ જાઉં એના માટે સવારે નદીએ પડતું મૂકવાના નાટક કરે છે."
"શું? શું વાત છે કરુણા? શું થયું?"- પરેશભાઈએ એને ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું, કરુણા કશું જ બોલી નહિ માત્ર બોર બોર આંસુએ રડવા માંડી.
"કરુણા, જે હોય એ સાચે સાચું કહી દે...જો આજે નહિ બોલે તો આખી જીંદગી રડતી જ રહીશ!"- શ્યામાએ એને હિંમત આપી, કરુણાને ધ્રૂજતા ધ્રૂજતા એના આંસુ લૂછ્યા અને એની આપવીતી પહેલીવાર ઘરમાં કહેવાનું ચાલુ કર્યું.

ક્રમશ....