સૂર્ય બસ ઊગવાની તૈયારીમાં જ હતો. તેનું આછું આછું અજવાળું આખાં આકાશમાં જાણે લાલ - કેસરી રંગની રંગોળી પૂરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદુન ઘણાં બધાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં, રોજની ભાગદોડવાળી જિંદગીમાં થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે.
સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો. અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ. તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો, આકાશ અને પક્ષીઓને જોઈ રહી. પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને રસોડામાં ગઈ. ત્યાં લગભગ 60-65 વર્ષના માજી ચા બનાવી રહ્યા હતાં. તે મીરાને જોઈને બોલ્યાં,
"મીરા.. દીકરા તું ઊઠી ગઈ. લે આજ તું મારા હાથની ચા પી. રોજ તો તું જ બનાવે છો."
"પણ બા.. તમે આરામ કરો. એ તો હું બનાવી લેત. શુકામ વહેલાં ઊઠ્યા."
"આજે વળી વેલી આંખ ખુલી ગઈ તો મેં કીધું લાવ તને થોડી મદદ કરું. એમ પણ તારે જવાનો ટાઈમ થઈ જશે હમણાં. વાતું પછી કરજે ને લે ચા પી."
બંને સાથે બેસીને ચા પીવે છે અને પછી મીરા ફટાફટ નીકળે છે.
***
બીજીબાજુ મિહિરે મીરાને શોધવા માટે ઘણી મહેનત કરી પણ તેનાં વિશે કોઈ જાણકારી મળી નહોતી. પણ એક દિવસ તેને મીરાની એક બહેનપણી મળે છે. મિહિરને ખાતરી હતી કે તેને પણ નહીં જ ખબર હોય છતાં તે પૂછે છે. અને તેને પૂછતાં ખબર પડી કે મીરા દહેરાદુનમાં છે. મીરાની બહેનપણીનો ભાઈ કોઈ ટ્રાવેલ્સ એજન્સીમાં કામ કરતો હોવાથી મીરા તેની પાસેથી ટિકિટ બૂક કરાવી હતી. મિહિર તેનાં ભાઈ પાસેથી બધી ડિટેઈલ્સ લઈને દહેરાદુન પહોંચે છે. ત્યાં તેણે ઘણી જગ્યાએ મીરા વિશે પૂછપરછ કરી પણ ખાસ કાંઇ જાણકારી ન મળી.
મિહિર હતાશ થઈને એક બાંકડે બેસે છે અને એકીટશે મીરાના ફોટોને જોઈ વિચારતો હોઈ છે. ત્યાં એક લગભગ આઠેક વર્ષનો છોકરો તેની સામે આવે છે અને મીરાના ફોટા તરફ જોઈને બોલ્યો,
"અરે.. મીરા ટીચર..!!"
મીરાનું નામ સાંભળી મિહિરને ઝટકો લાગે છે. તે તરત પેલા છોકરાને પૂછે છે,
"તે જ હમણાં મીરાનુ નામ લીધું હતું ને? તું જાણે છે એને?"
પેલાં છોકરાએ કીધું, "હા હું જાણું છું. એ તો અમારી સ્કૂલમાં ભણાવે છે."
મીરા વિશે જાણકારી મળતાં મિહિર હરખાયને પૂછે છે, "તું મને લઈ જઈશ તેની પાસે? તને ખબર છે એ ક્યાં રહે છે?"
પેલો છોકરો હા પાડે છે અને પછી મીરાના ઘરનું એડ્રેસ આપે છે.
હવે મિહિરને પૂરો વિશ્વાસ હતો કે મીરા મળી જ જશે. તે તરત પેલાં છોકરાંએ આપેલા એડ્રેસે પહોંચવા નીકળે છે.
***
મિહિર ત્યાં પહોંચે છે.
જુનવાણી ઘાટનું એક માળનું મકાન હતું. બહાર મોટો ડેલો હતો. તે થોડો ખુલ્લો હતો એટલે મિહિર હળવેકથી ધક્કો મારી અંદર પ્રવેશે છે. ત્યાં મોટું ફળિયું હતું. ત્યાં સરસ મજાનાં ફૂલ-છોડ વાવેલાં હતાં. મિહિર જોતાં જ સમજી ગયો હતો કે નક્કી આ મીરાએ જ વાવ્યાં હશે કેમ કે તેને આ બધાંનો ખૂબ શોખ હતો. ઘર ભલે જુનવાણી હતું પણ એકદમ ચોખ્ખું હતું.
