પ્રિય સખી ડાયરી,
આજ તારી સાથે મારા મનમાં પ્રવર્તતા અમુક પ્રશ્નો રજુ કરું છું.આમ જુવો તો એ પ્રશ્ન કઈ જ નથી અને આમ જુવોતો સ્ત્રીનું આખું જીવન...
સ્ત્રી તરીકે એ જયારે આ દુનિયામાં જન્મે છે ત્યારથી જ એ પરિવારના અન્ય સભ્યોને માન આપી એમની ઈચ્છા મુજબ જ અનુસરતી આવી છે. બાળપણમાં પોતાના પપ્પા, દાદા કહે એમ રહેવાનું, થોડા મોટા થયા બાદ પતિ અને સસરાજી કહે એમ રહેવાનું, હજી થોડા મોટા થયા બાદ પુત્ર અને પતિ કહે એમ જીવનને ગાળવાનું હોય છે. અહીં તે સ્ત્રી ભણેલી હોય કે નહીં એ વસ્તુ કોઈ જ માન્ય નહીં બસ પુરુષોની વાતને માન આપીને જ જીવન ગાળવાનું રહે છે. કદાચ એ સ્ત્રી પોતાને પગભર હોય તો પણ એ સ્વતંત્ર તો ન જ હોય પોતાના કોઈ પણ નિર્ણય માટે, એને ઘરના અન્ય વડીલોની અનુમતિ અચૂક લેવી જ પડે. હા, ઘરના બધાની મનની વાત જાણવી અને અને જણાવવી જોઈએ જ પણ એમની વાત અને પોતાનીવાતમાં જો મતભેદ થાય તો એમની જ વાત અમલ કરવી એ ફરજીયાત રહે એ તો વ્યાજબી ન જ કહેવાય ને? છતાં એમ જ કરવું પડતું હોય છે.
દરેક સ્ત્રી પોતાને પિયર હોય ત્યારે જેમ રહી હોય એમ પણ સાસરે આવ્યા બાદ સાસરીની જ રીતભાત અનુસરવાની ફરજીયાત હોય છે. તો મને થાય કે શું એના પિયરની રીત ખોટી હતી? અને જો હા તો કેમ એમની દીકરીને પસંદ કરી? અને જો ના, તો શું વહુના પિયરની રીત પ્રમાણે ન અનુસરી શકાય?
સાવ નજીવી બાબતે વહુને ઉતારી પાડે છતાં એને કોઈ જ સામો પ્રતિભાવ નહીં આપવાનો અને જો આપે તો એ સંસ્કારી નહીં એવો સિમ્બોલ લાગી જાય. તો શું નજીવી બાબતનો ફેરફાર ખુદ પોતે ન લય શકે? આખી લાઈફ પુરુષને આધીન રહી ને જ મસ્ત છે એવું જતાવતી સ્ત્રી, ખરેખર મનથી ક્યારેક ભાંગી પડે છે.. એને પણ ક્યારેક પોતાની ઈચ્છાથી બહાર જવું હોય, એને પણ ક્યારેક ૨દિવસ બધી જ જવાબદારીથી મુક્ત થવું હોય, એને પણ વગર કોઈ કારણ એમ જ મિત્રો સાથે ગપ્પા મારવા કીટી પાર્ટી કરવી હોય... પણ શું દરેક વખતે એ શક્ય બને છે ખરું?? ના નથી જ બનતું... ક્યારેય કોઈ એને કહેશે આજ તારે બધી જવાબદારીથી મુક્તિ તું આજ તારી મરજી મુજબ રહેજે... ના કોઈ જ ન કહે... અને જો કહે ને તો પણ એ સ્ત્રી લાગણીવશ બની ઉલટાની એ દિવસે વધુ ઉત્સાહથી કામ કરશે.. કહેવાનો મતલબ એટલો જ કે, ક્યારેક ફક્ત કહેવા ખાતર જ કહેવામાં આવે તો પણ એ ખુશ થઈ જાય છે. સરવાળે ફાયદો પરિવારને જ થાય છે ને! ક્યારેક આમ કહી દેવું શું ખોટું? ક્યારેક સ્ત્રીની જગ્યાએ ખુદને રાખીને તો જોજો ફક્ત વિચાર માત્રથી મનમાં કંપારી આવી જશે.. કારણ કે ફક્ત ઓડૅર આપીને કામ ચિંધવું સહેલું છે પણ એને અનુસરવું અઘરું છે.
આમ, ક્યારેક એવું જ લાગે કે સ્ત્રી પોતાની ઈચ્છાને મારીને જ જીવતી હોય છે, છતાં એ પોતાના જીવન થી હંમેશા સંતુષ્ટ છે એવું જ જતાવશે.. ક્યારેય પોતાની ફરજ નહીં ચુકે, બધાને શક્ય એટલી મદદરૂપ થશે.
કહેવાય છે કે જે ઘરની સ્ત્રી ખુશ એ પરિવાર ખુશ.. તો અંતે તો બધાને એનો ફાયદો થવાનો જ છે ને! ક્યારેક માતા, બહેન કે પત્નીને અમુક હક કે નિર્ણયની છૂટ આપવી, જેમ કે બાળકને કઈ સ્કૂલમાં બેસાડવો?, બાળકના બિર્થડેમાં શું પ્લાન કરવો?, વેકેશનમાં ફરવા જવાના સ્થળની પસંદગી અને ક્યારેક ઘરમાં રિનોવેટ કરવાનું હોય તો એની સલાહ.... આ દરેક બાબત સાવ નજીવી છે, પણ આવી જ નાની નાની બાબતોમાં જ એ પોતાનું અસ્તિત્વ ગુમાવતી હોવાનું અનુભવતી હોય છે. આથી એમની મરજી પુછવી એ ખુશ થઈ જશે.એ વાત નક્કી જ કે, એ પોતાની ઈચ્છા જણાવી અચૂક કહેશે જ કે, તો પણ તમને ઠીક લાગે એમકરજો.સ્ત્રી અને પુરુષ બંનેના સહકારથી આ સૃષ્ટિનું અસ્તિત્વ છે તો ફક્ત ફેંસલો કે હક નું પલ્લું કેમ ફક્ત પુરુષ તરફ જ જુકે છે?
તમારી પાસે આનો જવાબ હશે જ પણ શું એ જવાબ દરેક સ્ત્રીના અસ્તિત્વને માન આપે એવો શું ખરેખર છે?
મને આજ દિવસ સુધી આનો જવાબ નહીં મળ્યો, સખી ડાયરી તું પણ હવે જવાબ શોધવા સ્ત્રીની પરિસ્થિતિને અનુભવવા લાગી ને?