પરિતા - ભાગ - 17 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 17

પરિતા આ રીતે પાર્થને મળવા તો જતી રહેતી હતી પણ અંદરખાને એ અપરાધની લાગણી અનુભવી રહી હતી. પોતે સાસુ - સસરા ને સમર્થને છેતરી રહી હતી એ વાત એનાં મનમાં ડંખ્યા કરતી હતી. મન પાર્થ તરફ વળેલું હતું ને જવાબદારીઓ સમર્થ તરફ ઢળેલી હતી. દિલમાં એક પ્રકારની દુવિધા પણ હતી કે એનાં માટે કોણ મહત્તવનું રહ્યું હતું સમર્થ કે પાર્થ? એક તરફ પાર્થ સાથેની જિંદગી હતી જેમાં ખુશી મળતી હતી ને બીજી બાજુ સમર્થ સાથેની જિંદગી હતી જેમાં રાજી રહેવાની જરૂરિયાત હતી.

પાર્થ જ્યારે પણ પરિતાને મળતો ત્યારે એક જ જીદ કરતો રહેતો હતો કે એ પરણશે તો એની જ જોડે, નહિ તો એ નહીં પરણે! પરિતા એને ખૂબ જ સમજાવતી હતી કે, "આપણે એક સારાં મિત્ર બનીને રહીએ." પણ પાર્થ પોતાની જીદ છોડતો નહોતો. પાર્થ એને સમર્થ સાથેનાં લગ્ન સંબંધનો અંત આણવા માટે કહેતો રહેતો હતો.

પાર્થ સાથે વધી ગયેલી મૈત્રીને કારણે એની સાથે એક પ્રકારનું જોડાણ પરિતાનાં મનમાં બંધાઈ ગયું હતું આથી એ પાર્થને ખોવા માંગતી નહોતી. ખૂબ જ મક્કમ મને એણે સમર્થ સાથે વાત કરવાનું વિચાર્યું. એને સમર્થને કહેવું હતું કે, "હું આ લગ્ન સંબંધમાં ખુશ નથી. આટલાં વર્ષો વીતી ગયાં છતાં મને આ ઘર પોતાનું લાગતું નથી. તારાં સ્વભાવ સાથે મારો સ્વભાવ જામતો નથી. તારાં માતા - પિતાનાં વિચારો સાથે મારાં વિચારોનો મેળ થતો નથી. ને એટલે મારે તને છોડવો છે. મારે આ લગ્ન સંબંધમાંથી તને પણ મુક્ત કરવો છે ને મારે પણ એમાંથી મુક્ત થવું છે!" આ બધાં જ વાક્યો પરિતા પોતાનાં વિચારોમાં તો સમર્થને કહી શક્તી હતી પણ જ્યારે સમર્થ એની સામે આવતો ત્યારે એની જીભ આવાં વાક્યો બોલવા માટે ઉપડતી જ નહોતી!

પણ..., હવે પરિતા એવે રસ્તે ઊભી હતી કે એણે સમર્થ અને પાર્થ, આ બેમાંથી કોઈ એક જ જણ જોડે પોતાની આગળની જિંદગીનો રસ્તો નક્કી કરી લેવાનો હતો. સમર્થને તો એ પોતાનાં મનની વાત મોઢાંમોઢ કહી શક્તી નહોતી એટલે એણે ચિઠ્ઠી લખવાનું વિચાર્યું પણ લખવા માટે એણે પેન તો પકડી પણ એ પેન કાગળ પર મનમાં રહેલા ભાવને અંકિત કરી શકી નહિ! સમર્થ સાથેનાં સંબંધમાં રસ નહોતો રહ્યો છતાં એ સંબંધ તોડી શક્તી નહોતી ને પાર્થ સાથેનાં સંબંધમાં ભરપૂર રસ હતો છતાં એની સાથે સંબંધ જોડી શકાતો નહોતો. આ વિષય પર તો મમ્મી સાથે પણ વાત કરી શકાય તેમ નહોતું.

એકવાર પરિતા એક શોપિંગ મૉલમાં દીપને લઈને ગઈ હતી. દીપને કીડ્ઝ ઝોનમાં રમવા માટે મૂકીને એ મૉલમાં ટહેલવા લાગી. બધી દુકાનો ફરતી - ફરતી એ એક રેડીમેડ ગારમેન્ટની દુકાનમાં ઘૂસી. એક પછી એક કરીને એ બધી કુર્તીઓ પર નજર ફેરવી રહી હતી ત્યારે એનાં કાને એક પુરુષનો અવાજ અથડાયો જે કોઈની સાથે હસી હસીને વાત કરી રહ્યો હતો. એને એ અવાજ પરિચિત જણાયો એટલે એણે એ દિશામાં પોતાનાં ડગ માંડ્યા એ જોવા માટે કે કોણ છે?

જેવી એની નજર ખૂણામાં ઉભેલા એ યુગલ પર પડી, એ આવાક્ જ રહી ગઈ હતી. તરત જ એણે કુર્તીની પાછળ પોતાનું મોઢું છુપાવી લીધું. એની આંખોને પોતે જોયેલા દૃશ્ય પર ભરોસો જ નહોતો બેસતો. આજુબાજુનું જાણે બધું ભમતું હોય એવું એને લાગ્યું. પોતે જોયેલું દૃશ્ય સાચું છે કે નહિ એ જોવા એણે મોઢાં આગળથી કુર્તી હટાવીને ફરીથી ત્યાં નજર કરી. આ વખતનું દૃશ્ય તો જરા વધારે જ વિચિત્ર હતું. એ પુરુષ પોતાની બાજુમાં બેઠેલી સ્ત્રીનો હાથ પોતાનાં હાથમાં લઈ પંપાળી રહ્યો હતો. આ દૃશ્ય વધારે વખત ન જોવાતાં એણે પાછું કુર્તી પાછળ પોતાનું મોઢું ઢાંકી દીધું.

કોણ હતું એ યુગલ? જાણીશું આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)