આ બધું જોતો હોઈ ત્યાં મિહિરને સામેથી એક માજી આવતાં દેખાય છે. તેને જોતા જ મિહિરને તેની ઉંમરનો અંદાજો આવી જાય છે. તે માજી પોતાની તરફ જ આવી રહ્યા હોવાથી મિહિર તેની પાસે જાય છે. ત્યાં પેલા માજી તેને પૂછે,
"કોણ છે તું બેટા, કોનું કામ છે?"
"હું મિહિર છું. સુરતથી આવ્યો છું. મારી એક મિત્રને શોધવા. મીરા નામ છે એનું." અને પછી તે મીરાનો ફોટો બતાવતાં પૂછે છે, "તમે જાણો છો આને?"
"હા હા. મીરા અહીં જ રહે છે. બસ તે હમણાં જ નિશાળેથી આવશે. આવ આવ. તું અંદર બેસ."
નિશાળ શબ્દ સાંભળીને તરત મિહિરને પેલો છોકરો યાદ આવે છે અને તેને વિચાર આવે છે કે નક્કી મીરા અહીં કોઈ સ્કૂલમાં ભણાવવા જતી હશે. મિહિર મનમાં અનેક પ્રશ્નો સાથે અંદર જાય છે. અંદર એક હીંચકો હોય છે ત્યાં બેસે છે. અને માજી મિહિર માટે પાણી લઈ આવે છે. મિહિર પાણી પીએ છે અને ગ્લાસ બાજુમાં રાખી પૂછે છે,
"તમે મીરાને કઈ રીતે ઓળખો છો? મતલબ કે.. મીરાનું તો અહીં કોઈ સગું રહેતું પણ નથી તો તમે..?"
"હા દીકરા, હું તેની કોઈ સગી નથી પણ મારા હાટુ તો ઈ મારી સગી દીકરી જેવી જ છે." માજી બોલ્યાં.
"ઓહ, તો એ અહીં કેમ.. તમે કઈ રીતે ઓળખો એને..?" મિહિરે ઉત્સુકતા સાથે પૂછ્યું.
માજી મિહિરના કહેવાનો અર્થ સમજી ગયાં અને તે એ દિવસને યાદ કરતાં બોલ્યાં.. જે દિવસે એણે મીરાને પ્રથમ વાર જોઈ હતી.
"આજથી લગભગ બે વરહ પહેલાં મીરા મને મળી હતી. હું તો મારા રોજનાં નિયમ મુજબ સાંજે મંદિરે ગઈ હતી. ત્યાં એક દિ' મીરાને એકલી પગથિયા ઉપર બેસેલ જોઈ. આય ની તો નોતી લાગતી પણ મને થ્યું કે આવી હઈશે ફરવા. એમ પણ અહીં રોજે કેટલાય લોકો ફરવા આવે."
મિહિર ધ્યાનથી માજીની વાત સાંભળી રહ્યો હતો.
"બીજે દિ' ગઈ તો ત્યારેય એને ત્યાં જોઈ. પછી તે દિ' હું એની પાહે ગઈ. એને જોઈ મને મારી દીકરીની યાદ આવી ગઈ."
આટલું બોલતાં માજીની આંખમાં આંસુ આવી ગયા. પછી તે આંસુ લુછી વાત આગળ વધારતાં બોલ્યા, "મીરાએ મારી હામે જોયું પણ કાંઈ બોલી નઈ. એની આખું રોઈ રોઈને હોજી ગઈ તી. કોણજાણે કેટલાંય દી થી ખાધુંય નઈ હોય."
"મેં એને પૂછ્યું કે તું ક્યાંની છો. તો એ ખાલી એટલું બોલી, 'સુરત' પછી મેં પૂછ્યું કે કોઈની ભેગી આવી છો.. તો એણે ખાલી માથું હલાવીને ના પાડી."
પછી હું એને મારી ઘેરે લઈ આવી અને જમાડ્યું. એમેય હું આયા એકલી જ રવ છું અને એ દિ' થી પછી મીરાનેય અહીંયા જ રાખી છે. એ હુકામ આયા આવી તી એની તો મનેય નથી ખબર અને એને પાછી દુ:ખી નો થાય એટલે મેં એને કાય પૂઈછુ ય નથી. મીરા આવી તો મનેય હથવારો થઈ ગ્યો.
માજીની વાત સાંભળીને મિહિર થોડીવાર મૌન રહ્યો. થોડીવાર પછી તેણે પૂછ્યું, "તો તમારી દીકરી.. અત્યારે.. ક્યાં છે..?"
આ સાંભળીને માજીની આંખમાં ફરીથી આંસુ આવી ગયાં. તે ઉપર આકાશ તરફ જોઈ, દુ:ખી મનથી ફક્ત એટલું જ બોલ્યાં, "એ તો હવે નથી રહી."
