એક ભૂલ - 4 Heena Pansuriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ભૂલ - 4

મિહિરને થયું કે સવારવાળી વાત પૂછી લઉં પણ તેને ફરીથી અત્યારે મીરાનો મૂડ ઓફ નહોતો કરવો માટે તેને થોડો મસ્તીવાળો માહોલ બનાવવા રાધિકાને કહ્યું,

"રાધિ, તારી બેન નાની હતી ત્યારે બોવ તોફાની હતી હો. આખું ઘર માથે લેતી. અને મનેય બોવ હેરાન કર્યો. હજીય આવી જ છે કે..."

મિહિરની વાત વચ્ચેથી કાપી મીરા બોલી,

"ઓ હેલો.. તોફાન હું નય, તું કરતો. હેરાન તું મને કરતો."

"એમ, મારી સાઇકલમાંથી હવા કોણ કાઢી નાખતું."

"મારી હોમવર્કની બૂક કોણ છુપાવી દેતું."

"મારી મમ્મી સામે મારી ખોટી ફરિયાદ કરીને માર ખવડાવતું તું."

"એ ચૂપ, કૂતરાં-મીંદડાની જેમ કેટલું જગડો છો તમે તો. મારો તો કઈ બોલવાનો વારો નથી આવતો." બંનેને આમ ઝઘડતા જોઈ રાધિકા બોલી.

રાધિકાની વાત સાંભળી બંને ચૂપ થઈ ગયાં. મિહિર અને મીરા એકબીજાની સામું જોઈ હસવા લાગ્યાં. એટલામાં દુકાન આવી ગઈ અને આઇસક્રીમ લઈ ત્રણેય ઘરે જવા નીકળ્યાં.

"મીરાં તારો મોબાઇલ નંબર તો આપ. અને રાધિ તારો પણ."

એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરે છે અને ઘરે પહોંચે છે. આઇસક્રીમ ખાઈને થોડીવાર વાત કરી મિહિર અને તેનો પરિવાર ઘરે જવા માટે નીકળે છે. જતાં જતાં મિહિર ઇશારાથી મીરાને કાલે મળવાનું યાદ અપાવી દે છે.

મોહનભાઈ તથા સુમિત્રાબહેન પોતાનાં રૂમમાં જઈ સૂઈ જાય છે. મીરા અને રાધિકા પોતાનાં રૂમમાં જાય છે. રાધિકા રૂમમાં જઈ મોબાઇલ ખોલી બેસી જાય છે અને મીરા રૂમની બાલ્કનીમાં ઉભી ઊભી ખુલ્લા આકાશ તરફ જુએ છે. ચંદ્રમાં ની મધુર શીતળતાથી થોડા સમય માટે મીરાને શાંતિ મળે છે પરંતુ ફરીથી તે સવારની આરવ સાથેની મુલાકાત, મિહિરનું આવવું એ બધાં વિશે વિચાર કરવા લાગે છે. ત્યાં જ મોબાઇલમાં એક મેસેજ આવે છે. મીરાએ જોયું તો તે મિહિરનો હતો અને તેમાં લખ્યું હતું કે,

"બોવ વિચાર કર મા, ને શાંતિથી સૂઈ જા."

મેસેજ જોઈ મીરાના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને તે વિચારવા લાગી કે મિહિરને કેમ ખબર પડી ગઈ.

રાધિકાને મોબાઇલમાં વ્યસ્ત જોઈ મીરાએ કહ્યું, "બસ કર હવે, કોણજાણે કોની સાથે વાત કરતી હોય તું, જરા બતાવ તો."

એમ કહી મીરા જોવા જાય ત્યાં રાધિકા મોબાઇલ બંધ કરી દે છે અને બોલે છે કે,

"અરે કંઈ નહીં દી, એ તો મારી કોલેજફ્રેન્ડ નેહાનો મેસેજ હતો એટલે એની જોડે વાત કરતી હતી."

