એ રાત ઘરનાં બધાં સભ્યો માટે ખૂબ જ ખુશ રહી. દાદી કે જેમણે ઘણાં વર્ષોથી બહારનું ખાધું ન હતું એમણે પણ એ રાત્રે હોટલમાં જમવાની લહેજત માણી હતી. રાત્રે ઘરે આવ્યા પછી બધાં સૂવાની તૈયારી જ કરી રહ્યાં હતાં ત્યાં અચાનક જ પપ્પાએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી. પરિતાએ તાત્કાલિક ડૉક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યા ને દાદી અને મમ્મીએ ડૉક્ટર આવે ત્યાં સુધી ઘરેલુ ઉપચારનાં આવડે તેટલાં નુસખાઓ અજમાવી જોયાં. ઘરેલુ ઉપચારથી પપ્પાની તબિયતમાં કોઈ સુધાર જોવા મળ્યો નહોતો! એટલે બધાં કાગડોળે ડૉક્ટર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.
પંદર-વીસ મિનિટમાં તો ડૉક્ટર હાજર થઈ ગયાં. એમણે પપ્પાને તપાસ્યા ને કહ્યું કે, "અતિ ચિંતા કરવાને કારણે એમની તબિયત લથડી છે, એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે....,"
"કોઈ ચિંતાજનક વાત છે....?" મમ્મીએ ઉદાસ ચહેરે પૂછ્યું.
"હા પણ ને ના પણ...,"
"એટલે....,"
"એમને હ્રદય હુમલો થયો છે, પણ વધારે ફિકર કરવા જેવું નથી તેમ છતાં યોગ્ય સારવાર મળી રહે એટલે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ સાર-સંભાળ થઈ શકે એ હેતુથી એમને થોડા દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે." ડૉક્ટરે પપ્પાને ઇંજેક્શન આપતાં-આપતાં કહ્યું.
"કેટલા દિવસ....?" પરિતાએ સવાલ કર્યો.
"ઓછામાં ઓછા દસ દિવસ...,"
"દસ દિવસ....!"
"હા...., એમની તબિયતની કાળજી માટે એ જરૂરી છે. હું તમને આ ચિઠ્ઠી લખી આપું છું, ત્યાં જઈ ડૉ. મધુસૂદન જોષીને મળી લેજો, તમારાં પપ્પાની સારવારની વ્યવસ્થા થઈ જશે."
"ઠીક છે...,"
પપ્પાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરિતા અને મમમી ડૉ. જોષીને મળ્યાં, ડૉ. નાયકે લખેલી ચિઠ્ઠી આપી ને પપ્પાની સારવાર ચાલુ કરાવી દેવાઈ. શિખા અને દાદી ઘરે જ રહ્યાં હતાં.
"શું વિચારે છે....?" પરિતાનો ગમગીન ચહેરો જોઈ મમ્મીએ પૂછ્યું.
"મારે બહાર હોટલમાં જમવા જવા માટે કહેવું જ નહોતું જોઈતું, ન આપણે હોટલમાં જતે ને ન પપ્પાને હોસ્પિટલ ભેગું થવું પડતે....,"
"તારાં પપ્પાની આ ખરાબ તબિયત માટે તું પોતાની જાતને દોષી ન માન..., એમાં તારો કંઈ જ વાંક નથી...., ડૉક્ટરે કહ્યું ને કે વધુ પડતી ચિંતા કરવાને કારણે એમની તબિયત બગડી છે.., આમ પણ તારાં પપ્પા છેલ્લાં ઘણાં દિવસથી ઘણી ચિંતામાં ડૂબેલા રહેતાં હતાં...,"
"શું.....?!"
"હા.....,"
"શાની...ચિંતા....?"
"વધારે તો મને ખબર નથી પણ પંદરેક દિવસ પહેલા એ એમનાં મોઢાંમાંથી એવું બોલી ગયાં હતાં કે, મનિષે મને દગો દીધો છે.., મને છેતર્યો છે..,"
"કોણ છે આ મનિષ.....?"
"એમનો મિત્ર....,"
"મનિષ......! પપ્પાનાં મિત્ર.....! મને કેમ આ નામ જાણીતું નથી લાગતું....!"
"ક્યાંથી લાગે...., એ લોકોની મૈત્રીને માંડ બે વર્ષ થયાં હશે. .!"
"તો આ વિશે તેં મને પહેલા કેમ કંઈ જણાવ્યું નહિ....?"
"તારું ભણવાનું અને કામ ન બગડે એટલા માટે, અને વળી આમ પણ પૂરી વાત શું છે એ તો હું પણ નથી જાણતી ને...,"
"તેં પપ્પાને આ વિશે આગળ પૂછ્યું નહિ....?"
"પૂછ્યું છે ને રોજ પૂછ્યું છે, પણ કંઈ કહેવાને બદલે તારાં પપ્પા મોઢું સીવી લેતાં હતાં ને 'તને આમાં કંઈ ખબર ન પડે' એવું કહી મને ચૂપ કરી દેતા હતાં."
"એવી તે કઈ વાત હતી કે એમણે તને પણ કહેવી ઠીક ન સમજી..!"
"એ તો એ જ જાણે...,"
મમ્મીની વાત સાંભળી પરિતા થોડી વિચારમાં પડી ગઈ, પપ્પા સાથે શું બન્યું હશે એ વિશેની જાત-જાતની કલ્પનાઓ એનાં મનમાં રમણ-ભમણ થયાં કરતી હતી. ન ચાહવા છતાં જુદાં-જુદાં વિચારો મનને ઘેરી રહ્યાં હતાં. ઉઠીને તરત જ પપ્પા પાસે પહોંચી આ વિશે વાત કરવાનું મન થઈ આવતું હતું પણ તરત જ ડૉક્ટરે કીધેલી વાત કે, 'એમને કોઈપણ પ્રકારનું માનસિક દબાણ આપવાનું નથી,' આ વાક્ય યાદ આવતાં જ પોતાનાં મનને કાબૂમાં કરી લેતી હતી.
(ક્રમશ:)