સમ્રાટ પૃથ્વીરાજ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમ્રાટ પૃથ્વીરાજ

સમ્રાટ પૃથ્વીરાજ

-રાકેશ ઠક્કર

અક્ષયકુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને સારી કે ખરાબ કહેવાને બદલે એક સામાન્ય ફિલ્મ ગણવામાં આવી છે. ફિલ્મના મોટા પ્લસ પોઇન્ટમાં સહ કલાકારોનો અભિનય અને જબરદસ્ત ક્લાઇમેક્સ છે. અક્ષયકુમારે એને સોંપવામાં આવેલી ભૂમિકા માત્ર ભજવી જાણી છે. તે ૪૦ દિવસમાં એક ફિલ્મનું શુટિંગ પૂરું કરી દેતો હોય ત્યારે એ ઐતિહાસિક પાત્રમાં પ્રાણ પૂરી દેશે એવી આશા રાખવી નકામી છે. 'સમ્રાટ પૃથ્વીરાજ' ની મુખ્ય ભૂમિકામાં એનો અવાજ સૌથી મોટો માઇનસ પોઇન્ટ ગણાયો છે. કોઇ સમ્રાટ જેવો ભારે અવાજ લાગતો જ નથી. તેની અગાઉની કોઇપણ ભૂમિકામાં આવો જ અવાજ હતો. મતલબ કે તેણે આવા પાત્રમાં લુક કે અવાજ પર જે મહેનત કરવાની હોય છે એ કરી ન હતી. આજકાલ દરેક અભિનેતા પોતાની ભૂમિકા માટે શરીરનું જે ટ્રાન્સફોર્મેશન કરે છે એનો અભાવ છે. માત્ર કપડાં બદલવાથી અને મૂછ લગાવવાથી કોઇપણ અભિનેતા પૃથ્વીરાજ બની શકે છે એવું નિર્દેશકે માન્યું લાગે છે. કદાચ અક્ષયકુમાર આ ભૂમિકા માટે જ યોગ્ય ન હતો. અલબત્ત એણે અંતમાં જબરદસ્ત કામ કરીને ઇજ્જત બચાવવાનો પ્રયત્ન કર્યો છે.

એક સમ્રાટની ફિલ્મમાં એક્શન દ્રશ્યો નામ માત્રના છે. લડાઇના દ્રશ્યો વધુ રાખવામાં આવ્યા હોત તો કોઇ રાજાની ફિલ્મ લાગી શકી હોત. ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી જેવા અનુભવી નિર્દેશક હોવા છતાં દર્શકને એક ઐતિહાસિક ફિલ્મનો સાચો અનુભવ મળતો નથી. પૃથ્વીરાજના જીવનનું બેકગ્રાઉન્ડ જ બતાવવામાં આવ્યું નથી. અને સંયોગિતા સાથે તેમનો પ્રેમ ક્યાંથી કેવી રીતે શરૂ થયો એની કોઇ માહિતી આપી નથી. માતૃભૂમિની રક્ષા માટે અને મહિલાઓના સન્માન માટે જેમણે પ્રાણ આપી દીધા હતા એ સમ્રાટ પૃથ્વીરાજના જીવનની કેટલીક ઘટનાઓનો જ નિર્દેશકે સમાવેશ કર્યો છે. ફિલ્મમાં માત્ર સુલતાન મોહમ્મદ ઘોરી સાથેનું યુધ્ધ, પૃથ્વીરાજને દગો આપી સુલતાનને સાથ આપનાર જયચંદના કાવતરા અને પ્રેમ માટે પિતાનો ત્યાગ કરનારી વીરાંગના સંયોગિતાની વાર્તા છે. સંયોગિતાને યોગ્ય સ્થાન આપવા માટે પૃથ્વીરાજ ધર્મનો સહારો લે છે. નિર્દેશકે એક મહાન સમ્રાટની વાર્તાને સવા બે કલાકમાં પૂરી કરી દીધી છે. તેથી કોઇ છાપ છોડી શકતી નથી. નિર્દેશકને એક રાજાની વાર્તા માટે સમય લેવાનો હક હતો. કેટલીક વાતોને સંવાદમાં જ લઇને પૂરી કરી દીધી છે. ઉતાવળ કરી હોવાથી ઘણા પ્રશ્નો અનુત્તર રહી જાય છે. કદાચ નિર્દેશકે વિવાદોથી બચવા માટે પણ આમ કર્યું હોય શકે. જે યુધ્ધ જોવા માટે ઉત્સુક્તા ઊભી કરી હતી એ તરાઇનના બંને યુધ્ધને તો કેટલાક દ્રશ્યોમાં જ સમેટી લીધું છે. યુધ્ધમાં હાથી- ઘોડા બતાવ્યા છે એ શોભા માટે જ હોય એવું લાગે છે. પહેરવેશ પર સારું ધ્યાન આપ્યું છે. નિર્દેશકે વાર્તામાં કેટલીક છૂટ લીધી છે.

રાજકુમારી સંયોગિતાની ભૂમિકાને વિશ્વ સુંદરી માનુષી છિલ્લરે સારી રીતે ભજવી છે. તેને ઓડિશન માટે દીપિકા પાદુકોણ- સિંહની 'બાજીરાવ મસ્તાની' નું એક દ્રશ્ય ભજવવા આપવામાં આવ્યું હતું. અને રાજકુમારી તરીકેના માનુષીના અભિનયના વખાણ થઇ રહ્યા હોવાથી એમ કહી શકાય કે બોલિવૂડમાં દીપિકાનો વિકલ્પ મળી શકે છે. પહેલી ફિલ્મ પ્રમાણે માનુષી નિરાશ કરતી નથી. ફિલ્મની એક નબળાઇ વિલન તરીકે માનવ વિજની પસંદગી છે. તે સમ્રાટ સામે ઠંડો લાગે છે. કોઇ ડર ઊભો કરી શકતો નથી. મુખ્ય હીરોની જેમ મુખ્ય વિલનની પસંદગીમાં પણ નિર્દેશક થાપ ખાઇ ગયા છે. જ્યારે પૃથ્વીચંદ ભટ્ટની ભૂમિકામાં સોનુ સૂદ અને કાકા કન્હની ભૂમિકામાં સંજય દત્ત પ્રભાવશાળી સાબિત થાય છે. આશુતોષ રાણા જયચંદ તરીકે જચતા હતા. ફિલ્મનું સંગીત પણ નિરાશાજનક છે. પૃથ્વીરાજ અને સંયોગિતાના લગ્ન પછીનું 'મખમલી' ગીતનું ફિલ્માંકન પણ અવાસ્તવિક લાગે છે. ફિલ્મની પાછળ રૂ.૨૫૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો આશુતોષ ગોવારીકર કે સંજય લીલા ભણશાલી જેવા નિર્દેશકોની ફિલ્મ સાથે 'સમ્રાટ પૃથ્વીરાજ' ની સરખામણી કરીએ તો ભવ્યતામાં થોડી ઉતરતી જ લાગશે. જેમને ઐતિહાસિક ફિલ્મો જોવાનો શોખ હોય એમના સિવાયના દર્શકોને નિરાશા જ મળશે.