પરિતા - ભાગ - 18 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 18

પરિતા એ દૃશ્ય જોઈને ખૂબ જ દુ:ખી થઈ હતી. પરિતા તરત જ ત્યાંથી બહાર ચાલી આવી અને દીપ પાસે પહોંચી ગઈ. દીપને લઈ એ ફટાફટ મૉલની બહાર જતી રહી. ઘરે આવી પોતાનાં રૂમમાં જઈ એ ખૂબ જ રડી. દીપ એને પૂછતો રહ્યો કે, "મમ્મી શું થયું છે..?" પણ પરિતાએ એને કંઈ જ જવાબ ન આપ્યો. એણે દીપને થોડીવાર માટે રૂમમાંથી બહાર મોકલાવી દીધો ને પાછી જોર - જોરથી રડવા લાગી. એ દૃશ્ય વારંવાર એની આંખ સામે દૃશ્યમાન થઈ રહ્યું હતું.

માંડ - માંડ એ પોતાની જાતને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં એને સાસુમાની કટકટનો અવાજ કાને સંભળાયો. પોતાની આંખનાં આંસુ લૂછી એ કમને રૂમની બહાર આવી ને કિચનમાં જઈ ચૂપચાપથી કામ કરવા લાગી. પોતે માનસિક રીતે કામ કરવા માટે અશક્ત હતી છતાં એણે બધાંને માટે જમવાનું બનાવવું પડી રહ્યું હતું. જમવાનું બનાવી દીપને જમાડી એ પાછી પોતાનાં રૂમમાં આવી ગઈ.

પાછો એનાં કાને સાસુનાં બડબડ કરવાનો અવાજ સંભળાયો. "લ્યો ખાલી જમવાનું બનાવીને વહુરાણી પાછા પોતાનાં રૂમમાં ભરાઈ ગયાં. અમારી તો એને કંઈ પડી જ નથી. એમ નહિ કે સાસ- સસરાને પ્રેમથી પીરસીને જમાડે! બસ પોતાનાં છોકરાને જમાડી લીધું એટલે કામ પતી ગયું!"

આ સાંભળી પરિતા પોતાનાં રૂમની બહાર આવી અને કહ્યું, "મમ્મીજી આજે મારી તબિયત સારી નથી એટલે હું જરા આરામ કરવાનાં હેતુથી રૂમમાં આવી ગઈ હતી, મારાં મનમાં તો કોઈ પણ પ્રકારનો તમે સમજો છો એવો ભાવ હતો જ નહિ!"

"લ્યો બોલો, બહાર મૉલમાં ફરવા જવા માટે તો તબિયતને કંઈ નથી થતું ને કામ કરવાનાં સમયે જ તબિયત બગડી...!!" સાસુએ વાતને આગળ વધારતાં કહ્યું.

એક તો પરિતા પહેલેથી જ માનસિક રીતે અસ્વસ્થ હતી જ ને પાછી સાસુ સાથે થયેલી આ માથાકૂટે એને વધારે દુ:ખી કરી દીધી હતી. આવી માથાકૂટ તો લગભગ એની સાથે રોજની હતી. એ કેટલું પણ સારું, સારા માટે કરતી હોય પણ સાસુમાને કોઈ તો વાંધો નજર આવી જ જતો! ને આવી રોજની થતી માથાકૂટને કારણે જ એને ઘરમાં રહેવાનું ઝાઝું ગમતું નહિ! સૌથી મોટી તકલીફ તો એને એ જ વાતની હતી કે સમર્થ પણ એને સમજી શક્તો નહોતો! ને એટલે જ કદાચ એનું મન પાર્થ તરફ ખેંચાયું હતું! લગ્ન પછી તો એનાં સંબંધો બમણા થઈ ગયાં હતાં, માતા - પિતા, બેન, દાદી ઉપરાંત સાસુ - સસરા, પતિ, દીકરો, વગેરે જેવા સંબંધોનો ઉમેરો થયો હતો પણ તેમ છતાં એને અંદરથી સતત એકલવાયું જ લાગ્યા કરતું હતું. મુંબઈ જેવા અજાણ્યા શહેરમાં એકલી ઉમંગભેર રહેનારી પરિતા આજે આટલાં બધાં સ્વજનો વચ્ચે પોતાનાં જ શહેરમાં મૂંઝારા સાથે રહેનારી થઈ ગઈ હતી! ને એટલે જ પાર્થ જેવા છોકરાઓની ઉપરછલ્લી મીઠી - મીઠી વાતોને સાચી માની લેવાની ભૂલ કરી બેસી હતી! પાર્થ માત્ર પોતાને જ પ્રેમ કરે છે એવો એનો ભ્રમ પાર્થને એક છોકરી સાથે મૉલમાં જોયા પછી તૂટી ગયો હતો! આ વાત પરિતા માટે ખૂબ જ પીડાકારક હતી. પાર્થને મળ્યા પછી એને એવું લાગ્યું હતું કે કોઈ તો છે જે એને સમજે છે પણ પાર્થનો પ્રેમ અને પાર્થની સમજદારી એ તો બસ દંભ નીવડ્યા હતાં.

પરિતાએ પાર્થનાં મોબાઈલ નંબરને બ્લોક કરી દીધો હતો. પાર્થ સાથેનાં દોસ્તીનાં કે બીજા કોઈ પણ પ્રકારનાં ભાવનાત્મક રીતે જોડાયેલાં તાર એણે કાપી નાંખ્યા હતાં.

પરિતા અત્યારે જે રીતની માનસિક પીડામાંથી પસાર થઈ રહી હતી એ પીડા એવી હતી જે ન તો સહેવાતી હતી કે ન કોઈને કહેવાતી હતી!

પાર્થ સાથે થયેલાં સંબંધ વિચ્છેદથી પરિતાનું મન પોતાનાં પતિ સમર્થ તરફ ખેંચાશે કે શું? એ જાણીશું આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)