એક ભૂલ - 8 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 8

મીરા અને મિહિર બહાર જાય છે ત્યારે ત્યાં મીરાને આરવ મળે છે. તે ચોરીછુપીથી મીરા પાસે આવે છે અને તેને રાધિકા વિશે કહે છે. મીરા આરવને આસપાસ શોધે છે પણ તેને મળતો નથી. એટલામાં મિહિર આવે છે અને તે મિહિરને આરવ વિશે કહે છે. બંને ઘરે જઈ વાત કરવાનું નક્કી કરે છે.

ઘરે પહોંચી મિહિર મીરાને કહે છે, "રાધિ મુંબઈમાં છે. ત્યાં કેમ? તને સાંભળવામાં કોઈ ભૂલ તો નથી થઈ ને? શું તે આરવ જ હતો?"

"હા તે આરવ જ હતો. બીજું કોઈ કેવી રીતે હોઈ શકે. અહીં કોઈને મારા વિશે કાંઈ ખબર પણ નથી એટલે કદાચ કોઈએ મજાક કરી હોય એવું પણ ન બની શકે. એ આરવ જ હતો. આઇ એમ સ્યોર. અને હા, તે કોઈ અમિતનું નામ લઈ રહ્યો હતો...!!" મીરાએ કહ્યું.

"અમિત?" મિહિર વિચારવાં લાગ્યો.

"હા, તેણે મને કહ્યું કે અમિતને શોધ, રાધિ મળી જશે. મને તો લાગે છે આ બધાં પાછળ એ અમિતનો જ હાથ છે. એણે જ મારી બહેનને મારાથી દુર કરી. આરવ કદાચ તેનાં વિશે જાણતો હોવો જોઈએ અને એટલે જ તે બચવા છુપાઈ રહ્યો છે." મીરા જાણે પહેલી સુલજાવવાની કોશિશ કરતી હોઈ તેમ કહી રહી હતી.

"હા પણ એ અમિત છે કોણ? તું ઓળખે છે?" મિહિરે સવાલ પૂછ્યો.

"ખબર નહીં પણ મને નામ સાંભળેલ લાગે છે. ક્યાં, એ મને નથી ખબર. હું ક્યારની કોશિશ કરું છું પણ નથી યાદ આવી રહ્યું. પણ હા એક વાત ક્લિયર છે, જો તેને લીધે જ આ બધું થઈ રહ્યું છે તો હું તેને છોડીશ નહીં. અને જો મારી બહેનને કોઈ નુકશાન પહોંચાડયું હશે તો.. તો હું એને જીવતો નહીં છોડું.." ખૂબ ગુસ્સામાં મીરા બોલી.

"તો પહેલાં એને શોધવો જોશે અને એ માટે આપણે મુંબઈ જવું જોશે. રાઈટ?" આટલું બોલી તે મીરાના ચહેરા પર જવાબ શોધી રહ્યો હતો.

થોડીવાર વિચાર કર્યા પછી મીરાએ પૂરી મક્કમતાથી કહ્યું, "હા, આપણે કાલે જ સવારે નીકળશું."

"ક્યાં જવાની વાત હાલે છે, મીરા?"

મીરા અને મિહિર વાત કરી રહ્યાં હતાં ત્યાં કોઈનો અવાજ સાંભળાયો. મીરાને ખબર પડી ગઈ કે તે તેનાં બા નો અવાજ છે. તેણે મિહિરને ઇશારાથી કાંઈ ન કહેવાં જણાવ્યું. પછી તે બોલી,

"તમે આવી ગયાં. બેસો હું પાણી ભરી આવું." આટલું કહી તે પાણી લેઈ આવે છે.

પાણી પી ને બા એ ફરીથી પૂછ્યું, "તેં કીધું નય હજી.. ક્યાં જવું છે?"

મીરા બા ની બાજુમાં બેઠી અને કહ્યું, "મિહિરને એક જરૂરી કામ છે માટે તે કાલે જાય છે તો હું વિચારું છું કે હું પણ જવ તેની સાથે.. તેને મદદ થઈ જશે. થોડાક જ દિવસોમાં હું પાછી આવી જઈશ."

મીરાની વાત સાંભળી બા સહેજ હાસ્યાં. તેને જોઈ મીરાએ થોડાં આશ્ચર્યથી પૂછ્યું, "તમે કેમ હમણાં હસ્યાં?"

"દીકરાં, આ માથાં પર ધોરા વાળ દેખાય છે ને એ એમનમ નથી આવ્યાં. હું હમજુ છું કે, તું અહીંયા હુ કામ આવી, તારો પરિવાર ક્યાં છે, એના વિશે તે અત્યાર લગી મને નથી કીધું એની પાછળ કાંઈક કારણ હઈશે. પણ મને એ ખબર છે કે તું કાલ મિહિરના કામ માટે નથી જઈ રહી. જો તને મારી ઉપર ભરોહો હોય તો કે જે.. ને જો તારે નો કેવું હોય તો તારી મરજી."

