કાગળને પત્ર Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાગળને પત્ર

પ્રિય કાગળ,

હું તારા પર જ તને પત્ર લખી રહ્યો છું. કેમકે તું છે એટલે અમે પત્ર અને બીજું ઘણું બધું લખી શકીએ છીએ. આ સમાજની સંસ્કૃતિ અને ઇતિહાસને આવનારા સમય માટે સાચવી શકીએ છીએ. અગાઉના ગ્રંથો, પત્રો અને પુસ્તકોના કાગળમાં ઇતિહાસ સચવાયો હતો એટલે અમે જાણી શક્યા છે કે ત્યારે કેવા પ્રકારની સંસ્કૃતિ હતી. કેવા પ્રકારનું લોકજીવન હતું. તેમના કેવા વિચારો હતા, જેવી અનેક બાબતોથી અમે પરિચિત થઇ શક્યા છે. રામાયણ, ગીતા, મહાભારત જેવા ગ્રંથો અમારો સારો વારસો બની ગયા છે. ચરક અને સુશ્રુત જેવા આયુર્વેદાચાર્યોના ગ્રંથો તો આજે પણ આરોગ્ય માટે દિશાસૂચન આપનારા બની રહ્યા છે. આધુનિક આરોગ્ય વિજ્ઞાને પણ એમના ઉપચારોની સાર્થકતાને સ્વીકારી છે. રવિન્દ્રનાથ ટાગોર કે પછી ગાંધીબાપુના સચવાયેલા પત્રોમાં એમના વિચારોની સાથે એ સમયના રીતરિવાજ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે. કાગળ પીળા પડી જાય છે પણ એમાં રહેલી લીલીછમ લાગણીઓ અનુભવી શકાય છે. પત્રનું મૂલ્ય તો એક જમાનામાં પ્રેમી-પ્રેમિકાઓએ પણ અનુભવ્યું હતું.

હા, આ કાગળના નિર્માણ માટે હું વૃક્ષદેવતાની માફી માગી લઉં છું. અત્યારનો જમાનો ડિજિટલ છે. હવે કાગળનો વપરાશ ઓછો થઇ રહ્યો છે. લોકોમાં વૃક્ષોના ઉછેરની જાગૃતિ આવી રહી છે. ત્યારે મારું માનવું છે કે બીજી બધી વસ્તુઓમાં કાગળનો ઉપયોગ ટાળી શકાતો હોય તો ટાળીને સાહિત્ય તો કાગળ પર જ અવતરવા દેવું જોઇએ. હવે તો સરકાર પણ પોતે કાગળના દુરુપયોગને અટકાવવા સાથે તેનો જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય એ માટે પ્રયત્નશીલ છે. બજેટ પણ ડિજિટલ માધ્યમથી રજૂ કરાય છે. દેશના કે બીજી સંસ્થાઓના બજેટમાં હવે કાગળનો ઉપયોગ થતો નથી. પહેલાંના જમાનામાં કાગળનો પત્ર જ સંદેશા વ્યવહારનું માધ્યમ હતો. આજે તો ડિજિટલ માધ્યમોથી અમારો સંદેશ પળવારમાં દેશ-વિદેશના ખૂણામાં પહોંચી જાય છે. એટલું જ નહીં વિડીયો માધ્યમથી વ્યક્તિ પોતે પણ એકબીજા સમક્ષ હોય એવો ભાવ અનુભવી શકે છે. પરંતુ કાગળના પત્રમાં લાગણી વ્યક્ત કરવાની જે પ્રથા હતી, એનો જે આનંદ હતો એ ગુમાવ્યાનો વસવસો થાય છે. હવે એ જૂના પત્રો અને ગ્રંથોને ડિજિટલ સ્વરૂપે સાચવવાનો યજ્ઞ શરૂ થયો છે. જેથી કાગળના રૂપમાં જો એ કાળક્રમે નાશ પામે તો પણ હવે પછીની પેઢી એને વાંચી શકે અને એમાંના વિચારોનો ઉપયોગ જીવનમાં અને સમાજમાં કરી શકે.

