પરિતાએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા પછી પોતાનાં પિતાની સમક્ષ એક રજૂઆત કરી. એણે કહ્યું કે, "પપ્પા..., મેં વિચારી લીધું છે કે જ્યાં સુધી ભણવાનું પૂરું કરી, ઉચ્ચ પદની નોકરી કરી, મારાં લગ્ન માટે પૈસા જમા ન કરી લઉં ત્યાં સુધી હું લગ્ન નહિ કરું.....,"
"બેટા....., તું ક્યારે પોતાનું ભણવાનું પૂરું કરી લઈશ....,ક્યારે નોકરીએ લાગીશ....ને ક્યારે પૈસા ભેગા કરી લઈશ....?! ત્યાં સુધીમાં તો સારાં - સારાં છોકરાઓ હાથમાંથી નીકળી જશે...!"
"પણ....,પપ્પા....,"
"બેટા...., અમે આજે છીએ અને કાલે નથી...., સારાં ઘરમાં તને અને શિખાને પરણાવીને ઠરીઠામ કરાવી દઈએ એટલે અમને તમારી ચિંતા ન રહે અને નિરાંતપણે અંતિમ શ્વાસ લઈ શકીએ..."
"પપ્પા..., અત્યારથી મરવાની વાત શું કામ કરો છો...., હજી તો તમારે ઘણું જીવવાનું છે....."
"પણ તબિયત લથડતી રહે છે, એનું શું...., તારી સામે જ હમણાં ખરાબ થઈ હતી ને..., એટલે જ તને વિનંતી કરું છું કે સમયસર પરણી જા..., ભણવાનું અને નોકરી કરવાનું તો લગ્ન પછી પણ થઈ શકે છે.....,"
"પણ..., હું કહું છું..., છોકરીની જાતને નોકરી કરીને શું ઉખાડી લેવાનું હોય છે...., ઘર, વર અને બાળક સંભાળે એ જ એની સાચા અર્થમાં નોકરી હોય છે..." મમ્મીએ વચ્ચે ડપકું મૂક્યું.
"મમ્મી.....,"
"મમ્મી....શું....., તારી જીદને કારણે જ તને મુંબઈ એકલી રહેવા મોકલી હતી, બાકી મારી તો મરજી નહોતી જ...."
"એ બધી વાત હમણાં જવા દે..., અમે તારી વાત માનીને તને મોકલાવી હતી ને એકલી મુંબઈ...., હવે હું ઈચ્છું છું કે હવે તું અમારી વાત માને..." પપ્પાએ એનાં ગાલ પર ટપલી મારતાં કહ્યું.
"ઠીક છે...., મારાં માટે સારો છોકરો મળે ત્યાં સુધી તો હું ભણી શકું છું ને.....?"
"ના.....,"
"ના....!!! પણ કેમ....?"
"કેમ કે..., તારાં માટે સારો છોકરો મેં શોધી લીધો છે..."
"શું.....!!!"
"હા.....,"
"કોણ છે એ.....??"
"સમર્થ......"
"સમર્થ ...?!"
"હા....., મારો મિત્ર મનિષનો એકનો એક દીકરો . ..."
"તમારાં મિત્ર મનિષનો દીકરો....., પણ તમે તો હમણાં થોડીવાર પહેલા એમ કહ્યું હતું કે એણે તો તમને દગો દીધો છે, લુચ્ચાઈ કરી છે તમારી સાથે.. , તમારા પૈસા લઈને પાછા આપ્યા નથી..., વગેરે.. , વગેરે.. ...તો પછી અચાનક..., એનાં જ દીકરા સાથે મારાં લગ્નની વાત......!?"
"હું હોસ્પિટલમાં હતો ત્યારે મને એણે એક મેસેજ કર્યો હતો, જેમાં એણે મારી હ્રદયપૂર્વક માફી માંગી હતી, અને સાચે જ હમણાં એની પાસે પૈસાની સગવડ ન હોવાની વાત લખી હતી, અને.....,"
"અને.. .શું... , પપ્પા....?"
"અને એણે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે જો પરિતાનાં લગ્ન સમર્થ સાથે કરી દેવામાં આવે તો એ લગ્નનો બધો જ ખર્ચો આપણાં વતી ઉઠાવી લેશે અને વળી વ્યવહારનાં નામે પણ આપણી પાસેથી કશું નહિ લે....,"
"શું....!! સાચે જ.. ...," પરિતાની મમ્મી હરખતા હરખાતા બોલી.
"હા...., એ લોકો આપણી દીકરીને એક જ સાડીમાં સ્વીકારવા તૈયાર છે....!"
"મમ્મી એમાં આટલા ખુશ થઈ જવાની જરૂરત નથી.... ,ને પપ્પા હું તૈયાર નથી....."
"તું ગાંડી થઈ ગઈ છે.... ?! કોઈ તને એમનેમ નહિ લઈ જાય..., કેટલાય પૈસા ખર્ચવા પડે છે લગ્ન પાછળ, લગ્નનાં વ્યવહાર પાછળ... , એની તને ખબર છે....., મારી પાસેથી લીધેલાં થોડાંક પૈસાનાં બદલામાં જો એ આટલું બધું જતું કરવા તૈયાર હોય તો..., એ તો સારી જ વાત કહેવાય ને.. . .."
"હા...., પપ્પા...., આ સારી વાત તો કહેવાય પણ સમર્થ કોણ છે? એ શું કરે છે? એનાં વિચારો કેવા છે? એ બધું.....?"
"ઓહો..., તારે આ બધું જાણવું છે ને...., તો કાલે એ લોકો આપણાં ઘરે આવવાના જ છે ત્યારે બધું તું એને જાતે પૂછી લેજે..."
"એટલે તમે જોવાનું પણ ગોઠવી નાંખ્યું....!"
"ના...., ના....,"
"તો....?"
"એ લોકો તો મારી ખબર પૂછવા માટે આવે છે, તું આ વખતે અહીંયા છે તો તને મળી લેશે અને તું એમને મળી લેજે...., એટલે.....,"
"એટલે....??"
"એટલે...., કંઈ નહિ...., તમે બેવ, એટલે કે તું અને સમર્થ એકબીજાને મળી લેજો, વાતો કરી લેજો ને ઓળખી લેજો એકબીજાને...."
પરિતાને એ રાત્રે ઊંઘ આવી નહિ. એ વારેઘડીએ આમથી તેમ પડખા ફેરવ્યા કરતી હતી. આંખ બંધ કરતાં જ એની નજર સામે મમ્મી - પપ્પાએ કરેલા સંઘર્ષની છબી એક પછી એક ઝગારા માર્યા કરતી હતી.
(ક્રમશ:)