મીરાને ઊંઘ આવતી હોવાથી તે આગળ કશું પૂછતી નથી અને સૂઈ જાય છે.

*****

બીજા દિવસે સાંજે 6 વાગે મિહિર કોફી શોપે પહોંચી ગયો. તે મીરાની રાહ જોતો હતો ત્યાં સામેથી મીરા આવતી દેખાઈ.
રેડ કલરનું ટોપ અને બ્લૂ કલરનાં જીન્સમાં મીરાની સાદગીભરી સુંદરતાને મિહિર બે ઘડી જોઈ રહ્યો.

"ઓય...."

અચાનક મીરાનો અવાજ સાંભળી મિહિર તેના વિચારોમાંથી બહાર આવ્યો અને પછી જવાબ આપ્યો,

"આવી ગઈ તું, તારી જ રાહ જોતો તો.. બેસ."

"હા એ રીક્ષા મળવામાં વાર લાગી ગઈ."

"લે કેમ, તારી ગાડી ક્યાં?"

"એ દવાખાને ગઈ."

"મતલબ?"

"મતલબ કે આજે સવારે જોયું તો પંક્ચર હતું એટલે ગેરેજમાં છે."

"તો મને કેવાય ને, હું પીકઅપ કરી લેત."

"ના ના. ઈટ્સ ઓકે. થેન્ક યુ."

"સારું, હું ડ્રોપ કરી દઈશ તને ઘરે. હવે બોલ શું લઈશ તું.. કોફી કે..."

"ચા જ હો."

"ઓહો, મારી વાત એય પૂરી ન થવા દીધી. બોવ ભાવતી લાગે ચા."

"હા હો."

મિહિર પોતાના માટે એક કોફી અને મીરા માટે ચા નો ઓર્ડર આપે છે. અને પછી તે મીરાને ગઈકાલ વાળી વાત વિશે જણાવા કહે છે.

મીરા મિહિરને પોતાની અને આરવની મિત્રતા, તેનું બે વર્ષ પછી અહીં આવવું, તેમનું ગાર્ડનમાં મળવું અને અચાનક એક કોલ આવતા કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ રાખવાની ના પાડીને ચાલ્યું જવું.. બધું જ કહે છે.

ત્યાં વેઇટર એક કોફી અને એક ચા ટેબલ ઉપર મુકીને જતો રહે છે.

મિહિર મીરાની વાત સાંભળી વિચારમાં પડી જાય છે. થોડીવાર પછી તેણે મીરાને કહ્યું,

"આમાં આરવની કોઈ મજબૂરી જ રહી હશે. મને લાગે છે તારે થોડો સમય તેનાથી દૂર જ રહેવું જોઈએ નહીંતર સાચે એના માટે કોઈ મુસીબત આવી જશે અને...."

"રાધિ-" મિહિર બોલી રહ્યો હતો ત્યાં વચ્ચે મીરાને કશું યાદ આવતા તે બોલી પડી.

"રાધિ.. શું? ક્યાં છે?" મિહિર આશ્ચર્યથી મીરા સામે જોઈ રહ્યો.

"હા મિહિર, એક વાત તો મારી ધ્યાનમાં જ ન આવી. આરવ જતાં જતાં મને કહેતો ગયો કે રાધિનું ધ્યાન રાખજે. એવું તેણે મને શા માટે કહ્યું હશે."

"હા મીરા, દેખાય છે એના કરતાં કાંઈક વધુ ગંભીર વાત લાગે છે. શું રાધિને તે આ વિશે કાંઈ વાત કરી?" કોફીનો એક ઘૂંટડો ભરી મિહિર બોલ્યો.

"ના, મને આ વાત અત્યારે છેક ધ્યાનમાં આવી. અને આ બધાં વિશે રાધિને કઈ ખબર પણ નથી. ક્યાંક રાધિ કોઈ મુસીબતમાં તો નહીં હોય ને.." મીરાને પોતાની લાડકી બહેનની ચિંતા થવા લાગી.

"મીરા ચિંતા ના કર. તું આજે ઘરે જઈ રાધિકાને બધી વાત કરજે અને એને પૂછી જોજે. એ પછી જો એવું લાગે તો હું આરવને મળવાની ટ્રાય કરીશ કે જેથી તારી, રાધિ કે આરવ પર કોઈ મુસીબત ના આવે."

"હા એ જ સારું રહેશે. હું આજે રાધિને વાત કરીશ."

"ચાલો તો જઈએ હવે?"

"હા."

મિહિર બિલ પે કરે છે અને બંને ઘરે જવા નીકળે છે. હજી માંડ અડધે રસ્તે પહોંચે છે ત્યાં જ ધીમે ધીમે વરસાદ વરસવાનો ચાલું થાય છે.

"લે વરસાદ પણ ટાણે જ આવે હોં. મિહિર, ગાડી રોક હવે ઘડીકવાર." મીરાએ મિહિરને કહ્યું.

"હા, એમ પણ હમણાં જ વરસાદ રહી જશે. જો ત્યાં એક ઝાડવું છે. ઘડીક ત્યાં ઊભા રહીએ." મિહિરે સહેજ આગળની તરફ રહેલાં ઝાડવા સામે ઇશારો કરતા કહ્યું.

"હા, જલ્દી કર."

બંને વરસાદ બંધ થાય ત્યાં સુધી ત્યાં ઊભા રહે છે.

મીરા મોબાઇલ કાઢી કોલ કરે છે.

"કોને કરે છે?" મિહિરે મીરાને પૂછ્યું.

"મમ્મીને" મીરાએ ટૂંકમાં જવાબ આપ્યો.

"ઓકે, એ સારું કર્યું."

"હલ્લો મમ્મી, મારી ચિંતા ન કરતી. વરસાદને લીધે થોડું લેઈટ થશે અને મિહિર પણ સાથે જ છે. વરસાદ બંધ થાય એટલે હું આવું જ છું." મીરાએ સુમિત્રાબહેનને કહ્યું.

"હા, તો સાથે મિહિરને પણ કેજે આજે અહીં જ જમી લે. એમપણ થેપલાં બનાવ્યાં છે અને તેને બહું ભાવે છે." સુમિત્રાબહેને કહ્યું.

"હા સારું કહી દઈશ. હું મૂકું હવે. બાય,જય શ્રી કૃષ્ણ."

"જય શ્રી કૃષ્ણ"

મીરાએ કોલ કટ કર્યો અને મિહિરને કહ્યું.

"અરે વાહ, તારા મમ્મીના હાથનાં થેપલાં તો મને બહું ભાવે હો. આજ તો મજા આવી જશે. હું પણ ઘરે કહી દવ કે મારી રાહ નો જુએ."

મિહિરે કોમલબહેનને કોલ કરીને કહી દીધું.

મીરાએ મિહિરને પૂછ્યું,"મિહિર, તું અત્યારે શું કરે છે? જોબ કે સ્ટડી?"

"ના, ના સ્ટડી પૂરું.. અત્યારે તો પાપા જ્યાં જોબ કરે છે ત્યાં એપ્લાઇ કર્યું છે. નેક્સ્ટ વીકમાં ઇન્ટરવ્યૂ છે."

"વાહ, સારું તને પણ અહીં જ જોબ મળી જશે."

"હા હવે જોઇએ શું થાય."

"મળી જ જશે. ઓલ ધ બેસ્ટ."

"થેન્ક યુ."

થોડીવાર પછી મિહિરે મીરાને કહ્યું,

"મીરા, એક વાત પૂછું?"

"હા પૂછને." મીરાએ કહ્યું.

"શું તું આરવને... આઈ મીન.. "

"ના કદાચ તો નહીં જ કેમ કે એ ફક્ત મારો બેસ્ટફ્રેંડ છે. હું જ કદાચ તેના વિશે વધુ વિચારી રહી હતી. પણ હવે હું સમજી ગઈ છું કે એ મારા ખાલી દિમાગની ખોટી પેદાશ હતી." અને પછી મીરાએ આકાશમાં જોતા કહ્યું,
"લે વરસાદ પણ ધીમો પડી ગયો. ચાલ આપણે જઈએ હવે."

મીરાનો જવાબ સાંભળી મિહિરને ખુશી થાય છે. અને તેનું કારણ પોતે પણ સમજી શકતો નથી.

બંને ઘરે જવા નીકળે છે. મીરા પાછળ બેસે છે મિહિર બાઇક સ્ટાર્ટ કરે છે. મિહિરનું ધ્યાન સાઇડ મીરરમાં પડે છે. તે મીરાના માસુમ ચહેરાને જુએ છે. હવાથી મીરાની ઉડતી લટ વારંવાર તેને પરેશાન કરતી હોય છે. બંને વચ્ચે કોઈ વાત થતી નથી. મિહિર બસ થોડી થોડી વારે મીરાને જોતો રહે છે. એટલામાં મીરાનું ઘર આવી જાય છે. અને બંને ઘરમાં જાય છે.

આવતાવેંત મીરાની આંખો રાધિકાને શોધે છે. પણ તેને રાધિકા ક્યાંય દેખાતી નથી.

"આવ આવ મિહિર, આજ તો તારી ફેવરિટ વસ્તુ બનાવી છે." સુમિત્રાબહેન મિહિરને આવકારતા બોલ્યાં.

"હા હો આંટી, મને તો મુંબઈ તમારાં હાથનાં થેપલા બહું યાદ આવતાં." મિહિરે કહ્યું.

"એ મમ્મી, હુંય આવી છું હો. મને તો કોઈએ પૂછ્યું પણ નહીં. અને રાધિ ક્યાં? રૂમમાં છે?" મીરા એકસાથે બોલી ગઈ.

"ના, એ તો નેહાની ઘરે ગઈ છે. અને આજ રાત પણ ત્યાં જ રોકાશે એને કોલેજનો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે એટલે. કાલે ડાઇરેક્ટ કોલેજેથી છૂટીને જ ઘરે આવશે." સુમિત્રાબહેને કહ્યું. "ને ચાલ તું ભી જમવા બેસી જા."

મીરાને રાધિકાનું આમ અચાનક નેહાની ઘરે જવું અજીબ લાગ્યું. મિહિર તેની ચિંતા સમજી ગયો અને કહ્યું,

"મીરા.. કાંઈ વાંધો નહીં, કાલે રાધિકા આવે ત્યારે વાત કરી લેજે. અત્યારે ખોટો મગજ ખરાબ નહીં કર અને જમી લે."

મિહિર અને રાધિકા તેના બાળપણની યાદો તાજા કરતાં કરતાં ને મજાક મસ્તી કરતાં કરતાં જમે છે.

થોડીવાર પછી મિહિર તેના ઘરે જવા નીકળે છે અને ત્યારબાદ મીરા પોતાનાં રૂમમાં જતી રહે છે અને સૂઈ જાય છે.

*****

બીજા દિવસે મીરા પોતાની જોબ પર જાય છે. ત્યાં બપોરે તેને ઘરેથી કોલ આવે છે અને મીરા રિસીવ કરે છે.

"મીરા.. મીરા તું જલ્દી ઘરે આવ. રાધિકા....." મોહનભાઈનો ગભરાયેલો અવાજ મીરાના કાને પડે છે.


*******


વધુ આવતા ભાગમાં..

આપ સહુનો વાંચવા માટે ખૂબ ખૂબ આભાર.. 🙏
આપના પ્રતિભાવ જરૂરથી આપતા રહો અને અંત સુધી વાંચતા રહેજો.
જય શ્રી કૃષ્ણ..