કોઇપણ વ્યક્તિના જીવનમાં કાગળનું મૂલ્ય આંકી શકાય એમ નથી. જીવનમાં કોઇને કોઇ પળે-પ્રસંગે કાગળની ભૂમિકા મહત્વની રહી છે. આજે પણ જ્યારે તબીબ કોઇ દર્દી માટે દવા લખી આપે છે ત્યારે એ કાગળમાં દર્દીના શ્વાસ ધબકતા હોય છે. પહેલાંના જમાનામાં આ કાગળ પર જ હુંડી લખી આપવામાં આવતી હતી. કાગળ પર લખાયેલો શબ્દ વિશ્વાસનું પ્રતિક ગણાતો રહ્યો છે. આજે લાખો લેખકો પ્રતિલિપિ એપ ઉપર ડિજિટલ માધ્યમથી પોતાની રચનાઓ પ્રગટ કરે છે. પરંતુ પ્રતિલિપિના એ લેખકોને પૂછીશું તો ખબર પડશે કે તેમની નવલકથાઓ પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ એનો આનંદ કેટલો છે અને ગૌરવ કેટલું છે. ડિજિટલ માધ્યમમાં ઘણું બધું પ્રગટ થાય પણ કાગળ પર પોતાના અક્ષરો છપાય એ કાળજયી બની રહે છે. પોતાના સર્જનને કાગળ પર અવતરતું જોવાનો લેખકનો આનંદ એ જ વધારે સારી રીતે અનુભવી શકે છે.

હું કાગળને પત્ર લખી રહ્યો છું ત્યારે એ વાતનો આનંદ છે કે એના પર જ ઇશ્વરને પત્રો લખાય છે. તું ઇશ્વર સુધી પહોંચવાનું અમારું એક માધ્યમ છે. ભલે ઇશ્વરને અમે સદેહે જોઇ શકતા નથી પણ શ્રધ્ધા છે કે એમને લખેલા પત્રની લાગણી- પ્રાર્થના એમના સુધી અચૂક પહોંચે છે. ઇશ્વરને અમે કાગળ લખીને અમારા દિલની વાત વ્યક્ત કરીએ છીએ. કવિ ભગવતીકુમાર શર્માએ એમની રચના 'હરિવરને કાગળ લખીએ રે' માં લખ્યું છે કે,'જત લખવાનું કે કરવી છે થોડી ઘણી રાવ, વ્હાલા હારે વઢવાનોયે લેવો લીલો લ્હાવ' તો દિવાળીબેન ભીલ પોતાના સ્વરમાં કહે છે કે,'હું તો કાગળીયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી...' કાગળ પર જ્યારે શબ્દો અવતરે છે ત્યારે એ દિલમાંથી નીકળતા હોય છે. તારું માધ્યમ માનવી માટે લાગણી વ્યક્ત કરવાનું સૌથી સરળ અને સચોટ છે.

કહેવાય છે કે તમને કોઇ પર ગુસ્સો આવતો હોય તો એને કહેવાને બદલે એના વિશે જે મનમાં આવે એ લખી કાઢો અને પછી થોડા દિવસ રહેવા દો. થોડા દિવસ પછી થશે કે હું એ વખતે ખોટો હતો. સારું થયું કે એ વ્યક્તિને કંઇ કહ્યું નહીં. માણસ મનમાં જે રચે છે એને કાગળ પર ઉતારે છે. એના વિચારોને વ્યક્ત કરવાનું તું એક સરસ માધ્યમ છે. પછી એ વિચાર હોય કે ચિત્ર. કલમ અને પીંછી તારા પર ચાલવા લાગે છે ત્યારે થતું એ સર્જન કોઇપણ રૂપમાં હોય પણ તે કાલજયી બની જાય છે. તારા વિશે લખવા બેસું તો કાગળોના કાગળો ભરાય જાય. અત્યારે બસ આટલું જ. તારો સૌથી મોટો ઉપકાર લેખકો પર છે. તારો આભાર માનવા જ આ નાનકડો કાગળ લખ્યો છે.

લિખિતંગ એક લેખક.