મિહિરે મીરાના ખભા પર હાથ મૂક્યો. મીરાએ મિહિર તરફ જોયું. મિહિરે હકારમાં માથું હલાવીને બધું કહી દેવાં કહ્યું.

મીરાએ કહેવાનું શરૂ કર્યું. રાધિકાનું ઘર છોડીને જતું રહેવું, મીરાનું અહીંયા આવવાં માટેનું કારણ, આટલાં સમય પછી આરવને અહીં મળવું અને હવે પોતાની બહેનને શોધવાં મુંબઈ જવું.. બધી જ વાત કહી.

મીરાની વાત સાંભળી બા ની આંખમાં આંસુ આવી ગયાં. તેણે કહ્યું, "મારી દીકરી, બધું એકલાં એકલાં સહન કરતી રહી. આટલી નાની ઉંમરમાં ઘણું દુઃખ જોઈ લીધું તે. મને બવ દુઃખ થ્યું કે હું તારી હારે હોવા છતાં કાંઈ મદદ નો કરી શકી. તમે બંને કાલે જાઓ અને રાધિકાને ગોતો. મને પૂરો વિશ્વાસ છે કે એ તમને મળી જ જાશે."

આટલું બોલી બા એ મીરાના માથા પર હાથ રાખ્યો અને પછી અંદર જતાં રહ્યાં. મિહિર મીરાની બાજુમાં આવીને બેઠો. તે મીરાની પરિસ્થિતિ સમજી શકતો હતો.

"મીરા, તું હવે ચિંતા ન કર. આપણે ગમે તેમ કરી રાધિને શોધી લાવશું." મિહિર હિંમત આપતાં બોલ્યો.

"હા પણ આવડાં મોટા સિટીમાં તેને ક્યાં શોધશું? અને પેલો અમિત.. તેને ક્યાં ગોતવા જશું? મને ખબર પણ નથી કે એ છે કોણ? અને ખબર નહીં ત્યાં કેટલાં દિવસ લાગી જાય.. ત્યાં સુધી રહેવાનું ક્યાં? અને આરવે કીધું એ સાચું છે કે નહીં એની ય ક્યાં ખાતરી છે..." મીરા ખૂબ ચિંતામાં આવી ગઈ.

"અરે એટલું બધું શા માટે વિચારે છો. તું ભૂલી ગઈ અમે અત્યાર સુધી મુંબઈ જ રહેતાં હતાં. મારું ત્યાં ઘર પણ છે. મારો ત્યાં એક દોસ્ત છે, એકદમ ડિટેક્ટિવ ટાઇપ, યુ નો. એ આપણી મદદ જરૂર કરશે અને ગમે ત્યાંથી અમિતને શોધી લાવશે." મિહિર મીરાની મુશ્કેલી ઓછી કરતાં બોલ્યો.

"અરે હા, ગ્રેટ. અને રહી વાત આરવની તો આપણે ગમે ત્યાંથી.. પણ રાધિકાને શોધવાં હવે શરૂઆત કરવી જ જોશે. હોઈ શકે કે તે સાચે મુંબઈ જ હોઈ." મીરા હવે થોડી રીલેક્ષ લાગી રહી હતી.

"જો, વાયડીને બધી બુધ્ધિ છે જ.. પોતે જ પેલાં ખાલી ખોટું ટેન્શન લ્યે અને પછી પોતે જ એનો જવાબ આપે." મિહિર મશ્કરી કરતાં બોલ્યો.

"હે હે હે.. હવે બહું દોઢો ના બન. કાલની તૈયારી કર અને સહુથી પહેલાં ટિકિટ બૂક કરાવ. કાલની મળી જાય તો સારું." મીરાએ કહ્યું.

"એ બધું થઈ જશે. ડોન્ટ વરી." મિહિરે કહ્યું.

***

રાતનાં સાડા બાર વાગવાં આવ્યાં હતાં. મીરાને ઊંઘ નહોતી આવી રહી. તે અગાસી ઉપર ગઈ. ખુલ્લું આકાશ, તેમાં ચમકતાં તારાઓ અને ચાંદાનાં શીતળ અજવાળામાં તેને સમય પસાર કરવો ગમતો. તે ઘણીવાર રાતે અગાસી પર જતી અને કુદરતી વાતાવરણનો આનંદ લેતી. એ જ વિચારીને આજે પણ તે અગાસી પર ગઈ.

તે થોડીવાર ઊભી ત્યાં તેને પાછળ કોઈ હોવાનો આભાસ થયો. તેણે આમતેમ જોયું પણ અંધારામાં કોઈ દેખાયું નહીં. મીરાને થયું કે તેનો ભ્રમ હશે. ત્યાં ફરીથી તેને કોઈ હોઈ એવું લાગ્યું. તે જોરથી બોલી,

"કોણ છે?" ત્યાં તેનો પગ લાકડીને અડ્યો. તેણે લાકડી લીધી અને ફરીથી બોલી, "જે હોઈ એ સામે આવે."

"ઓહો હો.. તું ક્યાંક મને ધોઈ નો નાખતી. એલી લાકડી મૂક.. હું છું મિહિર."

મિહિરનો અવાજ સાંભળી તેને હાશકારો થયો. છતાય તેણે એકવાર તો લાકડીથી મારી જ લીધું.

"અરે પણ હવે શું છે.. કીધું તો ખરી હું છું. તોય કાં માર્યું."

"બસ લે, તને મને ડરાવવાની બોવ મજા આવતી તી ને. મને તને મારવાની મજા આવી." મીરા મસ્તીમાં બોલી.

"મને તો હતું કે તું ડરી જઈશ, પણ ત્યાં તો લાકડી લઈ પાછળ પડી અને પાછી પ્રસાદી ય આપી દીધી. હવે તું ડરપોક નથી રઈ લે." મિહિરે કહ્યું.

"હે હે.. મને તો ખબર જ હતી." મીરા હસવાં લાગી.

"એ ભલે.. પણ તું અત્યારે આ અડધી રાતે અહીં શું કરે છે. કે પછી ચોરીછૂપે કોઈને મળવાનો પ્લાન બનાવ્યો લાગે. બોલ બોલ." મિહિર હજી મસ્તીના મૂડમાં હતો.

"હા એય.. તને કેમ ખબર પડી? તે ક્યાંક એને જોઈ નથી લીધો ને?" મીરાએ કહ્યું.

"કોને મળવા આવી હેં? આવવા દે એને. આવી તો જાશે પણ જાવાની હાલતમાં નહીં રે." મિહિર દાંત ભીંસતાં બોલ્યો.

તેની વાત સાંભળી મીરા હસવાં લાગી. મીરાને હસતી જોઈ મિહિર પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતો રહ્યો અને પછી બોલ્યો,

"શું? હશે છે શું? મેં કાંઈ જોક્સ કીધો?"

"તારો પોતાનો જોક બની ગયો.." એમ કહી મીરા ફરીથી હસવાં લાગી.

"લે કાં?" મિહિરે પૂછ્યું.

"અરે બુધ્ધુરામ, તું જે કામથી ઉપર આવ્યો હું પણ એ જ કામથી આવી છું. કોઈને મળવા નથી આવી." એમ કહી મીરાએ મિહિરના માથાં પર ટપલી મારી.

"મને તો ઊંઘ નહોતી આવતી એટલે જરાક આટો મારવાં આવ્યો તો... અચ્છા એટલે તને પણ ઊંઘ નથી આવતી એમને." મિહિર બોલ્યો અને ફરીથી કહ્યું,

"બરોબર.. હવે સમજ્યો.. તું બહું હોંશિયાર થઈ ગઈ છો હો. આવ્યો ત્યારનો બિચારા એક છોકરા પર અત્યાચાર કરે છો."

"હા હું તો હોંશિયાર થઈ ગઈ પણ તને નથી લાગતું તું સાવ બબુચક થઈ ગયો." મીરાએ કહ્યું.

"એ બસ કરો માતે.. હવે મને બક્ષી દો. કહેતાં હોય તો પગે પડું તમારાં." મિહિર બે હાથ જોડી ઉભો રહ્યો.

"ઓકે સારું બસ.. આજ માટે આટલું કાફી છે." મીરાએ મિહિરનો દયામણો ચહેરો જોઈને કહ્યું.

"ખૂબ ખૂબ આભાર આપનો." મિહિરે કહ્યું.

"તનેય ઊંઘ નથી આવતો તો ચાલને ઘડીક બેસીએ." મીરાએ ક્હ્યું.

"ઓકે, આપણને તો ક્યાં કાંઈ વાંધો જ છે."

એમ કહી મિહિર તો ત્યાં પાળી પર બેસી ગયો. મીરા પણ તેની પાસે જઈ બેસી ગઈ. થોડીવાર પછી તેણે કહ્યું,

"થેન્ક યુ મિહિર."

"લે.. કેમ?"

"મને સમજવાં અને મારો સાથ આપવાં."

"અરે પાગલ, આમ મને પોતાનો ફ્રેન્ડ માને છે અને પાછું થેન્ક યુ બોલે છે."

"તું ફ્રેન્ડ છો તો પછી પેલાંને કેમ ધોકાવવો તો..."

"એ તો.. કાંઈ નઈ હવે."

"કા.. બોલ ને લે.."

"હા તો સાંભળ લે...."

***

વધું આવતાં ભાગમાં...

આપના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ.. જય શ્રી કૃષ્ણ..