Ek bhool - 3 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 3

મોહનભાઈની વાત સાંભળી ત્રણેય વિચારવા લાગ્યાં કે એવી તે વળી શું વાત છે.

મીરા : લે, મારા માટે વળી એવી કઈ વાત છે.. બોલો ને જલ્દી.

મોહનભાઈ : અરે મારો મિત્ર છે ને પેલો રમેશ, એની બદલી ફરીથી સુરતમાં થઈ ગઈ છે એટલે એનું ફેમિલી અહીં રહેવા આવી ગયું છે અને એ પણ આપણી પાછળની સોસાયટીમાં જ ઘર લીધું છે. આજે હમણાં થોડીવારમાં જ એ લોકો આપણી ઘરે આવે છે. મેં તો તેમનું આજ રાતનું ડિનર પણ આપણી ઘરે જ ગોઠવી દીધું. વાંધો નહીં ને સુમિત્રા?

સુમિત્રાબહેન : અરે હશે કાંઈ, આ તો કેટલી ખુશીની વાત છે. મીરા છેક ચોથા ધોરણમાં ભણતી ત્યારે એ લોકો રમેશભાઈની મુંબઈ બદલી થતાં બધાં ત્યાં વયા ગયા હતાં. કોમલબહેન વય ગયા એમાં મારો સથવારો પણ જતો રહ્યો હતો. અરે મિહિર અને મીરા ઝગડતા પણ એટલાં જ ને એકબીજા વગર તો જરા પણ ચાલતું નહીં. હવે એ લોકો આવી ગયા છે તો બહું જ મજા આવશે.

રાધિકા : હેં, કોણ મિહિર ને કોણ કોમલબહેન? મને કેમ કાંઈ સમજાતું નથી.

મોહનભાઈ હસતાં હસતાં બોલ્યા,

"અરે રાધિ, તને ક્યાંથી સમજાય, તું તો સાવ નાની હતી. તને તો યાદ પણ નહીં હોય. રમેશભાઈ એ મારો પાક્કો મિત્ર છે. અમે બાળપણથી સાથે જ છીએ. ભણ્યાં પણ સાથે, રમ્યાં પણ સાથે ને મોટાં પણ સાથે જ થયાં. નસીબથી નોકરી પણ બંનેને સુરતમાં જ મળી એટલે રહેવાનું પણ એક જ શહેરમાં થયું. એ પછી એના લગ્ન કોમલબહેન સાથે થયા અને મારાં સુમિત્રા સાથે. એમનો દીકરો મિહિર અને આપણી મીરા બંને સાથે જ ભણવા જતાં. જેમ મારી ને રમેશની મિત્રતા છે એવી જ મીરા અને મિહિરની. પણ ત્યાં તો રમેશની બદલી મુંબઈ થઈ જતાં તે બધાં ત્યાં રહેવા માટે વય ગયા હતા.

રાધિકા : ઓ અચ્છા, વાહ મીરા દી, તમે તો કોઈ દિવસ મિહિર વિશે કાંઈ નહીં કીધું.

મીરા : એ હવે ત્યારે આપણે નાના હતાં. સમય જતાં મને ભી વાત ભુલાય ગઈ હોય. પણ હવે તો યાદ આવી ગઈ છે મિહિર અને એની શરારત. નાના હતાં ત્યારે બોવ ચોટલી ખેંચી છે મારી, બોવ હેરાન કરી છે,હવે એનો વારો છે.

મીરાના ચહેરા પરની રોનક જોઈ રાધિકા ખુશ થઈ.

સુમિત્રાબહેન : એ બસ લ્યો, વાતું પછી કરજો. રાતનું જમવાનું બનાવવાનું છે. હાલો બેય અને કામ કરાવા લાગો. હમણાં એ લોકો આવી જશે.

*****

મોહનભાઈ એનાં ખાસ મિત્ર રમેશભાઈના આવવાની રાહ જોતા હોય છે ત્યાં જ ડોરબેલ વાગે છે. મોહનભાઈ ઝડપથી દરવાજો ખોલે છે અને આટલાં વર્ષો પછી બંને મિત્રો એકબીજાને જોઈને ભેટી પડે છે.

"એ મોહનયા, તું તો હજી એવો ને એવો જ છે, જેવો મુકીને ગયો હતો." રમેશભાઈ મજાક કરતાં કરતાં બોલ્યાં.

એટલામાં સુમિત્રાબહેન, મીરા અને રાધિકા આવે છે.

"હા હો પણ તને તો સેવ જેવો મોકલ્યો તો ને ફાફડો બનીને આવ્યો હો." મોહનભાઈ બોલ્યાં.

અને બધાં હસી પડ્યા. અને બધા અંદર આવે છે.

"અરે સુમિત્રાબહેન, મને તો મુંબઈમાં તમારી બહું યાદ આવી હો. તમારા જેવી બહેનપણી તો બીજે ક્યાંય મળે જ નહીં." કોમલબહેને સુમિત્રાબહેનને કહ્યું.

સુમિત્રાબહેન : હા હો, તમારાં ગયા પછી તો હું પણ અહીં સાવ એકલી થઈ ગઈ હતી. રાધિકા તો કોલેજે વય ગઈ હોય ને મીરા અને એના પપ્પા કામેથી સાંજે આવે. મારો તો ટાઈમ જ ના જાય.

બધા વાતું કરતાં કરતાં બેસે છે અને મીરા તેમના માટે પાણી લઈને આવે છે.

રમેશભાઈ : લે આ ઢબુડી આવડી મોટી થઈ ગઈ. અને રાધાય મોટી થઈ ગઈ હો.

મોહનભાઈ : હા હો, ને મિહિર ક્યાં? એ નથી આવ્યો?

રમેશભાઈ : એ આવ્યો જ છે પણ એક કોલ આવ્યો તો એ બહાર વાત કરવા રોકાય ગયો. પણ હજી કેમ ના આવ્યો બહું વાર લાગી ગઈ.

વાંધો નય કાકા, હું બોલાવી આવું.. કહીને મીરા બહાર ગઈ.

"આજે તો હું બરાબરનો હેરાન કરીશ એને." વિચારતા વિચારતા જતી હોય છે ત્યા મીરાનું ધ્યાન એક છોકરા પર જાય છે. અને તે બે ઘડી એને જોતી જ રહી જાય છે.

"હાય, હું મિહિર, ઓળખ્યો કે નહીં? "

મીરા : હ.. હાય, ત.. તું સવારે.. મતલબ.....

મિહિર : ચલો હાશ, યાદ તો છે.. મને તો એમ કે સવારની જેમ અત્યારે પણ નઈ ઓળખી હો. ને તું તોતળી ક્યારથી થઈ ગઈ. પેલા તો બોલવાનું ચાલુ કરતી તો બંધ થવાનું નામ નોતી લેતી.

મીરા : તો સવારે પાર્કમાં તું જ હતો કે જેને મને પાણી આપ્યું હતું. તું મને ઓળખી ગયો હતો?

મિહિર : હાસ્તો વળી, તને ખબર છે તું નાની હતી ત્યારે રડતી તો ચુડેલ જેવી લાગતી ને હવે એનાથીય ભયાનક ચુડેલ જેવી લાગે.. એટલે તું ઓળખાય ગઈ.

આટલું બોલી મિહિર હસવા લાગ્યો અને મીરાએ જોરથી મિહિરને પાટું માર્યું.

મિહિર : ઓહોહોહો.. તારી ટેવ હજી ગઈ તો નથી હો. પણ મારી ટેવ પણ નથી ગઈ. એમ કહી મિહિરે મીરાના વાળ ખેંચ્યા.

અને પછી બંને હસવા લાગ્યાં.

મિહિર : બાય ધ વે મીરા, તું સવારે કેમ રડતી હતી. ને એવી હાલતમાં કેમ હતી. કોઈ પ્રોબ્લેમ થયો છે?

મીરા : અમમ.. ના, કઈ ખાસ નહિં.

મિહિર : તું મને કહી શકે છે. કદાચ હું કઈ હેલ્પ કરી શકું તો. જો તને કંઈ પ્રોબ્લેમ ન હોય તો.

મીરા : ના ના એવું કાંય નહીં...

હજું મીરા આગળ કશું બોલે એ પહેલાં રાધિકા આવે છે ને બોલે છે..

"લ્યો બોલો, મિહિરને લાવવા દી ને મોકલી અને તેમને બંને ને લાવવા મને.. પણ આયા તો વાતુંના વડા હાલે છે. હાલો જલ્દી હવે."

"ઓહો રાધિકા, તું તો મોટી થઈ ગઈ હો." રાધિકાને જોઈ મિહિર બોલ્યો.

"ભગવાનની કૃપા છે." કહી રાધિકા હસવા લાગી અને મિહિર અને મીરાને ઝડપથી અંદર આવવા કહી અંદર ગઈ.

મિહિર : એક કામ કરીએ. કાલ કોફીશોપે મળીએ. ત્યાં શાંતિથી વાત પણ થશે. ઈફ યુ ડોન્ટ માઈન્ડ.

મીરા : હા એ સારું રહેશે. કાલે 6 વાગે આવજે. હું પણ ઓફિસેથી છૂટીને ત્યાં આવીશ.

મિહિર : ઓકે. તો ચાલો અંદર જઈએ.

મિહિર અને મીરા અંદર આવે છે અને બધા સાથે બેસીને જૂની યાદો તાજી કરે છે.

રમેશભાઈ : અરે મીરા, તને ખબર છે.. તું અમારી ઘરે આવતી અને જે જગ્યાએ બેસતી ત્યાં મિહિર કોઈને બેસવા ના દેતો. ઘરે કોઈ મહેમાન આવે અને તું ના હો તોય તારી જગ્યાએ તો બેસવા જ ના દે. એ કહી દે, આ મીરાની જ જગ્યા છે હો ત્યાં કોઈએ નહીં બેસવાનું.

આ સાંભળી મીરા અને મિહિર એકબીજાની સામુ જોઈ હસવા લાગે છે.

મોહનભાઈ : ને ક્યારેક ક્યારેક તો મીરા, તું એવી જીદ પકડી લેતી કે ધરાર મિહિરની ઘરે જ જવું. અને જો તને ન જવા દઈએ તો રડવા લાગતી અને તને રડતી જોઈ રાધિકા પણ રડવા લાગતી.

કોમલબહેન : હા હો. મીરા અને મિહિરના તો હજી બહું કિસ્સા છે.

સુમિત્રાબહેન : હા. ચાલો હવે બાકીની વાતું પછી કરશું. અત્યારે જમી લઈએ હવે બાકી સવાર પડી જશે તોય વાતું તો નહીં જ ખૂટે.

મિહિર : હા હો કાકી. મને તો બહુ ભુખ લાગી છે.

રાધિકાનું ધ્યાન મોબાઇલમાં હોય છે એટલે મીરા તેને ધીમેથી બોલે છે,

"ઘડીક તો મુકી દે ફોન. એવું તે શું હોય કે આખો દિવસ હાથમાં લઈને જ ફરતી હો. મુકી દે અત્યારે."

મીરાની વાત સાંભળી રાધિકા મોબાઇલ મૂકી દે છે અને બધા જમે છે.

~~~

જમ્યા પછી મોહનભાઈએ મીરાને કહ્યું, "હું હમણાં આવું છું આઇસક્રીમ લઈને."

મીરા : પપ્પા તમે બેસો. હું લઈ આવું.

"હા તો ચાલ હું પણ આવું ને રાધિ તું પણ ચાલ." મિહિર બોલ્યો.

"હા ચાલો." રાધિકા બોલી.

"હા દીકરા. ત્રણેય સાથે જ જાઓ." મોહનભાઈ બોલ્યા.

મિહિર, મીરા અને રાધિકા જાય છે.


****


વધું આવતાં અંકમાં...

વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર...😊

આપના અમૂલ્ય પ્રતિભાવોની આશા સહ.. જય શ્રી કૃષ્ણ..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED