Ek bhool - 22 - Last part books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 22 (અંતિમ ભાગ)

" ભાઈ, ભાઈ.. નહીં એને જવા દો. નહીંતર આ મને મારી નાખશે. "

અલબત્ત રાધિકા અને અમિત માટે આ અવાજ અજાણ્યો નહોતો. બધાએ દરવાજા તરફ જોયું. મીત વિહાનને પકડીને અંદર આવતો હતો. મીતનાં હાથમાં ચાકુ હતું.

" અમિત, બચાવ મને.. જવાં દે રાધિકાને. નહીંતર આ મને મારી નાખશે. " વિહાન કરગરી રહ્યો હતો.

મીતને જોઈને મીરા, મિહિર, આરવ અને આશીના જીવમાં થોડો જીવ આવ્યો. સંપૂર્ણ રીતે હાથમાંથી નીકળી ગયેલ બાજી હવે ધીમે ધીમે ફરીથી હાથમાં આવી રહી હોય તેવું લાગ્યું.

પોતાનાં ભાઈને આવી હાલતમાં જોઈને અમિતનાં હાથમાંથી બંદૂક છૂટી ગઈ. તે રાધિકાને છોડીને વિહાન પાસે આવ્યો. સમયનો લાગ લઈને મીરા તરત જ રાધિકા પાસે ગઈ અને ખુરશી સાથે બાંધેલા તેનાં હાથ અને પગની દોરી છોડી દીધી. રાધિકા, મીરા, આશી, આરવ અને મિહિર પાંચેય એક સાઇડમાં ઉભા રહી ગયાં. વિહાનને મુસીબતમાં જોઈને રાધિકા પણ ગભરાઈ ગઈ હતી.

" એય કોણ છે તું? છોડ મારાં ભાઈને. " અમિતે મીતને કહ્યું.

" નહીં છોડે તે તારાં ભાઈને. " મિહિર બોલ્યો અને અમિત સામે આવીને ગુસ્સામાં બોલ્યો, " તું આટલાં સમયથી રાધિકા, મીરા બધાને પરેશાન કરી રહ્યો છે, એ પણ વગર વાંકે. તારી બહેને સ્યુસાઇડ કર્યું એ એની પોતાની મરજીથી કર્યું. ના તો તેને કોઈએ ધમકી આપી હતી કે ના તો તેને કોઈએ આ પગલું ભરવાં માટે ફોર્સ કર્યો હતો. આરવે તેને શાંતિથી કેટલીય વાર સમજાવી હતી. પણ તે સમજવાં તૈયાર જ નહોતી. આવડી નાની અમથી વાતમાં મરી જવું એ કાંઈ મોટું સમજદારી ભર્યું કામ નથી. ભૂલ તારી બહેનની હતી અને અત્યારે તું તેનાથી મોટી ભૂલ કરે છે. "

મિહિરની વાત સાંભળી અમિત થોડો શાંત થયો. થોડી તો થોડી પણ મિહિરની વાત તેને સમજાઈ રહી હતી. તેની બહેનને ગુમાવવાનાં દુઃખમાં તે વાસ્તવિકતા નહોતો સ્વીકારી રહ્યો.

" જે અત્યારે આ દુનિયામાં નથી રહી એની પાછળ તું તારો સમય બદલો લેવામાં બગાડે છે, પણ જે હાલમાં છે તેને તું છોડીને જતો રહ્યો. તેનાં વિશે તને એકવાર પણ વિચાર ન આવ્યો? " મિહિર ફરીથી બોલ્યો.

મિહિરની વાત સાંભળીને બધાં તેની તરફ પ્રશ્નાર્થ નજરે જોવાં લાગ્યાં. અમિત પણ તેની તરફ જોવાં લાગ્યો.

" મિહિર, તું કોની વાત કરે છે? " મીરાએ પૂછ્યું.

" દહેરાદુનમાં જેની ઘરે તું બે વર્ષ રહી હતી મીરા, તેની. " મિહિર મીરા તરફ નજર કરી બોલ્યો.

દહેરાદુન નામ સાંભળીને અમિત મિહિરની વાત સમજી ગયો. તેને ખબર પડી ગઈ કે તે કોના વિશે વાત કરી રહ્યો છે. પણ તેને એક વાત નહોતી સમજાઈ કે મીરા તેની ઘરે કેમ રહેતી હતી.

" શું? બા.. પણ અમિત અને તેને શું લેવાં-દેવા...! " મીરાએ પૂછયું.

" અમિતનાં નાની છે તે. તેને છોડીને જે ચાલ્યો ગયો હતો તે કોઈ બીજું નહીં, અમિત છે. " મિહિર બોલ્યો.

મિહિરની વાત સાંભળીને મીરા ચોંકી ગઈ. જે તેની બહેનને લઈ ગયો હતો તેનાં નાનીનાં ઘરે મીરા રહેતી હતી. આટલાં સમય સુધીમાં તેને ખબર પણ ન પડી કે તે અમિતનાં જ નાની છે.

" મિહિર, આ શું બોલે છે તું? તને કઈ રીતે ખબર પડી? " મીરાને હજું વિશ્વાસ નહોતો આવી રહ્યો.

" હા મીરા, હું જે બોલ્યો તે સાચું છે. મેં એકવાર બા ના રૂમમાં અમિતનો ફોટો જોયો હતો પણ ત્યારે હું અમિતને નહોતો જાણતો. જ્યારે અહીં પેલા પબની બહાર અમિતને જોયો ત્યારે જ હું ઓળખી ગયો કે તે ફોટો અમિતનો જ હતો. " મિહિર બોલ્યો અને અમિત તરફ જોઈને પૂછ્યું, " સાચી વાત છે ને મારી? "

અમિત કશું બોલ્યો નહીં. તેની ખામોશીએ જ મીરાને તેનાં પ્રશ્નનો જવાબ આપી દીધો હતો. અમિતને તેની નજર સામેથી ગુસ્સાનો પડદો હટી રહ્યો હતો અને વાસ્તવિકતાનો સુરજ સામે દેખાઈ રહ્યો હતો. કદાચ હવે તે સમજી ગયો હતો કે તે શરૂઆતથી જ ખોટો હતો. પોતાનાં માતા-પિતાનાં મૃત્યું પછી જેણે તેને મોટો કર્યો તેને જ મૂકીને તે તેની બહેન પાસે આવતો રહ્યો. એકવાર પણ તેનાં ઘરડાં નાની વિશે વિચાર્યું પણ નહીં કે તેની એકલાં શું હાલત થઈ હશે! તેનો અફસોસ તેની આંખોમાંથી આંસુ રૂપે નીકળી રહ્યો હતો. અમિત બે હાથ જોડીને બોલ્યો,

" મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. બહેનનાં પ્રેમમાં હું તેનાં મોતની વાસ્તવિકતા ન સ્વીકારી શક્યો. મેં મારા નાની તરફ એકવાર પણ જોયું નહીં. આટલાં વર્ષોથી ખબર નહીં કઈ રીતે એકલાં રહ્યાં હશે. આજે રાધિકાને મારી લીધે કંઈ થઈ જાત તો હું મારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકત. હું તમારાં બધાનો ગુનેગાર છું. તમારે જે સજા આપવી હોય તે આપો. મને મંજૂર છે. પણ મને માફ કરી દો. "

કહીને અમિત નીચે ફસડાઈ પડ્યો. અમિતને જોઈને રાધિકાએ તેને કહ્યું,

" તને તારી ભૂલ સમજાઈ ગઈ તે જ પૂરતું છે. માફી માગવાનો કોઈ સવાલ જ નથી. "

વિહાન અમિત પાસે આવ્યો અને બોલ્યો,

" ભાઈ, જે ભૂલ થઈ છે તેને સુધાર. આ બધાં ખોટાં ધંધા છોડી દે. તારા નાની પાસે જા. એનું ધ્યાન રાખ. તો કદાચ તું આ દુઃખમાંથી બહાર આવી શકીશ. "

" હું વચન આપું છું. અત્યારથી જ આ બધું છોડી દઉં છું અને હવેથી ક્યારેય આ લોકોની જીંદગીમાં નહીં આવું." અમિત તેની ભૂલ સુધારતાં બોલ્યો.

પણ અચાનક અમિત વિહાનને તેની પાસે જોઈને થોડીવાર મીત અને થોડીવાર વિહાન તરફ જોવાં લાગ્યો. મીત તેનો ચહેરો જોઈને સમજી ગયો અને હસીને બોલ્યો,

" આ પણ એક પ્લાન જ હતો. " પછી મીત મિહિર તરફ જોઈને બોલ્યો, " મેં તને કીધું હતું ને કે તમે ત્રણેય અમિતનો પીછો કરો, હું નહીં આવું તેમ. ત્યારે વિહાન મારી સાથે હતો. તે પણ રાધિકાને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો અને એ માટે તે મીરાને શોધી રહ્યો હતો. પણ હજુ કાંઈ વાત થાય તે પહેલાં અમિત ને આશી બંને નીકળી ગયાં. માટે તમને પણ તેની પાછળ મોકલી દીધાં. હું પછીથી તમને કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરતો હતો પણ નહોતો થતો. ત્યાં આરવે મને જલ્દીથી અહીં આવવાનું કહ્યું. અમે બંને અહીં બહાર ઉભા હતાં. જ્યારે વાત હાથમાંથી સરકી જતી લાગી પછી અમે તાત્કાલિક પ્લાન બનાવ્યો અને અંદર આવ્યાં. "

મિહિરને આજે તેનાં દોસ્ત પર ગર્વ થતો હતો. કદાચ તે જ આજે સંકટ સમયની સાંકળ બનીને આવ્યો હતો. આશી મીત પાસે ગઈ અને જોરથી ભેટી પડી.

" ઓહો.. મતલબ તું પણ આ લોકો સાથે હતો એમને. " અમિતે વિહાનને કહ્યું.

જવાબમાં વિહાન ફક્ત હસ્યો. તેને કાંઈક યાદ આવતાં તે રાધિકા પાસે ગયો અને પૂછ્યું,

" તું ઓલી પેનડ્રાઈવ શોધતી હતી તેનું શું થયું? મળી કે નહીં?"

રાધિકાએ ખિસ્સામાંથી પેનડ્રાઈવ બહાર કાઢી અને વિહાનને બતાવી. વિહાન હજુ તેને લેવાં જાય તે પહેલાં રાધિકાએ તેનો ઘા કર્યો અને તેનાં પર પગ મૂકીને તેને તોડી નાખી અને બોલી,

" આ જ મારી મજબૂરી હતી. જેને લીધે અમિત મને અહીં લાવી શક્યો. "

" હું પણ એ જ જાણવા માગું છું કે તેમાં એવું હતું શું?" વિહાને પૂછ્યું.

" અમિત પાસે જે વિડિયો હતાં તે સાચાં છે, રાધિકા?" આરવે રાધિકાને પૂછ્યું.

રાધિકા કઈ બોલે તે પહેલાં અમિત બોલ્યો, " ના, તે ખોટાં હતાં. એડિટિંગ કરેલાં હતાં. ફક્ત રાધિકાને બ્લેકમેલ કરવાં અને અહીં લાવવાં. "

" વિડીયો, પેનડ્રાઈવ.. આ બધું શું ચાલી રહ્યું છે. મને કોઈ સમજાવશે? " મીરા વચ્ચે બોલી પડી.

" દી, તમને મારાં રૂમમાંથી એક લેટર મળ્યો હશે તે મેં મારી જાતે નહોતો લખ્યો. અમિતે મારી પાસે લખાવડાવ્યો હતો. " રાધિકાએ કહ્યું.

" પણ કેમ? તે તારાં સુધી પહોંચ્યો જ કેવી રીતે? " મીરાએ પૂછ્યું.

" એકવાર હું અને મારાં કોલેજનાં ફ્રેન્ડ્સ, અમે બધાં મારી એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયાં હતાં. મેં તમને પણ તેના વિશે કહ્યું હતું. " રાધિકા મીરાને યાદ અપાવતાં બોલી.

" હા હા.. કોઈ મોટી હોટલ હતી 'બ્લૂ સ્કાય' નામની, ત્યાં જ ને? " મીરા યાદ કરતાં બોલી.

" હા, ત્યાં જ. રાત્રે અમે ત્યાં ગયા અને પાર્ટી એન્જોય કરતાં હતાં. ત્યાં કોઈએ મારી ડ્રિંકમાં કદાચ કાંઈક મેળવી દીધું હતું. મને પીતા જ ચક્કર આવ્યાં અને હું બેહોશ થઈ ગઈ. મારી આંખ ખુલી ત્યારે હું કોઈ રૂમમાં હતી. હું ઝડપથી બહાર આવી. મેં મારી ફ્રેન્ડ્સને પણ પૂછ્યું કે મને ત્યાં રૂમમાં કોણ લઈ ગયું અને મારી સાથે શું થયું હતું પણ કોઈને એ વિશે ખબર નહોતી. હું પણ પછી તે વાત ભૂલી ગઈ. બીજાં દિવસે મારા મોબાઇલમાં એક વિડિયો આવ્યો. તેમાં હું તે જ રૂમમાં હતી અને કોઈ સાથે...... "

" હું ખુબ જ ડરી ગઈ. એટલામાં એક અજાણ્યાં નંબર પરથી કૉલ આવ્યો અને તે અમિત હતો. તેણે મને ધમકી આપી અને કહ્યું કે એ જે કહે તે જ કરું અને કોઈને પણ આ વાતની જાણ કરીશ તો આ વિડિયો વાયરલ કરી દેશે. એકવાર હું તેને મળવા પણ ગઈ હતી. તેને ખુબ કહ્યું કે તે આવું ન કરે અને મને જવાં દે. પણ તે મારી વાત ન સાંભળ્યો. એક દિવસ મમ્મી-પપ્પા બંનેમાંથી કોઈ ઘરે નહોતું. તમે જોબ પર હતાં અને હું કોલેજેથી ઘરે આવી. ત્યાં અમિત આપણાં ઘરમાં પહેલેથી જ બેઠો હતો. તેણે મારી પાસે તે લેટર લખાવ્યો અને મને લઈને અહીં આવતો રહ્યો. મારી પાસે પણ તેની વાત માનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કેમ કે તેની પાસે તે વિડિયો હતો અને મને ત્યારે રાત્રે શું થયું એ કાંઈ જ યાદ નહોતું. જો મેં તેની વાત ન માની હોત તો તે વિડિયો વાયરલ કરી નાખત. મને ખબર હતી કે તે વિડિયો ખોટો છે પણ બીજા લોકોને, આપણાં ફેમિલીને કેમ વિશ્વાસ કરાવત કે આ બધું ખોટું છે. પપ્પાની વર્ષોથી કમાવેલી ઈજ્જત એક ખોટા વિડિયોને લીધે જતી રેત. એટલે મારે તેની વાત માનવી જ પડી. "

" આ પેનડ્રાઈવમાં અમિતે વિડિયો રાખ્યાં હતાં તેની મને ખબર હતી. આજે વિહાનની મદદથી તે પણ મારા હાથમાં આવી ગઈ. "

મીરા સહિત બધાને સમજાઈ ગયું કે અમિત રાધિકા સુધી કઈ રીતે પહોંચ્યો અને અહીં કઈ રીતે લાવ્યો.

" અંત ભલા તો સબ ભલા. બધાં અત્યારે સહીસલામત છે. અમિત પણ તેની ભૂલ સ્વીકારી ચૂક્યો છે. તો આપણે પણ હવે અહીંથી પ્રસ્થાન કરીએ. આજે સવાર સુધી બધાં મારી ઘરે રોકાઈએ. સવારે હું, આરવ, મીરા અને રાધિકા સુરત જવા નીકળી જશું." મિહિરે કહ્યું.

" હું પણ સવારે જ દહેરાદુન જવા નીકળી જઈશ. " અમિત બોલ્યો.

" ઓકે સારું તો ચાલો, અત્યારે જઈએ હવે. " મીત બોલ્યો.

બધાં સવાર સુધી મિહિરનાં ઘરે જ રોકાયાં. મીરાને અહીં મુંબઇમાં તેની બહેન અને તેનો પ્રેમ, બંને મળી ગયાં હતાં. મીરા અને રાધિકા બંને આજે ખૂબ જ ખુશ હતાં. રાધિકાને ખુશ જોઈને વિહાનને પણ આનંદ થતો હતો પણ ક્યાંક ને ક્યાંક રાધિકા હવે તેનાથી દુર થઈ જશે તેનું પણ દુઃખ થતું હતું. તેનો ચહેરો જોઈ મિહિર સમજી ગયો અને તેની પાસે આવીને બેસી ગયો. પછી ધીમેથી વિહાનને કહ્યું,

" રાધિકા સાથે પ્રેમ થઈ ગયો કે શું.!!"

મિહિરની વાત સાંભળી વિહાને ચોંકીને તેની સામુ જોયું અને પછી નીચે જોઈને હસવાં લાગ્યો. અને પછી મિહિરને કહ્યું,

" પણ હવે તેનો શું મતલબ છે..! રાધિકા તો હવે સુરત જતી રહેશે. પછી તો મળવાનો કોઈ ચાન્સ રહેશે જ નહીં."

" હા તો તું પણ સુરત ચાલ. તેનાં પરિવાર સામે જ રાધિકાને તારાં દિલની વાત કહી દે." મિહિર બોલ્યો.

" પણ હું કઈ રીતે ત્યાં આવી શકું? " વિહાને પૂછ્યું.

" જો કહું હમણાં, તારે કઈ રીતે આવવું તે. " એમ કહીને મિહિરે મીરાને બધાં સાંભળી શકે તેમ કહ્યું,

" મીરા, વિહાન પણ આપણી સાથે સુરત આવવા ઈચ્છે છે. એ તારાં મમ્મી-પપ્પા સામે અત્યાર સુધી જે કાંઈ પણ થયું તેનાં માટે અમિત તરફથી માફી માંગવા માગે છે. "

મીરાએ હા પાડી. વિહાન ખુશ થઈ ગયો. તેણે મિહિરને થેન્ક યુ કહ્યું.

સવારે મિહિર, વિહાન, આરવ, મીરા, રાધિકા પાંચેય સુરત જવા નીકળી ગયાં. અમિત પણ તેનાં નાની પાસે સાંજની ફ્લાઇટમાં જવાનો નિર્ણય કરી લીધો.

***

મીરા અને રાધિકા બંનેની નજર સામે તેનું ઘર હતું. તે દરવાજા સુધી પહોંચ્યા. મીરાએ ધ્રુજતાં હાથે દરવાજો ખખડાવ્યો. મિહિરે તેને હિંમત આપી. થોડીવારમાં સુમિત્રાબહેને દરવાજો ખોલ્યો. મીરા અને રાધિકાને તેની નજર સમક્ષ જોઈને તેને ઘડીક પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મીરા અને રાધિકા બંને તેને ભેટી પડી. બંને દીકરીઓને જોઈને આજે એક મા નું હ્રદય ફરીથી ધબકવાં લાગ્યું હતું.

" માસી હવે અંદર આવવા દેશો કે અહીંથી જ પાછા મોકલી દેશો." મિહિર હસતાં હસતાં બોલ્યો.

સુમિત્રાબહેન પણ હસવા લાગ્યાં અને રાધિકા અને મીરા સાથે સાથે મિહિર, આરવ અને વિહાન પણ અંદર આવ્યાં. એટલામાં મોહનભાઈ બોલતા બોલતા આવ્યા,

" શું થયું? કોણ આવ્યું છે?"

તેની નજર રાધિકા અને મીરા પર ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયાં. તે મીરાથી ઘણાં નારાજ હતાં પણ આજે તેને જોઈને બધી નારાજગી જતી રહી. મીરા અને રાધિકામાં તેનો જીવ રહેતો હતો. આજે તેને જોઈને ફરીથી પોતાનામાં જીવ આવ્યો હોય તેવું લાગતું હતું. તેણે રાધિકા અને મીરાને કહ્યું,

" તમે બંને ક્યાં જતાં રહ્યાં હતાં? તમારા વગર જીવવું પણ શ્રાપ જેવું લાગતું હતું. એક દિવસ તમે જરૂર આવશો એ આશાએ જ હું ને તારી મમ્મી દિવસો કાઢી રહ્યાં હતાં."

વિહાન અને આરવને જોઈને સુમિત્રાબહેન બોલ્યા, " આ બંને કોણ છે?"

" અરે શાંત શાંત, તમારાં બધાં સવાલોના જવાબ આપીશું. " રાધિકા બોલી.

થોડીવારમાં મિહિરનાં મમ્મી-પપ્પા પણ આવી ગયાં. રાધિકા અને મીરાને જોઈને તે પણ ખુશ થઈ ગયાં.

મીરા, મિહિર અને રાધિકાએ અત્યાર સુધીમાં બનેલી બધી જ ઘટના તેમને સમજાવી. એ સાંભળીને સુમિત્રાબહેન અને મોહનભાઈ બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ. આજે તેને બંને દીકરીઓ પર ગર્વ થતો હતો. આટલી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત નહોતી હારી અને મક્કમતાથી તેનો સામનો કર્યો હતો. તેણે મિહિર, આરવ અને વિહાનનો આભાર પણ વ્યક્ત કર્યો. વિહાને પણ તેની સામે માફી માંગી.

આજે આખું ઘર ખુશ હતું. ઘણાય સમય બાદ ઘરમાં રોનક આવી હતી. મીરાનાં મમ્મી-પપ્પા આજે ખૂબ જ ખુશ હતાં. મિહિરે પણ સમય જોઈને તેની સામે તેની દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તે જાણીને મોહનભાઈનો આનંદ બેવડાઈ ગયો. મોહનભાઈ અને રમેશભાઈ બંને બાળપણના મિત્રોએ આ સંબંધમાં બંધાવાની મજૂરી આપી દીધી. મીરા અને મિહિર પણ ખુશ થઈ ગયાં. મીરાની ખુશીમાં આરવ પણ ખુશ હતો.

મિહિરે ઇશારાથી વિહાનને પણ તેની વાત કરવાં કહ્યું. વિહાન હિંમત કરીને સામે આવ્યો અને બધાં વચ્ચે રાધિકા સામે પ્રસ્તાવ મૂક્યો. રાધિકા તો પહેલાં ચોંકી ગઈ પણ પછી તેણે પણ વિહાનનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સાથે સાથે મોહનભાઈ અને સુમિત્રાબહેનની પણ મંજૂરી મળી ગઈ.

એક મહિના પછીનું સગાઈનું મુહૂર્ત પણ આવી ગયું હતું. મીરાએ તેમાં અમિત અને ખાસ કરીને પોતાનાં બા ને પણ આમંત્રણ આપ્યું હતું.

***

એક મહિના પછી..

આખાં પરિવાર અને બધાં સગાં-સંબંધીઓની હાજરીમાં મીરા અને મિહિર તથા રાધિકા અને વિહાનની સગાઈ કરવામાં આવી. તેનાં ખાસ દોસ્ત મીત અને આશી પણ આવ્યાં હતાં. મીરા તેના બા પાસે આવી અને તેનાં આશીર્વાદ લીધાં.

આજે બધા આનંદની ક્ષણો માણી રહ્યાં હતાં. સુમિત્રાબહેન અને મોહનભાઈ બંને દીકરીઓની ખુશી જોઈને ખુબ ખુશ હતાં.



***

સાથે અહીં આ રચના પૂર્ણ થાય છે. આપ સહુએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો એ માટે દિલથી આભાર વ્યક્ત કરું છું.

તમને આ રચના કેવી લાગી તેનો પ્રતિભાવ જરુરથી આપજો..

જય શ્રી કૃષ્ણ... 😊😊😊


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED