Jayeshbhai Jordar books and stories free download online pdf in Gujarati

જયેશભાઇ જોરદાર

જયેશભાઇ જોરદાર

-રાકેશ ઠક્કર

એવું લાગે છે કે અભિનેતા રણવીર સિંહમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરવાની સમજ ઓછી થઇ ગઇ છે. કેમકે જાહેરાતોમાં વધુ દેખાતા રણવીર સિંહની નવી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' ની જબરદસ્ત ટીકા થઇ છે. તેણે સ્ક્રીપ્ટ સાંભળીને તરત જ હા પાડી દીધી હોય એવી આ પહેલી ફિલ્મ હતી. સૌ રણવીર સિંહના અભિનયના ભરપૂર વખાણ કરી રહ્યા છે. એ કારણે જ નિર્દેશક દિવ્યાંગ ઠક્કરની આ ફિલ્મની થોડી લાજ બચી શકી છે. બાકી દરેક બાબતે કમજોર આ ફિલ્મ કરીને રણવીરે પોતાની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે. એ વાત કોઇપણ સ્વીકારશે કે રણવીરસિંહ એક અભિનેતા તરીકે જોરદાર છે.

નવાઇની વાત એ છે કે પહેલાં ફિલ્મનું નામ 'એક્શન હીરો' હતું! એટલે જ ફિલ્મમાં તેની પુત્રી બનતી છોકરીનો 'આપ મેરે હીરો હો, અબ આપકો એક્શન હીરો બનના પડેગા' સંવાદ છે. આજકાલની વીએફએક્સ સાથેની એક્શન ફિલ્મ જેવું એમાં કંઇ ન હોવાથી અને વાર્તા સાથે બંધબેસતું ન જણાતા પાછળથી તેના પાત્ર પર નામ પર રાખવામાં આવ્યું હતું. પહેલી ફિલ્મમાં જ નિર્દેશક અનેક બાબતે માર ખાઇ ગયા છે. તેમનો ગુજરાતી ફિલ્મોનો અનુભવ બોલિવૂડમાં કોઇ કામ આવ્યો લાગતો નથી. ફિલ્મનું મજેદાર ટ્રેલર જોઇને થિયેટર સુધી પહોંચનારા દર્શકોને એમાં જોયા સિવાયનું કંઇ નવું મળતું નથી. ફિલ્મ OTT ને લાયક પણ ન હોવાનો મત વ્યક્ત થયો છે.

ટ્રેલર પરથી જોરદાર મનોરંજન આપનારી ફિલ્મ હોવાની આશા અને અપેક્ષા પૂરી થતી નથી. કેટલીક વાતો વધુ પડતી બાલિશ રાખવામાં આવી છે. એમાં ચુંબનની જે વ્યાખ્યા કરવામાં આવી છે એના પરથી જ અંદાજ આવી જાય છે. દર્શકોને વિચાર કરવા મજબૂર કરી શકાય એવો કોઇ તર્ક નિર્દેશક આપી શક્યા નથી. આજના જમાનામાં પણ છોકરા અને છોકરી વચ્ચેના ભેદભાવની વાર્તા હજમ કરવાનું મુશ્કેલ છે. 'બેટી બચાવો' નો સંદેશ અગાઉ અપાયો છે એવો જ છે. કોઇ નવી રીતે મુદ્દો ઉઠાવી શકયા નથી.

એકદમ સરળ વાર્તા એવી છે કે નવ વર્ષની એક પુત્રીના પિતા રણવીરની બીજી પુત્રી આવવાની છે. ડૉકટરે 'જય માતાજી' કહીને પુત્રી વિશે કહી દીધું હોય છે. પણ તેના માતા-પિતા રત્ના-બોમન ઇચ્છતા નથી કે આ વખતે પણ પુત્રીનો જન્મ થાય. પુરુષપ્રધાન માનસિકતા ધરાવતા બોમનને વંશવેલો આગળ વધારવા માટે એક પુત્રની જરૂર છે. એમનો સામનો કરવાની હિંમત રણવીરમાં નથી. પત્નીના પેટમાં રહેલી પોતાની પુત્રીને બચાવવા તે પત્ની અને પહેલી પુત્રી સાથે શું કરે છે? એ બતાવવામાં આવ્યું છે.

રણવીર સિંહ આખી ફિલ્મમાં પાગલની જેમ ભાગતો જ રહે છે. તેનામાં પરિવારને કંઇ કહેવાની હિંમત નથી પણ ભાગવાની કેવી રીતે છે એ સમજાતું નથી. અનેક દ્રશ્યોમાં કોમેડીનો પ્રયાસ નિષ્ફળ રહે છે. આખી ફિલ્મમાંથી એક-બે સારા સંવાદ શોધવાનું મુશ્કેલ છે. નબળી સ્ક્રીપ્ટને કારણે કલાકારોને પોતાની પ્રતિભા બતાવવાની સરખી તક મળી નથી. પત્નીની ભૂમિકામાં દક્ષિણની ફિલ્મ 'અર્જુન રેડ્ડી' ની હીરોઇન શાલિની પાંડે હિન્દી ફિલ્મની હીરોઇન જેવી લાગતી ન હોવાથી તેની પસંદગી ઠીક ગણવામાં આવી છે. બોમન ઇરાનીએ પોતાને સોંપવામાં આવેલી ભૂમિકાને સહજ રીતે ભજવી છે. છતાં આજકાલ આવા માણસો જોવા મળતા ન હોવાથી દર્શકોને એમના પર ગુસ્સો આવી શકે છે. પુનિત ઇસ્સર, રત્ના શાહ, જિયા વૈદ્ય વગેરે પણ પોતાના પાત્રને નિભાવી જાય છે.

રણવીરે આખી ફિલ્મ પોતાના ખભા પર ઊંચકી છે. પહેલા અડધા કલાકની ફિલ્મ નિર્દેશકને કારણે અને બાકીની માત્ર રણવીરને કારણે જ જોવી હોય તો જોઇ શકાય એમ છે. રણવીર સિંહ એક અભિનેતા તરીકે કંઇ જ ચૂકી ગયો નથી. તે હંમેશની જેમ પાત્રમાં ઘૂસી ગયો છે. તેણે ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો હોવા છતાં એવો પ્રશ્ન મનમાં જરૂર થશે કે તે આવી ફિલ્મો કેમ કરી રહ્યો છે? વળી નામ જ 'જયેશભાઇ' છે. ગુજરાતી ફ્લેવર ખાસ નથી. કોઇ બમ્બઇયા ફિલ્મ જ લાગે છે. પહેલાં વાર્તાને ખેંચવામાં આવી છે. પછી અંત લાવવામાં ઉતાવળ કરી દીધી છે. બે કલાકની ફિલ્મના અંતને લાંબો રાખ્યો હોત તો વાંધો આવે એમ ન હતો. બીજા ભાગમાં વાર્તા પોતાની વિશ્વસનીયતા ગુમાવી દે છે. લોકપ્રિય સંગીત માટે જાણીતા રહેલા 'યશરાજ ફિલ્મ્સ' ની આ ફિલ્મના ગીતો નિરાશ જ કરે છે. 'ફાયર ક્રેકર' સિવાયના બધાં જ ગીતો હવાયેલા લાગે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED