પરિતા - ભાગ - 15 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 15

પોતાનાં સોનેરી ભૂતકાળને વાગોળતી પરિતા બેઠી હતી ને સાસુમાની બૂમ એને સંભળાઈ. ભૂતકાળમાં ખોવાયેલ પરિતા વર્તમાનમાં આવી ને એક ઊંડો નિ:સાસો નાંખતા બોલી, "હવે તો લગ્ન પછી એ દિવસો માત્ર સપના જેવા બનીને રહી ગયાં છે." સાસુમા પાસે પહોંચતાં જ એમની કટકટ શરૂ થઈ ગઈ હતી. આ આમ કેમ છે? પેલું આવું હોવું જોઈએ.., ફલાણુ ને ઢીકણુ ને બીજું ઘણું બધું. પરિતા ચૂપચાપથી સાંભળી રહી હતી. એવું નહોતું કે દર વખતે એ ચૂપચાપથી સાંભળી લેતી હતી, ક્યારેક ક્યારેક સહન ન થતાં એય સામે થોડું ઘણું સંભળાવી લેતી ને પછી નાની અમથી વાતમાંથી થઈ જતી માથાકૂટ અને વધી જતી બોલાચાલી. આજે પરિતા ચૂપ હતી કારણ સાસુમા શું બોલી રહ્યાં છે એ વિશે એનું ધ્યાન વધારે હતું જ નહિ, એનું ધ્યાન પાર્થનાં મેસેજમાં હતું જે વારેઘડીએ એનાં મગજમાં ઘૂંટાયા કરતું હતું.

કામ પતાવી એ જ્યારે રૂમમાં પરત આવી ત્યારે એને થયું કે પાર્થને મેસેજ કરીને જણાવી દઉં કે, 'હું તારી સાથે બહાર ફરવા જવા માટે તૈયાર છું..' એણે મેસેજ કરવા મોબાઈલ હાથમાં લીધો. પણ મોબાઈલ હાથમાં લીધાં પછી એનું મન આ રીતનો મેસેજ કરવા માટે ઢચુંપચું થઈ રહ્યું હતું. એણે બે મિનિટ માટે આંખ બંધ કરી ને પછી પાર્થને મેસેજ કર્યો કે આપણે મળી રહ્યાં છીએ. મેસેજ કરી લીધાં પછી એનામાં એક પ્રકારનો ઉત્સાહ આવી ગયો હતો. એને એવું લાગ્યું કે જાણે વર્ષોથી પાંજરામાં બંધ પૂરાયેલા પક્ષીને થોડીવાર માટે બહાર જઈ, સંકોચાયેલી પાંખોને ઉડાવવાનો મોકો મળ્યો હોય!

સરસ તૈયાર થઈને ઉપડી ગઈ એ પાર્થને મળવા માટે. બંધનની બેડીઓને જાણે થોડીવાર માટે ખોલી નાંખી હોય એવી લાગણીનો એ અનુભવ કરી રહી હતી. એણે અને પાર્થે ઘણો સમય સાથે વિતાવ્યો, એકબીજા સાથે ઘણી વાતો કરી, એકબીજા વિશે ઘણું જાણ્યું, ખાધું - પીધું ને પછી છૂટા પડ્યાં. એ દિવસ પરિતા માટે ખૂબ જ ખાસ અને આનંદમય રહ્યો હતો. લગ્ન પહેલાની પરિતા જાણે એક દિવસ માટે પ્રવેશી ગઈ હોય એ રીતની મોજમાં એણે પાર્થ સાથેનો સમય પસાર કર્યો હતો.

એ દિવસ પછી પરિતા ખુશ રહેવા લાગી હતી. કોઈની પણ અણગમતી વાતને મગજ પર લઈ રહી નહોતી. આ રીતે એક દિવસ માટે પતિથી, સાસુ - સસરાથી, દીકરાથી, ઘરથી, માતા - પિતા કે એવાં કોઈની પણ જવાબદારી વિના વિતાવેલા એ સમયને કારણે એ આત્મવિશ્વાસનું પગેરું એને મળ્યું હતું જે લગ્ન પછી ક્યાંક અટવાઈને રહી ગયું હતું. એ દિવસ પછી તો અનેક વાર એ પાર્થ સાથે ફરવા માટે જતી રહેતી હતી. પાર્થની સાથે એ અજાણતાં જ પોતાની એક નવી દુનિયા વસાવી રહી હતી.

એક દિવસ પાર્થે એને કહ્યું, "પરિતા..., કાલે મારે એક છોકરીને મળવા જવાનું છે ..., જેને મારાં માતા - પિતાએ મારાં લગ્ન માટે પસંદ કરીને રાખી છે.."

"અભિનંદન...., પાર્થ..., અભિનંદન...., જા અને એ છોકરીને મળી લે અને પછી જલ્દીથી એની સાથે પરણી જા..."

"પરણી તો જઈશ પણ ...."

"પણ શું....?

"પણ દિલમાં તું વસી છે તો ઘરમાં કેવી રીતે બીજી કોઈને વસાવી લઉં.....!?"

"શું....??" પરિતાએ પૂછ્યું.

"હા...., હું તને ચાહવા લાગ્યો છું...., મારાં તન - મનથી મેં તને સ્વીકારી લીધી છે...., મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે ને એટલે હું પરણીશ તો માત્ર તને...."

"પણ હું તો પરિણીત છું."

"તો હું આજીવન અપરિણીત રહીશ."

પાર્થની આવી વાતોથી પરિતાનું મન એનાં તરફ વધારે ખેંચાવા લાગ્યું હતું. ન ઈચ્છવા છતાં એનાં મનમાં સમર્થ અને પાર્થ વચ્ચે સરખામણી થઈ જતી હતી.

પાર્થ તો પરિતાને પ્રેમ કરે છે એવું એણે જણાવી દીધું પણ એ જાણ્યા પછી પરિતા પાર્થ તરફ વધુ ખેંચાશે કે શું? આ જાણીશું આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)