પરિતા - ભાગ - 16 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 16

પાર્થની મીઠી - મીઠી વાતો પરિતાને એનાં તરફ ખેંચી રહી હતી. સમર્થને ન તો પરિતાની કોઈ વાતો સાંભળવામાં રસ હતો કે ન એને કંઈ પણ કહેવા માટે એની પાસે સમય હતો. સમર્થ આખો દિવસ પોતાનાં કામમાં રચ્યો - પચ્યો રહેતો હતો ને બાકી જે થોડો ઘણો સમય મળે એ પોતાનાં મિત્રો સાથે વિતાવતો હતો. પરિતા માટે ખાસ એણે સમય ફાળવ્યો હોય એવું પરિતાને યાદ નહોતું.

પરિતા હવે પાર્થ સાથે વધુ સમય વિતાવવા લાગી હતી. સમય મળે ત્યારે એ પાર્થ સાથે ફરવા માટે ઉપડી જતી હતી. પહેલા તો એનાં સાસુને આ બધું સામાન્ય લાગતું હતું પણ પછી એમને આ રીતે પરિતાનું ઘરની બહાર રહેવું ખૂંચવા લાગ્યું હતું. પરિતાનું સરસ રીતે તૈયાર થવું, પરિતાનું જુદાં - જુદાં કપડાં પહેરવું, વગેરે જેવી બાબતો પ્રત્યે એમનું ધ્યાન રહેવા માંડ્યું હતું.

એક દિવસ સમર્થ પાસે એ બેઠાં હતાં ત્યારે એમણે સમર્થને કહ્યું, "પરિતા હમણાં - હમણાંથી ઘરની બહાર વધુ સમય રહેવા લાગી છે."

"હા.. મમ્મી..., એ લોકોનું બહેનપણીઓનું એક ગ્રુપ છે ને એ લોકો આ રીતે એકબીજાને વારંવાર મળતાં જ રહેતા હોય છે.."

"ભલે.., ભલે..., પણ આ રીતે ઘરની બહાર એ જતી રહે પછી આખા આ ઘરને મારે સંભાળવાનું....! દીપનું ધ્યાન પણ મારે જ રાખવાનું....!"

"દીપ તો આખો દિવસ સ્કૂલમાં હોય છે...!"

"હા.., પણ ઘર તો મારે સંભાળવું પડે છે ને....! એ આ રીતે જતી રહેતી હોય છે તો મારે ક્યાંય સત્સંગમાં જવું હોય તો નથી જઈ શક્તી...!"

"કેમ....? એ તને ના પાડે છે....?"

"ના તો નથી પાડતી પણ કોઈ એક જણે તો ઘરે રહેવું જ પડે ને...! કોઈ મહેમાન આવે..., કંઈ પાર્સલ આવે..., કોઈ કુરિયર આવે..., વગેરે માટે ઘરમાં તો કોઈ એક જણે હાજર રહેવું જ પડે....!"

"તો જે દિવસે તારે સત્સંગમાં જવાનું હોય એ દિવસે તારે એને કહી દેવાનું તો એ નહિ જાય...!"

"એ મારી કોઈ વાત માને છે જ ક્યાં....!"

"ઠીક છે તો હું આ બાબતે એની સાથે વાત કરી લઈશ...., બસ..!!"

"સારું..., સારું..."

એનાં એ જ દિવસે તો સમર્થે આ બાબતે પરિતાને વાત ન કરી પણ થોડાં દિવસ પછી એણે વાત કાઢી અને પરિતાને કહ્યું, "પરિતા મમ્મી કહેતી હતી કે હમણાંથી તું ઘરની બહાર વધારે સમય વિતાવી રહી છે...ઘરમાં વધારે વાર રહેતી નથી તો એટલે...."

"એટલે....?"

"એટલે મમ્મીને પછી જો સત્સંગમાં જવું હોય તો એ જઈ શક્તી નથી...!"

"સારું હવે જ્યારે એમને સત્સંગમાં જવું હશે ત્યારે હું ઘરમાં જ રહીશ.., હું એ દિવસે ઘરની બહાર નહિ નીકળીશ...!"

"ઠીક છે તો હું મમ્મીને એ જણાવી દઈશ...., પણ તું મને એ તો જણાવ કે તમે બધી બહેનપણીઓ મળો છો ક્યાં..., કોનાં ઘરે મળો છો...? એ તો જણાવ...મને..."

"અમે કોઈનાં પણ ઘરે મળતાં નથી..."

"તો...?"

"અમે બધાં સાથે મળીને ઓનલાઈન બિઝનેસ કરીએ છીએ તો અમે ક્યારેક કોઈ મોલમાં..., ક્યારેક કોઈ કાફેમાં.., વગેરે જેવી જગ્યાએ મળી લઈએ છીએ."

"ઓનલાઈન બિઝનેસ....!!!"

"હા...."

"આ વિશે તો તેં મને ક્યારેય કશું જ જણાવ્યું નથી...!"

"હું તમને જણાવવાની જ હતી....,"

"ક્યારે...?"

"એકવાર અમારો આ બિઝનેસ પ્રસ્થાપિત થઈ જાય.., પછી..."

"ઓહ...! અચ્છા..., અચ્છા..." સમર્થનાં મોઢેથી આવા શબ્દો સાંભળી પરિતાને ભારે નવાઈ લાગી .., કારણ સમર્થનાં મોઢેથી એનાં કામ માટે આ રીતનાં શબ્દો સાંભળવા માટે મળશે એવી એણે અપેક્ષા રાખી નહોતી...! એને તો એમ હતું કે સમર્થ એને આ બાબતે બે - ચાર વાતો સંભળાવશે..., ગમે - તેમ એને બોલશે પણ એણે વિચાર્યું હતું એનાં કરતાં તો સમર્થનું વલણ સાવ જુદું જ રહ્યું હતું! પહેલીવાર પરિતાને સમર્થ પાસેથી પોતાનાં માટે આ રીતનો સહકારનો ભાવ જોવા મળ્યો હતો!

સમર્થે પરિતાને કંઈ ન કહ્યું તો એનાં માટે એનો કોઈ સ્વાર્થ હતો કે નહિ? જાણીશું આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)