આ સાંભળી મિહિરને દુઃખ થયું. તેમની આવી હાલત જોઈ મિહિરે તેની દીકરી વિશે આગળ કોઈ સવાલ તો ન પૂછ્યો. તેને જોયું તો સમય ખાસ્સો વીતી ગયો હતો. મીરા હજું આવી નહોતી. એટલામાં ડેલો ખખડવાનો અવાજ આવ્યો.
માજી બોલ્યાં, "લે મીરા આવી ગઈ લાગે."
આટલાં સમયબાદ મીરાને જોવાની મિહિરની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યાં જ સામેથી મીરાને આવતી જોઈ. મીરા હવે પહેલાં જેવી મીરા નહોતી લાગતી. હંમેશા મજાક મસ્તી કરતી રહેતી મીરા એકદમ શાંત લાગી રહી હતી. તે પહેલાં કરતાં ઘણી પાતળી થઈ ગઈ હતી. મિહિરને અંદાજો આવી જ ગયો કે એ મનમાં ને મનમાં આટલો સમય પીડાઈ રહી હશે.
મીરા બોલતાં બોલતાં અંદર આવી, "બા.. ડેલો કેમ ખુલ્લો...."
હજી એ પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં જ એની નજર હિંડોળા ઉપર બેસેલા મિહિર પર પડી. તેને જોઈ મીરાની આંખમાં અનાયાસે આંસુ આવી ગયા. તે કશું બોલી નહીં.
બા બોલ્યાં, "મીરા જો. તને મળવા સુરતથી આ છોકરો આવ્યો છે. એ ક્યે છે કે એ તારો કોઈ મિત્ર છે. હવે તમે બંને વાત કરો ત્યાં હું જમવાનું ત્યાર કરું છું." આટલું બોલી તે ધીમે ધીમે હાલતાં હાલતાં રસોડામાં ગયાં.
મીરા જાણે મિહિરને અવગણીને પોતાનાં રૂમ તરફ ચાલવાં લાગી. મિહિરે મીરાને રોકી પણ તે ન રોકાઈ. મિહિર તેની પાછળ પાછળ તેની રૂમમાં ગયો. મીરા બારીમાંથી બહાર પહાડોને જોઈ રહી હતી અને પોતાનાં આંસુ રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી.
"કેમ મીરા કેમ.. કોઈને કશું કહ્યાં વગર ઘરેથી ભાગી આવી. અને એ પણ અહીંયા. તને ખબર છે હું સતત બે વરસથી તને ગોતતો હતો. અરે મારું છોડ, ત્યાં તારી મમ્મીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે અને તું એને છોડીને અહીંયા આવતી રઈ. વાય મીરા વાય." કેટલાંય સમયથી મનને સતત ખાતી રહેલી વાત મિહિર બોલી ગયો.
મીરા હજુ પણ કશું બોલ્યાં વગર ચૂપચાપ ઉભી હતી. મીરાને આમ જોઈ મિહિરને તેની ઉપર દયા પણ આવી રહી હતી અને ગુસ્સો પણ આવી રહ્યો હતો.
"અરે કાંઈક તો બોલ." મિહિરે ફરીથી પૂછ્યું.
"એ હાલો હવે જમી લ્યો. પછી વાતું કરજો." બહારથી બા નો સાદ સાંભળાયો.
"ચલ મિહિર જમી લે. બીજી વાત પછી કરશું." આટલું બોલી મીરા બહાર જતી રહી. મિહિર પણ તેની પાછળ પાછળ ગયો.
ત્રણેય જમતાં હતાં. મિહિર વારે વારે મીરા તરફ જોઈ રહ્યો હતો. પણ મીરા જાણીજોઈને તેની સામુ જોવાનું ટાળતી હતી.
"બેટા, અહીં કોઈ કામથી આવ્યો છે કે.." બા એ પૂછ્યું.
"હા અહીં એક કામ છે એટલે આવ્યો છું." પછી મીરા સામું જોતા જોતા બોલ્યો, "અને પછી મને યાદ આવ્યું કે મીરા પણ અહીં જ છે તો મેં કીધું લાવ મળતો જાવ."
મીરા કશું બોલી નહીં. પણ બા એ કહ્યું, "સારું કર્યું બેટા તું આવ્યો. એ બહાને મીરાને ય ગમશે હવે. નકર તો સાવ એકલી પડી જાય. આ ડોશી હારે તો કેટલીક વાત કરે. પણ હવે વાંધો નય લે. તારું કામ ન પૂરું થાય ત્યાં લગી આયા જ રેજે. સાચી વાતને મીરા...?"
"હા બા." મીરાએ ટૂંકમાં ઉત્તર આપ્યો.
જમી પરવારીને બા તેનાં રૂમમાં જઈને સૂઈ ગયાં. મીરા થોડું ઘણું કામ પતાવીને બહાર ફળિયામાં ઉગાડેલ ફૂલ-છોડને પાણી પાવા લાગી. મિહિર તેની પાસે આવીને ચૂપચાપ ઊભો રહ્યો. મીરાએ મિહિર તરફ જોયું. મીરાને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. તેને ખબર હતી કે મિહિર પોતાનો મિત્ર હોવા છતાં તેને કંઈ પણ જણાવ્યું ન હતું અને એટલે જ મિહિર થોડો ગુસ્સામાં છે.
"તું અહીં ક્યાં કામથી આવ્યો?" અંતે મીરા બંને વચ્ચેનું મૌન તોડતા બોલી,
"તારે શું કામ છે..!" મિહિર થોડો ગુસ્સામાં બોલ્યો.
"બોલ ને હવે.." મીરાએ ફરીથી પૂછ્યું.
"છે એક જરૂરી કામ. મારું પોતાનું કોઈક ખોવાઈ ગયું છે અને તે બહું દુ:ખી છે. એટલે હું એની મદદ કરવા આવ્યો છું." મીરા તરફ જોયા વિના મિહિર બોલ્યો.
"તને કેમ ખબર પડી કે હું અહીંયા છુ?" મીરાએ પૂછ્યું.
"હા તમારાં માટે તો અમે બીજા છીએ એટલે એકવાર પણ કહેવું જરૂરી નો લાગ્યું પણ અમારા માટે તમે હંમેશાં પોતાના જ રહેશો. અને એટલે તમને ખૂબ ગોત્યા અને જુઓ.. અત્યારે સામે જ છો." મિહિર બોલ્યો.
"મિહિર પ્લીઝ.." મીરા હવે પોતાની સહનશીલતા ગુમાવી રહી હતી. તેને રડવું આવી રહ્યું હતું પણ મહામહેનતે તેણે રોકી રાખ્યું.
મિહિરે મીરાનો હાથ પકડયો અને જોરથી પોતાની તરફ ખેંચીને બોલ્યો, "વોટ મીરા.. કેટલાં ટાઈમથી હું તને શોધતો હતો. મીરા ક્યાં હશે.. શું કરતી હશે... તેને કાંઈ થયું તો નહીં હોઈને.. અને આજે તું મને મળી અને આટલું પૂછવા છતાં તારે કશું બોલવું નથી. તું જ બોલ હવે.. શું કરું હું...!"
હવે મીરાથી વધું સહન થઈ શકે એમ નહોતું. બે વર્ષથી પથ્થર બનીને જીવી રહેલી મીરા આજે પીગળી ગઈ. એક તરફ મિહિરે તેનો હાથ પકડયો હોવાથી દુ:ખી રહ્યો હતો અને બીજી તરફ તેનો ભૂતકાળ તેની નજર સમક્ષ આવી રહ્યો હતો. મીરા રોઈ પડી. તેને જોઈ મિહિરને ભાન થયું કે તેણે ખૂબ જોરથી મીરાનો હાથ પકડયો હતો. તેણે તરત હાથ છોડ્યો અને મીરા ત્યાં જ બેસીને આટલાં સમયથી મનમાં રહેલાં પોતાના દર્દને આંસુ રૂપે બહાર કાઢવા લાગી. મિહિર પણ તેની બાજુમાં બેસી ગયો. તેણે થોડીવાર મીરાને રડવા દીધી અને પછી તેને શાંત કરી તેનાં માટે પાણી લઈ આવ્યો. મીરાએ પાણી પીધું. હવે મીરા થોડી સ્વસ્થ લાગતાં મિહિરે કહ્યું,
"આર યુ ઓકે..?"
મીરાએ ફક્ત હમમમ કહ્યું. થોડીવારના બંનેના મૌન પછી મીરા બોલી,
"તારે સંભાળવું છે ને કે ત્યાં બધાને છોડીને હું અહીંયા શુકામ આવી.."
મિહિરે હકારમાં માથું હલાવ્યું.
મીરા ભૂતકાળની યાદોમાં સરી પડી અને મિહિર તેને સાંભળવા લાગ્યો.
*******
વધુ આવતાં ભાગમાં...
આપ સહુનો ખૂબ ખૂબ આભાર વાંચવા તથા સારો પ્રતિસાદ આપવાં.😊
આપનાં અમુલ્ય પ્રતિભાવો આપતાં રહો. તથા તેમને આ રચના કેવી લાગી તે જણાવશો..🙌