પરિતા - ભાગ - 1 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 1

પરિતા આજે લગભગ પાંચ વર્ષ પછી એ શહેરમાં, એ ઘરે જઈ રહી હતી, જે એનું જન્મસ્થળ હતું, જ્યાં એણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું, સ્કૂલ - કોલેજનાં દિવસો પસાર કર્યાં હતાં. રસ્તામાં એ જ સમય અને એ જ દિવસો એની સ્મૃતિમાં અથડાયા કરતાં હતાં. કામની વ્યસ્તતાને કારણે પોતાનાં ઘરે જવાનો, પરિવાર સાથે સમય વિતાવવા માટેનાં સમયનો અભાવ થઈ ગયો હતો. મોબાઈલ દ્વારા એકબીજા જોડે વાત-ચીત તો થયાં જ કરતી, વિડીયો કૉલ દ્વારા એક-બીજાનાં ચહેરા પણ જોવા મળી જતાં, પણ રૂબરૂ થવાનો ને સામસામે મળવાનો મોકો આજે પાંચ વર્ષ પછી મળ્યો હતો. પરિતા ખૂબ જ ખુશ હતી. પાંચ-પાંચ વર્ષ સુધી બહેનો, મિત્રો સાથેની ધમાલ-મસ્તી, મોજ-મજા, મશ્કરી- ટીખળ જે બધું અકબંધ રાખ્યું હતું એ બધું જ કરી લેવાની એની ઈચ્છા અતિરિક્ત બની રહી હતી.

પરિતા છેલ્લા પાંચ વર્ષથી પરિવાર, સંબંધીઓ, મિત્રોથી દૂર મુંબઈમાં એકલી રહેતી હતી. એની આંખોએ જોયેલાં સ્વપ્નો મુંબઈમાં કે જેને સ્વપ્નનગરી તરીકે પણ જાણીતી છે ત્યાં જ પૂરા થશે એવું એ દૃઢપણે માનતી હતી ને એટલે જ કોલેજનું શિક્ષણ પતી ગયાં પછી પોતાનાં સપનાં સાકાર કરવા માટે અને આગળ ભણવા માટે એ મુંબઈમાં આવીને વસી હતી. એક માસીને ત્યાં પીજી તરીકે રહેતી હતી ને એક કંપનીમાં સારાં પદ પર સારાં પગારની નોકરી કરી રહી હતી ને સાથેસાથે આગળનો અભ્યાસ પણ કરી રહી હતી. નોકરી એની સારી હતી ને પૈસા પણ ઘણાં મળી રહેતાં હતાં, ને એટલે એનું કામ અને ભણવાનો ભાર એટલાં વધુ હતાં જેથી એણે પાંચ વર્ષ સુધી પરિવારથી દૂર રહેવું પડ્યું હતું, મુંબઈ જેવા મોટા શહેરમાં એકલવાયું જીવન જીવવું પડતું હતું. આટલાં બધાં વિચારોનાં વંટોળમાંથી પરિતાનું ધ્યાન જ્યારે તૂટ્યું ત્યારે સ્ટેશન આવવાની તૈયારીમાં જ હતું. એણે પોતાનો સામાન એકઠો કરવાનું શરૂ કરી દીધું. સ્ટેશન આવતાં જ હૈયાની ઊર્મિઓ બહાર ઉછાળા મારવા લાગી હતી.

રિક્ષામાં નહિ પણ ઉલાળા મારતી આ ઊર્મિઓની પાંખો પર જાણે સવાર થઈને એ ઘરે પહોંચી હોય એવું એને લાગી રહ્યું હતું. મમ્મી, પપ્પા, દાદી બધાંને પહેલા તો ઝૂકીને પગે લાગી ને પછી પ્રેમથી ભેટી પડી. નાની બેન શિખા પાસે જઈ એનાં બે ગાલ ખેંચ્યા, પ્રેમથી કપાળે ચૂમી ભરી ને પછી એને બાથમાં ભરી લીધી. અચાનક જ એને આ રીતે આવેલી જોઈને બધાં ખૂબ જ ખુશ થઈ ગયાં.

"આ રીતે..., અચાનક જ, જણાવ્યા વગર.....? ને એ પણ પાંચ વર્ષે....!" મમ્મીએ આશ્ચર્યથી પૂછ્યું.

"અચાનક અને જાણ કર્યા વિના આવીને મારે બધાંને સરપ્રાઇઝ કરી દેવા હતાં ને પાંચ વર્ષ સુધી કામમાં જ એટલી વ્યસ્ત રહેતી હતી કે એક દિવસ માટે પણ રજા કરવી પોષાય એમ નહોતું!"

"તો હવે નોકરી છોડી દીધી.....?" પપ્પાએ પૂછ્યું.

"ના....,"

"તો તને રજા...મળી....?"

"અમારી કંપનીનાં બોસની માતૃશ્રીનું અચાનક મૃત્યુ થઈ જવાથી કંપનીમાં પાંચ દિવસની રજા જાહેર કરવામાં આવી છે..."

"પાંચ દિવસ....!"

"હા..., એમનાં પાછળની બધી જ ધર્મ વિધિ કોઈપણ જાતનાં વિઘ્ન વગર પાર પડી જાય એટલા માટે..."

"અચ્છા..., અચ્છા..."

"તેં પહેલેથી જણાવ્યું હોત તો તારાં માટે તને ભાવે એવું કંઈક બનાવતે ને....!" મમ્મી સ્હેજ નારાજ થતાં બોલ્યા.

"એટલે જ મેં નથી જણાવ્યું....,"

"હેં....!"

"હા...., આજે આપણે બધાં એકસાથે એક સારામાં સારી હોટલમાં જમવા જશું...,"

આ સાંભળી શિખા ખુશીથી ઉછળી પડી..ને ખાત્રી કરવા એણે પૂછ્યું, "સાચે જ દીદી...?"

"હા...,"

પરિતાની મમ્મીએ એની દાદી સામે જોયું એટલે પરિતા બોલી, "આજે તો દાદી પણ આપણી સાથે આવશે,"

"પણ હું ક્યાં બહારનું કંઈ ખાઉં જ છું...,"

"જાણું છું, પણ આજે તમારે આવવું પણ પડશે અને ખાવું પણ પડશે, કારણ હું આટલા બધાં વર્ષો પછી આવી છું ને, એટલે..."

"સારું.., સારું.., તારી ખુશી માટે હું આવીશ..., બસ..."

"એએએ....., ચાલો તો બધાં તૈયાર થવા લાગો." શિખા તાળી વગાડતા બોલી.

બધાં હોંશે-હોંશે તૈયાર થયાં ને શહેરની સારામાં સારી અને એકદમ મોંઘી હોટલમાં જમવા માટે પહોંચ્યા.

(ક્રમશ:)