Many books and stories free download online pdf in Gujarati

અનેક

અનેક

-રાકેશ ઠક્કર

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અનેક' ના મુદ્દાઓમાં એક મનોરંજન જ નથી! અત્યાર સુધી મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી અનેક ફિલ્મોમાં આયુષ્માન ખુરાનાએ દર્શકોનું દિલ જીતી લીધું છે પણ નવી ફિલ્મ 'અનેક' માં મનોરંજન જ નહીં હોવાથી દર્શકો નિરાશ થાય છે. 'અનેક' માં નિર્દેશકે વાર્તા નહીં પણ નોર્થ ઇસ્ટનો મુદ્દો જ રાખ્યો છે. ('અનેક' ના અંગ્રેજી ટાઇટલમાં એટલે જ 'એનઇ' શબ્દો મોટા અક્ષરે લખાવ્યા છે.) દેશ માટે કામ કરતા એક અંડરકવર એજન્ટ આયુષ્માનના પાત્રથી એમણે સવાલ જ વધારે ઉઠાવ્યા છે. જો ફિલ્મને ધ્યાનથી જોવામાં ના આવે તો એ જટીલ બની જાય છે. અંડરકવર એજન્ટ જોશુઆ (આયુષ્માન) ને પૂર્વોત્તર ભારતમાં ફરજ બજાવવા મોકલવામાં આવે છે. ત્યાં અલગાવવાદી સંગઠનો પર ધ્યાન રાખવાનું કામ કરવાનું હોય છે. અલગાવવાદી સંગઠનોના નેતા ટાઇગર (લોઇટોંગબામ) અને સરકાર વચ્ચે એક શાંતિવાર્તાનું આયોજન થાય છે. ત્યારે જોશુઆને નોર્થ ઇસ્ટ મોકલી એક મહત્વનું કામ સોંપવામાં આવે છે. અચાનક જૉનસન નામનો અલગાવવાદી સક્રિય થાય છે. તેને કાબૂમાં રાખવા જ જોશુઆને મોકલવામાં આવ્યો હોય છે. કેમકે તે શાંતિવાર્તાને ખરાબ કરવા પ્રયત્ન કરી રહ્યો હોય છે. જોશુઆ એની સામે હિંમતથી બાથ ભીડે છે. ત્યારે એની સાથે એવું બને છે કે તે પ્રશ્નોથી ઘેરાઇ જાય છે અને વિચાર કરતો થઇ જાય છે. તે પોતાને ત્યાંના મુદ્દાઓથી સ્થાનિક લોકો સાથે જોડાયેલો જુએ છે. જોશુઆ એડો (એન્ડ્રિયા) તરફ આકર્ષાય છે. જેને ભારત માટે વિશ્વસ્તર પર બોક્સિંગમાં મેડલ જીતવો હોય છે. પણ એના પિતાના વિચારો અલગ છે. જોશુઆને પોતાને સોંપાયેલું કામ દિમાગથી કરવાનું હોય છે પણ એમાં તે દિલ લગાવી બેસે છે.

નિર્દેશક ઘણું બધું કહેવાની કોશિષ કરે છે પણ દર્શકને સ્પર્શી શકતું નથી. ફિલ્મ બહુ ધીમી ગતિએ ચાલે છે અને ભારેખમ છે. ફિલ્મના ટ્રેલર પરથી એવું લાગતું હતું કે આયુષ્માને જબરદસ્ત ફિલ્મ પસંદ કરી છે. પણ ફિલ્મ રજૂ થયા પછી સવાલ થયો છે કે એણે શું જોઇને આ ફિલ્મ પસંદ કરી હશે? દર્શકો એક વિશ્વાસથી તેની ફિલ્મ જોવા જતાં હોય ત્યારે એમાં પૈસા વસૂલ થાય એવું કંઇક તો હોવું જોઇએ. ઘણી વખત એવું થાય છે કે ફિલ્મમાં શું ચાલી રહ્યું છે અને કેમ ચાલી રહ્યું છે એ સમજાતું જ નથી. છેક અડધી ફિલ્મ પૂરી થાય ત્યારે આયુષ્માનના જોશુઆ ઉર્ફે અમનના નામ અંગેની માહિતી દર્શકને જાણવા મળે છે.

કેટલાક સમીક્ષકોએ આ નબળી ફિલ્મ માટે આયુષ્માનને જ જવાબદાર ગણ્યો છે. જો દરેક વખતે સફળતાનો યશ હીરો લેતા હોય તો નિષ્ફળતા માટે પણ એમને જ જવાબદાર ગણવા જોઇએ. ભલે આયુષ્માન કમાલનો અભિનેતા છે. આયુષ્માન 'અનેક' માં પહેલી વખત એક એન્ગ્રી યંગ મેન તરીકે દેખાયો છે. તે પોતાના નવા લુક સાથે અંદાજથી પ્રભાવિત કરે છે. ફિલ્મમાં અનેક નવા કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. નાગાલેન્ડની મોડેલ એન્ડ્રિયા કેવીચુસાએ સારી શરૂઆત કરી છે. મનોજ પાહવા, કુમુદ મિશ્રા વગેરે પોતાની ભૂમિકાઓમાં બરાબર કામ કરી જાય છે. પણ 'અનેક' માં ગંભીર મુદ્દા સાથે મસાલા મનોરંજન ન હોવાથી સામાન્ય દર્શકની અપેક્ષા પૂરી થતી નથી. અનુભવે મનોરંજન પણ રાખ્યું હોત તો એક મોટો વર્ગ આ ફિલ્મને જોઇ શક્યો હોત. જે વાત એમણે વધુ લોકો સુધી પહોંચાડવી હતી એ પહોંચી શકી હોત. એ પણ સ્વીકારવું પડશે કે મનોરંજન રાખવું જ જોઇએ એ વાત નિર્દેશક તરીકે તેમને જરૂરી લાગી નહીં હોય.

નિર્દેશક અનુભવ સિંહાએ એક જ ફિલ્મમાં ઘણા બધા મુદ્દા ઉઠાવવાની ભૂલ કરી છે. પૂર્વોત્તર ભારતના સંઘર્ષની વાતમાં એમણે ગનફાયરની, બોક્સિંગની, બાળકો સાથેના અન્યાયની, આતંકવાદની, રાજકારણની વગેરે અનેક બાબતોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ઘણી વાતો માથા પરથી પસાર થઇ જતી લાગે છે. બહુ બધું કહેવામાં એ અંતમાં નિરાશ કરે છે. કોઇ દ્રશ્ય એવું નથી જે અસર મૂકી જાય. દર્શકો કોઇ પાત્ર સાથે જોડાઇ શકતા નથી. નિર્દેશક અનુભવ સિંહાએ અસલ ભારતીયતાનો મતલબ શોધવાના જે હેતુથી ફિલ્મ બનાવી હતી એ પાર પડ્યો નથી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED